દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક સોમનાથનું ભવ્ય મંદિર પશ્ચિમના દરિયા કિનારે વેરાવળ પાસેના પ્રભાસ પાટણમાં આવેલું છે. ભાવિકોને દર્શનાર્થે અહીં આવવા-જવા માટે ભારતભરમાંથી ટ્રેનની ઘણી સુવિધા છે.

શિવપુરાણ અનુસાર દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથ મહાદેવના મંદિરની ગણના પ્રથમ થાય છે. એમના આવિર્ભાવનું પ્રકરણ પ્રજાપતિ દક્ષ અને ચંદ્રમા સાથે જોડાયેલ છે. પ્રજાપતિ દક્ષે પોતાની અશ્ર્વિની વગેરે 27 ક્ધયાઓનો વિવાહ ચંદ્રમા સાથે કર્યો હતો. એનાથી દક્ષ ઘણા પ્રસન્ન થયા. પત્નીના રૂપે દક્ષક્ધયાઓને પ્રાપ્ત કરીને ચંદ્રમા ઘણા જ  શોભિત થયા અને દક્ષક્ધયાઓ પણ પોતાના સ્વામીના રૂપે ચંદ્રને પામીને વધારે શોભાયમાન બની ગઈ. ચંદ્રને આ 27 પત્નીઓમાં રોહિણી અતિશય પ્રિય હતાં. ચંદ્ર તેને વિશેષ આદર આપતા અને ચાહતા. આવી ચાહના બીજી પત્નીઓ પ્રત્યે ન હતી. ચંદ્રની ઉદાસીનતા અને ઉપેક્ષા જોઈને રોહિણી સિવાયની બીજી પત્નીઓ ખૂબ દુ:ખી થઈ. આ બધી 26 પત્નીઓ પોતાના પિતા દક્ષના શરણે ગઈ અને તેમને પોતાનાં દુ:ખકષ્ટો કહ્યાં. પોતાની પુત્રીઓની દુ:ખવ્યથાની રામકહાણી અને ચંદ્રના દુર્વ્યવહારની વાત સાંભળીને રાજા દક્ષને ઘણું દુ:ખ થયું. તેઓ પોતાના જમાઈ ચંદ્રમાને મળ્યા અને શાંતિપૂર્વક કહ્યું, ‘હે કલાનિધિ! તમે નિર્મળ અને પવિત્ર કુળમાં જન્મ લીધો છે. છતાંય તમે પોતાની પત્નીઓ સાથે ભેદભાવભર્યો વ્યવહાર કરો છો. તમારા આશરે રહેનાર જેટલી અર્ધાંગિનીઓ છે, એમના પ્રત્યે તમારા મનમાં ઓછોવત્તો પ્રેમ ધરાવો છો. આવો ભેદભાવભર્યો વ્યવહાર શા માટે રાખો છો ? તમે કોઈને વધારે ચાહો છો, તો વળી કોઈને ઓછા પ્રમાણમાં પ્રેમભાગી બનાવો છો. આવું શા માટે કરો છો ? અત્યાર સુધી તમે જે વર્તન-વ્યવહાર દાખવ્યાં છે, એ બરાબર નથી. હવે ભવિષ્યમાં આવો દુર્વ્યવહાર તમે દાખવતા નહીં. જે વ્યક્તિ પોતાનાં આત્મીયજનો પ્રત્યે વિષમતાપૂર્ણ વર્તન-વ્યવહાર કરે છે, એને નરકમાં જવું પડે છે.’ આ રીતે દક્ષ પ્રજાપતિએ પોતાના જમાઈ ચંદ્રમાને પ્રેમપૂર્વક સમજાવ્યું અને એવું ધારી લીધું કે ચંદ્રમા હવે સુધરી જશે. ત્યાર પછી દક્ષ પ્રજાપતિ પાછા ચાલ્યા ગયા.

શિવમહાપુરાણના કોટિરુદ્ર સંહિતાના 14મા અધ્યાયમાં કહ્યું છે:

વિમલે ચ કુલે ત્વં હિ સમુત્પન્ન: કલાનિધે ।

આશ્રિતેષુ ચ સર્વેષુ ન્યૂનાધિક્યં કથં તવ ॥

કૃતં ચેતત્કૃતં તચ્ચ્ ન કર્તવ્યં ત્વયા પુન: ।

વર્તનં વિષમત્વેન નરકપ્રદમીરિતમ્ ॥

પ્રબળ ભાવિને કારણવશ ચંદ્રમાએ પોતાના સસરા પ્રજાપતિ દક્ષની વાત માની નહીં. રોહિણી પ્રત્યેની અતિ આસક્તિને કારણે એમણે પોતાના કર્તવ્યની અવગણના કરી અને પોતાની અન્ય પત્નીઓનો જરાય ખ્યાલ ન રાખ્યો, એમના પ્રત્યે ઉદાસીનતા દાખવી. બીજી વાર આવા સમાચાર સાંભળીને પ્રજાપતિ દક્ષ ઘણા દુ:ખી થયા. ફરી પાછા તેઓ જમાઈ ચંદ્રમા પાસે આવ્યા અને એમને ઉપર્યુક્ત ઉત્તમ નીતિ દ્વારા બધું સમજાવ્યું. દક્ષે ચંદ્રમાને ન્યાયી વર્તન-વ્યવહાર કરવા વિનંતી કરી. વારંવાર આગ્રહભરી વિનવણી કરવા છતાં ચંદ્રમાએ અવગણનાપૂર્વક દક્ષની વાત ન માની ત્યારે દક્ષે પોતાના જમાઈ ચંદ્રમાને શાપ આપ્યો, ‘મારી વિનંતી છતાં પણ તમે મારી અવજ્ઞા કરી છે એટલે હું તમને ક્ષયરોગ થાય તેવો અભિશાપ આપું છું.’

શ્રૂયતાં ચંદ્ર યત્પૂર્વ પ્રાર્થિતો બહુધા મયા ।

ન માનિતં ત્વયા યસ્માત્તસ્માત્ત્વં ચ ક્ષયી ભવ ॥

દક્ષે શાપ દીધો કે તરત જ બીજી ક્ષણે ચંદ્રમાને ક્ષયરોગ લાગુ પડ્યો. ક્ષયરોગની સાથે તેઓ ક્ષીણ થયા અને સર્વત્ર હાહાકાર મચી ગયો. બધા દેવો તથા ઋષિવૃંદ પણ ચિંતામાં પડી ગયા. આ બાજુ ક્ષયથી પરેશાન ચંદ્રમાએ પોતાની અસ્વસ્થતા તથા તેનાં કારણોની સૂચના ઇન્દ્રાદિ દેવો તથા ઋષિઓને પહોંચાડી. ત્યાર પછી ચંદ્રમાની સહાય માટે ઇન્દ્રાદિ દેવો તથા વશિષ્ઠ વગેરે ઋષિગણ બ્રહ્માજીના શરણે પહોંચી ગયા. બ્રહ્માજીએ એ બધાને કહ્યું કે જે ઘટના ઘટી છે, તે તો ભોગવવી જ રહી. એનું કારણ એ છે કે દક્ષનો નિર્ણય કે અભિશાપ પલટી શકાય તેમ નથી. ત્યાર પછી બ્રહ્માજીએ એ દેવતાઓને એક ઉત્તમ ઉપાય બતાવ્યો.

બ્રહ્માજીએ ઉત્તમ ઉપાય બતાવતાં કહ્યું કે ચંદ્રમા દેવતાઓ સાથે કલ્યાણકારી અને શુભ એવા પ્રભાસક્ષેત્રમાં જાય અને ત્યાં વિધિપૂર્વક શુભ મૃત્યુંજય મંત્રજાપ- ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ ઉર્વારુકમિવ બંધનાન્મૃર્ત્યોમુક્ષીય માઽમૃતાત્- નું અનુષ્ઠાન કરતાં કરતાં શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની આરાધના કરે. પોતાની સામે શિવલિંગની સ્થાપના કરીને દરરોજ કઠિન તપ કરે. શિવની આરાધના અને તપસ્યાથી જ્યારે ભગવાન ભોળાનાથ શિવ પ્રસન્ન થશે ત્યારે તેઓ ચંદ્રમાને ક્ષયરોગથી મુક્ત કરી દેશે. પિતામહ બ્રહ્માજીની આજ્ઞાને સ્વીકારીને દેવતાઓ અને ઋષિઓના સંરક્ષણ હેઠળ ચંદ્રમા દેવમંડળ સહિત પ્રભાસક્ષેત્રમાં પહોંચી ગયા.

પ્રભાસક્ષેત્રમાં ચંદ્રદેવે મૃત્યુંજય ભગવાનની અર્ચના-વંદના અને અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો. તેઓ મૃત્યુંજય મંત્રનો જપ તથા ભગવાન શિવની ઉપાસનામાં તલ્લીન થઈ ગયા. બ્રહ્માજીની આજ્ઞા પ્રમાણે ચંદ્રમાએ છ મહિના સુધી નિરંતર તપશ્ર્ચર્યા કરી અને વૃષભધ્વજનું પૂજન કર્યું. દસ કરોડ મૃત્યુંજય મંત્રનો જપ તથા ધ્યાન કરતી વખતે ચંદ્રમા સ્થિરધીર ચિત્તે ત્યાં નિરંતર ઊભા રહ્યા. એમની ઉત્કટ તપશ્ર્ચર્યાથી ભક્તવત્સલ ભગવાન શંકર પ્રસન્ન થયા. એમણે ચંદ્રમાને કહ્યું, ‘હે ચંદ્રદેવ! તમારું કલ્યાણ હો ! તમે જેના માટે કઠોર તપ કરી રહ્યા છો તે માટેની તમારી પોતાની અભિલાષા મને કહો. હું તમારી ઇચ્છા પ્રમાણે તમને ઉત્તમ વરદાન આપીશ.’ શિવજીનાં વચન સાંભળીને ચંદ્રમાએ પ્રાર્થના કરતાં વિનયપૂર્વક કહ્યું, ‘હે દેવેશ્ર્વર ! આપ મારા બધા અપરાધોને ક્ષમા કરો અને મારા શરીરના આ ક્ષયરોગને દૂર કરો.’

ભગવાન શિવે કહ્યું, ‘હે ચંદ્રદેવ ! એક પખવાડિયામાં તમારી કલા પ્રતિદિન ક્ષીણ થતી રહેશે, જ્યારે બીજા પખવાડિયામાં દરરોજ એ નિરંતર વધતી રહેશે. આ રીતે તમે સ્વસ્થ બનશો અને લોકસન્માનને યોગ્ય પણ બનશો.’ ભગવાન શિવનો કૃપાપ્રસાદ પ્રાપ્ત કરીને ચંદ્રદેવ અત્યંત પ્રસન્ન થયા. એમણે ભક્તિભાવપૂર્વક ભગવાન શિવની સ્તુતિ કરી. ચંદ્રમાની દૃઢ ભક્તિ જોઈને નિરાકાર શિવ સાકાર લિંગના સ્વરૂપમાં પ્રગટ થયા. સાથે ને સાથે પ્રભાસક્ષેત્રના મહત્ત્વમાં વૃદ્ધિ કરવા, દેવતાઓના સન્માન તેમજ ચંદ્રમાના યશને વિસ્તારવા શિવજી ‘સોમેશ્ર્વર’ કહેવાવા લાગ્યા. ચંદ્રમાના નામ પર શિવજી ‘સોમનાથ’ બન્યા અને ભગવાન શિવ સંસારમાં ‘સોમનાથ’ના નામે પ્રસિદ્ધિ પામ્યા.

સોમનાથ મંદિરની ધાર્મિક માન્યતા

સોમનાથ ભગવાનની પૂજા અને ઉપાસના કરવાથી ઉપાસક-ભક્તના ક્ષયાદિ રોગ નષ્ટ થાય છે અને તે સ્વસ્થ બને છે. યશસ્વી ચંદ્રમાને કારણે જ સોમેશ્ર્વર ભગવાન શિવ આ ભૂતલને પવિત્ર કરવા પ્રભાસક્ષેત્રમાં બિરાજે છે. વળી આ ક્ષેત્રમાં બધા દેવતાઓએ મળીને એક સોમકુંડની સ્થાપના કરી છે. શિવપુરાણના કોટિરુદ્ર સંહિતાના 14મા અધ્યાયમાં આનું વર્ણન છે.

ચંદ્રકુંડ પ્રસિદ્ધં ચ પૃથિવ્યાં પાપનાશનમ્ ।

તત્ર સ્નાતિ નરો ય: સ સર્વૈ: પાપૈ: પ્રમુચ્યતે ॥

રોગા: સર્વે ક્ષયાદ્યાશ્ર્ચ હિ અસાધ્યા યે ભવન્તિ વૈ ।

તે સર્વે ચ ક્ષયં યાન્તિ ષણ્માસં સ્નાનમાત્રત: ॥

પ્રભાસં ચ પરિક્રમ્ય પૃથિવીક્રમસંભવમ્ ।

ફલં પ્રાપ્નોતિ શુદ્ધાત્મા મૃત: સ્વર્ગે મહીયતે ॥

સોમલિંગં નરો દૃષ્ટ્વા સર્વપાપાત્પ્રમુચ્યતે ।

લબ્ધ્વા ફલં મનોભીષ્ટં મૃત: સ્વર્ગં સમીહતે ॥

એવી શ્રદ્ધા છે કે આ કુંડમાં શિવ અને બ્રહ્મા સદૈવ વસે છે. આ ચંદ્રકુંડ મનુષ્યોના પાપનો નાશ કરે છે. એટલે એને ‘પાપનાશક તીર્થ’ કહે છે. એમાં સ્નાન કરનાર બધાં પાપોથી મુક્ત થઈ જાય છે. વળી છ માસ સુધી સતત સ્નાન કરવાથી ક્ષય જેવા દુ:સાધ્ય રોગો નાશ પામે છે.

આ રીતે સોમનાથના નામે પ્રસિદ્ધ ભગવાન શિવ દેવતાઓની પ્રાર્થનાથી લોકોનું કલ્યાણ કરવાના ઉદ્દેશ સાથે હંમેશાંને માટે અહીં બિરાજમાન થયા છે. આ રીતે શિવમહાપુરાણમાં ‘સોમેશ્ર્વર મહાદેવ’ અથવા ‘સોમનાથ જ્યોતિર્લિંગ’ની ઉત્પત્તિનું વર્ણન છે. આ ઉપરાંત બીજા ગ્રંથોમાં પણ આને મળતું વર્ણન આવે છે.

સોમનાથનો ઇતિહાસ

પ્રાચીન ભારતીય ઇતિહાસ અને આધુનિક ઇતિહાસ પ્રમાણે પણ સોમનાથના મંદિરને ઈ.સ. 1024માં મહમૂદ ગઝનવીએ ભ્રષ્ટ કર્યું હતું. મૂર્તિભંજક હોવાને કારણે તેમજ સોનાચાંદી લૂટવાને ઇરાદે તેણે મંદિરમાં તોડફોડ પણ કરી હતી. મંદિરના હીરાઝવેરાતને લૂંટીને તે પોતાના દેશ ગઝની લઈ ગયો. આ ભગ્ન સોમનાથ મંદિરના અવશેષ આજે પણ દરિયાકિનારે જોવા મળે છે. ઇતિહાસ પ્રમાણે એવું કહેવાય છે કે જ્યારે મહમૂદ ગઝનવી એ મંદિરના શિવલિંગને તોડી ન શક્યો ત્યારે તેની આસપાસની જગ્યામાં ભયંકર આગ લગાડાવી દીધી. સોમનાથ મંદિરમાં નીલમણિના છપ્પન થાંભલા હતા. આ થાંભલા પર હીરામોતી તથા વિવિધ પ્રકારનાં રત્નો જડ્યાં હતાં. આ બહુમૂલ્ય રત્નો લૂંટારા લૂંટી ગયા અને મંદિરને નષ્ટભ્રષ્ટ કરી નાખ્યું.

પુન: પ્રતિષ્ઠા

મહમૂદ ગઝનવીએ મંદિરને લૂટ્યું ત્યાર પછી ગુજરાતના રાજા ભીમદેવે ફરીથી તેની પ્રતિષ્ઠા કરી. સને 1093માં સિદ્ધરાજ જયસિંહે પણ આ મંદિરની પ્રતિષ્ઠામાં તેમજ તેના પવિત્રીકરણમાં ઘણો સહયોગ આપ્યો હતોે. 1168માં વિજયેશ્ર્વર કુમારપાળે જૈનાચાર્ય હેમચંદ્રસૂરિની સાથે સોમનાથની યાત્રા કરી હતી. એમણે પણ મંદિરમાં ઘણા સુધારા કરાવ્યા હતા. આ રીતે સૌરાષ્ટ્રના રાજા ખેંગારે પણ સોમનાથ મંદિરનું સૌંદર્યીકરણ કર્યું હતું. ત્યાર બાદ મુસલમાનોએ ઘણો દુરાચાર કર્યો અને આ મંદિરને નષ્ટભ્રષ્ટ કરતા રહ્યા. અલ્લાઉદ્દીન ખિલજીએ સન 1297માં આ મંદિરનો ધ્વંસ કર્યો. તેના સેનાપતિ નુસરત ખાઁએ મનભરીને મંદિરને લૂંટી લીધું. સન 1395માં ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહે પણ આ મંદિરનો વિધ્વંશ કર્યો. પોતાના પિતામહનાં પદચિહ્નો પર ચાલીને અહમદશાહે ફરીથી સન 1413માં સોમનાથ મંદિરને તોડી નાખ્યું. પ્રાચીન સ્થાપત્ય કલાનો પણ વિનાશ થયો.

આઝાદી પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોે. રાજેન્દ્ર પ્રસાદે દેશનું સ્વાભિમાન જાગૃત કર્યું અને તત્કાલીન ગૃહમંત્રી શ્રીસરદાર વલ્લભભાઈ પટેલ સાથે મળીને હાલના ભવ્ય સોમનાથના મંદિરનું નિર્માણ કરાવ્યું. ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રતીકરૂપે ‘સોમેશ્ર્વર જ્યોતિર્લિંગ’ સોમનાથ મંદિર અરબી સમુદ્રના પશ્ચિમ કિનારે આજે ભવ્ય સ્વરૂપમાં શોભાયમાન છે. આ મંદિરના ભૂગર્ભ(ભૂમિની નીચે)માં સોમનાથના ભવ્ય લિંગની સ્થાપના થઈ છે. ભૂગર્ભને કારણે અહીં પ્રકાશ ઓછો રહે છે. આ મંદિરમાં પાર્વતી, સરસ્વતી દેવી, લક્ષ્મીજી, ગંગાજી અને નંદીની મૂર્તિઓની સ્થાપના કરી છે. ભૂમિના ઉપરના ભાગે શિવલિંગની ઉપર અહલ્યેશ્ર્વરની મૂર્તિ છે. મંદિરના પરિસરમાં ગણેશજીનું મંદિર છે અને તેના ઉત્તરના દ્વારે બહાર અઘોરલિંગની મૂર્તિની સ્થાપના કરી છે. પ્રભાસ નગરમાં અહલ્યાબાઈના મંદિરની પાસે મહાકાલીનું મંદિર છે. એ જ રીતે ગણેશજી, ભદ્રકાલી તથા ભગવાન વિષ્ણુનાં મંદિરો આ નગરમાં છે. નગરના દ્વાર પાસે ગૌરીકુંડ નામનું સરોવર છે. તેની પાસે પ્રાચીન શિવલિંગ છે.

સોમનાથના જે મૂળ મંદિરને વારંવાર નષ્ટ કર્યું હતું તે આજે પોતાના મૂળ સ્થાને સમુદ્રકિનારે જ છે. સોમનાથના મૂળ મંદિરથી થોડું દૂર મહારાણી અહલ્યાબાઈ હોલકરે બંધાવેલું સોમનાથનું મંદિર પણ ત્યાં જોવા મળે છે.

સોમનાથની આજુબાજુનાં પવિત્ર સ્થાનો

સોમનાથમાં યાત્રાળુઓ માટે અનેક પવિત્ર અને દર્શનીય સ્થાન છે. પ્રભાસ પાટણની બહાર એક ‘સમુદ્રકા’નામનો અગ્નિકુંડ છે. પહેલાં યાત્રીઓ એ કુંડમાં સ્નાન કરીને પ્રાચીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જાય છે.

પ્રાચી ત્રિવેણી પ્રભાસથી લગભગ બે કિલોમીટર દૂર છે. તેની પહેલાં જ રસ્તામાં બ્રહ્મકુંડ નામની વાવ જોવા મળે છે. અહીં બ્રહ્મકુંડ નામનું તીર્થ છે અને બ્રહ્મેશ્ર્વર શિવમંદિર પણ છે. તેનાથી થોડું આગળ ચાલતાં ‘આદિ પ્રભાસ’ તથા ‘જલ પ્રભાસ’ નામના બે કુંડ આવેલા છે. હિરણ, સરસ્વતી અને કપિલા નામની ત્રણ નદીઓ પ્રભાસની પૂર્વ દિશામાં વહેતી વહેતી સમુદ્રને મળે છે. ત્રણ નદીઓનો સંગમ હોવાને કારણે તેને ‘પ્રાચી ત્રિવેણી’ કહે છે.

સૌથી પહેલાં કપિલા સરસ્વતીને મળે છે, ત્યાર પછી સરસ્વતી હિરણને મળે છે અને હિરણ સમુદ્રમાં મળે છે. આ ત્રિવેણી સંગમથી થોડે દૂર સૂર્ય ભગવાનનું મંદિર છે. ત્યાંથી આગળ ચાલીએ તો હિંગળાજ ભવાની અને મહાદેવ સિદ્ધનાથનું મંદિર એક ગુફામાં જોવા મળે છે. એવી માન્યતા છે કે અહીં બળદેવજી શેષનાગનું રૂપ ધારણ કરીને પાતાળમાં ગયા હતા. તેની નજીક જ શ્રીવલ્લભાચાર્યની એક બેઠક છે. ત્યાં ત્રિવેણીમાતા, મહાકાલેશ્ર્વર, શ્રીરામ, શ્રીકૃષ્ણ અને ભીમેશ્ર્વર મહાદેવનાં મંદિર છે. આ સ્થળને ‘દેહોત્સર્ગ તીર્થ’ કહે છે. ભગવાન શ્રીકૃષ્ણને વ્યાધ દ્વારા ભાલકા તીર્થમાં બાણ લાગ્યું હતું, ત્યાર પછી તેઓ અહીં આવીને અંતર્ધાન થઈ ગયા હતા.

કલ્પભેદની કથા પ્રમાણે શ્રીકૃષ્ણચંદ્રના દેહનો અહીં અગ્નિસંસ્કાર કરાયો હતો. દેહોત્સર્ગથી થોડું આગળ ચાલીએ એટલે હિરણ નદીના કિનારે યાદવાસ્થળી જોવા મળે છે. અહીં યાદવો અરસપરસ લડીને મૃત્યુ પામ્યા હતા અને યાદવકુળનો વિનાશ થયો હતો. વેરાવળ સ્ટેશનથી સોમનાથ આવતી વખતે સમુદ્રના કિનારે બાણ તીર્થ આવેલું છે. અહીં શશિભૂષણ મહાદેવનું પ્રાચીન મંદિર છે. ત્યાં દરિયાકિનારે પશ્ચિમ તરફ ચંદ્રભાગ તીર્થ છે. અહીં દરિયાની રેતી પર કલિલેશ્ર્વર મહાદેવનું મંદિર છે. બાણ તીર્થથી પાંચ કિલોમીટર ભાલકા તીર્થ છે. અહીં નજીકમાં ભાલકુંડ અને પદ્મકુંડ નામનાં સરોવર છે. ત્યાં પીપળાના વૃક્ષ નીચે ભાલેશ્ર્વર શિવનું મંદિર છે. આ પીપળાને મોક્ષનો પીપળો કહે છે. એવું મનાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ આ વૃક્ષ નીચે પગ લંબાવીને આરામ કરતા હતા ત્યારે ‘જરા’ નામના વ્યાધે બાણ માર્યું હતું. એમણે એ બાણ ખેંચીને ભાલકુંડમાં ફેંકી દીધું. તેની પાસે ગણેશજીનું મંદિર છે. અહીં એક કર્દમકુંડ છે. ત્યાં કર્દમેશ્ર્વર મહાદેવનું મંદિર છે. કેટલાક લોકો એને ભાલકા તીર્થ કહે છે.

Total Views: 431

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.