ગંગા કશું ન કરત અને એકલા દેવવ્રત ભીષ્મને જન્મ આપત તો પણ આર્યજાતિની માતા તરીકે આજે તે પ્રખ્યાત હોત. પિતામહ ભીષ્મની ટેક, ભીષ્મની નિ:સ્પૃહતા, ભીષ્મનું બ્રહ્મચર્ય અને ભીષ્મનું તત્ત્વજ્ઞાન એ આર્યજાતિને માટે હમેશનું આદરપાત્ર ધ્યેય બની ચૂકયું છે. એવા આર્ય સંસ્કૃતિના આધારસ્તંભ જેવા મહાપુરુષની માતા તરીકે આપણે ગંગાને ઓળખીએ છીએ.

નદીને જો કોઈ ઉપમા છાજે તો તે માતાની જ છે. નદીને કાંઠે રહીએ એટલે દુકાળની બીક તો રહે જ નહીં. મેઘરાજા દગો દે ત્યારે નદીમાતા આપણો પાક પકવે. નદીનો કાંઠો એટલે શુદ્ધ અને શીતળ હવા. નદીને કાંઠે કાંઠે ફરવા જઈએ એટલે કુદરતના માતૃવાત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય છે. નદી મોટી હોય અને એનો પ્રવાહ ધીરગંભીર હોય ત્યારે તો કાંઠા ઉપર રહેનાર લોકોની જાહોજલાલી એ નદીને જ આભારી હોય છે. સાચે જ નદી જનસમાજની માતા છે. નદીકાંઠાના શહેરમાં શેરી શેરીએ આપણે ફરતા હોઈએ અને એકાદ ખૂણા તરફથી નદીનું દર્શન થાય છે, ત્યારે આપણને કેટલો આંનદ થાય? શહેરનું મેલું વાતાવરણ ક્યાં અને નદીનું પ્રસન્ન દર્શન ક્યાં? તરત જ ફેર જણાઈ આવે છે. નદી ઈશ્વર નથી પણ ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે. જો ગુરુને વંદન ઘટે છે તો નદીને વંદન કરવું યોગ્ય છે.

આ તો થઈ સામાન્ય નદીની વાત. પણ ગંગામૈયા તો આર્યજાતિની માતા છે. આર્યોનાં મોટાં મોટાં સામ્રાજ્યો એ નદીને કિનારે જ સ્થપાયાં છે. કુરુપાંચાલ દેશનો અંગબંગાદિ દેશો સાથે ગંગાએ જ સંયોગ કર્યો છે. આજે પણ હિન્દુસ્તાનની આબાદી ગંગાને કિનારે જ વધારેમાં વધારે છે.ગંગાનું જ્યારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે પાકથી ઊભરાતાં ખેતરો જ ધ્યાનમાં નથી આવતાં, માલથી લદાયેલાં વહાણો જ ધ્યાનમાં નથી આવતાં; પણ વાલ્મીકિનાં કવનો, બુદ્ધમહાવીરના વિહારો; અશોક, સમુદ્રગુપ્ત કે હર્ષ જેવા સમ્રાટોનાં પરાક્રમો અને તુલસી કે કબીર જેવા સંતજનોનાં ભજનો- એ બધાં યાદ આવે છે. ગંગાનું દર્શન એટલે શૈત્યપાવનત્વનું હાર્દિક તેમજ પ્રત્યક્ષ દર્શન.

પણ ગંગાનું દર્શન કંઈ એકવિધ નથી. ગંગોત્રી પાસેના હિમાચ્છાદિત પ્રદેશોમાંનું રમતિયાળ ક્ધયારૂપ, ઉત્તરકાશી તરફનું ચીડદેવદારના કાવ્યમય પ્રદેશમાંનું મુગ્ધાસ્વરૂપ, દેવપ્રયાગના પહાડી અને સાંકડા પ્રદેશમાં ચમકીલી અલકનંદા સાથેની તેની રમત, લક્ષ્મણઝૂલાની કરાલ દંષ્ટ્રામાંથી છૂટ્યા પછીનું હરદ્વાર પાસેનું અનેક ધારે સ્વચ્છંદ વિહરણ, કાનપુરને ઘસીને જતો એનો ઇતિહાસપ્રસિદ્ધ પ્રવાહ, પ્રયાગના વિશાળ પટ ઉપરનો એનો કાલિન્દી સાથેનો ત્રિવેણી સંગમ- દરેકની શોભા કંઈક જુદી જુદી જ છે. એક દૃશ્ય જોવાથી બીજાની કલ્પના ન આવી શકે. દરેકનું સૌંદર્ય જુદું, દરેકનો ભાવ જુદો, દરેકનું વાતાવરણ જુદું, દરેકનું માહાત્મ્ય જુદું.

પ્રયાગથી ગંગા જુદું જ સ્વરૂપ પકડે છે. ગંગોત્રીથી પ્રયાગ સુધી ગંગા વર્ધમાન છતાં એકરૂપ જણાય છે. પણ પ્રયાગ પાસે એને યમુના મળે છે. યમુનાનું કાઠું પહેલેથી જ બેવડું છે. તે ખેલે છે, કૂદે છે, પણ રમતિયાળ નથી દેખાતી. ગંગા શકુંતલા જેવી તપસ્વી ક્ધયા દેખાય છે, જ્યારે કાળી યમુના દ્રૌપદી જેવી માનિની રાજક્ધયા દેખાય છે. શર્મિષ્ઠા અને દેવયાનીની વાર્તા સાંભળીએ ત્યારે પણ પ્રયાગ પાસેના ગંગા અને યમુનાના મહામુશ્કેલીથી ભળતા શુક્લકૃષ્ણ પ્રવાહ યાદ આવે છે. હિન્દુસ્તાનમાં અસંખ્ય નદીઓ છે અને તેથી સંગમો પણ પાર વિનાના છે. આપણા પૂર્વજોએ આ બધા સંગમોમાં ગંગાયમુનાનો આ સંયોગ સૌથી વધારે પસંદ કર્યો છે. અને તેથી એનું પ્રયાગરાજ એવું ગૌરવભર્યું નામ રાખ્યું છે. હિન્દુસ્તાનમાં મુસલમાનો આવ્યા પછી જેમ હિન્દુસ્તાનના ઇતિહાસનું રૂપ બદલાયું, તેમ જ દિલ્હી-આગ્રા અને મથુરા-વૃન્દાવન પાસેથી આવતા યમુનાના પ્રવાહને લીધે ગંંગાનું સ્વરૂપ પ્રયાગ પછી સાવ બદલાઈ ગયું છે.

પ્રયાગ પછી ગંગા કુલવધૂની પેઠે ગંભીર અને સૌભાગ્યવતી દેખાય છે. હવે પછી એને મોટી મોટી નદીઓ મળતી જાય છે. યમુનાનાં જળ મથુરા-વૃન્દાવનથી શ્રીકૃષ્ણનાં સ્મરણો અર્પે છે, જ્યારે અયોધ્યાથી આવતી સરયૂ આદર્શ રાજા રામચંદ્રના પ્રતાપી પણ કરુણ જીવનનાં સંભારણાં લાવે છે. દક્ષિણ તરફથી આવતી ચંબલ નદી રંતિદેવના યજ્ઞયાગની વાતો કરે છે, જ્યારે મહાન કોલાહલ કરતો શોણભદ્ર ગજગ્રાહના દારુણયુદ્ધની ઝાંખી કરાવે છે. આવી રીતે પુષ્ટ થયેલી ગંગા પાટલિપુત્ર પાસે મગધ સામ્રાજ્ય જેવી વિસ્તીર્ણ થઈ જાય છે. તો પણ ગંડકી પોતાનો અમૂલ્ય કારભાર લઈ આવતાં અચકાઈ તો નથી. જનક અને અશોકની, બુદ્ધ અને મહાવીરની પ્રાચીન ભૂમિમાંથી આગળ વધતાં ગંગા હવે ક્યાં જવું, જાણે કે તેના વિચારમાં પડી જાય છે. આવડો પ્રચંડ વારિરાશિ પોતાના અમોઘ વેગથી પૂર્વ તરફ ધસતો હોય તેને દક્ષિણ તરફ વાળવો એ શું સહેલી વાત છે? છતાં તે તેમ વળ્યો છે. બે સમ્રાટો અથવા બે જગદ્ગુરુઓ જેમ એકાએક એકબીજાને મળતા નથી તેમ ગંગા અને બ્રહ્મપુત્રાનું થયેલું દેખાય છે. બ્રહ્મપુત્રા હિમાલયની પેલી પારનું બધું પાણી લઈને આસામમાંથી પશ્ચિમ તરફ આવે છે અને ગંગા આ બાજુથી પૂર્વ તરફ ધસે છે. એમનો સામ સામે મેળાપ કેમ થાય? કોણ કોને પ્રથમ નમે અથવા કોણ કોને માર્ગ આપે? આખરે બન્નેએ નક્કી કર્યું કે બન્નેએ દાક્ષિણ્ય કેળવી સરિત્પતિનાં દર્શને જવું, અને ભક્તિનમ્ર થઈને, જતાં જતાં જ્યાં બને ત્યાં રસ્તામાં એકબીજાને મળી લેવું.

આમ ગોઆલંદો પાસે જ્યારે ગંગા અને બ્રહ્મપુત્રાનાં વિશાળ જળ ભેગાં થાય છે ત્યારે સાગર આથી જુદો હશે કે કેમ, એવી શંકા ઊપજે છે. વિજય પ્રાપ્ત થયા પછી ઘડાયેલી સેના પણ જેમ અવ્યવસ્થિત થઈ જાય છે અને વિજયીવીરો ફાવે તેમ ફરે છે, તેમ હવે પછી આ મહાન નદીઓનું થાય છે. અનેક મુખે તે સાગરને જઈને મળે છે. દરેક પ્રવાહનું જુદું જુદું નામ છે. અને કોઈ કોઈ પ્રવાહને એક કરતાં વધારે નામો છે. ગંગા અને બ્રહ્મપુત્રા એક થઈને પદ્માનું નામ ધારણ કરે છે. એ જ આગળ જતાં મેઘનાને નામે ઓળખાય છે.

આ અનેકમુખી ગંગા ક્યાં જાય છે? સુંદરવનમાં નેતરનાં ઝુંડ ઉગાડવા કે સગરપુત્રોની વાસના તૃપ્ત કરીને તેમનો ઉદ્ધાર કરવા? આજે જઈને જોશો તો જૂના કાવ્યમાંથી અહીં કશું રહ્યું નથી. જ્યાં જુઓ ત્યાં શણનાં ગુણિયાં બનાવનારી મીલો અને એવાં જ બીજાં ભમરાળાં કારખાનાં. જ્યાંથી હિન્દી કારીગરીની અસંખ્ય વસ્તુઓ હિન્દી વહાણમાં લંકા અથવા જાવાદ્વીપ સુધી જતી એ જ રસ્તે વિલાયતી અને જાપાની આગબોટો પરદેશી કારખાનામાં બનેલો કચરોમાલ હિન્દુસ્તાનના બજારમાં ભરી દેવા માટે આવતી દેખાય છે. ગંગામૈયા પહેલાંની પેઠે આપણને અનેક જાતની સમૃદ્ધિઓ આપ્યે જાય છે, પણ આપણા નબળા હાથ તે ઝીલી શકતા નથી.

ગંગામૈયા! આ દૃશ્ય જોવાનું તારા નશીબમાં હજી ક્યાં સુધી હશે?

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.