હવે આ લેખમાં શ્રી નર્મદા પરિક્રમા શરૂ કરી દઈએ. ઓમકારેશ્ર્વરના મા નર્મદાના દક્ષિણ તટ પર આવેલ માર્કન્ડેય આશ્રમમાં નિવાસ : વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન, ડોરમેટ્રીમાં ભૂમિ પર શયન ઇત્યાદિનો અભ્યાસ શરૂ થઈ ગયો.

માર્કન્ડેય આશ્રમમાં ઘણા બધા સંતો રહે. અમે નર્મદા પરિક્રમામાં જવાના છીએ, એ સાંભળીને ઘણા સંતો સાથે સલાહસૂચન, પ્રશ્નોત્તરી થતાં રહેતાં. વિશેષ કરીને રામકૃષ્ણ ભાવધારાના બાલુ મહારાજ તાજેતરમાં નર્મદા પરિક્રમા પૂરી કરી આવ્યા હતા. તેમનો અમારા માટેનાં સલાહસૂચનોનો અંત નહિ :

સંધ્યા પહેલાં જે તે સ્થાને પહોંચી જવું, લેભાગુ બાવાઓને મોઢે લાગવું નહિ એટલે કે એમની સાથે વાદવિવાદ ન કરવો. શૂલપાણેશ્ર્વરની ઝાડી પાર કરવાના ત્રણ રસ્તા છે. એક રસ્તો પ્રકાશા થઈને નેશનલ હાઈવેવાળો છે, જેમાં થોડું વધુ ચાલવું પડે. બીજો ગામડાંના રસ્તાવાળો વચ્ચેનો માર્ગ, તે અતિ સરળ છે. ત્રીજો પહાડી રસ્તો, જે નર્મદાના તટવાળો અત્યંત કઠિન માર્ગ છે. તમારે વચ્ચેના રસ્તે જવું. ચાતુર્માસ માટે મણિનાગેશ્ર્વર, માલસર, બદરીકાશ્રમ, નાગેશ્ર્વર કે ચાણોદ વગેરે સ્થાનો સૂચવ્યાં.

એવામાં રામકૃષ્ણ ભાવધારા, રામટેકના પી. સ્વામી ઓમકારેશ્ર્વર આવ્યા અને અમને મળ્યા. તેમણે કહ્યું, ‘મહારાજ, મારે પણ નર્મદા પરિક્રમા કરવી છે. તેથી આપણે સાથે ચાલીએ તો કેમ ?’ મેં કહ્યું, ‘મહારાજ, બે કરતાં ત્રણ ભલા. સાથે લીંબડીના મોહનભાઈ તો છે જ. જેવી માની ઇચ્છા. આપણે ત્રણેય સાથે ચાલીશું.’

પહેલી જાન્યુઆરી, 2015, કલ્પતરુનો મંગળ દિવસ. એ જ દિવસે પાવનકારી નર્મદા પરિક્રમાનું વ્રત લઈશું, તેવો નિર્ણય લીધો. કહેવત છે કે સારા કામમાં સો વિઘ્ન. દુષ્ટ શક્તિઓ મંગળ કાર્યમાં રોડાં નાખે, એ તો સમજ્યા પણ આ પ્રકૃતિ પણ સારા કામમાં અવરોધ નાખીને આપણી કસોટી લેવાનું ચૂકતી ન હતી. થોડીવારમાં વાતાવરણ પલટાયું અને જાન્યુઆરીમાં સખત પવન સાથે મૂશળધાર વરસાદ ! બપોરનું ભોજન અને શ્રીઠાકુરની પ્રસાદીનું પાયસાન્ન લઈને સફેદ કુટિયાના સ્વામીજીએ આ વ્રત લેવાની આજ્ઞા આપી હતી. માર્કન્ડેય આશ્રમથી નીકળીને ઓમકારેશ્ર્વરના જૂના પુલ પાસેના બસસ્ટોપના મોટા છાપરા નીચે અમે પહોંચી ગયા. ત્યાં તો મેઘો તૂટી પડ્યો. મોઢું વકાસીને મનમાં શ્રીમાને વિનવતા હતા કે આ મેઘદાદા ક્યારે અટકશે! દોઢ-બે કલાક પછી મેઘદાદા રીઝ્યા. ઝરમર વરસાદમાં સફેદ કુટિયામાં પહોંચ્યા. સ્નેહી સ્વામીજીએ ભાવ અને પ્રેમથી બનાવેલ પાયસ (ખીર) અને નૈવેદ્ય પ્રસાદ આરોગ્યો. વળી ફરીવાર અનરાધાર વરસાદ !

લીંબડીના મોહનભાઈએ કહ્યું, ‘મહારાજ, આજ ભલે ગમે તે થાય, પણ પરિક્રમાનું વ્રત લઈને જ રહીશું.’ મેં પણ નિર્ણય કર્યો, ‘આજે ભલે આભ ફાટવું હોય તો ફાટે, ગમે તેમ થાય, પણ વ્રત લઈને જ રહીશું.’ જાણે કે બે શક્તિઓ બાથે ભિડાઈ ! પછી થોડીવારમાં મેઘરાજા શાંત થયા. મહત્ત્વના કામે ગયેલા સૂર્યનારાયણદાદા પોતાના કાર્યાલયમાં આવ્યા, તો તેમનાં પણ અલપઝલપ દર્શન થઈ ગયાં ! શ્રી નર્મદા મૈયાના દક્ષિણ તટે આવેલ ગૌમુખ ઘાટે પહોંચ્યા. બે સંન્યાસીઓ અને મોહનભાઈને એક બ્રાહ્મણ પંડિતે વ્રત લેવડાવ્યું. આ વિષયની માહિતી પાછલા અંકોના લેખોમાં આપી છે. એટલે અહીં તેની વિશેષ ચર્ચા નહિ કરીએ. બસ, હવે અમે નર્મદા પરિક્રમાના વ્રતી બની ગયા.

હવે અમે શ્રી નર્મદા મૈયાના મુખ્ય પ્રવાહને ઓળંગી ન શકીએ. હવે માર્કન્ડેય આશ્રમમાંથી એક સર્ટિફિકેટ બનાવીને રાખી લીધું. તેમાં આવું લખાણ હોય છે, ‘અમુક આશ્રમના અમુક સ્વામીએ 1.1.2015ના રોજ ઓમકારેશ્ર્વરથી નર્મદા પરિક્રમા શરૂ કરેલ છે.’ માર્કન્ડેય આશ્રમના સહીસિક્કાવાળું આવું પ્રમાણપત્ર હોય.

ક્યારેક અજાણ્યા પ્રદેશમાં અનેક પ્રકારના સ્વાર્થી અને વિચિત્ર પરિક્રમાવાસીઓ વચ્ચે ઓળખ માટે આવા પ્રમાણપત્રની વચ્ચે વચ્ચે જરૂર પડી શકે ખરી. વળી પાછો બે દિવસ સુધી અનરાધાર વરસાદ ! ત્રીજી જાન્યુઆરીએ સાંજે વાતાવરણ સ્વચ્છ થયું. આવતીકાલે સવારથી પરિક્રમાના પથ પર નીકળીશું, તેવો નિર્ણય લીધો. મોહનભાઈએ સૂચન કર્યું કે પરિક્રમા માટે રવાના થવાના દિવસે એટલે કે આવતીકાલે બ્રાહ્મમુહૂર્તમાં નર્મદાસ્નાન કરીએ તો કેવું ? તે પ્રમાણે બ્રાહ્મમુહૂર્તમાં પહોંચ્યા નર્મદાતટે. કડકડતી ઠંડી. પાણી ઠંડું હશે એવું લાગ્યું, પણ જાણે એવો અનુભવ થયો કે માનું હૂંફાળું હેતભર્યું વહાલ વહેતું હતું. ત્રણ ડૂબકી મારી અને ઝડપથી સ્નાનવિધિ પૂરો કર્યો. નિત્ય ઉપાસના, ધ્યાન, જપ કર્યા પછી આશ્રમમાં મંગળા આરતીનો ડમરુનાદ ગુંજી ઊઠ્યો. અભયેશ્ર્વર ભોલાબાબાની નિષ્ઠાવાન સંતો દ્વારા થતી આરતી, મધુર સ્તવન સાંભળ્યા પછી 6 વાગ્યે ચા-અલ્પાહાર લઈને ત્યાંથી રવાના થવાનો મંગળ પ્રારંભ થયો.

ટ્રેકીંગ જેવા થેલામાં 8 થી 9 કિલો જેટલો ભારેખમ વજન! બીજા બગલ થેલામાં નર્મદા મૈયાનો ફોટો, નર્મદાજળ; શ્રી શ્રી ઠાકુર, શ્રીમા, સ્વામીજી અને ગુરુજીના ફોટા; ભજનસ્તવનાંજલી, ગીતા વગેરે અને નાની પરચૂરણ ચીજવસ્તુઓ. જમણા હાથમાં સ્નેહી મહારાજે આપેલ નેતરની સુંદર સોટી. ડાબા હાથમાં અડધા લીટરનું સ્ટીલનું કમંડળ. આ કમંડળ જોઈને બાલુ મહારાજે કહ્યું, ‘આટલું નાનું કમંડળ ! રસ્તામાં મુશ્કેલી પડશે.’ આ સાંભળીને મારા તો મોતિયા મરી ગયા ! અને વળી એટલી વહેલી સવારે મોટું કમંડળ લાવવું પણ કયાંથી ? જેવી માની ઇચ્છા.

અમારી સાથે સફેદ કુટિયાના બે સ્વામીજીઓ, બાલુ મહારાજ વગેરે અમને ચાર-પાંચ કિલોમિટર દૂર મૌનીબાબાના આશ્રમ સુધી મૂકવા આવવાના છે. આશ્રમના સંતનિવાસના કેટલાક સંતો સૂર્યસ્નાન અને નર્મદાદર્શન કરતાં બેઠા હતા. વળી બાલુ મહારાજે તેઓની સામે કમંડળની વાત કાઢી. એમાંના પાંચ હાથ પૂરા, શરીરે હૃષ્ટપુષ્ટ એવા દક્ષિણ ભારતીય જેવા દેખાતા એક સંત મહારાજે આ વાત સાંભળીને મને કહ્યું, ‘મારી પાસે ત્રણ લીટરનું સ્ટીલનું કમંડળ છે, એ લઈ જાઓ.’ એ લઈને મેં એના બદલામાં મારું નાનું પીત્તળનું અને સ્ટીલનું કમંડળ આપી દીધું. શ્રીશ્રીમાની કૃપા-પ્રસાદરૂપ આ મોટું કમંડળ ખૂબ જ કામે લાગ્યું! ત્યાં સાધુ-સંતોને પ્રણામ કર્યા અને ‘હર હર નર્મદે’ના નાદ સાથે નર્મદા પરિક્રમા શરૂ થઈ.       (ક્રમશ:)

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram