ગતાંકમાં આપણે ૐકારેશ્ર્વરનાં બ્રહ્મપુરી અને વિષ્ણુપુરી ક્ષેત્ર વિશે જાણ્યું. હવે શિવપુરી ક્ષેત્ર અને ૐકારેશ્ર્વર પરિક્રમા વિશે જાણીએ.

પદ્મપુરાણમાં સંગમ વચ્ચે ઊંચી, લાંબી માંધાતાની પહાડીનો વૈડૂર્યમણિ પર્વત નામે ઉલ્લેખ છે. એ જ શિવપુરી. આ પહાડી પોતે જ ૐકાર સ્વરૂપ છે. આ પહાડી પર પ્રાચીન સમયની ઇમારતો તથા મંદિર-મઠ વગેરેના અવશેષ ખંડેર હાલતમાં જોવા મળે છે. વિદ્વાનોનું એવું માનવું છે કે કોઈ એક સમયે આ પહાડી પર મોટું નગર વસેલું હશે.

હાલમાં આવેલ ૐકારેશ્ર્વર મંદિર અને તેની આસપાસનાં થોડાં મંદિરો પેશ્ર્વાઓએ બનાવ્યાં હતાં. ઘણા વયોવૃદ્ધ સ્થાનિકો અને યાત્રાળુઓ તો એમ પણ કહે છે કે આ મંદિર પાંડવો દ્વારા નિર્મિત થયું હતું. બનવાજોગ છે કે એ ર્જીણ થઈ જમીનદોસ્ત થઈ ગયું હોય અને સમયે સમયે એનું નવનિર્માણ થતું રહ્યું હોય. કોઈ પેશ્ર્વાના સમયમાં પણ વર્તમાન મંદિરનું નવનિર્માણ થયું હોવાનું શક્ય છે. મંદિરમાં ચણી લીધેલા સ્તંભો પ્રાચીન જરૂર છે, એવું અનુમાન કરી શકાય છે કે એ કોઈ પ્રાચીન મંદિરના હોવા જોઈએ.

ૐકારેશ્ર્વરના મુખ્ય મંદિરનું દ્વાર ઉત્તર તરફ છે અને અંદર જતાં પશ્ચિમ તરફ વળે છે. ૐકારનું શિવલિંગ પણ દ્વારની સન્મુખ નથી. તે ગર્ભગૃહની એક બાજુએ છે. શિવલિંગ અણઘડ છે; છતાં જાગ્રત જણાય છે. શિવલિંગ પાસે ગણપતિ અને પાર્વતીની મૂર્તિઓ છે. મંદિરમાં રાત-દિન ઘીનો દીપક બળતો હોય છે. ૐકારજીની પ્રતિદિન ત્રણ સમય પૂજા થાય છે. રાત્રિની આરતી બાદ, બે મુખી મંદિરમાં ૐકારજીના શયન માટે પથારી બિછાવવામાં આવે છે. એની બાજુની કોટડીમાં શુકદેવજીની મૂર્તિ તથા લિંગરૂપ માંધાતા બિરાજે છે.

ૐકારેશ્ર્વરના મંદિરના બીજે માળે મહાકાળેશ્ર્વર બિરાજે છે. મંદિર ઉપરથી આસપાસનું અને નર્મદા મૈયાનું સુંદર દર્શન થાય છે. ૐકારેશ્ર્વર મંદિર પાસે અવિમુક્તેશ્ર્વર, જ્વાલેશ્ર્વર, કેદારેશ્ર્વર, ગણપતિ, કાલિકા વગેરે દેવ-દેવીનાં મંદિર છે. મંદિરની નીચે શંકરાચાર્યની ગુફા છે. અત્યારે તો તેની વિશેષ જાળવણી નથી. પરંતુ એ અવશેષો જોઈને એની પ્રાચીનતાની જાણ થાય છે. શંકરાચાર્ય ગુફાથી નર્મદા તરફ જતાં પ્રથમ ચક્રતીર્થ ઘાટ તથા પૂર્વ તરફ કોટીતીર્થ ઘાટ છે. અહીં ઘાટ પાસે જ ઊંડાઈ અને જળ ચક્રાકાર થતું હોવાથી ચક્રતીર્થ કહેવાય છે. કોટિતીર્થ અને ચક્રતીર્થની મધ્યમાં રાજા માંધાતાનું મંદિર છે. માંધાતા પર્વત પર ૐકારેશ્ર્વર મંદિરની 6.7 કિ.મિ.ની પરિક્રમાની શરૂઆત અહીં ચક્રતીર્થથી સાધારણ રીતે થાય છે. નર્મદા તટના દક્ષિણ તટથી માંધાતા પર્વત પર બે પૂલ છે. જૂનો પૂલ ૐકારેશ્ર્વર મંદિરની પશ્ચિમે અને પૂર્વ તરફ નવો ઝૂલતો પૂલ છે. જૂના પૂલનું બાંધકામ 1978માં તથા તાજેતરનાં થોડાં વર્ષો પહેલાં નવા ઝૂલતા પૂલનું બાંધકામ થયું છે.

ૐકારેશ્ર્વર મંદિરની પરિક્રમા માટે આગળ વધીને બજાર પાર કરતાં જ જમણા હાથે રામ-જાનકી મંદિર છે. કહેવાય છે કે રામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ પરમાધ્યક્ષ બ્રહ્મલીન પ.પૂ. સ્વામી બ્રહ્માનંદજી મહારાજે રામ-જાનકી મંદિરે બેસીને ઘણી તપસ્યા કરી હતી. ત્યારે આ તો અત્યંત નિર્જન અને સુંદર સ્થાન હશે!

પરિક્રમાના નાના રસ્તા પર આગળ વધતાં થોડા થોડા અંતરે બંને બાજુ મધ્યપ્રદેશ સરકાર દ્વારા પથ્થર પર સુવર્ણ અક્ષરે અંકિત ભગવદ્ ગીતાના બે-બે શ્ર્લોક છે. આમ, છ-સાત કિ.મિ.ના પરિક્રમામાર્ગ પર સંપૂર્ણ ભગવદ્ ગીતા સુવર્ણ અક્ષરે અંકિત છે ! પરિક્રમામાં આગળ વધતાં જોવા મળે છે કે ઓમકારેશ્ર્વર ક્ષેત્રના વિકાસ માટે મધ્યપ્રદેશ સરકારે તોડી પાડેલ ગેરકાનૂની બાંધકામના અવશેષો જોવા મળે છે.

પરિક્રમા માર્ગમાં ડાબી બાજુ નર્મદા મૈયા પશ્ચિમવાહિની વહેતી દેખાય છે. સામે માર્કન્ડેય આશ્રમનો વિશાળ ઘાટ દેખાય છે. આગળ ઓંકાર મઠ આવે છે. પરિક્રમામાં આગળ નર્મદા તટ તરફ પ્રાચીન કેદારેશ્ર્વર મંદિર આવે છે. તેની આગળ નાના મોટા આશ્રમ પછી સફેદ કુટિયા(રામકૃષ્ણ આશ્રમ, ઓમકારેશ્ર્વર) છે. માંધાતાની સૌથી ઊંચી ટેકરી પર આ આશ્રમ છે. જૂના સમયમાં દૂરથી સફેદ રંગની એક-બે કુટિયાઓ દેખાતી તેથી સફેદ કુટિયાના નામે પ્રખ્યાત છે. અહીં પહેલાં પૂજ્ય સ્વરૂપાનંદ સ્વામી અને બીજા કેટલાય સંતોએ ઘણી તપસ્યાઓ કરેલ છે. 1984માં પૂ. આત્માનંદજી મહારાજ પૂ. ગંભીરાનંદજી મહારાજને ઓમકારેશ્ર્વર દર્શન માટે લાવ્યા હતા. દર્શન પછી પૂ. મહારાજને સફેદ કુટિયામાં લઈ ગયા. ત્યારે માત્ર એક-બે કુટિયા! ઓમકારેશ્ર્વર ક્ષેત્રનો તપ:પૂત અને દિવ્ય પરિવેશ જોઈને પૂ. મહારાજે અહીં સાધુઓને સાધના કરવા માટે આશ્રમ બનાવવાની વાત કરી. પછીથી પૂ. આત્માનંદજી મહારાજે કાયદાકીય રીતે જમીન ખરીદી, આશ્રમ બનાવી ભાવપ્રચારના કેન્દ્ર સાથે જોડી દીધો. 1999થી રામકૃષ્ણ મિશન, ઇન્દોરના શાખા કેન્દ્ર તરીકે આ સફેદ કુટિયા સાધનાની ધૂણી ધખાવી રહી છે. આગળ મા આનંદમયીનો આશ્રમ છે. તેઓ આસપાસનાં ગરીબ બાળકો માટે શાળા ચલાવે છે. પરિક્રમાના આગળના રસ્તે આલોક મહારાજનો નર્મદા તટ પર સુંદર આશ્રમ છે. ત્યાં ઓળખાણ આપ્યા પછી ભક્તોને સાધના કરવા માટેની વ્યવસ્થા થતી હોય છે. પરિક્રમા માર્ગમાં બીજા નાના-મોટા ઘણા આશ્રમો અને કુટિયા આવે છે, ત્યાર પછી માંધાતા પહાડને અંતે પશ્ચિમ તરફ કાવેરી-નર્મદા સંગમ આવે છે. ઘણા પરિક્રમાવાસી અહીં સ્નાન કરી કમંડળમાં પાણી લઈ શિવમંદિરોમાં અને થોડું જળ ઓમકારેશ્ર્વર બાબાને ચડાવે છે. પછી ઋણમુક્તેશ્ર્વર મંદિર આવે છે જે પ્રાચીન ઢબનું છે. પછી રાજરાજેશ્ર્વરી માનું વિશાળ દર્શનીય મંદિર આવેલ છે. ત્યાં દરરોજ અન્નક્ષેત્ર ચાલે છે.

પછી ગૌરી-સોમનાથ મંદિર આવે છે. તે પણ અતિ પ્રાચીન છે. તેને ગ્રામીણ લોકો ગૌરીશંકર કે ‘મામાભાંજા મહાદેવ’ કહે છે. વિશાળ શિવલિંગ અને નંદિ પણ મોટા છે. પહેલાં ગૌરી-સોમનાથ શિવલિંગ સફેદ હતું. એમાં જોનારને પોતાનો પૂર્વજન્મ જોવા મળતો હતો. કહેવાય છે કે ઔરંગઝેબે એમાં જોયું ત્યારે એને પોતાનું સ્વરૂપ સૂવરનું દેખાયું હતું. ક્રોધિત થઈને એને શિવલિંગ સળગાવી મુકાવ્યું, પરિણામે શિવલિંગ શ્યામવર્ણ થઈ ગયું. હવે કોઈનો પૂર્વજન્મ જોઈ શકાતો નથી. પછી સૂતેલા હનુમાનજીનું સુંદર મંદિર છે. પછી નર્મદા મૈયાનું મંદિર આવે છે અને આગળ સિદ્ધેશ્ર્વર મહાદેવનું મંદિર આવે છે. સિદ્ધેશ્ર્વર મંદિરથી થોડે દૂર સીધી પહાડી જોવા મળે છે. આ પહાડીકાંઠે ભૈરવદ્વીપ કે વીરશિલા નામક સ્થાન છે. પૂર્વે અનેક યાત્રિકો મુક્તિ માટે અહીંથી નર્મદાજીમાં કૂદી પડી પોતાના દેહનો ત્યાગ કરતા. આ પ્રથા ઈ.સ. 1823થી બંધ કરી દેવામાં આવી છે. માંધાતા પહાડની ચારે બાજુ બહુ મોટી પહોળી દીવાલ અને કિલ્લો પણ હતો. હવે તો થોડા અવશેષો જોવા મળે છે. આ ઉપરાંત તિલભાંડેશ્ર્વર, કુંતિમાતા, ભીમ ભૈરવ, પાંડવ મંદિર ઉપરાંત ઘણા નાના-મોટા આશ્રમોનાં દર્શન થાય છે. આમ 7 કિ.મિ. ૐકારેશ્ર્વર પરિક્રમાનો પણ અનેરો લહાવો છે. કાર્તિક મહિનામાં તો ઘણા લોકો પરિક્રમા કરે છે.

હવે સંતદર્શન કરીએ. પરિક્રમા માર્ગના અંતિમ ભાગમાં ઓમકારેશ્ર્વર મંદિરના પાછળના ભાગે શુકદેવ બાબા રહે છે. દિગંબર, મૌન, જાણે પરમહંસ ! બારે માસ એક જ અવસ્થા! હવે અહીં ઘણા ભક્તોની અવરજવર છે. ગજાનન સંસ્થાને એક છાપરી જેવું આશ્રયસ્થાન કર્યું છે. અહીં એક છોકરો સાધુઓને નહાવાની, જમવાની, રહેવાની સુવિધા કરી આપે છે. પરંતુ બાબા તો અનજાન…

બીજા સંત મહામંડલેશ્ર્વર પ્રણવાનંદ સરસ્વતી મહારાજ. તેઓ પ.પૂ.બ્રહ્મલીન રામાનંદ સરસ્વતી મહારાજના પટ્ટશિષ્ય. સંસ્કૃતના વિદ્વાન. માર્કન્ડેય સંન્યાસ આશ્રમના અધિપતિ. તેઓ યુવાન સાધક બ્રહ્મચારી કે જેનામાં સાધન ચતુષ્ટય (નિત્યાનિત્ય-વસ્તુ વિવેક, વૈરાગ્ય, મુમુક્ષુત્વ) અને ષટ્સંપત્તિઓને (સમ-દમ-ઉપરતિ-તિતિક્ષા-શ્રદ્ધા-સમાધાન)ના ગુણો હોય છે, તેમને શાંકરભાષ્ય સાથે પ્રસ્થાનત્રયી (બ્રહ્મસૂત્ર, ગીતા, 11 મુખ્ય ઉપનિષદો) પર અધ્યયન કરાવે છે. આ ઉપરાંત અનેક નાના-મોટા સંપ્રદાયોના સંતો, નિરંજની-નિર્વાણી અખાડાઓના સંતો વગેરેનાં દર્શન થાય છે. સાચા ભાવથી દર્શનાર્થે નીકળીએ તો ઓમકારેશ્ર્વર ક્ષેત્રના ઉચ્ચકોટીના સંતો, ભક્તો અને સાધકોનાં અવશ્ય દર્શન મળે.

ઓમકારેશ્ર્વરમાં ભક્તોને રહેવા માટે ગજાનન સેવા સંસ્થાન, પાંચ કિ.મિ. દૂર આવેલ શિવકોટી ધામ, અતિથિ ધરમશાળામાં રાહત દરે જમવા રહેવાની સુંદર વ્યવસ્થા છે. સાધુઓને માટે માર્કન્ડેય સંન્યાસ આશ્રમમાં અતિ સુંદર સેવા વ્યવસ્થા છે.

આમ, પ્રત્યેક સાધકે પાવન અને દિવ્ય ઓમકારેશ્ર્વર ધામમાં તપસ્યા અને સાધન-ભજન માટે અવશ્ય જવું જોઈએ. અહીં તેમને આધ્યાત્મિક લાભ અવશ્ય થાય છે.

Total Views: 105

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram