ગીતાના બીજા અધ્યાયમાં, ખાસ કરીને યોગના તત્ત્વજ્ઞાન પર પ્રકાશ પાડતા અને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો નિર્દેશતા છેલ્લા શ્ર્લોકોનો અભ્યાસ પૂર્ણ કર્યો. અને એ વિભાગ એના અંતિમ શ્ર્લોકથી પૂરો થયો : एषा ब्राह्मी स्थिति: पार्थ, ‘અર્જુન, આ બ્રહ્મમાં એકરૂપ થવાની સ્થિતિ છે.’ नैनां प्राप्य विमुह्यति, ‘એમાં દૃઢ થયો, તો પછી કદી તું મોહમાં નહીં પડે.’ स्थित्वाऽस्याम् अन्तकालेऽपि, ‘ઠેઠ અંતકાળે પણ એમાં તું દૃઢ થયો તો’, ब्रह्मनिर्वाणम् ऋच्छति, ‘તો તું બ્રહ્મમાં નિર્વાણ પામીશ.’
આ વીતેલાં અઠવાડિયાં દરમિયાન કેટલીયે વાર મેં કહ્યું છે કે, દૃઢ મન, મજબૂત મન, આપણી મોટામાં મોટી મૂડી છે. પસાર થતા દરેક તરંગથી હલી ઊઠતું ચંચલ ચિત્ત પૂર્ણતાભર્યા જીવન માટે સહાયરૂપ નથી. એટલે સંસારી જીવન માટે કે ઊર્ધ્વતર જીવન માટે, આપણે કરવાનું મોટું કાર્ય ચિત્તની કેળવણીનું છે. છઠ્ઠા અધ્યાયના પાંચમા અને છઠ્ઠા શ્ર્લોકમાં, ચિત્તને આપણું મિત્ર બનાવવાનું ગીતા કહેવાની છે; એને દુશ્મન ન બનાવો. અનેક વેળા આપણું ચિત્ત આપણો પોતાનો શત્રુ બની બેસે છે અને તેથી આપણે પીડાઈએ છીએ. આ મનને મજબૂત, દૃઢ અને જીવનસિદ્ધિનું સાધન કેવી રીતે બનાવવું તે જ ધ્યેય સમગ્ર કેળવણી, ધર્મ અને આંતર-માનવસંબંધોનું છે. એટલે બીજો અધ્યાય એ બુલંદ નાદ સાથે પૂરો થયો અને ત્યાં ભાર દેવામાં આવ્યો કે આ સ્થિતિનો સાક્ષાત્કાર અહીં અને હમણાં જ કરવાનો છે, કોઈ દૂરના સ્વર્ગમાં નહીં. આ વાત ફરી ફરી કહેવાની જરૂર છે. આપણે એટલું તો કરી જ શકીએ : સંપૂર્ણ સંયમી જીવન, આપણી પોતાની આકાંક્ષાઓ પ્રત્યે મૈત્રીપૂર્ણ મન અને એ જીવન પ્રાપ્ત કરી શકાય તે માટે એ મનને કેળવવું.
વેદાંતી વિચારણા અનુસાર આ જીવનમાં મારા જીવનહેતુને હું પૂર્ણપણે પ્રાપ્ત ન કરી શકું તો જ પુનર્જન્મ આવે છે. પછી વેદાંત કહે છે, ‘ઠીક છે, તને આ બીજી તક મળી છે.’ છઠ્ઠા અધ્યાયમાં એનો ઉલ્લેખ આવશે. પણ આ જીવનની ઉત્તમ બાબતને પ્રાપ્ત કરવા માટે આ જીવનનો ઉપયોગ કરવો એ ઉત્તમ છે; इहैव, इहैव, ‘અહીં જ’; એમ પાંચમા અધ્યાયના 19મા શ્ર્લોકમાં ગીતા પછીથી કહેવાની છે. આ વિશેષ ભાર છે; આ ભારની સાથે જ આ સિદ્ધિ આ જીવનમાં જ પ્રાપ્ત કરી શકાય તે માટે મનની કેળવણી અને નૈતિક મૂલ્યોના વિકાસ પરનો ભાર આવે છે. જો આ આદર્શ હોય તો કેવળ કર્મકાંડમય અને વિધિવિધાનોવાળા જીવનનો કશો જ અર્થ નથી; આપણે જે કંઈ પ્રાપ્ત કરવાનું છે તે અહીં ને હમણાં જ કરવાનું છે, દૂરનાં કોઈ સ્થળે કે સમયે નહીં. આમ આપણે ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ; અર્જુનને પ્રશ્ન કરવાની તક સાંપડે છે અને ગયા રવિવારે મેં કહ્યા પ્રમાણે, એમાંના ઘણા પ્રશ્નો આપણા પોતાના જ પ્રશ્નો છે એમ તમને જણાશે. કેટલીક વાર અર્જુન પ્રશ્ન કરે છે તો, કેટલીક વાર પ્રશ્નને ગૃહીત માનીને શ્રીકૃષ્ણ ઉત્તર આપે છે. ત્રીજો અધ્યાય બે શ્ર્લોકના અર્જુનના પ્રશ્નથી આરંભાય છે.
अर्जुन उवाच –
અર્જુન બોલ્યો,
ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन।
तत् किं कर्मणि घोरे मां नियोजयसि केशव॥1॥
‘હે જનાર્દન (કૃષ્ણ), તમારે મતે કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું હોય તો, હે કેશવ, આ ઘોર કર્મમાં જોડાવાનું મને શા માટે કહો છો ?’
‘હે કૃષ્ણ, કર્મ કરતાં જ્ઞાન – આગલા અધ્યાયમાં 49મા શ્ર્લોકમાં કહેલ યોગબુદ્ધિ – તમને ચડિયાતું લાગતું હોય તો તમે મને આ ઘોર કર્મ કરવાનું શા માટે કહો છો ? तत् किं कर्मणि घोरे मां नियोजयसि केशव? હું યોગબુદ્ધિ ખિલવીશ. આ યુદ્ધની ગંદકીમાં પડવાનું મને શા માટે કહો છો ? ઘણો ઉચિત પ્રશ્ન. હવે એ આગળ સમજાવે છે.
व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे।
तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्॥2॥
‘આ દેખીતા વિરોધી શબ્દો વડે, તમે જાણે કે મારી બુદ્ધિને ગૂંચવી મારો છો ! તો મારું શ્રેય હું નિશ્ર્ચિતપણે પ્રાપ્ત કરી શકું તે વસ્તુ મને સ્પષ્ટ કહો.’
‘ગૂંચવણભર્યા શબ્દો વડે જાણે કે તમે મારા મનને ભ્રમમાં નાખો છો.’ व्यामिश्रेणेव वाक्येन, ભેળસેળ વિચારોવાળાં વાકયો. એની અસર મારા મનને મૂંઝવણમાં, ભ્રમમાં નાખવાની છે. तद् एकं वद निश्चित्य, ‘મને સ્પષ્ટ અને ચોક્કસપણે એક માર્ગ ચીંધો.’ જેને તમે મારે માટે યોગ્ય ગણતા હો, येन श्रेयोऽहं आप्नुयाम्, ‘જે વડે હું મારું શ્રેય સાધી શકું.’ આ અર્જુનની વિનંતી છે. दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनंजय આપણે સામાન્ય કર્મો કરીએ છીએ તે સઘળાં બુદ્ધિયોગ કરતાં કયાંય ઊતરતાં છે; એમ આગલા અધ્યાયના 49મા શ્ર્લોકમાં આપણે જોયું; માટે बुद्धौ शरणं अन्विच्छ, ‘બુદ્ધિને શરણે જા’. અર્જુન આ વાતને પકડે છે : હું બુદ્ધિ ખિલવીશ, હું આ વલણ વિકસાવીશ; પછી મારે કર્મ શા માટે કરવું ? તેથી શા માટે મારી શક્તિને આ કર્મમાં, યુદ્ધના જેવા ઘોર કર્મમાં વેડફવી? આ પ્રશ્ન છે. આ અને પછીના અધ્યાયોમાં શ્રીકૃષ્ણ ઉત્તર આપે છે.
ગીતામાં ફરી ફરી ઉપસ્થિત થતા આ પ્રશ્ને આપણાં ભારતીય ચિત્તને સેંકડો વર્ષો સુધી વિમાસણમાં નાખ્યાં છે. कर्म विरुद्ध अकर्म। આપણા ધર્મ સાહિત્યમાં આ બાબત ફરી ફરી આવે છે. માટે શા માટે કર્મ કરવું ? શા માટે મૂગા ન પડયા રહેવું ? ગમે તેમ પણ આત્મા તો નિષ્ક્રિય છે.
મારે આત્મસ્વરૂપ થવું હોય તો મારે પણ નિષ્ક્રિય રહેવું જોઈએ; આમ અકર્મણ્યતાના આ સિદ્ધાંતનો ભારતીય ચિત્ત પર મોટો પ્રભાવ હતો. ‘હું શા માટે કર્મ કરું ?’ આનો વિકાસ એવો તો થયો કે લોકોમાં આળસ વ્યાપી ગઈ.
આ વિચાર-પરંપરાને લઈને સદીઓ સુધી ભારતના ચિત્ત પર નૈષ્કર્મ્યે આધિપત્ય ભોગવ્યું; नैष्कर्म्यसिद्धि: ‘નૈષ્કર્મ્ય દ્વારા સિદ્ધિ’ નામના એક વેદાંત ગ્રંથે સંન્યાસીઓમાં એ ભાવનાને મજબૂત બનાવી.
એ નૈષ્કર્મ્ય ભાવનાએ આસ્તે આસ્તે ગૃહસ્થો ઉપર પણ આક્રમણ કર્યું; અને એના અર્થની ગેરસમજે રાષ્ટ્રનો વિનાશ કર્યો. ‘કર્મ વિરુદ્ધ અકર્મ’ના આ વિષયને શ્રીકૃષ્ણે ગીતામાં ઉપાડયો છે; પણ, સ્વામી વિવેકાનંદના વ્યવહારુ વેદાંતના શિક્ષણને લઈને આજના યુગમાં જ ગીતા સાચી સમજાવા લાગી છે. ગીતાના ચોથા અધ્યાયના 18મા શ્ર્લોકમાં આવે છે કે સાચી આધ્યાત્મિક પદ્ધતિ વડે કર્મ અકર્મ બની જાય છે; આ અધ્યાયમાં શ્રીકૃષ્ણ કર્મ અને અકર્મની વાત કરે છે અને કર્મની અગત્ય ઉપર ભાર મૂકે છે એમ જુદા જુદા શ્ર્લોકના આપણા અધ્યયન દ્વારા તમને જોવા મળશે. (ક્રમશ:)
Your Content Goes Here