પંડિતો-શાસ્ત્રીઓના આતિથ્યમાં તેઓ પૂરા તન-મન અને ધનથી મંડી જતા હતા. પછી તો લાલા બદરીશાહનું ઘર બધા ગુરુભાઈઓ અને એમના સેવકો માટે કાયમનું ઘર જ બની ગયું. એટલે આજે પણ બધા સંતો-સાધકો મંદિર બની ગયેલા આ ઘરની મુલાકાત લેવા અચૂક જાય જ છે. એમાં રહી ચૂકેલા રામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો અને બીજા પણ અનેક સાધુ-સંતોની કેટકેટલી યાદો અહીં સમાયેલી છે.

બદરીશાહને ત્યાં પહેલી વિઝિટમાં એમના હાથના સ્પર્શથી મરણપથારી પર સૂતેલો માણસ સારો થઈ ગયો હતો. ત્યારથી લોકોમાં એમની છાપ એક ઉચ્ચ કોટિના સંત તરીકેની પડી ગઈ હતી.

ત્યાં થોડા દિવસ વિતાવ્યા બાદ, સ્વામીજીને ફરીથી તપસ્યા માટે કોઈ એકાંત જગ્યાએ જવાની તીવ્ર ઇચ્છા જાગી. એક દિવસ કોઈને કશું પણ કહ્યા વિના સ્વામીજી તપસ્યા માટેની એકાંત જગ્યાની શોધમાં નીકળી પડ્યા અને કાસારદેવી પહાડની એક ગુફામાં તપસ્યા કરવા બેસી ગયા. અહીં એક વાત જાણવા જેવી છે. હિમાલયની બે નદીઓ, કોસી અને શાલ્મીયની વચ્ચે કાશાઇ પહાડ આવેલો છે. તેની ઉપર કાત્યાયની દેવી વસેલી છે, જેનું નામ વખત જતાં કસાર દેવી થઈ ગયું. તે જ કસારદેવીમાં ત્રણ દિવસ-રાત વીતી ગયાં! સ્વામીજીએ દિવસ-રાત સાધનામાં વિતાવ્યાં. એમણે નિશ્ર્ચય કરી લીધો હતો કે  સત્યની શોધ કરવી જ છે. અહીં સંપૂર્ણ એકાંત, નિ:શબ્દતા ! કોઈ જ એમને Disturb કરનાર નહીં ! આખરે ત્રણ દિવસ-રાતને અંતે એમને એક નહીં, અનેક આધ્યાત્મિક અનુભૂતિઓ થઈ! છેવટે એમનું મુખ Celestial Fire (દિવ્ય જ્યોતિ)થી ચમકી ઊઠ્યું ! કોઈક અજ્ઞાત શક્તિ એમને સાધનામાંથી બહાર કાઢી કામ કરવા પ્રેરી રહી હતી. આવી મહાશક્તિ એમણે જીવનમાં પહેલીવાર અનુભવી હતી. તે એમને સાધનામાંથી બહાર ખેંચી, એકાંતમાંથી નીકળી, બહાર કામ કરવા પ્રેરી રહી હતી. સ્વામી અખંડાનંદજીને પણ સ્વામીજીએ એમના આ અનુભવ વિશે જણાવ્યું હતું, જેની વિગતો એમણે નોંધેલી છે. અખંડાનંદજીએ એમના આ અનુભવની વાત સાંભળીને કહેલું કે સ્વામીજી જેટલી વખત એકાંતમાં સાધનામાં લીન થવા જતા હતા, તેટલી વખત એવા સંજોગો ઊભા થતા હતા કે એમને સાધના છોડવી જ પડતી હતી, એમને જે મિશનની પૂર્તિ કરવાની હતી, તેને માટે કાર્ય કરવા પ્રેરતી હતી. અહીં આ ગુફાના અનુભવોનું વૃત્તાંત ‘The Life of Swami Vivekananda by His Eastern & Western Disciples’ (Firtst Edition) માં જોવા મળે છે.

ઘોર નિર્જનતા અને નિ:શબ્દતામાં આખરે સ્વામીજીને એક મહાન સત્યની અનુભૂતિ થઈ ! જાણે કે ઠાકુરે જ એમને કહ્યું કે ‘જ્ઞાન પછી વિજ્ઞાન.’ સ્વામીજીને અર્થ સમજાઈ ગયો કે માત્ર બ્રહ્મજ્ઞાનમાં લીન રહેવાનું નથી, પરંતુ ‘એ જ’ દરેક વ્યક્તિમાં વિરાજમાન છે, એટલે દરેકે દરેક જીવોનું કલ્યાણ કરવું એ જ જીવનનું મુખ્ય અને અંતિમ ધ્યેય છે. ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ!’ જગતનું હિત કરતાં કરતાં આત્માનો મોક્ષ કરવાનું બીજ શ્રીરામકૃષ્ણદેવે સ્વામીજીમાં રોપી દીધું, જે રામકૃષ્ણ મઠ અને મિશનનો આદર્શ બની ગયું.

આમ આ કસારદેવીમાં કરેલી સાધના બાદ સ્વામીજીએ નક્કી કરી લીધું કે હમણાં નિર્વિકલ્પ સમાધિનો એમનો વિચાર વ્યર્થ છે. નવયુગની સામે ગુરુદેવના ઉપદેશો પહોંચાડવા એ જ અત્યારે અતિ જરૂરી છે. આ સંકલ્પથી  ઉત્સાહિત થઈને કર્મયુદ્ધની ઘોષણા કરવા સ્વામીજી કસારદેવીથી બદરીશાહને ત્યાં પાછા ફર્યા. ત્યાં એમની બહેનના આત્મહત્યાના સમાચાર જાણીને ખિન્ન થઈ ગયા. બહેનના આપઘાતનાં horrible  કારણોની ખબર પડતાં સ્વામીજી ખૂબ ઉદાસ થઈ ગયા હતા. ભારતીય નારીઓ અને ખાસ કરીને વિધવાઓને જુનવાણી પ્રથાને કારણે સહેવી પડતી મુશ્કેલીઓનો સામનો કરવાનો એમણે તે જ વખતે દૃઢ સંકલ્પ કરી લીધો હતો.

ત્યાર બાદ ચારેય સંન્યાસી બદરીનાથની યાત્રાએ જવા પગપાળા નીકળી ગયા. પાછા ફરતાં ચારેય સંતોએ રસ્તામાં હૃષીકેશ અને મેરઠમાં થોડો વખત વિતાવ્યો. ત્યારબાદ સ્વામીજીએ બીજા ગુરુભાઈઓથી છૂટા પડીને, એકલા રહીને ભારતનું ભ્રમણ કરવાનું નક્કી કર્યું. અલમોડાના અનુભવો પછી એમને જે ભારતની પ્રતીતિ થઈ, જેની સેવા કરવા એમનો જન્મ થયો છે, એ એમને જાતે અનુભવવું હતું.

પછીનાં બીજાં અઢી વર્ષ પરિભ્રમણ દરમિયાન ભારતની દુર્દશા જોઈને તેઓ હતાશ થઈ ગયા. મદ્રાસમાં એમને 1893માં શિકાગોમાં ભરાનાર Parliament of World Religions ની જાણ થઈ. મદ્રાસના યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ અને ધગશનું જોશ હતું. સ્વામીજી આ પાર્લામેન્ટમાં ભાગ લે, તેવો આગ્રહ વધતો જ ગયો, એટલું જ નહીં એમના અમેરિકા જવા માટેના પૈસા પણ તેઓએ ભેગા કર્યા. તેમાં ત્યાંના મહારાજાનો પણ સહકાર મળ્યો. અંતે શ્રીશ્રીમાના આશીર્વાદ મળતાં, તેઓ પહેલી વખત અમેરિકાના પ્રવાસે ગયા. આ રીતે એમની અલમોડાની પહેલી મુલાકાત પૂરી થઈ.

ધાર્મિક સ્થાનો ઉપરાંત એમાં નૈનીતાલ, ભીમતાલ, સીમલા, મસૂરી, ધરમશાળા જેવાં પર્યટકોને આકર્ષતાં અનેક સ્થળો આવેલાં છે.

સ્વામી વિવેકાનંદની

અલમોડાની બીજી મુલાકાત

વિદેશયાત્રામાં ઝળહળતી ખ્યાતિ મેળવી સ્વામી વિવેકાનંદ 1897ના જાન્યુઆરીમાં ભારત પાછા ફર્યા. દેશભરમાં ઠેરઠેર એમનું ભવ્ય સ્વાગત થયું. આ વિશે તો ખૂબ જ વાતો પ્રકાશિત થઈ છે. આ લાંબા સમય દરમિયાનનાં એમનાં પ્રવાસો, ભાષણો, લખાણો વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓથી સ્વામીજીને અતિશય પરિશ્રમ પહોંચ્યો હતો. તેની અસર એમના સ્વાસ્થ્ય પર થતાં, એમને ખૂબ આરામની અને હવાફેરની જરૂર વર્તાઈ હતી. તેને લઈને 6ઠ્ઠી મેના દિવસે તેઓ અલમોડા જવા નીકળી ગયા. આ એમની અલમોડાની બીજી યાત્રા હતી.

પરંતુ બીજી વખતે અલમોડા જતા પહેલાં સ્વામીજીએ બે મોટાં કામ કરવાનાં હતાં. એક કાર્ય હતું દુષ્કાળના શિકાર બનેલા ગરીબો, દરિદ્રો અને પીડિતો એવાં મા ભારતીનાં બાળકોની સેવા કરવા રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવાનું.

9 ડિસેમ્બર, 1898ના દિવસે સ્વામી વિવેકાનંદે મઠનું વિધિવત્ ઉદ્‌ઘાટન કર્યું. ઠાકુરના અસ્થિપાત્રને પોતાના ખભા પર લાવીને અહીં સ્થાપિત કર્યું. તે પ્રસંગે એમણે કહેલું કે ‘ગુરુદેવના ઉદાર મતનું આ કેન્દ્ર બનશે. મહાસમન્વયરૂપી કિરણો જે અહીંથી પ્રકાશિત થશે, એનાથી આખું જગત પ્રકાશિત થઈ જશે.’ એમના શ્રીમુખેથી નીકળેલાં આ વચનો સાચાં પડ્યાં! આપણે સૌ એના સાક્ષી છીએ. બીજું અગત્યનું કામ હતું- તે વખતે દુષ્કાળના શિકાર બનેલા બંગાળમાં સેવા કરવા એમના સાધુ-મિત્રોને સંગઠિત કરી પદ્ધતિસર સેવાકાર્યનું આયોજન કરવાનું. સ્વામીજીએ ચાલુ કરેલી આ સેવાકાર્યની પરંપરા આજદિન સુધી ચાલુ છે. સમગ્ર વિશ્વમાં રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્રો જ્યાં જ્યાં આવી સેવાની આવશ્યકતા ઊભી થાય છે ત્યાં ત્યાં આજે પણ આગવું યોગદાન કરી રહ્યાં છે.                (ક્રમશ:)

Total Views: 79

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram