એક વખત કેટલાક યાત્રીઓ પર્વત પર ચડતા હતા.  ચઢાણ ઘણું આકરું હતું. બધાનાં મોં પર થાકનાં ચિહ્નો દેખાતાં હતાં. બધાની સાથે દશેક વરસની એક છોકરી પર્વત પર ચડતી હતી. એણે પોતાની કેડ્યે ચારેક વરસના છોકરાને તેડ્યો હતો. પર્વત પર ચડનારમાંથી કોઈકને દયા આવી અને એણે પૂછ્યું, ‘અરે છોડી, આ છોકરાને ઊંચકીને ચડે છે, તે તને એનો ભાર નથી લાગતો ?’ છોકરીએ જવાબ આપ્યો, ‘ભાર ? ના રે ના, એ તો મારો ભાઈ છે. ભઈલાનો તે કાંય ભાર લાગે ! જ્યાં વ્હાલપનું રેશમ હોય ત્યાં વળી ભાર કેવો ? રેશમનું પોત વજનમાં હલકું. વળી એ પારદર્શી અને કિંમતી હોય છે. આની જેમ જ કોઈપણ વ્યક્તિ સાથે પ્રેમ કરવાથી મનુષ્યને પોતાના પ્રિય પાત્રનો ભાર લાગતો નથી. સાથે ને સાથે એ પોતે પણ ભારવિહોણો બની જાય છે.

ભગવાન ઈશુએ કહ્યું છે : માનવી માત્ર રોટલી એટલે કે ભૌતિક જરૂરિયાતો માટે જ જીવતો નથી. રોટલી શરીરનો ખોરાક છે. પણ માનવી માત્ર શરીર નથી. એને આત્મા પણ છે. આત્માની અનુભૂતિ માટેનો સરળ માર્ગ ‘પ્રેમ કી ગંગા બહાતે ચલો’ છે.

‘છીછરા નીરમાં હોય શું નાવું ?

નાવું તો નાવું મઝધારે નાવું.

ઓર ગાણામાં હોય શું ગાવું,

ગીત ગાવું તો પ્રીતનું ગાવું.’

કવિ બાલમુકુંદ દવેની આ પંક્તિઓ વ્હાલપના રેશમનો મર્મ સચોટ રીતે દર્શાવે છે.

શ્રીકૃષ્ણ આર્યાવર્તમાં જ્યારે ભગવાનરૂપે પૂજાવા લાગ્યા, ત્યારે કૃષ્ણ સાથે બાળપણમાં ક્રીડાઓ કરી હતી તે ગોપ-ગોપીઓએ એમને મળીને કહ્યું, ‘પ્રભુ, અમને તો બીજી કશીયે દુ:ખપીડા નથી. તમારા વિરહને તમારા રટણમાં પરિવર્તિત કરીને અમે તો જીવનને જીતી ગયાં છીએ અને એ જ રીતે અમારી બાકીની જિંદગી તમારી રટણામાં, રટણાના આનંદથી વિતાવી દઈશું.’

વળી ગોપ-ગોપીઓએ ઉમેર્યું, ‘ભવિષ્યમાં કૃષ્ણનાં પરાક્રમો, એમનું ઐશ્ર્વર્ય, કુરુક્ષેત્રમાં અર્જુનને આપેલ ગીતાબોધ એવી બધી એકથી એક ચડિયાતી સિદ્ધિઓ વિશે ભલે નોંધ લેવાય, પણ શિશુવયમાં જે ઉત્તમ વર્ષો વહ્યાં હતાં એને કોણ યાદ કરવાનું ? અમે વ્રજનાં ભલાભોળાં લોકોએ કૃષ્ણ પ્રત્યે જે વ્હાલપનાં પૂર વહાવ્યાં એ બધું તો અમારી સાથે ભુલાઈ જવાનું ને ?’

આ સાંભળીને ભગવાન કૃષ્ણે સ્મિત કરતાં કહ્યું, ‘ગોપ-ગોપીઓ, તમને મારું વરદાન છે કે વૃન્દાવનનિવાસ પછીનાં વર્ષોની નોંધ ઇતિહાસ લેશે. પણ કવિઓ તો વૃન્દાવનનાં, ગોપ-ગોપીઓનાં, રાધાનાં અને નંદ-જશોદાનાં ગીતો રચ્યા જ કરશે. કવિઓ મને વાસુદેવ તરીકે નહિ જાણે, પણ જશોદાના લાલરૂપે વધારે ઓળખશે. મારું નામ તેઓ અષ્ટ પટરાણીઓ કરતાં વધારે રાધા અને ગોપ-ગોપીઓ સાથે જોડશે. શ્રીકૃષ્ણનો ગોપ-ગોપીઓ સાથેનો સંબંધ વ્હાલપના રેશમના દોરથી બંધાયેલો છે. તેનો એકેએક ભાવભીનો તાંતણો અતૂટ છે. દયારામ પોતાના એક પદમાં કહે છે :

‘સુખ સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું,

મને ન ગમે બ્રહ્મસદન અડવું,

ધિક્ ! સુખ જેને પામી પાછું પડવું.

પ્રેમ કે વહાલ માત્ર મનુષ્યજાતિ માટે હોય એ પૂરતું નથી. પશુ, પંખી, વનસ્પતિ અને જગતની સમગ્ર સચરાચર સૃષ્ટિને આપણે ચાહતાં શીખીએ એ જ વ્હાલપના રેશમના તાંતણે બંધાવાનું શુભ કાર્ય છે. જો આપણે પ્રેમનું રસાયણ છાંટીએ તો બધી સમસ્યાઓનો ઉકેલ સરળ બને.

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.