ભગવાન વિષ્ણુનું પૃથ્વી પર અવતરવાનું આશ્ર્વાસન

એક સમયની વાત છે. અસંખ્ય દૈત્યોએ અહંકારી રાજાઓનું રૂપ ધારણ કરીને આખી પૃથ્વીને ધમરોળી નાખી.  આ ભાર વહન ન કરી શકવાથી ધરતી માતાએ ગૌમાતાનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શંકરને સાથે લઈને બ્રહ્માજી પાસે ગયાં. કરુણ સ્વરે રડતાં રડતાં ધરતી માતાએ બ્રહ્માજીને પોતાની વિતકકથા કહી. બ્રહ્માજી પણ મા ધરતીની રામકહાણી સાંભળીને દુ:ખી થયા. તેમણે કહ્યું, ‘હે પુત્રી ! કેવળ નારાયણ જ આ વિશે તમને મદદ કરી શકે. આપણે સૌ દેવો સાથે એમની પાસે જઈએ.’ ત્યાર બાદ બ્રહ્માજી અને ગૌરૂપધારી ધરતી માતા ભગવાન શંકરની સાથે ક્ષીરસાગરના કિનારે ગયાં. ત્યાં પહોંચીને એમણે ભક્તિભાવથી ‘પુરુષસૂક્ત’ દ્વારા નારાયણની સ્તુતિ કરી. સ્તુતિ કરતાં કરતાં બ્રહ્માજી ધ્યાનમગ્ન બની ગયા. થોડી વાર પછી એમને પોતાના અંત:કરણમાં એક દિવ્ય આકાશવાણી સંભળાઈ. આ અવાજ ભગવાન વિષ્ણુનો હતો. બ્રહ્માજી સમાધિભાવમાંથી જાગૃત થયા અને એમણે દેવતાઓને સંબોધીને કહ્યું, ‘હે દેવો ! મેં ધ્યાનાવસ્થામાં ભગવાનની વાણી સાંભળી છે. તમે લોકો પણ મારા મુખે તે સાંભળો. ભગવાન વિષ્ણુ પૃથ્વી માતાનાં કષ્ટો જાણે છે. તેમણે મૃત્યુલોકમાં વસુદેવ-દેવકીના પુત્રરૂપે જન્મ લેવાનો નિર્ણય કર્યો છે. તમે લોકો પણ પોતપોતાના અંશો સાથે યદુકુળમાં જન્મ લઈને એમની લીલામાં સહયોગ આપો.’

બ્રહ્માજીની વાત સાંભળીને માતા પૃથ્વી અને દેવતાઓ પૂરેપૂરાં આશ્ર્વસ્ત થઈ ગયાં અને પ્રસન્ન થઈને પોતપોતાના લોકમાં ચાલ્યાં ગયાં.

વસુદેવ અને દેવકીનો વિવાહ

આજથી આશરે ચાર હજાર વર્ષ પહેલાંની વાત છે. ભારતના ઉત્તરપશ્ચિમ પ્રદેશને એ દિવસોમાં ‘શૂરસેન દેશ’ કહેતા હતા. તેની રાજધાની મધુદૈત્ય દ્વારા વસાવી હોવાને કારણે મધુપુરી કહેવાતી. પાછળથી તેનો અપભ્રંશ થતાં મથુરાના નામે જાણીતી બની. તે વખતે ત્યાં અંધક, ભોજ અને વૃષ્ણિવંશના યાદવોનો વિશેષ પ્રભાવ હતો. ભોજકુળના મહારાજા ઉગ્રસેન શૂરસેન દેશ પર રાજ્યશાસન ચલાવતા હતા. તેઓ મથુરામાં રહેતા હતા. નામથી ઉગ્ર લાગતા આ રાજાનો સ્વભાવ અત્યંત શાંત અને કોમળ હતો. પરંતુ તેમનો પુત્ર કંસ ખૂબ દુરાચારી અને ક્રૂર હતો. વૃષ્ણિવંશના મહામના વસુદેવ ગોવર્ધન પર્વતની આજુબાજુના પ્રદેશમાં રાજ્ય કરતા હતા. કંસની પિતરાઈ બહેન દેવકી સાથે એમનો વિવાહ થયો હતો. કંસને પોતાની બહેન ન હતી એટલે તે પોતાની આ પિતરાઈ બહેન દેવકીને ખૂબ ચાહતો. વસુદેવ અને દેવકીના વિવાહ થયા પછી વસુદેવ પોતાની નવવિવાહિતા પત્નીને ઘેર લઈ જવા આવ્યા. સાસરે જતી દેવકીના પ્રવાસનું ભવ્ય આયોજન થયું. ક્ધયાને વિદાય કરતી વખતે દેવકીના પિતા દેવકે પોતાની પુત્રીને  સોનાના હારથી અલંકૃત કરીને ચારસો હાથી, પંદર હજાર ઘોડા અને અઢારસો રથ કરિયાવર રૂપે આપ્યાં હતાં. પોતાની વહાલી બહેનની વિદાયથી કંસ દુ:ખી દુ:ખી હતો. રથની પાસે આવીને દેવકીને રાજી રાખવા કંસ પોતે રથ હાંકવા લાગ્યો. થોડીવાર પછી તેણે આ આકાશવાણી સાંભળી, ‘અરે મૂરખ ! જે બહેનને તું રથમાં લઈ જાય છે તેનું આઠમું સંતાન તારો વધ કરશે.’

આ સાંભળીને કંસ ચોંકી ઊઠ્યો અને ભયભીત થઈ ગયો. એણે તો ખેંચી તલવાર, દેવકીના કેશ પકડીને થયો મારવા તૈયાર. થોડી પળો પહેલાં બહેન પ્રત્યે એટલો પ્રેમભાવ હતો કે તે એનો રથ હાંકતો હતો. જેવું એણે જાણ્યું કે એની બહેનને કારણે પોતાનું જીવન સંકટમાં છે, તેવો જ એનો પ્રેમ કપૂરની જેમ ઊડી ગયો અને દેવકીને મારવા તૈયાર થયો.

વસુદેવજીએ કંસને શાંત કરવા અને દેવકીનું રક્ષણ કરવા પ્રયાસ કર્યો. તેમણે કહ્યું, ‘હે રાજકુમાર! તમે પોતાની હમણાં જ વિવાહિત થયેલ બહેનનો વધ કરવાનો વિચાર કેમ કરી શકો ? નાની બહેન હોવાને નાતે તે તો તમારી પાસેથી કૃપાની આશા રાખે છે. દયા કરીને તેને જીવનદાન આપો.’

પરંતુ આ બધું સાંભળીને ક્રૂર કંસે પોતાનો ઘોર સંકલ્પ ન છોડ્યો. એટલે વસુદેવે બીજી યુક્તિ કરી અને કહ્યું, ‘હે સૌમ્ય ! આકાશવાણી દ્વારા તમે જે કાંઈ સાંભળ્યું તે પ્રમાણે તમને તમારી બહેનનો તો કોઈ ભય નથી. ભય છે તેના થનારા પુત્રનો. હું તમને એટલી ખાતરી આપું છું કે દેવકીના બધા પુત્રો જન્મતાંની સાથે તમને સોંપી દઈશ.’

વસુદેવનો આ પ્રસ્તાવ સાંભળીને કંસને થોડી શાંતિ થઈ. એને ખબર હતી કે વસુદેવજી વચનપાલક છે. તેણે પોતાની બહેનને મારી નાખવાનો વિચાર છોડી દીધો. વસુદેવજીને પણ થોડી નિરાંત થઈ અને તેઓ દેવકીને લઈને ઘેર આવ્યા.

થોડા સમય પછી દેવકીએ પહેલા પુત્રને જન્મ આપ્યો. એનું નામ રાખ્યું ‘કીર્તિમાન’. માતપિતાનો આનંદ ક્ષણિક બની ગયો. આપેલા વચન પ્રમાણે નવજાત પુત્ર કંસને આપવાનો હતો. તેઓ પુત્રને લઈને કંસ પાસે ગયા અને કહ્યું, ‘આ રહ્યો મારો પુત્ર, આપેલા વચન પ્રમાણે હું એને તમારી પાસે લઈને આવ્યો છું. હવે તેનું તમારી ઇચ્છા પ્રમાણે જે કરવું હોય તે કરો.’

કંસ વસુદેવની સત્યનિષ્ઠા પર વારી ગયો. હસતાં હસતાં એણે કહ્યું, ‘હું સુકુમાર બાળકને મારવા નથી માગતો. આકાશવાણી પ્રમાણે આપનું આઠમું બાળક મને મારશે. આ તો પહેલું બાળક છે એટલે મને એનો કોઈ ભય નથી.’ વસુદેવ પ્રસન્ન થઈને એ બાળક સાથે પાછા આવ્યા. તેઓ એ જાણતા હતા કે દુષ્ટ કંસની વાત પર ભરોસો ન કરી શકાય. ગમે તે પળે એનો વિચાર બદલી શકે અને તે બાળકને મારી પણ શકે. બન્યું પણ એવું જ.

કંસનો યાદવો પર અત્યાચાર

એકવાર દેવર્ષિ નારદે કંસની પાસે જઈને કહ્યું, ‘કંસ! વ્રજમાં રહેનાર નંદ આદિ ગોપ, વસુદેવ આદિ યાદવ અને દેવકી જેવી વૃષ્ણિવંશની સ્ત્રીઓ, આ બધાં દેવીદેવતા છેેે. તેઓ ભગવાન વિષ્ણુના આદેશથી આ પૃથ્વી લોક પર અસુરોનો વિનાશ કરવા અવતર્યાં છે.’ કંસ તો આ સાંભળીને હતપ્રભ અને ભયભીત થઈ ગયો. તેને હવે ખાતરી થઈ કે દેવકીના ગર્ભમાંથી ભગવાન વિષ્ણુ જ તેને મારવા જન્મશે. તેણે તરત વસુદેવ અને દેવકીને હાથકડી અને પગે બેડીઓ બાંધીને કારાગારમાં પૂરી દીધાં.

તેણે દેવકીના પ્રથમ પુત્રને નિર્દયતાથી મારી નાખ્યો. પછી તો તે યાદવોને ધિક્કારવા લાગ્યો. જાત જાતની યુક્તિઓ અજમાવીને તેમને રંજાડવા લાગ્યો. તેેણે યાદવોના મુખી અને પોતાના પિતા ઉગ્રસેનને પણ બંદીવાન બનાવી દીધા. કેટલાક યાદવો આ અત્યાચારથી બચવા બીજા દેશમાં જઈને વસવા લાગ્યા.

સમય પસાર થતો ગયો. કંસે એક પછી એક દેવકીના છ પુત્રોને મારી નાખ્યા. દેવકીના ગર્ભમાં સાતમું બાળક વૃદ્ધિ પામતું હતું. ભગવાન નારાયણના અંશ આદિશેષ જ સાતમા પુત્રના રૂપે દેવકીના ગર્ભમાં હતા. હવે નારાયણ વિષ્ણુએ વિચાર્યું કે પૃથ્વીલોકમાં પોતાને પ્રગટ કરવાનો સમય આવી ચૂક્યો છે. એમણે પોતાની શક્તિ યોગમાયાને બોલાવીને કહ્યું, ‘દેવી ! તમે વ્રજમાં જાઓ. ત્યાં અનેક ગોપાલો રહે છે. ત્યાં વસુદેવનાં બીજા પત્ની રોહિણી રહે છે. આ સમયે મારો અંશ કે જેને શેષ કહે છે તે દેવકીના ગર્ભમાં છે. તમે એને ત્યાંથી બહાર કાઢીને રોહિણીના ગર્ભમાં મૂકી આવો. તે બલરામના નામે જાણીતા થશે. હું પોતે દેવકીના આઠમા પુત્ર રૂપે જન્મ લઈશ અને મારું નામ કૃષ્ણ પડશે. તમે નંદબાવાના પત્ની યશોદાના ગર્ભમાં જન્મ લેજો.’

યોગમાયા પોતાના સ્વામીનું આજ્ઞાપાલન કરવા પોતે આ ધરતી પર આવ્યાં. જ્યારે દેવકીના ગર્ભને રોહિણીના ઉદરમાં રાખ્યો ત્યારે નગરવાસી ઘણા દુ:ખ સાથે રડતાં રડતાં કહેવા લાગ્યા, ‘અરેરે, બિચારી દેવકીનો આ ગર્ભ પણ નાશ પામ્યો.’

દેવકીનું રક્ષણ

ભગવાન નારાયણે દેવકીના પુત્રરૂપે જન્મતાં પહેલાં વસુદેવજીના અંત:કરણમાં પ્રવેશ કર્યો. એ સમયે વસુદેવ સૂર્યસમા તેજસ્વી બની ગયા. એમને જોઈને લોકોની આંખો અંજાઈ જતી. પછી નારાયણે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો ત્યારે દેવકીના દેહની દિવ્યકાંતિથી સમગ્ર બંદીગૃહ ઝગમગી ઊઠ્યું. કંસે જ્યારે પોતાની બહેનનું આ અલૌકિક સૌંદર્ય જોયું ત્યારે તે મનમાં ને મનમાં બોલી ઊઠ્યો, ‘આ વખતે સૌથી મોટા દુશ્મન નારાયણે તેના ગર્ભમાં પ્રવેશ કર્યો જ છે. પહેલા દેવકીને આટલી દેદીપ્યમાન જોઈ નથી. હવે મારે કરવું શું? દેવકીને મારવી યોગ્ય ન ગણાય. એક તો એ સ્ત્રી છે, વળી મારી બહેન છે અને ગર્ભવતી છે. જો આવી અવસ્થામાં હું એને મારી નાખું તો આખું જગત મારી ટીકા કરશે. તેને મારવાથી મારી કીર્તિ, મારી લક્ષ્મી અને આયુષ્ય નાશ પામશે. આવા નરાધમને મૃત્યુ પછી બધા લોકો ગાળો દેવાના જ,’ આવું વિચારીને એેણે દેવકીને મારી નાખવાનો વિચાર છોડી દીધો અને તેના પુત્રના જન્મની આતુરતાથી રાહ જોવા લાગ્યો. ગમે તે હોય પણ આવનાર બાળકનો વિચાર કેમેય કરીને એના મનમાંથી જતો ન હતો. ઊઠતાંબેસતાં, ખાતાંપીતાં, સૂતાંજાગતાં અને હરતાં-ફરતાં એ બાળકનો જ વિચાર કરવા લાગ્યો.                                       (ક્રમશ:)

Total Views: 275

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.