(અનુવાદક : કુસુમબહેન પરમાર)

20-1-1960

મઠના પૂજ્યપાદ ઉપાધ્યક્ષ મહારાજ સારગાછી આશ્રમમાં આવશે અને દીક્ષા આપશે. પ્રેમેશ મહારાજના ચિકિત્સકની દીક્ષા થશે. પરંતુ પહેલેથી જ તેમને સ્વપ્નમાં કોઈક મંત્ર મળી ચૂક્યો છે.

મહારાજ – આપે સ્વપ્નમાં જે માણ્યું છે, તે મળ્યું છે; હવે એકદમ જાગ્રત સિદ્ધ ગુરુના શ્રીમુખે આપ જો સાંભળશો તે યોગ્ય થશે. સ્વપ્નની વાતો ક્યારેક ક્યારેક ઘણી સારી હોય છે, પરંતુ કોઈવાર ખોટી પણ હોય છે.

મેં જોયું કે એક યુવક પ્રસાદ, વગેરેમાં  વ્યસ્ત છે. તે પણ એક પ્રકાર છે ! વાસ્તવમાં ઈશ્વર તરફ મન નથી. પણ એ બધાંને ખરાબ કહેતા નથી, તે ઘણાં સન્માનનીય  છે. પરંતુ માત્ર આવું બધું લઈને મસ્ત રહીએ એ કેવું લાગે છે ! એના સિવાય આ બધું લોક-પ્રદર્શન છે અને લોકો સમક્ષ પોતાને મોટા દેખાડવાનો ભાવ મનમાં રહે છે.

16-2-1960

સેવક – મહારાજ, શું સ્વામીજીમાં ઠાકુરજીથી વધુ કરુણા ન હતી ? જેમ આપણને જોવા મળે છે કે ઠાકુરજીએ એને (શિષ્યોને) કેટલા વીણીવીણીને લીધા છે, એમના તો બધા હીરાના ટુકડા છે.

મહારાજ – જુઓ, ઠાકુરજી નિર્ગુણ બ્રહ્મથી એક પગથિયું નીચે હતા, પૂર્ણ ભગવાનના રૂપમાં જ હતા. અન્ય અવતારો માનવીનું રૂપ ધારણ કરતા હતા અને માનવી જેવું આચરણ કરતા. પરંતુ ઠાકુર બાળપણથી જ ભગવાન જેવા છે; મનુષ્યનો હાવભાવ, આચરણ ઓછાં છે. જાણે કે ઈશ્વર ઉપર માત્ર આવરણ ઢંકાયેલું છે. વિદ્યામાયાનું આવરણ માત્ર છે. સર્વદા ભાવસમાધિમાં રહે છે. લોકો બગાસું ખાતી વખતે પણ થોડુંક ઈશ્વરનું નામ લેતા, અને તેઓ સમાધિસ્થ થઈ જતા હતા. એટલે તેમના માટે સામાન્ય મનુષ્યોની સાથે ચાલવા-ફરવાનું અસંભવ હતું. સ્વામી સારદાનંદજીએ લખ્યું છે- ‘એવું લાગે છે કે પાણિહાટીમાં ‘ભાવતનુ’માં છે.’ એટલે તેમના દ્વારા સંસારમાં વિચરણ કરવાનું ઘણું મુશ્કેલ હતું.

1-3-1960

સેવક – રામકૃષ્ણ મિશનની નિયમાવલી જોતાં, તેમાં બે વિરોધાભાસ જણાય છે. સ્વામીજીએ કહ્યું છે કે જ્ઞાન, કર્મ, ભક્તિ, યોગમાંથી એક-બે અથવા એનાથી અધિકની સહાયતાથી જે લોકો ઈશ્વરપ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેઓ જ આ સંઘનું અંગ બની શકે. પછી થોડા સમય બાદ કહ્યું- જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગના સમન્વયને છોડીને રામકૃષ્ણ-ભાવધારામાં ગતિ નથી.

મહારાજ – આ વિરોધાભાસ જાણનારાનો પણ સમન્વય કરી શકાય છે. આનો અમારે દિવસો સુધી વિચાર કરવો પડ્યો. પ્રથમ પ્રશ્ન યોગ્યતાનો છે. પહેલાં ‘યોગ્યતા’ હોય તો તે સંઘને પાત્ર છે, તે ચારેય યોગનો સમન્વય સાધી શકશે ત્યારે સંઘનું વાસ્તવિક અંગ બનશે.

પરીક્ષામાં સફળ થવા માટે વાંચવું અને અધ્યાત્મશાસ્ત્રનું અધ્યયન કરવું એ બે વચ્ચે જમીન-આસમાનનું અંતર છે. અહીં કોઈ એક તત્ત્વનું લાંબા સમય સુધી નિદિધ્યાસન કરીને ‘પોતાના જીવનમાં આચરણ ન કરાય તો કંઈ જ લાભ નહિ થાય.’ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મનને સ્થિર કરવાની વાતો છે- ‘અફ્ર્રૂળલજ્ઞણ ટૂ ઇંળેધ્ટજ્ઞ્રૂ મેફળક્ક્રૂજ્ઞઞ ખ ઉૈંહ્ટજ્ઞ’- હે અર્જુન, અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનને સ્થિર કરી શકાય છે.

સેવક – ગોપાલની માનું જ્ઞાન કેવું હતું ?

મહારાજ – તેમનું જ્ઞાન કેવું છે, એ જાણો છો ? ઘરમાં મૂલ્યવાન વસ્તુ પડી છે, પરંતુ તે તરફ ધ્યાન નથી. ગોપીઓની પણ એવી શુદ્ધ ભક્તિ હતી. ઠાકુરજી પ્રાર્થના કરી રહ્યા છે- ‘મા, મને બ્રહ્મજ્ઞાન આપશો નહિ, મને દેહાતીત કરશો નહિ.’ આને શુદ્ધ ભક્તિ કહે છે.

6-3-1960

મહારાજ – કર્મફળ ભયંકર છે, એમાં ઘૂસતાં જ સંકટ છે. એમાંથી બહાર નીકળવું અત્યંત દુષ્કર છે. સિલેટ (બાંગ્લાદેશ)માં એક કહેવત છે- ‘પીઠું (એક પ્રકારનું શાક)બનાવી રહ્યા છો, ખાતાંવેંત જ ખલાસ.’ શા માટે પીઠું બનાવી રહ્યા છો ? ન ખાઈએ તો ક્યાંથી ખલાસ થવાનું? ખાવું જ પડશેે. એમાં પ્રવેશ જ કેમ કર્યો? કર્મફળ બધાંને ભોગવવાં પડશે. કર્મફળ ત્રણ જાતનાં હોય છે- સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ. જે મારા પૂર્વજન્મનાં બાકી છે, તે સંચિત કર્મફળ છે, જેમ કે સંસ્કાર. તેમાંથી કંઈક (સંસ્કાર)ને લીધે જ મારા જીવનની શરૂઆત થઈ. જે કર્મફળને લીધે મારા આ જીવનની શરૂઆત કરી, તેનું નામ પ્રારબ્ધ છે અને ક્રિયમાણ કર્મ એટલે જે આ વર્તમાન જીવનમાં કરી રહ્યો છું તે.

બેંકમાં તમારા ઘણા બધા પૈસા જમા છે. તેમાંથી 10 હજાર રૂપિયા ઉપાડીને એક મકાન બનાવી રહ્યા છો. આ છે પ્રારબ્ધ. આ જીવન પ્રારબ્ધથી જ મળેલ છે. પ્રારબ્ધનું સર્વ કંઈ ભોગવવું પડશે. જેટલો ભાગ ભોગવાશે નહિ, તે અને ક્રિયમાણ કર્મફળ એ બેને કારણે ફરી જન્મ લેવો પડશે.

સેવક – પરંતુ શું આ કર્મફળમાંથી મુક્તિ શક્ય નથી?

મહારાજ – કેવળ જ્ઞાન થવાથી જ મુક્તિ મળે. જ્ઞાન મળવાથી જ સંચિત કર્મફળમાંથી મુક્તિ મળે છે. એ સિવાય બીજો ઉપાય નથી. પ્રારબ્ધ તો ભોગવવું જ પડે. પરંતુ જ્ઞાનીઓની દૃષ્ટિએ પ્રારબ્ધભોગ કેવો છે – ‘નૈવ કિંચિત્ કરોમીતિ । હું કંઈ પણ કરતો નથી.’

સેવક – આપણાં આ જે સત્કર્મ અને પરોપકાર છે, તેથી શું આપણે મુક્તિના માર્ગ પર ચાલી રહ્યા છીએ?

મહારાજ – પુણ્ય કર્મથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે, ત્યાર પછી ફરી વખત જન્મ થાય છે. જો નિષ્કામ ભાવથી કર્મ કરી શકો તો મુક્તિ મળશે, નહિતર નહિ મળે, પરંતુ કર્મ કર્યા વિના ચિત્તશુદ્ધિ નહિ થાય. ચિત્ત શુદ્ધ થતાં જ્ઞાનનો વિકાસ થશે. ‘શ્રવણ આદિ શુદ્ધ ચિત્તે કરીએ ઉદય’- શ્રવણ આદિ શુદ્ધ ચિત્તે કરવાથી ઉદય થાય છે. જો જ્ઞાન નહિ હોય તો તેમાં પ્રેમ નહિ રહે અને એમાં પ્રેમ નહિ રહેવાથી યોગ થશે જ નહિ, કર્મ અને નિષ્કામ ભાવથી ઠાકુરની સેવા થશે નહિ એને લઈને કર્મબંધન રહી જશે.

મનના યથાર્થ સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરો. દિવસના અંતે મનને પૂછો- ‘મન, તું શું ઇચ્છે છે?- કામ, ક્રોધ, લોભ, માન અને યશ- શું ઇચ્છે છે?’ જો લાગે કે ઘણો સારો છું, સમાજમાં, કર્મક્ષેત્રમાં પ્રતિષ્ઠા મળી છે, સમ્માન છે, ચારે તરફ માન-યશ ફેલાઈ રહ્યાં છે અને મનોમન વિચારી રહ્યા છો કે ભગવાનની શું અસીમ કૃપા છે ! તેઓએ મને આટલા ગૌરવમય પદ પર બેસાડ્યો છે! ત્યારે જાણવું કે આ બધી ભોગ ભોગવવાની ઇચ્છા છે. જેમ કે ગૃહસ્થ લોકો કહે છે, ‘સુંદર સ્ત્રી મળી છે, છોકરો જન્મ્યો છે, અધિક વેતન મળી રહ્યું છે, આ બધું પ્રભુની કૃપાથી થયું છે.’ ત્યારે તમારે જાણવું કે આ બન્નેમાં કોઈ તફાવત નથી. જો તમે એમાં જ સંતુષ્ટ રહો છો, તો એ જ મળશે. એનું ફળ પણ તમને મળશે. ફક્ત જે વ્યક્તિ ‘તેમને’ઇચ્છે છે, તે જ આની બહાર જઈ શકે છે. (ક્રમશ:)

Total Views: 306

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.