(ગતાંકથી આગળ)
આમ, સંધ્યા સમયે રથ નંદરાયના આંગણામાં આવીને ઊભો રહ્યો. સંધ્યાના આછા અંધકારમાં ઉદ્ધવને રથમાંથી ઉતરીને નંદજીના ઘરમાં જતા કોઈએ જોયા નહીં. તેમણે ઘરમાં પ્રવેશ કર્યો. શ્યામવર્ણના ઉદ્ધવ કે જેણે પીળું પીતાંબર અને કંઠમાં ફૂલની માળા પહેરી હતી તેને નંદરાયે જોયા ત્યારે જાણે શ્યામસુંદર આવ્યાનો આભાસ થયો પણ શ્યામના સખાને ઓળખતાં વાર ન લાગી. ઉદ્ધવે નંદરાયના પગમાં પડી પ્રણામ કર્યા, નંદરાય તેમને ભેટી પડ્યા. આનંદમાં આવી જઈ પ્રેમથી આદર-સત્કાર કર્યો, ભાવથી ભોજન કરાવ્યું, પછી બન્ને આરામથી વાતો કરવા બેઠા.
નંદરાય કૃષ્ણ-બલરામના સમાચાર જાણવા ઉત્સુક હતા. કૃષ્ણની વાત પૂછીશ તો તેનું નામ સાંભળી યશોદા વધુ દુ:ખી થશે, તેમ માની નંદરાયે વસુદેવના કુશળ સમાચાર પૂછ્યા. પછી ઉદ્ધવે કહ્યું, ‘શ્રીકૃષ્ણે તેમનો સંદેશો આપવા અને તમારા કુશળ સમાચાર જાણવા માટે મને મોકલ્યો છે. શ્રીકૃષ્ણ અને બલરામ યજ્ઞોપવીત ધારણ કરી, સાંદિપની ગુરુને આશ્રમેથી વિદ્યા પ્રાપ્ત કરી મથુરા પાછા ફર્યા છે. શ્રીકૃષ્ણના સમાચાર સાંભળતાં નંદજીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં.
તેઓ બોલ્યા, ‘શ્યામસુંદરના વિયોગમાં અમે મૃત:પ્રાય અવસ્થામાં જીવી રહ્યા છીએ. આખું વ્રજ જાણે વિરહના સાગરમાં ડૂબી ગયું છે. તેની માતા યશોદા રુદન કરી કરીને અંધ જેવાં બની ગયાં છે. તેની સ્નેહાળ માતાનો પ્રેમ કનૈયો ક્યારેય યાદ કરે છે? વ્રજના બધા જ વડીલો તેને પોતાના સંતાન કરતાં પણ વધુ સ્નેહ કરતા, તેનું સ્મરણ તેને ક્યારેય થાય છે? પ્રિય ગોપસખાઓને તેના વિના ક્યાંય ચેન પડતું નથી અને ગોપીઓની તો શું વાત કરું? તેઓ કૃષ્ણવિયોગમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. વ્રજનાં નર-નારી, આબાલવૃદ્ધ – બધાં જ કૃષ્ણના વિયોગમાં પાગલ જેવાં થઈને જીવે છે. વ્રજની ગાયો ગોપાલને ખૂબ વહાલી હતી. તે તેના વિના ઘાસ ખાતી નથી અને મથુરાની દિશા તરફ જોઈને રુદન કરી રહી છે. ગિરિરાજ કે જેને ગોવિંદે સાત દિવસ પોતાની આંગળી ઉપર ધારણ કર્યો હતો, તે પણ તેના વિયોગથી શુષ્ક અને ઉદાસ થઈ ગયો છે. આ વ્રજને તેણે કેટલીયવાર વિપદોમાંથી બચાવ્યું છે, તેની રક્ષા કરી છે. શું કનૈયો એકવાર અહીં આવી અમને દર્શન આપી, અમારા જીવનમાં પ્રાણનો સંચાર કરશે? તે અમારા પ્રાણ સમાન છે.’
નંદરાય વળી દુ:ખનો ઊભરો ઠાલવતા હોય તેમ કહેવા લાગ્યા, ‘શ્યામસુંદર વિના ઘર કારાગાર જેવું લાગે છે. ઘરમાંથી દુ:ખ ભૂલવા બહાર નીકળું છું, તો વ્રજમાં કોઈ એવું સ્થાન નથી કે જેની સાથે કૃષ્ણની સ્મૃતિ સંકળાયેલી ન હોય. વ્રજની વાટોમાં હજી તેનાં નાનાં નાનાં ચરણચિહ્નો અંકાયેલાં છે. વનની દિશામાંથી તેની મુરલીના મધુર સૂર મને સંભળાય છે. કદંબના વૃક્ષને જોતાં તેના લલિત-ત્રિભંગ સ્વરૂપનાં દર્શન મને થાય છે. એવી કોઈ કુંજ નથી કે જ્યાં સખાઓ સાથે એણે અનેક ખેલ ન ખેલ્યા હોય. આમ જ્યાં જ્યાં મારી દૃષ્ટિ પડે છે ત્યાં બધે મને કૃષ્ણ દેખાય છે.’
આમ નંદબાબા ઉદ્ધવને વાત કરતાં કરતાં શ્રીકૃષ્ણનું મિલન અનુભવવા લાગ્યા અને શ્રીમુખારવિંદના રૂપની વાત કરવા લાગ્યા, ‘મારા ગોપાલના રૂપની શી વાત કરું? તેની રૂપમાધુરીનું પાન કરતાં કદી તૃપ્તિ થતી નથી. તેના ગુણોનું ગાન એક મુખેથી પૂરું થાય તેમ નથી. તેણે અનેક રાક્ષસોને મારીને અમ વ્રજવાસીઓની સતત રક્ષા કરી છે. હે ઉદ્ધવ, આવા ગુણવાન પુત્ર માટે અમે માતાપિતા થવા યોગ્ય નથી.’
આમ નંદરાય વાત કરતાં કરતાં વાત્સલ્ય પ્રેમના પ્રબળ ભાવમાં વિહ્વળ થઈ ગયા. તેમનો કંઠ રુંધાઈ ગયો અને મૌન ધારણ કરી બેસી રહ્યા.
જશોદા માની સ્થિતિ વધુ શોચનીય છે. મથુરાથી શ્રીકૃષ્ણના સખા આવ્યા છે, પણ તેની સાથે કનૈયો આવ્યો નથી તે જાણી તેઓ મૂર્છિત થઈ ગયાં. નંદરાય અને ઉદ્ધવ કૃષ્ણની વાતો કરી રહ્યા હતા, તે તેમના કાનમાં પડતાં તેઓ ધીમે ધીમે સચેત થયાં. તેમની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. તીવ્ર વાત્સલ્યપ્રેમના ભાવાવેગમાં તેમના સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી. તેઓ કશું બોલી શકે તેવી સ્થિતિમાં ન હતાં. કૃષ્ણની મધુર લીલાઓનું સ્મરણ કરતાં તેઓ તન્મય થઈ બેસી રહ્યાં.
મથુરામાં શ્રીકૃષ્ણ માતાપિતાના પ્રેમને યાદ કરી જે વ્યથા અનુભવતા હતા, તેનું ચિત્ર ઉદ્ધવના મનમાં હજુ અંકાયેલું હતું. વ્રજમાં આવીને તેણે જોયું કે માતાપિતાની વિરહવ્યથા પણ તેટલી જ અસહ્ય છે. તેઓને સાંત્વના આપવાનું કાર્ય કેટલું કઠિન છે, તે તેને સમજાયું. શ્રીકૃષ્ણને તેઓ પુત્રભાવે જુએ છે, તેથી વધુ વ્યથા અનુભવી રહ્યાં છે. શ્રીકૃષ્ણ પરમેશ્ર્વર છે, એમ સમજી જો તેઓ ભજે તો દુ:ખ રહેતું નથી, તેમ માની ઉદ્ધવ હવે નંદજીને જ્ઞાન આપે છે –
‘શ્રીકૃષ્ણ સર્વજગતના આત્મા છે, નિયંતા છે, સ્વયં પરબ્રહ્મ પરમેશ્ર્વર અવતર્યા છે, તે તમારાં અહોભાગ્ય છે. તેમના અવતરણથી વ્રજધામ અને આખી પૃથ્વી ધન્ય થઈ ગઈ છે. શ્રીકૃષ્ણ જરૂર એકવાર વ્રજમાં આવશે. તમારો વાત્સલ્યપ્રેમ તેમને વ્રજમાં ખેંચી લાવશે. તમને સુખ આપશે, તમારી કામના પૂર્ણ કરશે.’ આમ નંદરાય અને ઉદ્ધવે આખી રાત્રી શ્રીકૃષ્ણનું મધુર સ્મરણ અને જ્ઞાનની વાતો કરીને વિતાવી.
બ્રાહ્મમુહૂર્ત થતાં સ્નાનાદિ પ્રાત:કર્મ કરવા ઉદ્ધવ બહાર નીકળ્યા. વૃંદાવનની ગલીઓમાં ઘેર ઘેરથી વલોણાના અવાજ સંભળાતા હતા. ગોપીઓ પ્રેમથી ઉચ્ચ સ્વરે શ્રીકૃષ્ણનાં રૂપ, ગુણ અને લીલાનું ગાન કરી રહી હતી. તેઓનો મધુર કંઠસ્વર અને મંથનનો સ્વર મળી મંગળધ્વનિ ઉત્પન્ન થતો હતો. અને તેનાં આંદોલનો જાણે કે ગગનમંડળમાં ફેલાતાં હતાં. ઉદ્ધવને વિચાર આવ્યો કે શ્રીકૃષ્ણના વિરહમાં ડૂબેલી ગોપીઓ આ કાર્ય કેવી રીતે કરી શકે છે? પણ ગોપીઓ કે જેમનું ચિત્ત સદાય કૃષ્ણમાં જ ચોંટેલું રહેતું તેથી તેઓ અવારનવાર કૃષ્ણનું મિલનસુખ માણતી. ગોપાલની સેવા અર્થે પહેલાંની જેમ બધાં કાર્યો કરતી જેવાં કે દહીં મથવું, માખણ તૈયાર કરવું, ગોપાલ માખણ ખાવા આવશે તેની પ્રતીક્ષામાં બેસવું, વગેરે.
સૂર્યોદય થતાં નંદબાબાને ઘરે વ્રજજનોની અવરજવર શરૂ થઈ. તેઓએ આંગણામાં મોટો સુવર્ણ રથ જોયો. આ રથ કોનો હશે અને એકાએક ક્યાંથી આવ્યો, તેનો વિચાર કરવા લાગ્યા. ઉદ્ધવ યમુનામાં સ્નાન કરી પાછા ફર્યા ત્યારે રથ જોઈ ગોપીઓ અંદર અંદર વાતો કરી રહી હતી તે તેણે સાંભળી.
એક ગોપી બીજી ગોપીને કહે છે, ‘આ રથને ઓળખતા નથી? આ તો રાજધાની મથુરાનો રથ છે.’ વળી બીજી ગોપી બોલી, ‘આ રથનું પૈડું પકડી આપણે કેટલાં આંસુ સાર્યાં હતાં?’ વળી બીજી એક ગોપી આંખમાં આંસુ સાથે કહેવા લાગી, ‘આ એ જ રથ છે, જે રથ લઈ ક્રૂરતાની મૂર્તિ સમા અક્રૂર આવીને શ્યામસુંદરને મથુરા લઈ ગયા હતા.’ ગોપીઓની આવી હૃદય વિદારક વાતો સાંભળી ઉદ્ધવનું હૃદય દ્રવી ઊઠ્યું. રથના પૈડાંનાં નિશાન આજે પણ જેમનાં તેમ વ્રજભૂમિમાં અને વ્રજજનોના હૃદયમાં અંકાયેલાં છે.
ઉદ્ધવને જોઈ ગોપીઓ વિચારમાં પડી. આ વ્યક્તિ શ્યામસુંદર જેવી દેખાય છે, પણ તે શ્યામસુંદર નથી. ઉદ્ધવનો વર્ણ શ્યામ છે, હાથ લાંબા અને આંખો ખીલેલા કમળ સમાન સુંદર છે. તેણે શ્રીકૃષ્ણની પ્રસાદીરૂપ મળેલું પીળું પીતાંબર અને કંઠમાં પ્રસાદી માળા પહેરી છે. વળી તેની ચાલ નટવરના જેવી જ છે. આમ શ્યામસુંદર સમાન રૂપ, વેશ ધારણ કરી આવનાર કોણ હશે? (ક્રમશ:)
Your Content Goes Here