મારી ઇચ્છા કરતાં હરિ ઇચ્છા વધુ સારી

એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઈને કરિયાણાની દુકાને ખરીદી કરવા ગઈ. સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક વેપારીની સામે જોઈને હસતો હતો. વેપારીને બાળકનું આ નિર્દોષ હાસ્ય ખૂબ ગમ્યું. જાણે કે આખા દિવસનો થાક ઊતરતો હોય એમ લાગતું હતું. વેપારીએ બાળકને પોતાની પાસે બોલાવ્યો. બાળક જેવો વેપારી પાસે ગયો એટલે વેપારીએ નોકર પાસે ચોકલેટની બરણી મગાવી. ઢાંકણ ખોલીને બરણી બાળક તરફ લંબાવી અને કહ્યું, ‘બેટા, તારે જેટલી ચોકલેટ જોઈતી હોય એટલી તારી જાતે લઈ લે.’ છોકરાએ જાતે ચોકલેટ લેવાની ના પાડી. વેપારી વારંવાર બાળકને ચોકલેટ લેવા કહેતો રહ્યો અને બાળક ના પાડતો રહ્યો.

બાળકની મા દૂર ઊભી ઊભી આ ઘટના જોઈ રહી હતી. થોડીવાર પછી વેપારીએ પોતે બરણીમાં હાથ નાખીને એક મૂઠી ભરીને ચોકલેટ બાળકને આપી. બાળકે પોતાના બંને હાથનો ખોબો ધરીને વેપારીએ આપેલી ચોકલેટ લઈ લીધી. વેપારીનો આભાર માનીને કૂદતો કૂદતો પોતાની મા પાસે જતો રહ્યો.

દુકાનેથી પાછી ફરતી વખતે માએ આ બાળકને પૂછ્યું, ‘બેટા, તને પેલા કાકા ચોકલેટ લેવાનું કહેતા હતા તો પણ તું ચોકલેટ કેમ નહોતો લેતો ?’ છોકરાએ પોતાનો હાથ માને બતાવતાં કહ્યું, ‘જો મમ્મી, મારો હાથ તો બહુ જ નાનો છે. મેં મારી જાતે જ બરણીમાં હાથ નાખીને ચોકલેટ લીધી હોત તો મને બહુ ઓછી ચોકલેટ મળત. અંકલનો હાથ બહુ મોટો હતો. એમણે મૂઠી ભરીને ચોકલેટ આપી તો મારો ખોબો ભરાઈ ગયો.’

આપણા હાથ કરતાં ઉપરવાળાનો હાથ અને હૈયું બહુ મોટાં છે માટે માગવાને બદલે શું આપવું એ એના પર છોડી દેવું જોઈએ. આપણી જાતે લેવા જઈશું તો નાની મૂઠી ભરાય એટલું મળશે અને એના પર છોડી દઈશું તો ખોબો ભરાય એટલું મળશે.

વિધિ-વિધાનો શા માટે ?

એકવાર ગૌતમ બુદ્ધ પસાર થતા હતા ત્યારે તેણે એક સજ્જનને સ્નાન બાદ દિશાઓને વંદન કરતો જોયો. બુદ્ધ ઊભા રહીને આ સજ્જન શું કરે છે તે જોવા લાગ્યા. પેલી વ્યક્તિએ પૂર્ણ ભાવ સાથે છ દિશાઓને વંદન કર્યાં.

વંદનવિધિ પૂર્ણ થયો એટલે બુદ્ધે પૂછ્યું, ‘ભાઈ, તું આટલા ભાવથી આ છ દિશાઓને વંદન કરતો હતો પણ તને ખબર છે કે દિશાઓને શા માટે વંદવામાં આવે છે ?’ પેલા સજ્જને કહ્યું, ‘આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે માટે હું વંદન કરું છું પણ સાચું પૂછો તો મને એ ખબર નથી કે આ વંદન શા માટે કરવામાં આવે છે ?’ બુદ્ધે કહ્યું, ‘તું જે કાર્ય કરે છે તેની પાછળ રહેલા ઉદ્દેશની તને ખબર જ નથી તો પછી આવું કાર્ય તો માત્ર યંત્રવત્ જ બની જાય! એમાં કોઈ ભાવ ના હોય.’ સજ્જને બુદ્ધને જ પ્રાર્થના કરતાં કહ્યું, ‘આપ વિદ્વાન છો. આપ જ કૃપા કરીને મને સમજાવોને કે આ દિશાવંદનનું રહસ્ય શું છે ?’

ગૌતમ બુદ્ધે દિશાવંદનના રહસ્યને ઉજાગર કરતાં કહ્યું, ‘માતા અને પિતા પૂર્વ દિશા છે, ગુરુ અને શિક્ષક દક્ષિણ દિશા છે, જીવનસાથી (પતિ-પત્ની) અને સંતાનો પશ્ચિમ દિશા છે, મિત્રો ઉત્તર દિશા છે, માલિક ઊર્ધ્વ દિશા-આકાશ છે અને નોકર અધોદિશા-ધરતી છે. આ છ દિશાઓને પ્રણામ કરવા પાછળ એવી તમામ વ્યક્તિઓને પ્રણામ કરવાની ભાવના રહેલી છે જે આપણા જીવનનો મહત્ત્વનો હિસ્સો છે.’

તથાગત બુદ્ધની આ સ્પષ્ટતા પછી એવું નથી લાગતું કે આપણે પણ રોજ છ દિશાઓને વંદન કરવાં જોઈએ. દિશાઓ સાથે સાંકળવામાં આવેલ તમામ વ્યક્તિઓ આપણા જીવનમાં ન હોત તો શું થાત ? એની કલ્પના પણ કરી શકીએ તેમ નથી.

Total Views: 1,361

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.