બિલખા રાજ્યના દીવાન ત્રિભુવનભાઈ સાથે પરિચય થયો. એમણે વિનંતી કરી કે હું એમની સાથે બીલખા જઈને રાજ્યના ખર્ચે એક નિ:શુલ્ક આયુર્વેદિક ઔષધાલયની સ્થાપના કરું. બધો ખર્ચ રાજ્ય આપશે. વર્ષમાં એક હજાર રૂપિયા કે તેનાથી વધારે ખર્ચ થાય તો પણ રજવાડું દેશે. એક સ્થાનિક વૈદ્ય રહેશે અને તે મારા કહેવા પ્રમાણે કામ કરશે. મારે તો કેવળ નિર્દેશ જ કરવાનો રહેશે. એ સિવાય બીજી કોઈ જવાદારી નહિ હોય. આ ઉપરાંત રાજ્યમાં હરિજનો માટે એક સ્કૂલની સ્થાપનામાં પણ મને મદદ કરશે. આ બધા માટે ભવન અને કર્મચારીઓ રાજ્ય તરફથી મળશે. આ બધું એક પ્રયોગ રૂપે થશે, એ શરતે હું (લેખક) જવા તૈયાર થયો. પૂરી જવાબદારી રાજ્યની રહેશે અને નિયમિતરૂપે ખર્ચ ન આપે તો તેને બંધ કરી દેવામાં આવશે. પૂજ્ય સુધીર મહારાજ (સ્વામી શુદ્ધાનંદ)ને મેં આ સૂચના મોકલી. એનું કારણ એ હતું કે લોકોની એવી ધારણા બંધાઈ શકતી હતી કે તે રામકૃષ્ણ મિશનની જ એક શાખા છે. ત્રિભુવનભાઈની વિનંતીથી તેનું નામ ‘રામકૃષ્ણ સેવાશ્રમ’ રાખ્યું. ત્યાર પછી વાતચીત પાકી થતાં હું ડિસેમ્બરમાં બિલખા ગયો. આશ્રમનો આરંભ થતાં પહેલાં સ્વામી વિશ્વાનંદ મારી સાથે આવ્યા હતા. ફણી મહારાજ પણ હતા. વાત પાકી થતાં 1930ના જાન્યુઆરીમાં એક શુભ મુહૂર્તે ત્યાં સેવાશ્રમનું ઉદ્‌ઘાટન કર્યું. બિલખા રાજ્યે ‘લીલાપ્રસંગ’નો પહેલો ભાગ છપાવવાનો અને રાજકોટના નવા આશ્રમમાં એક નવો ખંડ બનાવવાનો ખર્ચ પણ આપ્યો હતો. એ ઉપરાંત એક વર્ષનું અનાજ રાખી શકાય તેવાં પતરાની કોઠી જેવાં પાત્રો પણ અપાવ્યાં હતાં.

ધામધૂમ સાથે ‘રામકૃષ્ણ સેવાશ્રમ’નું કાર્ય શરૂ થયું. ઘણા લોકો આ ઔષધાલયમાં દવા લેવા આવતા. ગુજરાતી ભાષામાં સ્વાસ્થ્ય વિષે બે ચાર્ટ છપાવ્યા અને બધેય વહેંચણી કરી. ક્ષય રોગ માટે પણ સૂચનાપત્ર વહેંચવામાં આવ્યાં. 8 હરિજન સ્કૂલોનો પણ પ્રારંભ થયો. કુલ 24 ગામ હતાં. તેમને માટે 8 સ્કૂલની સંખ્યા સારી કહેવાય. ગામડામાં સ્વાસ્થ્યના રક્ષણ માટે – મોટાં ગામમાં સફાઈ અને રોશનીની વ્યવસ્થા કરાવવામાં આવી. દરેક સફાઈ કામદાર બધા રસ્તાઓને વાળીઝૂડીને બધો કચરો એક જ ખાડામાં નાખશે. આ ખાડામાં જમાયેલ ખાતરને વેચીને જે રકમ મળશે તેમાંથી ગામના વિશેષ રસ્તાઓ પર ખાસ કરીને કૃષ્ણપક્ષની અંધારી રાતે રોશનીની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યાર પછી એમાંથી પૈસા વધે તો રસ્તા અને કૂવા-તળાવના ઘાટોની મરામત કરાવવવામાં આવશે.

ત્રિભુવનભાઈના માધ્યમથી એક વધુ કામ કરાવવામાં આવ્યું હતું, જે સર્વત્ર અનુકરણીય છે –

જે ખેડૂત વૃદ્ધાવસ્થા કે અપંગતાને કારણે કાર્ય કરવા સક્ષમ ન હોય અને જે ખેડૂતપત્નીઓ પુત્રહીન, વિધવા કે વૃદ્ધ થશે તો એમનાં ખેતરોમાં બીજા ખેડૂતો દ્વારા રાજ્ય ખેતી કરાવશે અને તેમાંથી મળતી ઊપજ લાભાર્થીઓને જ મળશે અને જો આ ઊપજ પૂરતી નહીં હોય તો રાજય તરફથી ખાધ પૂરી પડાશે. આ વ્યવસ્થા એટલા માટે કરાઈ હતી કે જેથી રાજ્યની કોઈપણ વ્યક્તિને અન્નના અભાવને કારણે ભિક્ષાવૃત્તિ ન કરવી પડે અને પરાધીન ન બનવું પડે. આ ઘણું મહત્ત્વનું કાર્ય થયું હતું. હરિજન બાળકો ગંદાં કપડાંમાં શાળામાં આવતા તેથી રાજ્ય દર વર્ષે દરેક વિદ્યાર્થીને બે જોડી કપડાં-બે લેંઘા, બે ટોપી અને બે ઝભ્ભા આપતું. કપડાં ધોવા માટે અઠવાડિયે એક વખત સોડા અને સાબુ કે અરીઠાં અપાતાં.

1930થી 1937 સુધી આ બધાં કામ ચાલુ રહ્યાં. 1937માં ત્રિભુવનભાઈના મૃત્યુ પછી રાજ્યની આવક ઘટતાં સહાય બંધ થઈ અને આ સેવાકાર્ય બંધ થયા. રામકૃષ્ણ સંઘના મહાસચિવ પૂજ્ય સુધીર મહારાજ (સ્વામી શુદ્ધાનંદ) કાઠિયાવાડ ભ્રમણ સમયે અહીં 7-8 દિવસ રહ્યા હતા.

બિલખા અને પ્રભુનો પીપળો

ચતુર્માસનો સમય હતો. અહીં વરસાદનું પ્રમાણ પણ ઘણું સારું હતું. વરસાદના પાણીથી તળાવો, કૂવાઓ  આદિ છલકાઈ રહ્યાં હતાં. બધાં ઝાડપાન વરસાદનું નવેંઢિયું પાણી પીઈ પીઈને તરોતાજાં થઈ ગયાં હતાં. આજુબાજુનાં ખેતરો પણ જાણે કોઈએ લીલી જાજમ બીછાવી હોય તેવાં લાગતાં હતાં. ભિન્ન ભિન્ન પાકથી પરિપૂર્ણ એવાં એ ખેતરો લહેરાતી હવાની સાથે ઝૂમી રહ્યાં હતાં. આ બધાં દૃશ્યોથી દરેક માનવનું મન પ્રફુલ્લિત અને આનંદિત બની જાય ! આવા સુંદર કાળે હું (લેખક) ચતુર્માસ દરમિયાન બિલખામાં રહ્યો હતો.

અહીં એક મોટો પીપળો છે. એને ‘પ્રભુનો પીપળો’ કહેવામાં આવે છે. આ ઝાડ નીચે દરબારશ્રીનું સાધારણ સુવિધાઓવાળું એક નાનકડું મકાન હતું. એમાં હું ઊતર્યો હતો અને રાજ્યની મદદથી કામ ચલાવતો. મુખ્ય કામ તો આયુર્વેદની દવાઓ મફતમાં આપવાનું હતું. સંન્યાસીના નિર્દેશ અનુસાર એમાં એક વૈદ્યરાજ કામ કરતા હતા. આ પ્રભુનો પીપળો ગામથી બહાર એકાંતમાં દરબારશ્રીના બાગ તરફ હતો. અહીં બીજી કેટલીક ઓરડીઓ પણ હતી. આમ જોઈએ તો આ ઓરડીઓમાં કોઈ નોકર-ચાકર રહેતું ન હતું, બધી લગભગ ખાલી જ પડી રહેતી. રાત્રીએ એકાંતમાં આવા નિર્જન સ્થાને રહેવાનો આનંદ કંઈક અનેરો જ હોય છે. આવી નિરવતાનો ભંગ કરતાં તમરાં અને ચીબરી જેવાં વન્યપક્ષીઓનો ભય પમાડનારો અવાજ! વન્ય પશુઓ આવી બિહામણી રાત્રે ચૂપચાપ હલનચલન કરે!

અહીંનો ‘પ્રભુનો પીપળો’ એક પવિત્ર સ્થળ છે. આ પવિત્ર પીપળાનું પણ એક ધાર્મિક માહાત્મ્ય છે. એમ કહેવાય છે કે ત્યાંના એક વેપારી વાણિયા સગાળશા ભગવાનના પરમ ભક્ત હતા. ગામમાં આવનાર અતિથિને દરરોજ શેઠ સગાળશા જમાડીને જમતા. કોઈ દિવસ કોઈ અતિથિ ન મળે તો ઉપવાસ કરતા.

ચોમાસાના દિવસો હતા. ઊંચેરું આભ જાણે ધરતીને ભીંજવવા માટે દિવસો સુધી વરસાદની હેલી વરસાતું રહ્યું! બારે મેઘ ખાંગા થયા.

એક વખત એવું બન્યું કે ત્રણ-ત્રણ દિવસ સુધી શેઠને ત્યાં કોઈ સાધુસંત ન આવ્યા. શેઠ પોતે અતિથિની શોધમાં ગામમાં ચોમેર ફરી વળ્યા પણ કોઈ સાધુ-સંત નજરે ન પડ્યા. શોધતાં શોધતાં ત્રીજે દિવસે ગામને છેવાડે આવેલ પ્રાચીન પીપળાના વૃક્ષ નીચે એક કોઢિયો સાધુ મળ્યો. શેઠે એમને ભોજન માટે આમંત્રણ આપ્યું.

સાધુએ કહ્યું, ‘ભાઈ, હું આવું તો ખરો, પણ હું જે ખાવા માટે માગું તે તારે આપવું પડશે.’ શેઠે વચન આપ્યું. સાધુ એને ઘેર ગયા. ત્યાં શેઠના 7-8 વર્ષના સુંદર બાળકને જોઈને સાધુએ કહ્યું, ‘આનું માંસ રાંધીને ખવરાવો.’ હાહાકાર મચી ગયો. સગાળશાએ કહ્યું, ‘મહારાજ, એમ જ થશે.’ એ સાંભળીને સાધુએ કહ્યું, ‘તું તારા હાથે એને મારી નાખ અને તારી ઘરવાળીને એને રાંધવાનું કહે !’ કહેવાય છે કે શેઠ સગાળશાએ આવું કર્યું. ખાવાનું તૈયાર છે પણ પેલો સાધુ ગાયબ ! ક્યાંય શોધ્યો જડે નહિ !

લોકમાન્યતા એવી છે કે ભગવાન સ્વયં એના આ કઠિન વ્રતની કસોટી કરવા આવ્યા હતા. પછી એમને દર્શન આપ્યાં, કુમાર ચેલૈયાને જીવતો કર્યો. સગાળશા અને તેમની પત્ની મોક્ષ પામ્યાં. એ સમયે આકાશમાંથી એક દિવ્યપ્રકાશ ઊતર્યો અને દંપતી સ્વર્ગે સિધાવ્યાં. બિલખાની આ પવિત્ર ભૂમિ પર આજે પણ આ પવિત્ર સ્થાન છે અને લોકો ત્યાં ભાવ-ભક્તિથી જાય છે.

Total Views: 275

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.