પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ સ્થળે સ્થિરવાસ કરીને ધર્મની આરાધના કરતા હોય છે, પરંતુ પર્યુષણનો લાક્ષણિક અર્થ છે ‘આત્માની સમીપ વસવું.’ આત્મવિજય માટે આત્મઓળખ અનિવાર્ય છે. એ આત્મતત્ત્વને જોવા માટે એકાંત અને શાંતિ જોઈએ. બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ જોઈએ અને એ નિવૃત્તિમાં આત્મવિશ્ર્લેષણની આંતર પ્રવૃત્તિ જોઈએ.
આત્માની સમીપ રહેવું એટલે શું ? અનંતકાળથી આત્મા મોહ અને મિથ્યાત્વમાં અથવા કષાય અને અજ્ઞાનમાં વસતો આવ્યો છે. પોતાના સ્વ-ભાવને ભૂલીને વિભાવને જ નિજ સ્વરૂપ માની બેઠો છે. પરિણામે માનવી પારાવાર પીડા, દુ:ખ, કંકાસ અને ક્લેશમાં ડૂબેલો રહે છે, ભૌતિક લાલસાના મૃગજળ તરફ આંધળી દોટ લગાવી રહ્યો છે.
આવા માનવીને પર્યુષણ પર્વ પૂછે છે કે આ પર્વ સમયે એ વિચાર કર કે તું કોણ છે ? તેં શું મેળવ્યું છે? અને શું પામવાનું તારું લક્ષ્ય છે ? દોડધામ કરતો માનવી છેક મૃત્યુ જુએ ત્યારે જીવનનો વિચાર કરવાનો પ્રારંભ કરે છે. એ માનવીને ભૌતિક સમૃદ્ધિની મૂર્છામાંથી જગાડતું પર્વ તે પર્યુષણ પર્વ છે. ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિનું આ પરમ પવિત્ર પર્વ છે. અજ્ઞાનમાંથી સમ્યક્જ્ઞાન તરફ, સ્વહિતને બદલે પરહિત તરફ અને વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં લઈ જનારું પર્વ છે.
જૈન ધર્મમાં સર્વપ્રથમ આગમ શ્રીઆચારાંગ સૂત્રમાં કહ્યું છે, ‘જે રીતે કેરીના હૃદયમાં છુપાયેલી ગોટલીમાં એક વિશાળ આંબાનું વૃક્ષ છુપાયું છે, એ રીતે હે માનવ! તારી કાયામાં પરમાત્મા વસેલો છે. એને તું શોધી લે.’
પર્વાધિરાજ પર્યુષણ પર્વ એ વ્યક્તિના જીવનમાં સદાકાળ જન્મોજનમ સુધી રહેનારી ઊર્ધ્વ ભાવનાઓની ખુશ્બૂભરી વસંત સર્જે છે. ભગવાન મહાવીરે પાયાનો વિચાર કર્યો કે માનવ આટલો બધો લાચાર, હતાશ અને નિરાશ કેમ છે. એમણે જોયું કે માનવી બહારનાં પરિબળોને કારણે નહીં, પરંતુ પોતાને કારણે જ હારેલો છે. એની તૃષ્ણા, લાલસા અને મિથ્યાત્વને પરિણામે એ પરાજિત છે.
આ પરાજયને વિજયમાં પલટાવવા માટે ભગવાન મહાવીરે સંયમ, અહિંસા અને મૈત્રીનો માર્ગ બતાવ્યો. સતત જીવનશુદ્ધિ કરવાનો સંદેશ આપ્યો અને તેથી પર્યુષણ પર્વ એ કોઈ લાભ કે ભોગનું પર્વ નથી, કિંતુ ત્યાગ અને સત્ત્વનું લોકોત્તર પર્વ છે.
લૌકિક પર્વોથી માનવીના શરીરનું પોષણ થાય છે, જ્યારે પર્યુષણ પર્વથી માનવીના મનનું પોષણ થાય છે. જપ, તપ, મૈત્રી અને ક્ષમા દ્વારા એ પોતાની ભીતરની ચેતનામય જ્યોતિ સુધી પહોંચે છે. અનંતકાળથી જે આત્મા મિથ્યાત્વ, કષાય, મોહ અને અજ્ઞાનમાં વસતો રહ્યો છે, માનવીને એનું જીવન કેવું છે અને એનો આત્મા ક્યાં છે એની પણ જાણ નથી. આવે સમયે પર્યુષણ પર્વ માનવીને આત્મરત, આત્મસંલગ્ન અને આત્મપ્રિય બનાવતું પર્વ છે.
આ પર્વ અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, વિભાવમાંથી સ્વભાવ તરફ, વેરમાંથી મૈત્રી તરફ, પીડામાંથી પ્રેમ તરફ અને સ્વહિતમાંથી પરહિત પ્રત્યે લઈ જનારી સાધના પ્રકિયા છેે. પર્યુષણની આરાધનાને પરિણામે માનવી એની જીવનશુદ્ધિના એક પછી એક સોપાન ચડતો જાય છે અને હૃદયશુદ્ધિ, ચિત્તશુદ્ધિ અને આત્મશુદ્ધિ દ્વારા એ આંતરખોજ કરતો હોય છે.
માનવી ચંદ્રની ધરતી પર ઊતર્યો કે મંગળના ગ્રહનો વિચાર કરવા લાગ્યો, પરંતુ આત્માની ધરતી હજી એને અજાણી છે. એની ઇન્દ્રિયો એની આસપાસ મોહ અને આકર્ષણના કિલ્લા રચી દે છે.
સ્વાદેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય એને સતત ભોજન અને કામનાના સુખ તરફ દોડાવે છે.
આવે સમયે પર્વાધિરાજ પર્યુષણ પર્વ વ્યક્તિને બહારની દુનિયાના આનંદને બદલે ભીતરની પ્રસન્નતાને જાણવાનો અને જગાડવાનો આદેશ આપે છે. પર્યુષણ પર્વ એટલે આત્માની દિવાળી. જેમ દિવાળીએ વ્યક્તિ પોતાના વેપારના નફાતોટાનો વિચાર કરે છે, એ રીતે પર્યુષણ પર્વ દરમિયાન એ પોતાના આત્માને ત્રણ પ્રશ્ન પૂછે છે. એનો પહેલો પ્રશ્ન આ છે- હું કોણ છું ? એનો અર્થ નથી કે એનો બાયોડેટા પૂછે છે. પરંતુ એનો મર્મ એ છે કે એણે પોતાનું સ્વરૂપ કેટલું જાણ્યું છે.
એનો બીજો પ્રશ્ન એ છે કે મેં શું મેળવ્યું છે ? અર્થાત્ જીવનમાં મર્ત્ય અને અમર્ત્ય અથવા ક્ષણભંગુર અને શાશ્ર્વત એવી બે બાબત છે. એમાંથી મેં એવી કઈ અમર્ત્ય બાબત મેળવી છે કે જો હું આ ધરતી પર જીવતો ન હોઉં તો પણ એ જીવતી હોય ! અને ત્રીજો પ્રશ્ન એ છે કે મેં મારા જીવનમાં શું મેળવ્યું છે ? ધન, સંપત્તિ, પરિવારજનો તો સ્થાયી હોતાં નથી, પરંતુ મેં કશુંક એવું સાધનાથી મેળવ્યું છે કે જે સદાકાળ મારા આત્મામાં સંચિત રહે.
આ રીતે વ્યક્તિની ભીતરમાં બિરાજમાન આત્મદેવતાની આરાધનાનો આ અવસર છે અને તેથી જ ઇન્દ્રિયોને જીતનારા જિનને પૂજનારા એ જૈન કહેવાય. જૈન ધર્મ એ કોઈ કુળ કે જાતિનો ધર્મ નથી, પરંતુ અંતરની તાકાત કેળવવાનો, સાધનાપથ દર્શાવનારો અને આત્માને ઓળખવાને માટે સતત યત્ન કરતો ધર્મ છે. કર્મ-કષાયોને જીતે તે જૈન. આજે બહારની દુનિયામાં દોડવાનું નથી, પરંતુ કષાયમુક્તિ મેળવવાની છે. ‘કષ’ એટલે સંસાર અને ‘આય’ એટલે વૃદ્ધિ. કષાયના કિલ્લામાં કેદ વ્યક્તિ જન્મમરણની પરંપરા વધારે છે, ત્યારે પર્યુષણ પર્વ એ વ્યક્તિને કહે છે, ‘તારા જૈનત્વને જગાડીને જન્મમરણની પરંપરા વધારનારા કષાયના કિલ્લામાંથી મુક્ત થા.’
તો કરીશું શું ? જૈન ધર્મના આગમ ‘શ્રીદશવૈકાલિક સૂત્ર’ને યાદ કરીએ એના આઠમા અધ્યાયમાં કહ્યું છે : ‘ઉપશમથી ક્રોધને નષ્ટ કરો, મૃદુતા દ્વારા માનને જીતો, સરળતા દ્વારા કપટભાવને દૂર કરો અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો.’
પર્વાધિરાજ પર્યુષણમાં આત્મજાગૃતિ, આત્મઓળખ અને આત્માનંદ સાથે ક્ષમાયાચના કરીએ.
નમો અરિહન્તાણં ।
નમો સિદ્ધાણં ।
નમો આયરિયાણં ।
નમો ઉવજ્ઝાયાણં ।
નમો લોએ સવ્વસાહૂણં ।
એસો પંચનમોક્કારો સવ્વ-પાવ-પ્પણાસણો ।
મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવઈ મંગલમં ॥ અર્હતોને નમસ્કાર.
સિદ્ધોને નમસ્કાર.
આચાર્યોને નમસ્કાર.
ઉપાધ્યાયોને નમસ્કાર.
લોવવર્તી સર્વ સાધુઓને નમસ્કાર.
આ પાંચ નમસ્કાર મંત્ર બધાં પાપોનો વિનાશ કરે છે અને બધાં મંગલોમાં પ્રથમ મંગલ છે.
Your Content Goes Here