વિવેકાનંદના એક શિષ્ય સ્વામી વિરજાનંદે અદ્વૈતાનંદ વિશે લખ્યું છે :
1895ના સપ્ટેમ્બરમાં વૃંદાવન જતાં હું વારાણસી ઊતર્યો હતો અને ગોપાલદાની સાથે બંશી દત્તના મકાનમાં રહ્યો હતો. એમની ઓરડી હતી નાની પણ હતી ચોખ્ખી ચણાક. તેઓ ખૂબ વ્યવસ્થિત અને ઓછી વસ્તુથી નિભાવ કરનારા હતા. શિયાળામાં પણ એ વહેલા ઊઠતા અને ગંગાસ્નાન કરી દેવદેવીઓનાં સ્તોત્રો બોલતા બોલતા પાછા આવતા. 9-00 વાગ્યા સુધી એ જપધ્યાન કરતા અને પછી ઘેરઘેર ભિક્ષા માટે જતા. આધ્યાત્મિક સાધના, ભોજન, શયન, ચાલવા જવાનું અને બીજી તમામ પ્રવૃત્તિઓમાં એ ખૂબ જ નિયમિત હતા. એમની પાસે ચીજવસ્તુઓ થોડી જ હતી પણ એ બધી યથાસ્થાને જ રહેતી. આ એમની વ્યવસ્થાશક્તિનું અને રસવૃત્તિનું નિદર્શન હતું. સાંજે ફરવા જતી વેળા એ મને વારાણસીનાં અગત્યનાં સ્થળો બતાવતા. ગોપાલદાએ, સ્વામી અદ્વૈતાનંદે અને મેં ચાર દિવસમાં પંચકોશી પરિક્રમા કરી હતી ચુંમાળીસ માઈલ જેટલું ફર્યા હતા. બપોર સુધી અમે ચાલતા ને તે પછી અમે રાંધતા, જમતા અને આરામ કરતા. રસ્તાની બાજુએ આવેલાં ઝાડ નીચે અમે રાતે સૂતા.
સાધનામાં અને સંસારને ભૂલવામાં અદ્વૈતાનંદે વારાણસીમાં પાંચ વર્ષ ગાળ્યાં. વારાણસી આવનાર સૌ કોઈનું પણ એ ધ્યાન રાખતા અને આવનારને એ જ્યોતિનગરીનાં મંદિરો બતાવતા. તેઓ ઉંમરલાયક હોવા છતાં શરીરે તંદુરસ્ત હતા. પરંતુ ખુલ્લે પગે ચાલતાં એકવાર એમના પગમાં કાંટો ખૂંચી ગયો અને એમને ખૂબ પીડા આપવા લાગ્યો. 1896ની 13મી ઓગસ્ટે સ્વામી શિવાનંદે વારાણસીના પ્રમદાદાસ મિત્રને પત્ર લખ્યો હતો, ‘અમારા વૃદ્ધ સ્વામી (અદ્વૈતાનંદ) હાલ વારાણસી છે. એમણે લખ્યું છે કે પોતાના પગમાં વાગેલો એક કાંટો એમને બહુ પીડા આપી રહ્યો છે. બે વાર શસ્ત્રક્રિયા કરાવ્યા છતાં એ હજી પથારીવશ છે. એમની તપાસ કરવા અને એમને બનતી સહાય કરવા વિનંતી છે. હાલ એ સાગરચંદ્ર સુરના મકાનમાં રહે છે. એ મકાન કુચબિહાર કાલી મંદિરની પાછળ આવેલું છે. આપના ઉત્તરની અમે રાહ જોઈએ છીએ.’ ભક્તોની પ્રેમાળ સેવાથી અદ્વૈતાનંદ આસ્તે આસ્તે સાજા થઈ ગયા.
Your Content Goes Here