પ્ર : મારા પર ઈશ્વરની કૃપા ક્યારે ઊતરશે ?

ઉ : કોઈ માણસ સાધના કરે છે, માટે તેના પર પ્રભુની કૃપા થવી જ જોઈએ એવો કંઈ નિયમ નથી. જૂના વખતમાં ઋષિઓ હજારો વર્ષો સુધી પગ ઊંચા રાખી અને માથું નીચે લટકાવી તથા અગ્નિ પ્રગટાવી તપ કરતા. તેમ છતાં બહુ થોડા ઉપર જ તેમની કૃપાદૃષ્ટિ થતી.

પ્ર : માતાજી ! મેં ખૂબ તપશ્ર્ચર્યા તથા જપ કર્યાં છે, છતાં મને કંઈ મળ્યું નથી.

ઉ : ઈશ્વર માછલી કે શાકભાજી જેવો નથી કે તમે તેને અમુક કિંમતે ખરીદી શકો.

પ્ર : માતાજી ! હું આપની પાસે વારંવાર આવું છું અને હું ધારું છું કે મને આપનો કૃપાપ્રસાદ મળ્યો છે, પણ મને તેની કાંઈ ખબર પડતી નથી.

ઉ : વત્સ ! માની લે કે તને પથારી સાથે જ બીજી જગ્યાએ લઈ જાય છે. એ સ્થિતિમાં જાગતાંવેંત જ શું તને ખબર પડશે કે તું કોઈ બીજી જગ્યાએ આવ્યો છે ? નહીં જ. તારી તંદ્રા પૂરેપૂરી ઊડી ગયા પછી જ તને ખબર પડવાની કે તું નવી જગ્યાએ આવ્યો છે.

પ્ર : ઈશ્વરનાં દર્શન કેવી રીતે થાય ?

ઉ : તે તો તેમની કૃપા દ્વારા જ થાય. પરંતુ માણસે ધ્યાન અને જપ તો કરવાં જ જોઈએ. તેમ કરવાથી મનના મળ દૂર થાય. સેવાપૂજા અને એવી એવી આધ્યાત્મિક સાધનાઓ કરવી જોઈએ. જેમ ફૂલને હાથમાં લેવાથી તેની સુગંધ આવે છે અથવા ઓરસિયા પર ઘસવાથી જેમ સુખડમાંથી સુવાસ નીકળે છે, તે જ રીતે પરમાત્માનું હંમેશાં ચિંતન કરવાથી આધ્યાત્મિક જાગૃતિ આવે છે.

તેમની કૃપા વિના કંઈ દહાડો વળે નહીં. ‘અમે આટલા જપ કર્યા છે, અમે આટલી સાધના કરી છે’, પણ એમાંનું કંઈ જ બહુ કામ આવતું નથી. મહામાયા રસ્તો છોડે નહીં ત્યાં સુધી કોઈનેય મોક્ષ ક્યાંથી મળે ? ઓ માનવી ! પ્રભુનો આશરો લે! તેમની શરણાગતિ સ્વીકાર! એમ કરીશ તો જ મહામાયા પ્રસન્ન થશે અને મુક્તિનો રસ્તો ખુલ્લો થશે.

ઈશ્વરનો આશરો લે તો જ માનવીનો ઉદ્ધાર થાય છે.

કોઈ શિષ્યના નિરાશાથી ભરેલા કાગળની વાત સાંભળીને માતાજીએ ગંભીરતાથી અને ભારપૂર્વક કહ્યું: ‘એમ બને જ કેમ ? શું ઠાકુરનું નામ સત્ત્વ વિનાનું છે ? જેઓ અહીં આવ્યા છે અને ઠાકુરનું ચિંતન કરે છે તેમને અવશ્ય એક દિવસ ઇષ્ટનાં દર્શન થશે. તેમના જીવન દરમિયાન તેમ નહીં થયું હોય તો છેવટે તેમના મૃત્યુ પહેલાંની ક્ષણે તો ઇષ્ટનાં દર્શન થશે જ, થશે.’

હૃદયના ઊંડાણમાંથી નિત્ય ભગવાનનું નામ લેતા રહો અને પૂરેપૂરા ભાવે ઠાકુરનું શરણ લો. આસપાસની પરિસ્થિતિ પ્રત્યે તમારા મનની પ્રતિક્રિયા કેવા પ્રકારની થાય છે, તે જાણવાની પંચાતમાં ન પડો; અને આધ્યાત્મિકતાને માર્ગે તમે આગળ વધો છો કે નહીં અથવા કેટલા આગળ વધ્યા છો તેની ગણતરી કરવામાં કે નાહકનો જીવ બાળવામાં વખત ગુમાવો નહીં. પોતાની પ્રગતિનો અંદાજ પોતે કાઢવો એ તો અહંકાર છે. ગુરુ અને ઇષ્ટની કૃપામાં શ્રદ્ધા રાખો.    (દિવ્ય કૃપા, 6-10)

Total Views: 369

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.