શ્રી ભગવાન બોલ્યા –

लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।

ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥3॥

‘(સૃષ્ટિના) આરંભમાં, હે નિષ્પાપ (અર્જુન), મેં જગતને બેવડો માર્ગ આપ્યો હતો – સાંખ્યો માટે જ્ઞાનનો અને યોગીઓ માટે કર્મનો.’ નિષ્ક્રિય, નિત્યમુક્ત, નિત્યશુદ્ધ આત્માની વાત બીજા અધ્યાયના મધ્ય ભાગમાં કર્યા પછી, શ્રીકૃષ્ણે કહ્યું હતું एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु, ‘અત્યાર સુધી મેં તને સાંખ્યને અનુરક્ત બુદ્ધિની વાત કરી-નિષ્ક્રિયતાની અંદર ધ્યાનની વાત કરી. હવે બુદ્ધિ પર મંડાયેલા યોગની વાત કહું છું, તે સાંભળ. જ્ઞાનમાર્ગ ઉચ્ચતમ મોક્ષે લઈ જાય છે. આ બે પથ છે. અને ગીતામાં શ્રીકૃષ્ણ કહેવાના છે કે, એ બે માં कर्मयोगो विशिष्यते, ‘કર્મનો માર્ગ ચડિયાતો છે.’

‘અભ્યુદય અને નિ:શ્રેયસ એ બેઉનાં ફળ તે આપે છે. ગીતામાં ચિંતનનો એ વિકાસ છે કે અમુક આધ્યાત્મિક પ્રયુક્તિ વડે તમે કર્મને અકર્મમાં ફેરવી શકો છો; કર્મ દ્વારા જ અકર્મનું ફળ તમને પ્રાપ્ત થાય છે. આ ગહન અભ્યાસ છે અને ચીનની તાઓવાદી ફિલસૂફીમાં પણ આની ઉપર ખૂબ ભાર દેવાયો છે. નિયંત્રણની રીતિપ્રયુક્તિઓ (management techniques) માં આજે આ ગંભીર અભ્યાસનો વિષય છે. હું યુ.એસ.એ.માં હતો ત્યારે એમ.આઈ.ટી. સાથે સંલગ્ન એક ચીની વૈજ્ઞાનિકનું લખેલું પુસ્તક મારા વાંચવામાં આવ્યું હતું. એમાં એ લખે છે કે નિયંત્રણની આ બધી રીતિપ્રયુક્તિઓમાં તમે ભલે કર્મરત હો, પણ એક આધ્યાત્મિક પ્રયુક્તિ (techniques) વડે તમે કર્મ કરતાં અટકી જાઓ છો. મનની શાંતિ અને સ્થિર દશામાં તમે ખૂબ કર્મ કરો છો છતાં તમને એનો બોજો જણાતો નથી અને તમે હળવાફૂલ રહો છો. અર્વાચીન નિયંત્રણ પ્રયુક્તિઓમાં આજે આ પ્રકારના અધ્યયનનું મહત્ત્વ વધી રહ્યું છે. જવાબદારીનો બોજો સૌથી આકરો છે, છતાં કર્મપ્રવૃત્તિમાં તમે અકર્મણ્યતાના લાભ ઉઠાવો છો. પછીથી પાંચમા અધ્યાયના 18મા શ્ર્લોકમાં જ શ્રીકૃષ્ણ આ વિશે વધુ સમજાવશે. હવે તેઓ કારણ આપે છે :

न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्नुते।

न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति॥4॥

‘કર્મ નહીં કરવાથી કોઈ નૈષ્કર્મ્ય પામી શકતું નથી; કર્મત્યાગી હોઈ સિદ્ધિ સાંપડતી નથી.’

આ વચન ઘણું સરળ અને સ્પષ્ટ છે. न कर्मणाम् अनारम्भात् नैष्कर्म्य पुरुषोऽश्नुते, ‘સાચું નૈષ્કર્મ્ય, અર્થાત્, कर्मविहीनत्व કર્મને નહીં કરવાથી પ્રાપ્ત કરી શકાતું નથી.’ હું બધાં કર્મમાંથી મુક્ત થઈ જાઉં એટલે હું નૈષ્કર્મ્ય પામીશ – એ કદી બની શકે નહીં; न च संन्यसनादेव, ‘કર્મનો ત્યાગ કરવાથી પણ નહીં; सिद्धिं समधिगच्छति, ‘માનવીને આધ્યાત્મિક પૂર્ણતા મળશે: એટલે પહેલાં તમે કર્મનો આરંભ કરો ને પછી એને મૂકી દો. એને ‘સંન્યસન’ કહેવાય છે; અન્ય છે कर्मणाम् अनारम्भ, ‘કર્મનો આરંભ જ નહીં કરીએ.’ આ શ્ર્લોકમાંનો આ વિચાર ખૂબ અગત્યનો છે અને સમાજ માટે પણ એની વ્યાપક અસર છે. આખા દિવસના સખત પરિશ્રમ પછી તમે કલાકનો પોરો ખાઓ છો. આખો દિવસ કર્મ કર્યા પછી સાંજે ધ્યાન કે બીજી કોઈ આધ્યાત્મિક સાધનામાં તમે વિશ્રાંતિ મેળવો છો. તમને એમાં આનંદ આવે છે. આખો દિવસ તમે કશું કર્યા વિના આળસુ બનીને પડયા રહો છો. ને પછી તમે ધ્યાનનો આનંદ લેવા માગો છો? એ શકય છે ખરું ? એક માણસ નોકરીધંધા વગરનો છે ને એને તમે કહો છો, ‘હું તને એક મહિનાની રજા આપું છું’, આ તેના જેવું છે ! બેકારને રજાનો શો ખપ છે ? કામધંધે વળગેલો માણસ રજા માણી શકે. પરંતુ આપણા ઘણા લોકો આ બોધપાઠ હજી શીખી શકયા નથી. સખત પરિશ્રમના ગાળા પછી જ રજાની સાચી મજા માણી શકાય. પહેલાં કર્મ, પછી આવે નૈષ્કર્મ્ય. કર્મની બરાબર પાછળ પડ્યા પછી, કર્મમાં તમારી શક્તિ અને મથામણનો વ્યય કર્યા પછી જ, નૈષ્કર્મ્યનો બધો આનંદ શકય છે અને શ્રીકૃષ્ણનું વિધાન આપણને સૌને, ખાસ કરીને ભારતીયોને સ્પર્શે છે.

એટલે એમણે કહ્યું : न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति, ‘માત્ર કર્મત્યાગથી તું પૂર્ણતા પામવાનો નથી.’ કર્મનો વિષય ગહન છે. પછીના અધ્યાયના 17મા શ્ર્લોકમાં શ્રીકૃષ્ણ કહેવાના છે : गहना कर्मणो गति: ‘કર્મનો પથ ગહન છે’, મુશ્કેલીથી સમજી શકાય તેવો છે.

આજથી આશરે એંશી વર્ષ પહેલાંના એક વિખ્યાત બ્રિટિશ લેખકે, મને લાગે છે કે એલ. પી. જેક્સ, આ સત્ય જણાવ્યું હતું : ‘તમે કર્મના સગડ લો તો, એને છેડે તમને નૈષ્કર્મ્ય મળશે.’ સમાજમાં બધે તમને આ જોવા મળશે. કર્મ સમજવા માટે ગહન વિષય છે. શ્રીકૃષ્ણ પણ એ જ શબ્દપ્રયોગ કરે છે. गहना कर्मणो गति: ‘કર્મનો પથ ગહન છે’, એને સમજવો સરળ નથી. એટલે આની પછીના અધ્યાયમાં તેઓ પોતે જ આની ઉપર પ્રકાશ ફેંકવાના છે. એ આગળ ચલાવે છે:

न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत्।

कार्यते ह्यवश: कर्म सर्व: प्रकृतिजैर्गुणे:॥5॥

‘ખરે જ, એક ક્ષણ પણ કોઈ કશુંક કર્મ કર્યા વિના રહી શકે નહીં; કારણ કે પ્રકૃતિમાંથી જન્મેલા ગુણોના બળથી ખેંચાઈને, અવશ બનીને, સૌએ કર્મ કરવાં પડે છે.’

કોઈ નર કે નારી કર્મ કર્યા વગર એક ક્ષણ પણ બેસી શકતું નથી. ભાષા તો જુઓ ! દરેક વ્યક્તિ કર્મ કરે છે; અને પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મૃત્યુ સિવાય અકર્મણ્યતા કયાં છે ? મેજ કે ખુરશી નિષ્ક્રિય છે, એમ તમે કહી શકો છો. પણ એક કે બીજી રીતે મનુષ્ય તો પ્રવૃત્ત જ છે. न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत्, ‘કર્મ કર્યા વિના કોઈ એક ક્ષણ પણ રહી શકતું નથી.’ कार्यते ह्यवश: कर्म सर्व: प्रकृतिजैर्गुणे:, ‘પ્રકૃતિના દબાણ હેઠળ અસહાય બનીને સૌને કર્મો કરવાં પડે છે.’ મનુષ્યજીવનનો એ રાહ છે. આપણને કર્મ માટે કોઈ ધકેલે છે. આપણો પોતાનો અંદરનો સ્વભાવ જ એ છે. આ, તે કે પેલું કર્મ કરવા આપણને સતત પ્રેરીને એ સ્વભાવ – પ્રકૃતિ – અભિવ્યક્ત થાય છે. તો આ પહેલો પાઠ આપણે શીખવો જોઈએ. હું હૈદરાબાદથી રજા ઉપર કાશ્મીર જાઉં તો ભલે ત્યાં હું જુદું કાર્ય કરતો હોઉં તેમ છતાં, હું પ્રવૃત્ત જ રહીશ. કર્મ ત્યાં પણ છે જ. રજાઓમાં પણ કર્મ છે, પણ હું નિત્ય કરતો હતો તે કર્મ તે નથી; એક ને બદલે બીજું કર્મ, બસ તેટલું જ. कार्यते ह्यवश: कर्म; अवश એટલે ‘આપણી ઇચ્છા ન હોય તો પણ.’ આપણામાં રાજસિક, તામસિક અને સાત્ત્વિક પ્રવૃત્તિ છે; રાજસિક પ્રવૃત્તિ આપણને એક અથવા બીજું કાર્ય કરવા પ્રેરે છે. એટલે તો આપણને કહેવામાં આવ્યું છે કે આપણે કર્મથી છટકી શકીએ નહીં. વાત એમ છે તો મારે કર્મ કેવી રીતે કરવું ?        (ક્રમશ:)

Total Views: 326

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.