શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી નિરંજન, નરેન્દ્ર અને બીજા શિષ્યો બાબુરામના વતન આંટપુર ગયા. ત્યાં તેમણે ધૂણીની સામે બેસીને ત્યાગની પ્રતિજ્ઞા લીધી. પછી 1887ના આરંભમાં નિરંજન વરાહનગર મઠમાં જોડાયા. તેમણે બીજા ગુરુભાઈઓની સાથે સંન્યાસની પ્રતિજ્ઞા લીધી. સ્વામી વિવેકાનંદે એમને ‘સ્વામી નિરંજનાનંદ’ નામ આપ્યું. તેઓ સેવાપૂજામાં સહાય કરતા અને પરિશ્રમનું કામ તેઓ જ કરતા. એક દિવસ ઠાકુરને ધરાવવા માટે તેઓ બજારમાંથી કંઈક મીઠાઈ ખરીદીને લાવતા હતા. કાંખમાં પોતાના નાનકડા દીકરાને તેડીને એક ગરીબ સ્ત્રી એ જ રસ્તે આવતી હતી. સ્વામી નિરંજનાનંદના હાથમાં મીઠાઈનું પડીકું જોઈને એ છોકરો બોલી ઊઠ્યો, ‘મા, મારે મીઠાઈ ખાવી છે !’ મા બાળકને જેમ જેમ સમજાવવા લાગી તેમ તે જોરથી રડવા લાગ્યો. સ્વામી નિરંજનાનંદ કૃપાપૂર્વક એ છોકરા પાસે ગયા અને મીઠાઈનું પડીકું એની પાસે રાખીને બોલ્યા, ‘લે ભાઈ, આ મીઠાઈ ખા.’ પેલી ગરીબ સ્ત્રીએ કહ્યું, ‘ના, મહારાજ, ના. તમે આ મીઠાઈ ભગવાનને ધરાવવા લઈ જાઓ છો. મારો દીકરો એ ખાય તો તેનું અમંગળ થાય.’ એ સાંભળીને સ્વામી નિરંજનાનંદ બોલ્યા, ‘ના, મા, એ જ બરાબર છે. તમારો દીકરો ખાશે તો ભગવાનના ખાધા બરાબર જ છે.’ એ પડીકું પેલા છોકરાને આપીને બીજી મીઠાઈ ખરીદવા સ્વામી નિરંજનાનંદ ફરી બજારમાં ગયા.

Total Views: 290

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.