અધ્યાત્મનું પણ એક શાસ્ત્ર છે, એક વિજ્ઞાન છે. હજારો વર્ષથી હજારો અધ્યાત્મયાત્રીના અનુભવોનું એક ભાથું આપણી પાસે એકઠું થયું છે. ભૂતકાળના અનુભવી પુરુષોના અનુભવોનો સદુપયોગ કરવો તે ડહાપણનું લક્ષણ છે. અધ્યાત્મપથની પાયાની સમજણને આધારે અહીં અધ્યાત્મપથના પથિકને ઉપયોગી થાય તેવા મહત્ત્વપૂર્ણ નિર્દેશ પ્રસ્તુત છે.

  1. અધ્યાત્મયાત્રીએ પ્રારંભથી જ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ અને સતત સ્મરણમાં રાખવું જોઈએ કે અધ્યાત્મયાત્રા તે કોઈ પણ સ્વરૂપની મહત્ત્વાકાંક્ષાપૂર્તિની યાત્રા નથી. પ્રત્યેક દુન્યવી પુરુષાર્થ દ્વારા માનવી કાંઈક પામવાનો પ્રયત્ન કરે છે, કોઈક કામનાની પૂર્તિનો પ્રયત્ન કરે છે, કોઈ ને કોઈ સ્વરૂપે મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. દુન્યવી યાત્રાનું સ્વરૂપ જ તેવું છે, પરંતુ અધ્યાત્મયાત્રા તેનાથી તદૃન ભિન્ન સ્વરૂપની યાત્રા છે. અધ્યાત્મયાત્રા દુન્યવી યાત્રાની જેમ કશુંક મેળવવાની યાત્રા નથી. અધ્યાત્મયાત્રા તો અંધકારમાંથી પ્રકાશની યાત્રા છે. અધ્યાત્મયાત્રા અહંકારતૃપ્તિની નહિ, પરંતુ અહંકારમાંથી મુક્તિની યાત્રા છે. સાંસારિક પદાર્થોની પ્રાપ્તિની યાત્રા કોઈ ને કોઈ સ્વરૂપે અહંકારની તુષ્ટિ અને પુષ્ટિ માટે છે, પરંતુ અધ્યાત્મયાત્રાનું સ્વરૂપ તેનાથી તદૃન ભિન્ન છે. અધ્યાત્મયાત્રા અહંકારની તુષ્ટિ કે પુષ્ટિ માટે નથી, પરંતુ તેના વિસર્જન માટે છે. સંસારયાત્રા અને અધ્યાત્મયાત્રા તદૃન ભિન્ન ભિન્ન સ્વરૂપની યાત્રા છે.

અધ્યાત્મપથના પથિકે પ્રથમથી જ સમજી લેવું જોઈએ કે તે કોઈ પણ પ્રકારની ઇચ્છા, મહત્ત્વાકાંક્ષા કે દુન્યવી આયોજનની પૂર્તિ માટે અધ્યાત્મપથ પર ચાલવા નીકળ્યો નથી, પરંતુ તેમનાથી મુક્ત થઈને પરમપદને પામવા માટે નીકળ્યો છે.

અભાનપણે પણ અધ્યાત્મયાત્રા મહત્ત્વાકાંક્ષાની પૂર્તિની યાત્રા ન બની જાય તેની કાળજી રાખવી જોઈએ.

અધ્યાત્મયાત્રી સ્પષ્ટ રીતે સમજી લે કે તે અધ્યાત્મપથ દ્વારા પરમાત્મા અને માત્ર પરમાત્મા જ ચાહે છે અને બીજું કશું નહિ.

  1. જો કોઈ સાધક ભગવત્પ્રાપ્તિને ધ્યેય સ્વરૂપે સ્વીકારે, પરંતુ ભગવત્પ્રાપ્તિ દ્વારા તે અન્ય કાંઈક પામવા ઇચ્છે તો તેની અભીપ્સા દૂષિત થયેલી છે તેમ સમજવું જોઈએ. ભગવાન સાધ્ય છે અને તેનો સાધન તરીકે ઉપયોગ કરવો અથવા તેવી કામના સેવવી તે યથાર્થ અધ્યાત્મ નથી. આધ્યાત્મિક અભીપ્સાનું સાચું સ્વરૂપ એ છે કે ભગવાનનો સાધન તરીકે ઉપયોગ કરવાની કામના સેવવી તે અધ્યાત્મયાત્રાને સાંસારિક્તાથી દૂષિત કરવા બરાબર છે.

પોતાની ઇચ્છાઓની તૃપ્તિ માટે ભગવાનનો ઉપયોગ કરી લેવો તે યથાર્થ અધ્યાત્મ નથી, પરંતુ પોતાની જાત ભગવાનને સોંપી દેવી, ભગવાન પોતાનો સાધન તરીકે ઉપયોગ કરે તે માટે પોતાની જાત સમર્પિત કરવી, તે ખરું અધ્યાત્મ છે.

  1. ઋતના નિયમનું પાલન સત્યપ્રાપ્તિની અનિવાર્ય શરત છે. સત્ય, અહિંસા, પવિત્રતા અને સંયમ ઋતના નિયમો છે, તેથી સાર્વભૌમ મહાવ્રતો છે. આ મહાવ્રતોનો જીવનમાં નિષ્ઠાપૂર્વક વિનિયોગ કર્યા વિના અધ્યાત્મયાત્રામાં નિર્ણયાત્મક પ્રગતિની આશા રાખવી વ્યર્થ છે. સત્યની પ્રાપ્તિ સત્યના માર્ગે ચાલીને જ થઈ શકે, અસત્યના માર્ગે ચાલીને નહિ. ઉચ્છૃંખલ જીવનપદ્ધતિપૂર્વક પરમાત્માને કોઈ પામી શક્યું હોય તેવું દૃષ્ટાંત વિશ્વના ઇતિહાસમાં મળી શકે તેમ નથી.

અધ્યાત્મપથના પથિકે અધ્યાત્મને અનુરૂપ જીવનપદ્ધતિ ગોઠવવી જોઈએ. સત્યપૂત, પવિત્ર જીવન જીવનાર સાધકના ચિત્તમાં સમતા, પ્રસન્નતા, શાંતિ અનાયાસે પ્રસ્થાપિત થાય છે. ઋતના નિયમનો ભંગ ચિત્તને કલુષિત કરે જ છે અને કલુષિત ચિત્તના ઘોડા પર બેસીને ભગવાનના મંદિર સુધી પહોંચી શકાતું નથી.

સત્ય, અહિંસા, પવિત્રતા, સંયમ આદિ ઋતના નિયમો છે. ઋતના નિયમો પ્રમાણે જીવવું તે યથાર્થ આધ્યાત્મિક જીવનપદ્ધતિ છે. અધ્યાત્મયાત્રા માટે અધ્યાત્મને અનુરૂપ જીવનપદ્ધતિ એ અનિવાર્ય શરત છે.

  1. જ્યાં સુધી આપણા પસંદગીક્રમમાં પરમાત્માને પ્રથમ સ્થાન આપવામાં ન આવે ત્યાં સુધી અધ્યાત્મયાત્રામાં વેગ આવી શકે નહિ. સામાન્યત: માનવી એમ વિચારતો હોય છે કે કેટલાંક મહત્ત્વપૂર્ણ કાર્યો કર્યા પછી અધ્યાત્મયાત્રાનો પ્રારંભ કરીશું. આ મહત્ત્વપૂર્ણ કાર્યો પૂરાં થતાં નથી અને ભગવાનનો વારો આવતો જ નથી. બધું પૂરું કરીને પછી ભગવાન ભજીશું, એવી મનોવૃત્તિ સાચી અભીપ્સાનો અભાવ સૂચવે છે.

પહેલાં કરવાનું કાર્ય પહેલાં કરવું જોઈએ અને પછી કરવાનું કાર્ય પછી કરવું જોઈએ. ભગવત્પ્રાપ્તિ સર્વોચ્ચ ધર્મ છે અને તેની તુલાનામાં અન્ય ધર્મો ગૌણ છે. ભગવત્પ્રાપ્તિ સૌથી પ્રથમ કરવા જેવું કાર્ય છે અને બીજું બધું પછી છે.

બીજું બધું પૂરું કરીને પછી ભગવાન, તેવું મનોવલણ યથાર્થ આધ્યાત્મિક મનોવલણ નથી. પહેલાં ભગવાન અને બીજું બધું પછી, તેવું મનોવલણ યથાર્થ આધ્યાત્મિક મનોવલણ છે.

  1. અધ્યાત્મપથ પર આળસ કરવી કે પ્રમાદ સેવવો તે આત્મઘાતક છે. ઘરમાં આગ લાગી હોય ત્યારે અગ્નિ પર પાણી રેડવામાં આળસ કરીએ તો શું થાય ? તેથી અધ્યાત્મયાત્રાને મુલતવી રાખવી નહિ. અધ્યાત્મસાધનામાં આળસ કરવી નહિ. આજે, આ જ ક્ષણે અધ્યાત્મયાત્રાનો પ્રારંભ કરવો અને તેની પ્રાપ્તિ સુધી અધ્યાત્મસાધનાને તૈલધારાવત્ અખંડ ચાલુ રાખવી તે જ કલ્યાણનો માર્ગ છે.

અધ્યાત્મપથ આરંભે શૂરાઓ માટે નથી. પાર્વતીની જેમ તપશ્ર્ચર્યા અર્થાત્ સાધના કરે તે શિવને પામે છે. પાર્વતીની પ્રતિજ્ઞા હતી :

કોટિ જનમ તક રગર હમારી

બરહુ શંભુ નત રહહુ કુંવારી

આવી પ્રતિજ્ઞા કરીને, તેને છેલ્લે સુધી નિભાવે તે શંભુને પામે છે.

  1. સાધનને વારંવાર બદલવું નહિ. કોઈ ખેતરમાં અનેક સ્થળે દશ દશ ફૂટ ઊંડા અનેક ખાડા કરીએ તો પાણી મળી શકે નહિ, પરંતુ એક જ સ્થળે ઊંડું ખોદીને કૂવો બનાવીએ તો પાણી મળી શકે. અધ્યાત્મપથ પર અનેક સાધનો છે, બધા બધું કરી શકે નહિ અને કરવાની જરૂર પણ નથી. પોતાના સાધનનું લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક પરિશીલન કરવું તે જ યથાર્થ માર્ગ છે. એમ કરીએ તો જ સાધનામાં યથાર્થ ઊંડાણ આવે છે.

આનો અર્થ એમ નહિ કે સાધનના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ક્યારેય કરવું જ નહિ. અધ્યાત્મયાત્રા વિકાસયાત્રા છે. જેમ જેમ સાધકનો આધ્યાત્મિક વિકાસ થતો જાય તેમ તેમ તેના સાધનમાં પણ વિકાસ થતો જાય છે. આધ્યાત્મિક વિકાસને પરિણામે તેના સાધનના સ્વરૂપમાં પણ પરિવર્તન આવી શકે છે. પરંતુ ચંચળતા કે અસ્થિરતાને કારણે સાધનમાં સતત પરિવર્તન કર્યા કરવું તે ઉચિત નથી.

  1. અધ્યાત્મવિદ્યાનું ઘણું ખેડાણ થયું છે. અનેકવિધ સાધનપદ્ધતિઓનો વિકાસ થયો છે. સાધક પોતાની સાધનપદ્ધતિનું એકનિષ્ઠભાવે અનુષ્ઠાન કરે તે ઇષ્ટ છે. અનેકવિધ સાધનોનો શંભુમેળો કે ખીચડી કરવી તે ઉચિત નથી. ઘણા સાધકો બધી સાધન-પરંપરાઓમાંથી થોડું થોડું લઈને એક સાથે અનેક ઘોડા પર ચડતા હોય છે. આવી ખીચડીથી કોઈ સાધનમાં ઊંડાણ આવતું નથી. બધું સાચું હોવા છતાં પોતાના સાધનમાં એકનિષ્ઠ રહેવું તે મનોવલણ જ ઉચિત છે, કારણ કે તો જ સાધનામાં ઊંડાણ પ્રગટે છે.

એક સાથે અનેક ઘોડે ચડવું નહિ, એક સાથે બહુ ઝમેલો કરવો નહિ. આનો અર્થ એમ નહિ કે સાધનામાં સમન્વય શક્ય નથી. સમન્વય અને ખીચડી બન્ને એક નથી. તેથી સમન્વય ભલે થાય પણ ખીચડી ન થાય તેની કાળજી રાખવી જોઈએ.

નામજપ સાથે પૂજાપાઠ કરવા તે સમન્વય છે. શ્રીમદ્ ભાગવત્નો પાઠ કરવો અને શાલિગ્રામની પૂજા કરવી તથા શ્રીકૃષ્ણના નામનો જપ કરવો તે ઇષ્ટ સમન્વય છે. (ક્રમશ:)

Total Views: 301

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.