હિન્દુધર્મની આખ્યાયિકાઓની ભૂમિકા

આ ભૂમિકા સૌ પ્રથમ પ્રગટ થયેલી વાર્તા પહેલાં આપવી જોઈએ. પણ અત્યારે આપીએ છીએ એ માટે વાચકો અમને માફ કરશે એવી અપેક્ષા.

આ માસિકમાં આ વાર્તાઓ સ્વ. શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા લખાયેલી 32 વાર્તાઓ પૈકીની છે. આખ્યાયિકા એટલે કહેવાયેલી, વર્ણવેલી કથા કે વાર્તા. આ વાર્તાઓનું મૂળ વેદો, ઉપનિષદો, મહાકાવ્યો, ભાગવત, પુરાણ વગેરે પ્રાચીન શાસ્ત્રગ્ંરથોમાં છે.

આજે આપણો એ પ્રાચીન સમૃદ્ધ, શ્રેષ્ઠ અને મૂલ્યનિષ્ઠ વાર્તાઓનો વારસો મૂળ સંસ્કૃતમાં સચવાયેલો છે. આ અમૂલ્ય ખજાનો આજના વાચકો સુધી પહોંચે એવો શ્રી નાનાભાઈ ભટ્ટનો ઉદાત્ત સંકલ્પ હતો. એમણે આ બધા ગ્રંથોમાંથી પાત્રો, પ્રસંગોની પોતાની રીતે પસંદગી કરીને, તેના આરંભ, વિકાસ અને અંતમાં પોતાની સર્જનાત્મક શક્તિને કામે લગાડીને તેના નાટ્યાત્મક ઉપાડ અને અંતનું સર્જન કર્યું છે. તેના ટૂંકા અને સચોટ સંવાદો એમની સર્જનશક્તિનું ઉત્તમ ઉદાહરણ છે.

એમણે લખેલ ‘રામાયણનાં પાત્રો’ અને ‘મહાભારતનાં પાત્રો’ એ એનો પરિપાક છે. તેમણે સમાજના ‘ક્લાસ’ વર્ગના હાથમાં રહેલાં ધર્મતત્ત્વજ્ઞાનને ‘માસ’ સુધી લઈ જવાનું મહાન કાર્ય કર્યું છે.

શ્રી નાનાભાઈ ભટ્ટ એટલે જન્મજાત શિક્ષક. એટલે તેમણે કિશોર અને યુવવયની નવી પેઢી, અશિક્ષિત કે અલ્પશિક્ષિત લોકો પોતાની જબરી કોઠાસૂઝથી આ ધર્મજીવનને સમજી વિચારીને જીવનમાં ઉતારે એ બાબતને બરાબર ધ્યાનમાં રાખી છે. અત્યારે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને કારણે સમાજમાં જે પરિસ્થિતિ જોવા મળે છે તેના ઉકેલ માટેનું સુયોગ્ય માર્ગદર્શન અને નિરસન આ વાર્તાઓમાંથી મળી રહેશે એમ અમે માનીએ છીએ.

દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર સંસ્થાની સ્થાપનામાં હૂંફ અને સાથ આપનાર શ્રી હરગોવિંદ અજરામર પંડ્યાને શ્રદ્ધાંજલિરૂપે અને કાકા સાહેબ કાલેલકરના ‘પ્રાચીન સાહિત્યના ગહન અભ્યાસનો લાભ નાનાભાઈએ નવી પેઢીને આપવો જોઈએ,’ આ પ્રસ્તાવથી 1920-30ની વચ્ચેના સમયગાળામાં આ વાર્તાઓ રચાઈ છે.

આ વાર્તાઓ ‘શ્રી રામકૃષ્ણ જ્યોત’ પોતાના વાચકો સમક્ષ મૂકે છે ત્યારે હું ધન્યતા અનુભવું છું. તેના સંપાદકોએ તેને પ્રગટ કરવા માટે ઉત્સુકતા દાખવી તે માટે તેમનો આભાર માનું છું. વાચકો આ વાર્તાઓમાંથી પ્રગટ થતાં જીવંત તત્ત્વજ્ઞાન, ધર્મ અને જીવનના મર્માર્થોને પ્રમાણશે એવી આશા રાખું છું.

– ભરત નાનાલાલ ભટ્ટ

‘કેમ, માતરિશ્ર્વા હજી નથી આવ્યા કે શું ? જાતવેદા પણ જણાતા નથી,’ ઇંદ્રાસન પર ચડતાં ચડતાં દેવરાજ બોલ્યા.

‘અગ્નિદેવ તો આ ચાલ્યા આવે; માત્ર માતરિશ્ર્વા આવ્યા નથી,’ પૂષાએ નમ્રતાથી જવાબ આપ્યોે.

‘જી ! મને જરા મોડું થઈ ગયું; વાયુ હમણાં આવે છે,’ બેસતાં બેસતાં અગ્નિ બોલ્યા.

‘આપણે અસુરોનો પરાજય કરી શક્યા, એ તમે અને વાયુ હો તો જ બને !’ દેવરાજ ઇંદ્રે અગ્નિની સામે જોઈને કહ્યું.

‘અમે તો અમારું બળ દેવરાજને ચરણે મૂક્યું છે. બાકી અસુરોએ જ્યારે કિકિયારી કરીને પહેલવહેલો હલ્લો ઉપાડ્યો ત્યારે અમને પણ થઈ ગયું કે હવે દેવોનું પુણ્ય પરવાર્યું !’ અગ્નિએ વાત ઉપાડી.

‘લ્યો, આ વાયુ પધાર્યા,’ વરુણે દરવાજા તરફ નજર નાખીને કહ્યું.

‘પધારો વાયુદેવ !’ ઇંદ્રે આસન આપ્યું.

‘શી વાત ચાલે છે, મહારાજ?’

‘વિજયના ઉત્સવમાં બીજી શી વાત હોય ? વાત તો આપણા સૌની, અને ખાસ તમારા પરાક્રમની.’

‘એમાં અમે કશું નથી કર્યુુું. અમારું બળ જો આવે વખતે કામ ન લાગે તો પછી એ શા ખપનું ?’ માતરિશ્ર્વા આંખો ચડાવતા બોલ્યા, ‘પૂછો આ અગ્નિને, પેલા મહાસુરને મારતાં અમને પણ કેટલી વીતી હતી ?’

દેવસભામાં આ પ્રમાણે વાત ચાલી રહી છે. એટલામાં દરવાજા પાસે એક આકૃતિ દેખાઈ અને ઇન્દ્રની નજર એકદમ તે તરફ ગઈ.

‘પેલા દરવાજામાં કોણ છે?’

પૂષાએ જોયું, વરુણે જોયું, અગ્નિએ જોયું; બધા દેવોએ જોયું અને સ્તબ્ધ થઈ ગયા.

‘કોણ છે એ?’

સૌ ચૂપચાપ બેસી રહ્યા, મનમાં ઘા ખાઈ ગયા.

‘અગ્નિ ! અમારા સૌમાં તમે વધારે તેજસ્વી છો; તો એ શું છે તે જાણી આવો.’

‘ભલે.’

અગ્નિદેવ દરવાજા પાસે ગયા પણ કાંઈ પૂછી શક્યા નહીં. એટલે પેલી આકૃતિએ પૂછ્યું : ‘તું કોણ છે ?’

‘હું પ્રસિદ્ધ અગ્નિ છું, જાતવેદા છું; ઉત્પન્ન થયેલી બધી વસ્તુઓ હું જાણનારો છું.’

‘એમ ? ત્યારે તારામાં શું બળ છે ?’

‘આ પૃથ્વીમાં તથા અંતરિક્ષમાં જે બધા સ્થાવરજંગમ પદાર્થો છે તે સર્વને બાળીને ભસ્મ કરી નાખું એવું મારામાં બળ છે.’

‘તો લે, આને જ બાળ,’ એમ કહી એ આકૃતિએ ખડનું એક તણખલું તેની પાસે મૂક્યું અને પછી ઉમેર્યું : ‘સ્થાવરજંગમ પદાર્થો બાળવાની વાત આપણે પાછળથી કરીશું.’

અગ્નિ તૈયાર થયો અને તણખલા પર પોતાનું બળ અજમાવવા લાગ્યો. પણ તણખલું સળગે તો કે? અગ્નિ તો આ છેડા પર આવે અને પેલા છેડા પર જાય; તણખલાને ચત્તું કરે ને ઊંધું કરે; પણ તણખો સરખો યે પ્રગટ થાય તો કે? સ્થાવરજંગમ પદાર્થોને ભસ્મ કરી નાખવાની તેની તાકાત આજે કોણ જાણે કયાં ચાલી ગઈ !

આખરે થાકીને અગ્નિ પાછો આવ્યો, એના મોં પર શેરડા પડ્યા. માથું નીચું વાળીને એણે કહ્યું : ‘એ કોણ છે તે હું જાણી શક્યો નથી.’

આખી સભા નિસ્તેજ બની ગઈ. જાતવેદા જાણી ન શકે એ તો ગજબ ગણાય !

‘વાયુદેવ ! એ કોણ છે તે આપ જોઈ આવો તો?’

વાયુને તો કહ્યું એટલી જ વાર. પ્રચંડ વેગથી તે દરવાજા પાસે ગયો. પણ ગયો એટલું જ; દરવાજા પાસે પહોંચીને સ્તબ્ધ ઊભો રહ્યો.

‘તું કોણ છે?’

‘હું પ્રસિદ્ધ વાયુ છું. હું તો માતરિશ્ર્વા, આકાશમાં ચાલનારો.’

‘એમ? ત્યારે તારામાં શું બળ છે?’

‘પૃથ્વી પર ને અંતરિક્ષમાં જે સ્થાવરજંગમ પદાર્થો છે તે સર્વને એક પળમાં હું ઉડાડી મૂકું એવી મારામાં તાકાત છે.’

‘ત્યારે આને જ ઉડાડ જોઈએ?’ એમ કહીને એ જ ખડનું તણખલું આકૃતિએ આવનાર વાયુની પાસે મૂક્યું, અને ઉમેયુર્ર્ં : ‘સ્થાવરજંગમ પદાર્થોને ઉડાડી મૂકવાની વાત આપણે પાછળથી કરીશું.’

વાયુ તો આવા તણખલા પર બળ અજમાવવામાં જ શરમાય! વેગથી તે તણખલા પર ધસ્યો અને તેને ઉડાડવા માટે ભગીરથ પ્રયત્ન કરવા લાગ્યો, પણ તણખલું તો હલે સુધ્ધાં નહિ! વાયુ થાક્યો અને ઝંખવાણો પડી પાછો વળ્યો.

‘હું એ આકૃતિને જાણી શક્યો નથી.’

વિજયના ઉત્સવ કરનાર દેવની આ શી દશા ?

‘હે ઇન્દ્ર, હે મધવન્! હવે તો આપ જ તેને જાણી આવો.’

‘અગ્નિ અને વાયુ જેવા તો પાછા આવ્યા! એ શું હશે વારુ?’ એમ વિચાર કરતા-કરતા દેવરાજ દરવાજા તરફ ચાલ્યા. તેમનાં પગલાં ધીમાં હતાં. તેમનો શ્વાસ મંદ હતો; તેમનું મન ઊંડું ઊતરી ગયું હતું. આજના વિજયોત્સ્વની ધામધૂમથી જાણે તે છૂટા પડી ગયા હતા!

દરવાજા પાસે જઈને જુએ તો ત્યાં કોઈ ન મળે ! ‘ઇન્દ્રાસન ઉપરથી જોયેલી આકૃતિ ક્યાં અદૃશ્ય થઈ ગઈ! એ શું હતું ? ક્યાં ગયું ?’

દેવરાજ ઇન્દ્ર ત્યાં ને ત્યાં જ સમાધિમાં પડ્યા, એમનું મન એ આકાશમાં સ્થિર થયું. થોડી વારે એ સ્થળે ઉમા પ્રગટ થયાં. આખા જગતનું સૌંદર્ય ઉમામાં ભર્યું હતું, તેમનું શરીર સોનાની જેમ ચળકતું હતું.

દરવાજે ઉમાને જોયાં ત્યારે દેવરાજના હૃદયમાં હિંમત આવી ને એમણે પૂછ્યું : ‘માતા ! થોડા સમય પહેલાં અહીં જે હતું તે શું હતું ?’

દેવરાજના દીન વદનને પ્રફુલ્લ કરતાં ઉમા બોલ્યાં: ‘એ તો પરમાત્મા હતા. આ તમારા અગ્નિ અને તમારા વાયુ જે બળનું અભિમાન કરે છે તે બળ તેમને ક્યાંથી મળ્યું છે? તમે દેવો અને અસુરો એક જ પ્રજાપતિના પુત્રો છો, વળી અસુરો તમારાથી મોટા પણ છે. છતાં વિજય તમને કેમ મળ્યો તે તમે જાણો છો? તમારામાં જે કાંઈ છે તે પરમાત્માનું છે અને તમે તો નિમિત્ત માત્ર છો એવું તમને ભાન છે, માટે તો તમે દેવ છો અને તેથી તમારો વિજય છે. અસુરો પરમાત્માને ગણકારતા નથી અને પોતે જ સર્વસ્વ છે એવા અભિમાનમાં મસ્ત છે. માટે તે અસુરો છે.

‘એ પરમાત્મા આવ્યા કેમ અને ગયા કેમ, તે હું સમજી શકતો નથી.’

‘સાંભળ, અસુરોના પરાજયથી તમે સૌ ઉત્સવ કરવા એકઠા થયા. તમે તો એમ જ માનવા લાગ્યા કે આપણા જ બળથી અસુરોનો પરાજય થયો છે. તને પણ બળનું અભિમાન થઈ આવ્યું હતું, અગ્નિ અને વાયુ તો ઊપડ્યા ઊપડે નહિ એવા થઈ ગયા! એટલે પરમાત્માને  તમારી દયા આવી. તમને પણ જો અભિમાન આવે તો તમે ય અસુરો થયા કે બીજું કાંઈ ?’

‘તમને અસુરો થતા અટકાવવા માટે, તમારું દેવપણુંં જાળવી રાખવા માટે, તમારું અભિમાન હણી તમને ઠેકાણે લાવવા માટે અને જગતમાં દેવાસુરસંગ્રામમાં દેવોનો જ વિજય છે એમ સિદ્ધ કરવા માટે પરમાત્માએ કૃપા કરી એ રૂપ ધારણ કર્યું ! અને અગ્નિ તથા વાયુ જેવાઓને ચમત્કાર દેખાડી દીધો. બેટા ! જા. તું દેવોનો રાજા છે. તમારા સૌમાં જે શક્તિ છે તે પરમાત્માની છે એવું ભાન તમારામાં જ્યાં સુધી જાગ્રત હશે ત્યાં સુધી તમે દેવ છો, એનું વિસ્મરણ થશે તે ક્ષણથી તમે અસુરો છો. દેવાસુરસંગ્રામમાં અંતે વિજય દેવોનો જ છે. એમાં શક નથી.’ આટલું કહીને ઉમા અદૃશ્ય થયાં અને દેવરાજ સભામાં પાછા આવ્યા.

ઇન્દ્રે સભામાં આવી બધી હકીકત દેવોને સંભળાવી એટલે અગ્નિ તથા વાયુને પણ ભાન આવ્યું અને સૌના મનમાં ઘડીભર જે અસુરાવેશ થઈ ગયો હતો તે તુરત નીકળી ગયો.

ઇન્દ્રે પૂછ્યું : ‘વિજય કોનો?’

અગ્નિએ કહ્યું : ‘પરમાત્માનો.’

ઇન્દ્રે પૂછ્યું : ‘વિજય કોનો?’

વાયુએ જવાબ આપ્યો: ‘વિજય પરમાત્માનો.’

ઇન્દ્રે કહ્યું : ‘વિજય પરમાત્માનો જ, બીજા કોઈનો નહિ.’

Total Views: 748

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.