બધાં દેવાલયોમાં આરતી થઈ ગઈ. ઠાકુર ઓરડામાં નાની પાટ ઉપર બેસીને માનું ચિંતવન કરી રહ્યા છે. જમીન ઉપર એકલા મણિ બેઠેલા છે.
ઠાકુર સમાધિ-મગ્ન થયા છે.
થોડી વાર પછી સમાધિ ઊતરતી આવે છે. હજી સુધી ઈશ્વરીય ભાવની પૂર્ણ માત્રા રહી છે. ઠાકુર માતાજીની સાથે વાતો કરે છે, નાનું છોકરું જેમ માની પાસે હઠ કરીને વાતો કરે તેમ. કરુણ સ્વરે ઠાકુર માતાજીને કહે છે, ‘હેં મા, શું કામ તેં એ રૂપ બતાવ્યું નહિ, પેલું ભુવનમોહન રૂપ! આટલું આટલું કરીને તને કહ્યું તોય ! તને કહ્યું તો તું કાંઈ ગણકારવાની નથી ! તું ઇચ્છામયી !’ એવો સૂર કાઢીને આ બધા શબ્દો ઠાકુર બોલ્યા, તે સાંભળીને પથ્થર પીગળી જાય !
ઠાકુર વળી માની સાથે વાતો કરે છે :
‘મા, શ્રદ્ધા માગું છું. જવા દે સાલો તર્ક ! ‘સાત તોલા વિચાર એક તોલો શ્રદ્ધા.’ શ્રદ્ધા જોઈએ, બાળકના જેવી શ્રદ્ધા! માએ કહ્યું છે કે ત્યાં ભૂત છે, તો બાળકે બરાબર પકડી રાખેલ છે કે ત્યાં ભૂત છે જ. માએ કહ્યું છે કે ત્યાં હાઉ છે ! તો બાળક બરાબર માને કે ત્યાં હાઉ છે! માએ કહ્યું છે કે એ તારા મામા થાય ! તો બાળકે બરાબર પકડી લીધું છે કે એ સવા રૂપિયો ને સવા પાંચ આના મામો થાય ! એવી શ્રદ્ધા જોઈએ.
‘પરંતુ મા ! એમનોય બીચારાઓનો વાંક શો! તેઓય શું કરે ! તર્ક-વિચાર એક વાર તો કરી લેવો જોઈએ ને ! જોને, આ તે દિ’ આટલું બધું કહ્યું, તોય કાંઈ થયું નહિ, આજ કેમ એકદમ…
ઠાકુર માની પાસે કરુણ ગદ્ગદ સ્વરે રડતાં રડતાં પ્રાર્થના કરે છે. શી નવાઈ ! ભક્તોને માટે માની પાસે ઠાકુર રડે છે કે ‘મા, જે જે તમારી પાસે આવે છે, તેમની મનોવાંછના પૂર્ણ કરો ! બધું ત્યાગ કરાવો મા, મા ! વારુ, છેવટે તમારી ઇચ્છા હોય તેમ કરો !’
‘મા, જો સંસારમાં રાખવો હોય તો વચ્ચે એક-એકવાર દર્શન આપીશ? નહિતર કેમ કરીને રહીશ! મા, એક-એકવાર દર્શન ન આપ તો ઉત્સાહ કેમ કરીને રહે ! વારુ, છેવટે તમારી ઇચ્છા હોય તેમ કરો !’
ઠાકુર હજીયે ભાવ-મગ્ન. એ અવસ્થામાં અચાનક મણિને કહે છે, ‘જુઓ, તમે જે તર્ક-વિચાર કર્યો છે, તે ઘણોય થયો છે ! હવે કરો મા. કહો કે ‘હવે નહિ કરું !’
મણિ (હાથ જોડીને) – ‘જી, નહિ કરું.’
શ્રીરામકૃષ્ણ – ઘણોય (તર્ક-વિચાર) થયો છે. તમે પહેલવહેલાં આવતાંની સાથે જ તો તમને મેં કહી આપ્યું’તું તમારું ઘર (આધ્યાત્મિક વલણ). હું તો બધું જાણું ને ?
મણિ (હાથ જોડીને) – જી, હા.
શ્રીરામકૃષ્ણ – તમારું ‘ઘર’, તમે કોણ, તમારું અંદર બહાર, તમારી પૂર્વજન્મની બધી વાતો, હવે પછીના જન્મમાં તમારું શું થશે, એ બધું તો હું જાણું છું !
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ 1.444-45)
Your Content Goes Here