શ્રીરામકૃષ્ણદેવના વૈશ્ર્વિક નૂતનમંદિરનું નજરાણું

1966ના માર્ચ માસમાં સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસેથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો કાર્યભાર સંભાળ્યો. આશ્રમનું હાલનું મંદિર વધુ ને વધુ સંખ્યામાં પ્રાર્થના તેમજ અન્ય કાર્યક્રમોમાં આવતા ભક્તજનો માટે નાનું પડતું હતું. તદુપરાંત એમાં ઘણા સમારકામની પણ જરૂર હતી. એટલે શ્રીરામકૃષ્ણદેવના પવિત્ર અસ્થિકુંજને સુયોગ્ય રીતે સ્થાપી શકાય તે માટે શ્રીરામકૃષ્ણદેવના નવા ભવ્યમંદિરના નિર્માણકાર્યનો નિર્ણય કરવામાં આવ્યો. મંદિરોની ભૂમિ સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રીરામકૃષ્ણના આ પવિત્ર અને પુણ્યકારી સ્મારક જેવા અને દીર્ઘકાળથી જેની પૂર્તિ માટે રાહ જોવાતી હતી, એવા નૂતન મંદિરના ભવ્ય નિર્માણકાર્યમાં સહાય કરવા માટે ગુજરાતની જનતા આગળ આવી.

રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્ર્વરાનંદજી મહારાજના વરદ હસ્તે 16 ઑગસ્ટ, 1971ના રોજ શ્રીરામકૃષ્ણદેવના નવા મંદિરનો શિલાન્યાસવિધિ સંપન્ન થયો હતો. એ સમયે ઉદારદિલના લોકો અને દાનવીરોની ઉદાત્ત સહાયથી રૂપિયા 7 લાખનું ભંડોળ આ મંદિરના બાંધકામ માટે એકઠું થયુંં. શિલાન્યાસવિધિ પ્રસંગે અનેક ભક્તજનો અને અગ્રણીઓ ઉપસ્થિત હતા. આર્કિટેક્ટ કોર્નર, અમદાવાદના શ્રીમધુકરભાઈ ઠાકોર; વકીલ-મહેતા, પરીખ અને શેઠ; અમદાવાદના ડૉ. મહેન્દ્ર આર. મહેતા; મેસર્સ. વિ. એન્જિનિયર્સ, રાજકોટના શ્રીવિપીનભાઈ બાવીશી; કે. એલ. એન્જિનિયર્સ, રાજકોટને આ નૂતન અને વૈશ્ર્વિક પ્રેમ અને શ્રદ્ધાના પ્રતીક સમા પવિત્ર મંદિરનાં ડિઝાઈન, પ્લાનિંગ અને બાંધકામનાં કાર્ય સોંપવામાં આવ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો સુવર્ણજયંતી મહોત્સવ અને નૂતનમંદિરનો પ્રતિષ્ઠામહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો સુવર્ણજયંતી મહોત્સવ 5થી 12 એપ્રિલ, 1979 સુધી ઉજવાયો હતો. શ્રીરામકૃષ્ણદેવના રૂપિયા 25 લાખના ખર્ચે નવા બંધાયેલ મંદિરનો સમર્પણવિધિ અને ભગવાન શ્રીરામકૃષ્ણદેવની આરસ પ્રતિમાનો પ્રતિષ્ઠામહોત્સવ આ નૂતન મંદિરમાં 6 એપ્રિલ 1979ના રોજ સવારે 7.00 વાગ્યે શ્રીમત્ સ્વામી વીરેશ્ર્વરાનંદજી મહારાજના વરદ હસ્તે યોજાયો હતો. આ પાવનપર્વ નિમિત્તે વિશેષ પૂજા-હવનનું પણ આયોજન થયું હતું. 150 જેટલા સંન્યાસીઓ અને 3000 થી વધુ ભક્તજનો અને વિદ્યાર્થીઓની એક શોભાયાત્રા શહેરભરમાં નીકળી હતી. તેમનાં વૈદિક મંત્રોચ્ચાર, કીર્તન અને ભજનસંગીતે રાજકોટના ભાવિકજનોનાં મનને હરી લીધાં હતાં. રાતના 7.00 વાગ્યાથી વિશેષ કાલીપૂજાનું આયોજન આ નૂતન મંદિરમાં થયું હતું.

7 એપ્રિલ, 1979ના રોજ સાંજે 425 પાનાંની એક વિશેષ સ્મરણિકાનો વિમોચનવિધિ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને સમારંભના અતિથિવિશેષ શ્રીબાબુભાઈ પટેલના વરદ હસ્તે થયો હતો. આ પ્રસંગે એકઠી થયેલી જાહેરસભાની જનમેદનીને સ્વામી વીરેશ્ર્વરાનંદજી મહારાજે પોતાના આશીર્વચન સાથે સંબોધી હતી. સવારે તેમણે ફર્સ્ટ ડે કવર અને પોસ્ટલ સ્ટેમ્પનું પણ અનાવરણ કર્યું હતું. સ્વામી ગંભીરાનંદજી, સ્વામી રંગનાથાનંદજી, સ્વામી આત્માનંદજીએ પણ ભાવિકજનોને સંબોધ્યા હતા. રાજકોટના મેયર શ્રીઅરવિંદભાઈ મણિયારે સ્વાગત પ્રવચન કર્યું હતું.

8મી એપ્રિલના રોજ યોજાયેલી જાહેરસભામાં સ્વામી રંગનાથાનંદજી, સ્વામી આત્મસ્થાનંદજી, સ્વામી ભાષ્યાનંદજી, સ્વામી બુધાનંદજી, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી બી.જે. દિવાને ભક્તજનો સમક્ષ પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. 9મી એપ્રિલના રોજ સાંજે સ્વામી ભૂતેશાનંદજી, સ્વામી હિરણ્મયાનંદજી, સ્વામી વ્યોમરૂપાનંદજી, સ્વામી આત્માનંદજી અને ગુજરાત રાજ્યના તત્કાલીન મંત્રીશ્રી કેશુભાઈ પટેલે સભાને સંબોધન કર્યું હતું. 8મી એપ્રિલથી 12મી એપ્રિલ સુધી દરરોજ રાતના સાંસ્કૃતિક અને સંગીતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શ્રીકુમાર ગાંધર્વ, માણભટ્ટ શ્રી ધાર્મિકલાલ પંડ્યા, ઈંદોરના પવારબંધુ (ધ્રુપદ ગાયકી),

શ્રી પીંગળશીભાઈ ગઢવી, શ્રી મનહરલાલજી મહારાજ અને બીજા સુખ્યાત કલાકારોએ પોતપોતાના કાર્યક્રમો આપ્યા હતા. આ પ્રસંગે ‘નારાયણ સેવા’નો એક કાર્યક્રમ યોજાયો હતો. તેમાં હજારો લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. રામકૃષ્ણ સંઘના આશરે 200થી વધુ સંન્યાસીઓ અને ભારતભરમાંથી અને વિદેશમાંથી 600થી વધુ ભક્તજનો આ ભવ્ય મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. દરરોજ સવારે ચા-નાસ્તા, બપોરનું ભોજન, સાંજનો અલ્પાહાર અને રાત્રીભોજન માટે 3000ડ માણસોની વ્યવસ્થા આશ્રમના પટાંગણમાં થઈ હતી. 7મી તારીખે રાજકોટ શહેરની બધી ઝૂંપડપટ્ટીઓમાં લાડુ અને ગાંઠિયાનું વિતરણ થયું હતું.

સ્વામી આત્મસ્થાનંદજીએ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ રૂપે કરેલ રાહતસેવા પ્રવૃત્તિઓની ઝલક

1968માં સુરત જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે તારાજ થયેલાં 23 ગામડાંમાં પુનર્વસવાટકાર્ય હાથ ધરાયું હતું. દરેક નવનિર્મિત ગામડાને સમાજમંદિર, પાણીપુરવઠા તથા વીજળીની સુવિધાઓ સાથે પ્રિકાસ્ટ-કોંક્રીટનાં 1400 પાકાં મકાનો બાંધી આપવામાં આવ્યાં.

1970માં કચ્છના ધાણેટી ગામે દુષ્કાળ રાહતકેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર દ્વારા 24 ગામડાંના હજારો પીડિતોને રાંધેલું અનાજ, નવાં કપડાં, બળદ, બિયારણ, ખાતર, પાણી, ખેતીવાડી વિષયક સહાય આપવામાં આવી હતી.

1970માં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના માળીયામિયાણા, ટીકર, ધુમડ તથા નળકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનાજ, કપડાં અને વાસણનું વિતરણકાર્ય કર્યું હતું. લીંબડી તાલુકાના સમલા ગામે 40 મકાનોવાળી તેમજ રાજકોટના પોપટપરામાં 53 કુટુંબો માટે વસાહત ઊભી કરવામાં આવી.

1973માં જસદણ તાલુકાના ભાડલા ગામે દુષ્કાળ રાહતકાર્ય રૂપે રાંધેેેેેેલા અનાજની વહેંચણી તેમજ અતિવૃષ્ટિને કારણે પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં ધાબળા તેમજ ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

1973-74માં અતિવૃષ્ટિને કારણે વિનાશ પામેલા બનાસકાંઠાના ડિસા તાલુકાના ભોયણ ગામનું પુનર્વસવાટકાર્ય હાથ ધરાયું હતું. આ ગામમાં 200 કુટુંબો માટે નિવાસી મકાનો, સમાજમંદિર, વીજળી અને પાણીની પૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

1975માં દુષ્કાળને કારણે રાજકોટ શહેરનાં આશરે 3000 કુટુંબોને ઘઉં વગેરેનું રાહતભાવે વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું. કચ્છનાં 21 ગામડાંને આવરી લેતા, હજારોની સંખ્યામાં પીડિતોને એક ટંક ભોજન તથા દસ કૂવાને ઊંડા-પહોળા કરીને તેનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું.

ઑક્ટોબર 1975માં જૂનાગઢ અને જામનગર જિલ્લામાં આવેલાં ભયંકર વાવાઝોડાંને કારણે 100થી વધુ ગામડાના અસરગ્રસ્ત લોકોને ધાબળા, ગરમ કપડાં અને નવાં કપડાંનું વિતરણકાર્ય હાથ ધરાયું હતું.

વડત્રા ગામે નવનિર્મિત શ્રીશારદાનગરનો સમર્પણવિધિ 19 માર્ચ, 1999ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદહસ્તે થયો હતો. આ નવનિર્મિત શારદાનગરમાં 30 નિવાસી મકાનો, સમાજમંદિર, શિક્ષણ, સંસ્કૃતિ, આરોગ્ય કેન્દ્ર અને બાલક્રીડાંંગણની સુવિધા આપવામાં આવી હતી. ત્રણેય પુનર્વસન પ્રકલ્પ હેઠળ રૂપિયા 1.5 કરોડથી વધુ રકમનો ખર્ચ થયો હતો.

પુસ્તક પ્રકાશન (1966-74)

1966-74ના સમયગાળામાં ઘણાં મહત્ત્વનાં પ્રકાશનો બહાર પડ્યાં હતાં. એમાંનાં શ્રી શ્રીમાતૃચરણે, કર્મયોગ સૂત્રાવલિ, વિવેકાનંદનાં કાવ્યો, આદર્શ માનવનું નિર્માણ, સાધક શ્રીરામકૃષ્ણ, ગીતરૂપક તેમજ અન્ય પુન: પ્રકાશનો ઉલ્લેખનીય છે.

સ્વામી આત્મસ્થાનંદજીની ઉપસ્થિતિમાં થયેલ અન્ય પ્રવૃત્તિઓ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ.

બાળ પુસ્તકાલયનું ઉદ્‌ઘાટન

24મી ઓગસ્ટ 1966ના રોજ શ્રીકાકાસાહેબ કાલેલકરે શ્રીરામકૃષ્ણ આશ્રમની મુલાકાત લીધી હતી. 26 ઑક્ટોબર 1966ના રોજ સ્વામી રંગનાથાનંદજી મહારાજે નવા બંધાયેલા બાળ પુસ્તકાલયનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ બાળ પુસ્તકાલય શ્રીરામકૃષ્ણ આશ્રમ, પુસ્તકાલયનો એક ભાગ છે.

પોરબંદરના ભોજેશ્ર્વર બંગલામાં સ્વામી વિવેકાનંદના તૈલચિત્રનું અનાવરણ (1974)

1968માં પોરબંદરના સુખ્યાત એડવોકેટ શ્રીરાજાભાઈ લાદીવાળાએ સ્વામી આત્મસ્થાનંદજીને જણાવ્યું કે પોતાની પરિવ્રાજક અવસ્થામાં સ્વામી વિવેકાનંદ ભોજેશ્ર્વર બંગલામાં રહ્યા હતા. એમના આમંત્રણથી સ્વામી આત્મસ્થાનંદજી પોરબંદર ગયા અને ભોજેશ્ર્વર બંગલાની મુલાકાત લીધી. પાછળથી રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ સાથે તેઓ પોરબંદર ગયા અને ભોજેશ્ર્વર બંગલો બતાવ્યો. જેમણે સ્વામી વિવેકાનંદને નાની ઉંમરમાં જોયા હતા તેવા વયોવૃદ્ધ રવિશંકર અનુપરામ દવેને પણ મળ્યા. 1974ના જુલાઈમાં ભોજેશ્ર્વર બંગલામાં સ્વામીજીના ઐતિહાસિક નિવાસ અંગેના લખાણ સાથેની એક આરસતકતી મૂકવામાં આવી. સ્વામીજી જે ખંડમાં રહ્યા હતા તેમાં સ્વામીજીનું એક મોટું તૈલચિત્ર પણ મૂકવામાં આવ્યું. આ કાર્યમાં તત્કાલીન ગુજરાત રાજ્યના પંચાયતખાતાના મંત્રી શ્રીરતુભાઈ અદાણીએ ઘણું મહત્ત્વનું પ્રદાન કર્યું છે. પછીથી આ બંગલો રામકૃષ્ણ મિશનને સોંપવામાં આવ્યો.

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નામના ગુજરાતી માસિક સામયિકનો મંગલ પ્રારંભ (એપ્રિલ, 1989)

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણી શકાય તેવી એક ઘટના ઘટી. એપ્રિલ 1989થી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામના ગુજરાતી માસિક સામયિકનો મંગલ પ્રારંભ થયો. 13મી એપ્રિલ, 1989ના રોજ રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે આ માસિક પત્રિકાનો પ્રથમ અંક ભગવાન શ્રીરામકૃષ્ણદેવનાં શ્રીચરણકમળમાં અર્પણ કરવામાં આવ્યો હતો. તે દિવસે યોજાયેલ જાહેરસભામાં તેઓશ્રી અધ્યક્ષડસ્થાને હતા. આ માસિક પત્રિકાના પ્રથમ અંકનો વિમોચનવિધિ ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ શ્રીહરીન્દ્ર દવે, ‘જન્મભૂમિ’ના તત્કાલીન તંત્રીશ્રીના વરદ હસ્તે થયો હતો.

22મી નવેમ્બરના રોજ એક યુવાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ દિવસે બપોર પછી ‘સ્વામી વિવેકાનંદ અને સમાજસેવા’ વિશે એક શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તે દિવસે સાંજે મળેલી જાહેરસભાના અધ્યક્ષસ્થાને શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ હતા.

વિશ્વધર્મપરિષદ, શિકાગોમાં સ્વામી વિવેકાનંદે કરેલા પ્રતિનિધિત્વ અને સંભાષણનો શતાબ્દી મહોત્સવ (1993-94)

10 થી 17 ફેબ્રુઆરી, 1994માં બીજા તબક્કાના મહોત્સવનું આયોજન થયું હતું. આ શુભ પ્રસંગે વડોદરા, લીંબડી અને રાજકોટમાં અનુક્રમે 11-12-13 ફેબ્રુઆરી, 1994ના રોજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે 8 ફૂટ ઊંચી સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓનું અનાવરણ થયું હતું.

10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન વડોદરા, રાજકોટ, ધાણેટી, આદિપુર, ભૂજ અને અમદાવાદમાં વિશાળ જાહેર સભાઓનું આયોજન થયું હતું. આ જાહેરસભાઓમાં શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ, સ્વામી શ્રીકરાનંદજી મહારાજ, શ્રીયશવંતભાઈ શુક્લ વગેરેેએ પ્રવચનો આપ્યાં હતાં.

Total Views: 47
By Published On: August 1, 2017Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram