મણકો છઠ્ઠો –  યોગદર્શન

પાંચમા મણકામાં દર્શાવ્યા મુજબ પતંજલિનું યોગદર્શન એ કપિલના સાંખ્યદર્શનનો જોડિયો સહોદર જ છે. તત્ત્વમીમાંસા જે સાંખ્યની છે તે જ યોગની પણ છે. સાંખ્યનાં પચ્ચીસ તત્ત્વો, એનું સ્વરૂપ, એની ઉત્ક્રાન્તિ, એ ઉત્ક્રાન્તિનો ક્રમ- આ બધું યોગદર્શનને માન્ય જ છે. સાંખ્યના આત્મબહુત્વના સિદ્ધાંતને તેમજ આત્મ-અનાત્મવિવેકથી થતી મુક્તિને પણ તે માને છે. સંસાર-જગત અવિવેકજન્ય છે, એમાં પણ બન્ને દર્શનો સંમત છે. એટલે જ ભલે આ બન્ને દર્શનોના સ્થાપકો અલગ અલગ હોય, તો પણ પ્રાચીનકાળનાં આ બન્ને દર્શનોના પાયાના સિદ્ધાંતો તો એકસરખા જ છે અને આ જ કારણે ચિંતકો અને વિદ્વાનોની એ બન્નેનો એક સાથે વિચાર કરવાની પરંપરા શરૂ થઈ છે.

આ બન્ને વચ્ચેનો ફરક હોય તો તે આ છે કે સાંખ્ય દર્શન ઈશ્વરમાં માનતું નથી અને યોગદર્શન ઈશ્વરમાં માને છે. તેથી વિદ્વાનો સાંખ્યને નિરીશ્ર્વર સાંખ્ય અને યોગને સેશ્ર્વર સાંખ્ય એવાં નામ આપે છે.

સાંખ્ય દર્શને બતાવેલો જગતનું બંધન કરનારો એ અવિવેક કે અવિદ્યા તુચ્છ નથી. એને દૂર કરવા માટે સાધના એટલે યોગ જરૂરી છે. આ સાધનામાર્ગનું નિરૂપણ પાતંજલ યોગદર્શનમાં કરાયું છે. આ સાધનાયોગ પુરુષને અવિવેકથી મુક્ત કરી દે છે અને તેથી વિવેકનો લાભ થતાં વિવિધ દુ:ખનું આત્યંતિક નિવારણ-મોક્ષ-થાય છે.

આ યોગનો અર્થ ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવો એવો થાય છે. આ યોગનું લક્ષ્ય-પ્રયોજન, આત્માને માનસિક વૃત્તિઓ રૂપે પોતાની જાતની ઓળખ કરતો અટકાવવાનો છે, પરન્તુ જ્યાં સુધી એ વૃત્તિઓ હયાત હોય ત્યાં સુધી આમ થવું તો અશક્ય જ છે. એટલા માટે ખરેખર તો આ યોગ બધી માનસિક વૃત્તિઓના નિરોધ માટે જ ખડો છે. આ વિષયના સમ્બન્ધમાં આ માનસિક વૃત્તિઓની ચર્ચા કરતાં આનુષંગિક રીતે આ યોગદર્શન એમના કાર્યક્ષેત્રના પાંચ સ્તરો એટલે કે ચિત્તભૂમિને આ રીતે વર્ણવે છે :  (1) ક્ષિપ્ત (2) મૂઢ (3) વિક્ષિપ્ત (4) એકાગ્ર  અને (5) નિરુદ્ધ. ‘ક્ષિપ્ત’ નો અર્થ ચંચળ છે. આ દશામાં ચિત્ત રજોગુણના ઊભરાથી અસ્થિર હોય છે, ત્યારે એ બહિર્મુખ હોવાથી સુખદુ:ખાદિમાં પ્રવૃત્ત રહે છે. ‘મૂઢ ચિત્ત’ તમોગુણના ઊભરાથી વિવેકશૂન્ય અને કર્તવ્યાકર્તવ્યના વિચારશૂન્ય હોય છે અને ક્રોધાદિથી વિમાર્ગગામી બને છે. ‘વિક્ષિપ્ત ચિત્ત’ સત્ત્વગુણના ઊભરાથી દુ:ખસાધનો છોડીને સુખસાધનો-શબ્દાદિમાં પ્રવૃત્ત થાય છે. પેલા ‘ક્ષિપ્ત’ કરતાં આ ‘વિક્ષિપ્ત’ ચિત્ત ક્યારેક સ્થિર બની શકે છે. બાકીના સ્તરો- એકાગ્ર અને નિરુદ્ધ-બન્ને સત્ત્વગુણની ઉત્કૃષ્ટતા માટે ઉપયોગી છે. બાહ્ય વિષયોના નિરોધથી એક જ વિષયમાં એકાકાર વૃત્તિવાળા ચિત્તને ‘એકાગ્ર’ કહે છે અને બધી જ વૃત્તિઓ -સંસ્કારોના લયની ચિત્તદશાને ‘નિરુદ્ધ’ કહે છે. યોગમનોવિજ્ઞાનનો બસ આટલો સરવાળો છે.

હવે આ યોગદર્શનની કર્તવ્યમીમાંસાનો વિચાર કરીએ તો એનાં આઠ પગથિયાં પાડવામાં આવ્યાં છે. એમાં પહેલાં પાંચ પગથિયાં ‘બાહ્યાંગ સાધના’ માટેનાં છે અને પછીનાં ત્રણ પગથિયાં ‘અંતરંગ સાધના’ માટેનાં છે. આપણે હવે એ આઠેય પગથિયાં વિશે સંક્ષેપમાં વાત કરીશું.

બાહ્યાંગ સાધનામાં- યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર- એમ પાંચ પગથિયાંનો  સમાવેશ થાય છે અને બાકીનાં ત્રણ – ધારણા, ધ્યાન અને સમાધિનો સમાવેશ અંતરંગ સાધનામાં થાય છે.

થોડુંક વિગતે જોઈએ: –

બાહ્યાંગ સાધના

(1) યમ- એટલે સંયમ. એના પાંચ પ્રકાર છે. અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી તે), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અપરિગ્રહ એટલે કે વિષયોની પ્રાપ્તિ રક્ષણ વગેરેમાં દોષ હોવાને લીધે એનો સ્વીકાર ન કરવો તે.

(2) નિયમ- આ નિયમના પણ પાંચ પ્રકાર છે: શૌચ (બહાર-ભીતરની શુદ્ધિ), સન્તોષ (પોતાની પાસે હોય તે કરતાં વધારેની ઇચ્છા ન કરવી), તપ (સહિષ્ણુતા અને વ્રતપાલન), સ્વાધ્યાય (મોક્ષશાસ્ત્રાધ્યયન અને પ્રણવ મંત્રજાપ) અને ઈશ્વરપ્રણિધાન (ઈશ્વરમાં ભક્તિપૂર્વક સર્વકર્મસમર્પણ).

(3) આસન- સ્થિર અને સુખદાયક રીતે બેસવાની રીતને આસન કહેવામાં આવે છે. ધ્યાન કરવા માટે એ જરૂરી છે કે સાધકે શરીરસુખકારક અને મનને શાન્તિ આપે એવી બેઠક પસંદ કરવી જોઈએ.

(4) પ્રાણાયામ- આસનસિદ્ધિ થયા પછી શ્ર્વાસ-પ્રશ્ર્વાસમાં ગતિનિયમનને પ્રાણાયામ કહેવામાં આવે છે. બહારના વાયુને અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહેવાય છે અને અંદરના વાયુને બહાર કાઢવાની ક્રિયાને પ્રશ્ર્વાસ કહેવાય છે. આ બન્નેની ગતિનું પ્રાણાયામમાં નિયમન- વિચ્છેદ-અવરોધ થાય છે. રેચક, પૂરક, કુંભક અને કેવળ કુંભક એવા એના ચાર વિભાગ છે.

(5) પ્રત્યાહાર- જ્યારે બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયથી છૂટીને નિરુદ્ધ થઈ જાય છે ત્યારે એ સ્થિતિને પ્રત્યાહાર કહેવામાં આવે છે. એમાં બહિર્મુખી ઇન્દ્રિયો અંતર્મુખી બની જાય છે અને સાધકનો ઇન્દ્રિયો ઉપર પૂરો અધિકાર થઈ જાય છે.

અન્તરંગ સાધના

(6)  ધારણા- હૃદય, નાસિકાગ્ર, જીહ્વાગ્ર કે કોઈ બાહ્ય પદાર્થ-દેવમૂર્તિ વગેરેમાં ચિત્તને જોડવાની ક્રિયાને ‘ધારણા’ કહેવાય છે. આસન, પ્રાણાયામ સિદ્ધ થયા પછી આ ધારણા સહેલાઈથી થઈ શકે છે.

(7) ધ્યાન- કોઈ ખાસ પ્રદેશમાં ધ્યાન કરવા યોગ્ય વસ્તુનું જ્ઞાન જ્યારે એકાકારરૂપે અવિચ્છિન્ન ધારાવાહિક બની રહે છે અને એને રોકવા માટે કોઈ બીજું જ્ઞાન હોય જ નહિ, ત્યારે એ અવસ્થાને ધ્યાન કહેવામાં આવે છે.

(8) સમાધિ- વિક્ષેપોને દૂર કરીને ચિત્તની થતી એકાગ્રતાને સામાન્યત: સમાધિ કહેવાય છે. અહીં ધ્યેયવસ્તુના આવેશમાં ધ્યાન જાણે કે સ્વરૂપશૂન્ય બની જાય છે અને ધ્યેયવસ્તુનો આકાર ધારણ કરી લે છે. ધ્યાનની અવસ્થામાં તો ધ્યાન-ધ્યેય-ધ્યાતાનો ભેદ રહે છે. પણ આ સમાધિ અવસ્થામાં તો એવો કશો ભેદ રહેતો નથી.

છેવટે એટલું કહેવું જોઈએ કે યોગદર્શનની દૃષ્ટિએ સમાધિનો ઉચ્ચતમ ધ્યેય-વિષય ઈશ્વર છે. એટલે યોગદર્શન ઈશ્વરના અસ્તિત્વમાં માને છે. એનો ઈશ્વર પૂર્ણ સત્ત્વ, અનન્ત, શાશ્ર્વત, ચૈતન્યસ્વરૂપ, વિશુદ્ધ અને નિર્દુષ્ટ તત્ત્વ છે.

Total Views: 65
By Published On: September 1, 2017Categories: Keshavlal V Shastri0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram