પ્રકરણ : 3

માનસિક તણાવ વિશે કેટલાક અભિમત

જેમ એક ગૃહિણી પોતાના ગૃહકાર્યમાં મગ્ન બની જાય છે, તેમ જ્યારે આપણે પોતાના કામમાં લાગી જઈએ છીએ, ત્યારે આપણને એ કાર્યમાં આનંદની અનુભૂતિ થવા લાગે છે. જો આપણને પોતાના કાર્યમાં રસ-રુચિ ન હોય તો આપણને એમાં પ્રસન્નતા મળતી નથી. એટલું જ નહીં પણ એ કાર્ય આપણને નીરસ લાગે છે.

જે વ્યક્તિ પોતાના કામમાં પ્રેમપૂર્વક વ્યસ્ત રહે છે, તેને ભક્તિયોગ કહી શકાય. પછી ભલે આપણે પુષ્પમાલા કે નૈવેદ્ય લઈને એક સામાન્ય સેવકની જેમ મંદિરમાં જઈએ, છતાં પણ જો આપણા હૃદયમાં ભક્તિભાવનાનો દૃષ્ટિકોણ હોય, તો કોઈપણ કાર્ય કરીએ તો તેને આપણે પ્રેમ અને ભક્તિથી કરી શકીશું – આ જ ભક્તિયોગ છે. શ્રદ્ધાપૂર્વક કાર્ય પૂર્ણ કરવાની ક્રિયા જ ભક્તિયોગ છે.

આપણો દૈનિક જીવનમાં ભિન્ન ભિન્ન લોકો સાથે સંપર્ક થાય છે – પરિવારજનો, મિત્રો, સહકર્મીઓ; પ્રાધ્યાપકોનો વિદ્યાર્થીઓ સાથે, ડૉક્ટરોનો દર્દીઓ સાથેના સંપર્કનો સમાવેશ થાય છે. આ સંબંધોમાં એ બધાની ભીતર એ જ પરમાત્મા રહેલો છે, એવો આપણો ભાવ હોય તો આપણે શાશ્ર્વત તેમજ અપરિવર્તનીય તત્ત્વવિવેક કરીએ છીએ, એમ માની શકાય. પ્રત્યેક વ્યક્તિમાં શાશ્ર્વત તત્ત્વ રહેલું છે, એ રીતે આપણે મનુષ્યના દિવ્યરૂપને સ્વીકારીએ છીએ. માણસ માટે તો આ આત્મા છે, પરંતુ સર્વવ્યાપી દૃષ્ટિએ એ બ્રહ્મ છે. આ રીતે આપણે વિવેકનો અભ્યાસ કરીએ છીએ. એને  જ્ઞાનયોગની સંજ્ઞા આપી છે.

જ્યારે આપણે કોઈ કામ કોઈ ઉદ્દેશ વિના કરીએ, એટલે કે કાર્ય માત્ર જ કાર્યહેતુ છે, તો એ કર્મયોગ બને છે. સ્વામી વિવેકાનંદે ખરેખર વાસ્તવિક વાત કરી છે કે આપણે ભલે સેંકડો કામ કરીએ, પરંતુ એ કામથી આપણા માનસપટલ પર તેનો એક તરંગ પણ ઊઠવો ન જોઈએ. આપણે ફળની આસક્તિ રહિત ભાવથી બધું કરવું જોઈએ.

આ રીતે આપણે દૈનિક કાર્યોમાં યોગની ચારેય વિધિઓને જીવનમાં ચરિતાર્થ કરી શકીએ છીએ. આને સમન્વયયોગ કહેવાય. દૈનિક કાર્ય કે ક્રિયા આરંભ કરતાં પહેલાં આપણે રાજયોગ વિદ્યાનું પરિપાલન કરી શકીએ છીએ. ભક્તિભાવનાથી પ્રેરિત કર્મ પૂર્ણ કરીને આપણે ભક્તિયોગની દૃષ્ટિ મેળવી શકીએ છીએ.

કાર્ય સંપાદન કરતી વખતે પોતાના સહયોગીઓ સાથે વિવેકસંમત વ્યવહાર દ્વારા આપણે જ્ઞાનયોગી બની શકીએ છીએ. અને અંતે આપણા માટે નિર્ધારિત બધાં કર્મ-કર્તવ્યોને કર્મયોગીની ભાવનાથી પૂર્ણ કરી શકીએ છીએ.

જ્યાં સુધી વૃત્તિઓ તરફ આપણે ઉપર્યુક્ત દૃષ્ટિકોણ ન અપનાવીએ, ત્યાં સુધી જે કંઈ ઘટનાઓ ઘટે એમાં આપણી પ્રતિક્રિયા પ્રતિકૂળ રહેવાની. ઉદાહરણ તરીકે, જો કોઈ નિમ્નકક્ષાનો કાર્યકર કોઈનું અપમાન કરે, તો તે સામાન્ય રીતે જેવાની સાથે તેવા જેવો વ્યવહાર કરવાનો. એનાથી ઊલટું, જો તે આધ્યાત્મિક ભૂમિકા પર બધાને સમાન માને, તો પોતાને અધીન કર્મચારીમાં પણ દિવ્યસ્વરૂપનું દર્શન કરશે. આ ત્યારે જ સંભવ બને જ્યારે તે સંપૂર્ણ નિર્ભયતાથી આત્મવિશ્ર્લેષણ કરવામાં સમર્થ હોય. આ જ્ઞાનયોગ છે. સમન્વયયોગના ઇચ્છુકોએ નિરંતર એ પરીક્ષણ કરવું પડે છે કે તે સાચી તેમજ સ્થિર બુદ્ધિના નિર્ણય પ્રમાણે વર્તે છે કે નહીં.

આપણે આ અગાઉ કરેલી ચર્ચાઓમાં માનસિક તણાવોનાં કારણોની જાણકારી પર વધારે ભાર દીધો છે. માનસિક તણાવોનો સામનો કરવા માટે આપણે અનેક ઉપાયોનો સહારો લઈએ છીએ, પરંતુ આ ઉપાય મોટે ભાગે ઉપલા સ્તર સુધી ઉપયોગી થાય છે. આ ઉપચાર એવા પ્રકારનો છે કે જેમાં કેવળ રોગનાં બાહ્ય લક્ષણોને જોઈને દવા આપવામાં આવે છે અને બાહ્યરૂપે પ્રગટ ન થતાં રોગનાં ભીતરી કારણોને નજરઅંદાજ કરવામાં આવે છે.

ધારો કે, એક વ્યક્તિ માનસિક તણાવથી ગ્રસ્ત છે અને આકુળવ્યાકુળ થતો રહે છે. જો તે ધૂમ્રપાન કરતો હોય તો તે પોતાના માનસિક તણાવના ધુમાડામાં ઊડવાનો પ્રયાસ કરશે. વળી કોઈ માદક દ્રવ્ય લઈને, એસ્પિરિન કે ઊંઘની ગોળીઓ ખાઈને કે દૂરદર્શનના કાર્યક્રમો જોઈને, હરવા-ફરવા કે ટોળ-ટપ્પાં કરવા નીકળીને, વિશ્રામનો સમય કાઢીને પોતાના મનને હળવું કરવાનો પ્રયાસ કરશે. પોતપોતાની રીતે આવા કાર્યક્રમ બનાવીને એ લોકો પોતાના માનસિક તણાવને હળવો કરવાના પ્રયાસ તો કરે જ છે, પરંતુ આ માનસિક દબાણને દૂર કરવામાં એમને જરાય સફળતા મળતી નથી.

હું આ તથ્યને ફરીથી કહું છું કે સ્નાયુતંત્રનો તણાવ એક પ્રકારની શારીરિક, માનસિક વિકૃતિ છે. મોટા ભાગના રોગ શારીરિક અને માનસિક વિકૃતિને કારણે ઉદ્ભવે છે. આ બાબતમાં લગભગ સર્વ-સંમતિ છે.  એનો માઠો પ્રભાવ આપણાં વિચારો, શ્રદ્ધા-વિશ્વાસ, પૂર્વગ્રહો અને વાતાવરણ પર પડે છે. આ દુષ્પ્રભાવને વશ થઈને આપણે વિભિન્ન પરિસ્થિતિઓમાં કેવું કેવું આચરણ કરીએ છીએ. આના પરથી એવું તારણ ક્યારેય ન કાઢી શકાય કે અલ્સર, માથાના દુ:ખાવાનાં લક્ષણ કેવળ કાલ્પનિક છે. વાસ્તવમાં અભિપ્રાય આ નથી.

ધારો કે, કોઈ એક ભાઈને માથું દુ:ખે છે અને એને હું કેમ કહું કે તમે આ માથાના દુ:ખાવાને દૂર કરવાની ગોળીઓ શા માટે લો છો ? તમારો આ માથાનો દુ:ખાવો કેવળ કાલ્પનિક છે. આ પ્રકારની ટિપ્પણ ઘણી અનુદાર બની રહેશે, કારણ કે જો કોઈ વ્યક્તિ માંદગીની ફરિયાદ કરે તો તેના કથન પર વિશ્વાસ રાખવો જોઈએ. એમની માંદગી કે દર્દ કાલ્પનિક છે, એવું વિચારવું ન જોઈએ.

મૂળ સમસ્યા એ  છે કે આ માથાનો દુ:ખાવો શા માટે રહે છે? એનું કોઈ કારણ હોવું જોઈએ. અનેક પ્રકારના રોગ વાસ્તવમાં રોગ હોય છે. આ રોગોને મનોશારીરિક વિકૃતિની સંજ્ઞા દેવી એ કેવળ આ તથ્યને સ્વીકાર કરવાનું કાર્ય છે. એ તથ્ય એ છે કે રોગોનું મૂળ કારણ ભાવાત્મક દબાણ કે તણાવ છે અને એનાથી ભાગ્યે જ કોઈ મુક્ત રહે છે. બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે આપણે વાતાવરણજન્ય પરિસ્થિતિઓ સાથે ઝઝૂમતા રહીએ છીએ. એને પરિણામે આપણી ભીતર મનોવૈજ્ઞાનિક પરિવર્તનની પ્રક્રિયાનો પ્રારંભ થઈ જાય છે. અંતે તે બાહ્યરૂપે શારીરિક રોગોના માધ્યમથી પ્રસ્ફુટિત થઈ જાય છે.

આ રોગોનાં પ્રમાણ અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે, એક માણસ ક્રોધનો શિકાર બને છે. સાધારણ રીતે તે ક્રોધને વ્યક્ત કરવાને બદલે ક્રોધને દબાવવાનો પ્રયત્ન કરે છે, એથી માનસિક તણાવ ઊભો થાય છે. આ માનસિક તણાવના ફળરૂપે માનસિક વિષાદ કે ભયંકર માથાનો દુ:ખાવો થાય છે. સિદ્ધાંત એક જ છે. એ મૂળ સિદ્ધાંત કયો છે ? એને આપણે સાવધાનીપૂર્વક પરખવો પડે. આપણે પોતાના જીવનમાં ભિન્ન ભિન્ન ભાવોના અતિરેકોને વશ થઈને વ્યવહારવર્તન કરીએ છીએ. પરિણામે આપણે અનેક ભાવનાઓના દબાણ કે દમનનો ભોગ બનીએ છીએ. અંતે ભાવનાઓનું દબાણ આપણી સુનિયોજિત શારીરિક રચનાઓને અવ્યવસ્થિત કરી દે છે.                                         (ક્રમશ:)

Total Views: 338

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.