(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો)
પૂર્વજીવન (1854 થી 1874)
પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી શ્રીમ.એ શંકર ઘોષ લેનમાં આવેલ વિદ્યાસાગરની શાળામાં થોડો સમય અભ્યાસ કર્યો. 10 વર્ષની ઉંમરે તે બંગાળના મહાન શિક્ષણકાર, સમાજસુધારક અને સેવાપરાયણ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને મળ્યા. ત્યાર પછી તેઓ ‘હેર સ્કૂલ’માં દાખલ થયા. એ સમયે આ શાળાનું કોલકાતામાં ઘણું ઊંચું સ્થાન હતું. એ સમયે બ્રાહ્મોસમાજના નેતા કેશવચંદ્ર સેનને પણ મળ્યા. જ્યારે તેઓ 12 વર્ષના થયા ત્યારે માઈકલ મધુસૂદન દત્ત ઇંગ્લેન્ડથી પાછા ફર્યા હતા અને તેમણે શ્રીમ.ના નજીક રહેતા એક સગાની મુલાકાત લીધી. શ્રીમ. અને તેમના મિત્રો વરંડામાં બેઠા હતા. માઈકલે તેમની સાથે હસ્તધૂનન કરીને હાસ્ય સાથે કહ્યું, ‘વારુ, સજ્જનો, આપ સૌ કેમ છો?’ માઈકલ મહાન કવિ અને નાટ્યલેખક હતા. તેમણે બંગાળી સાહિત્યમાં બ્લેંક વર્સ – (5્રાસ વિનાનું પદ્ય – અપદ્યાગદ્ય શૈલી) નો પ્રયોગ કર્યો હતો. શ્રીમ. રાષ્ટ્રિય કક્ષાના નેતા તેમજ બુદ્ધિમાનો પ્રત્યે હંમેશાં ગહન આદરભાવ ધરાવતા હતા. શ્રીરામકૃષ્ણને મળ્યા તે પહેલાં તેઓ આવા વીરનાયકના પૂજક રહ્યા.
1867માં જ્યારે 7મા ધોરણમાં આવ્યા ત્યારે તેમણે પોતાની ડાયરી રાખવાનું શરૂ કર્યું. અહીં આપેલી કેટલીક નોંધો તેઓ ધાર્મિક પ્રકૃતિના હતા તેવું બતાવે છે: ‘હું સવારમાં ઊઠ્યો અને મારાં માતપિતાને સાષ્ટાંગ પ્રણામ કર્યા.’; ‘દરરોજની જેમ સ્કૂલે જતાં રસ્તામાં શ્રીમા કાલી અને શ્રીમા શીતળાદેવીને પ્રણામ કર્યા.’ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નો મૂળસ્રોત રોજનીશી રાખવાની તેમની ટેવમાં રહેલો છે. શ્રીમ.એ પોતાના મહાન કાર્યને આ રીતે વર્ણવ્યું છે, ‘15 વર્ષ સુધી હું નવું નવું શીખવાની ટેવવાળો હતો.’
શ્રીમ. મેધાવી વિદ્યાર્થી હતા. તેઓ ‘હેર સ્કૂલ’માં પોતાના વર્ગમાં પ્રથમ કે બીજા ક્રમે જ રહેતા. 1870માં તેમણે કોલકાતા યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને બીજા ક્રમે આવ્યા. ત્યાર પછી તેઓ મેરીટ સ્કોલરશીપ લઈને પ્રેસિડેન્સી કોલેજમાં દાખલ થયા. 1872માં એફ. એ. ની પરીક્ષામાં પાંચમા ક્રમે આવ્યા અને 1874માં કોલકાતા યુનિવર્સિટીમાં તૃતીય ક્રમે આવીને બી.એ.ની પદવી મેળવી. કોલેજમાં શ્રીમ. અંગ્રેજીના સુખ્યાત પ્રો. સી.એચ. તાવણેના માનીતા વિદ્યાર્થી હતા. પાછળથી આ અધ્યાપક ‘ડાયરેક્ટર ઓફ પબ્લિક ઈન્સ્ટ્રક્શન’ બન્યા. પ્રો. તાવણે નિવૃત્તિ પછી ઇંગ્લેન્ડ પાછા ફર્યા. પરંતુ તેમની અને શ્રીમ. વચ્ચે પત્ર વ્યવહાર નિયમિત રીતે થતો રહ્યો. પછીથી તાવણેએ શ્રીરામકૃષ્ણ વિશે એક નાની પુસ્તિકા લખી હતી.
પોતાનાં કોલેજનાં વર્ષોમાં શ્રીમ.ને સુખ્યાત લોકોને મળવાની ઉત્ક્ટ ઇચ્છા રહેતી. દા.ત. તેઓ બંગાળી સાહિત્યના મહાન નવલકથાકાર શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને મળ્યા હતા. પ્રેસિડન્સી કોલેજમાં સુરેન્દ્રનાથ બેનરજી (તેઓ પાછળથી રાષ્ટ્રીય નેતા બન્યા હતા.) વિદ્યાર્થી સંઘના ઉપપ્રમુખ હતા અને શ્રીમ. સચિવ હતા. જ્યારે ઇન્ડિયન સિવિલ સર્વિસ (આઈ. સી. એસ.)ની ડિગ્રી મેળવીને સુરેન્દ્રનાથ ઇંગ્લેન્ડથી પાછા ફર્યા ત્યારે શ્રીમ. તેમને એ અભ્યાસક્રમ અને વિદેશમાં રહેવાની વ્યવસ્થા વિશે પૂછવા બેનરજીના નિવાસ સ્થાન કોલકાતાના તાલતાલામાં મળવા ગયા. તેઓ એ ડિગ્રી મેળવવા ઇચ્છતા હતા કારણ કે એનાથી બ્રિટીશ સરકારમાં મોભાનું સ્થાન મળતું હતું. રવિન્દ્રનાથ ટાગોરના પિતા અને આદિબ્રાહ્મોસમાજના નેતા દેવેન્દ્રનાથ ટાગોરને પણ તેઓ મળ્યા હતા. આ બધા અગ્રણીઓમાંથી જેમના પ્રત્યે તેમને વિશેષ આકર્ષણ હતું- તેઓ હતા બંકિમચંદ્ર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને કેશવચંદ્ર સેન. તેઓ કેશવના બ્રાહ્મોસમાજની સેવાપ્રવૃત્તિઓમાં અને એમનાં ઉપદેશ સંભાષણોમાં નિયમિત રીતે ઉપસ્થિત રહેતા.
લબ્ધપ્રતિષ્ઠિત લોકો પ્રત્યેનો એમનો પ્રશંસાભાવ, ઉપરાંત તેમને નવું નવું શીખવાનો ઘણો શોખ હતો. તેમણે સાહિત્ય, દર્શનશાસ્ત્ર, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, ધર્મ, ખગોળશાસ્ત્ર અને આયુર્વેદની દવાઓનો અભ્યાસ કર્યો. તેઓ પૂર્વ અને પશ્ચિમની ફિલસૂફીમાં પ્રવીણતા ધરાવતા હતા. તેવી જ રીતે અંગ્રેજી, બંગાળી અને સંસ્કૃત ભાષાઓ પર પણ તેમનું ઘણું પ્રભુત્વ હતું. તેમણે ફ્રેંચ ભાષાનો થોડો અભ્યાસ કર્યો હતો. જૈન અને બૌદ્ધ ધર્મપ્રણાલીઓ સાથે ભારતની દર્શનશાસ્ત્રની બધી શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત એમણે ન્યૂ ટેસ્ટામેન્ટનો એટલો ગહન અભ્યાસ કર્યો હતો કે તેઓ તેમાંથી ઘણા ખંડો ઉદ્ધૃત કરી શકતા. શ્રીરામકૃષ્ણના દેહાવસાન પછી એક ખ્રિસ્તી પાદરી શ્રીમ.ના બાઈબલ વિશેના ગહન જ્ઞાનથી મુગ્ધ થયા હતા અને શ્રીમ.એ વિનમ્રતાથી કહ્યું, ‘સર, અમે ઈશુ ખ્રિસ્તની સાથે (શ્રીમ.ને મન શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્રિસ્ત એક જ હતા.) જીવ્યા છીએ. એટલે અમે એમના સંદેશને થોડા ઘણા સમજી શકીએ છીએ.’
માત્ર ઉત્તમ વિદ્યાર્થી જ ઉત્તમ શિક્ષક બની શકે. સાચા શિક્ષક પાસે વિસ્તૃત માત્રામાં જ્ઞાન હોવું જરૂરી છે અને તેથી જ તે વિદ્યાર્થીઓ સમક્ષ અધિકારપૂર્વક બોલી શકે. શ્રીમ.ની જ્ઞાનની ભૂખ એટલી તીવ્ર હતી કે તેમને કોલેજના અભ્યાસક્રમ માટે નક્કી થયેલ પુસ્તકોથી સંતોષ ન થતો. તેમણે રામાયણ, મહાભારત અને પુરાણો પણ વાંચ્યાં હતાં. સાથે ને સાથે દેવ-દેવીઓનાં સ્તોત્રો કંઠસ્થ કર્યાં હતાં. જો કે તેમણે કોલેજમાં પશ્ચિમનું શિક્ષણ મેળવ્યું હતું, છતાં પણ તેમણે પ્રાચીન ભારતના ગહનગંભીર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને અવગણ્યો ન હતો. તેમનું કલ્પનાશીલ મન ‘કુમાર સંભવ’, ‘અભિજ્ઞાન શાકુંતલ’, ‘ભટ્ટીકાવ્ય’, ‘ઉત્તરરામચરિત’ જેવી સંસ્કૃત સાહિત્યની કૃતિઓનાં જ્ઞાન, વિદ્વત્તા અને કાવ્યસૌંદર્યમાં સંશોધનાત્મક દૃષ્ટિએ રત રહેતું. તેમણે આ કૃતિઓના કેટલાક શ્ર્લોક કંઠસ્થ કરી લીધા હતા. એમાંય વિશેષ કરીને, જેમાં પ્રાચીન ઋષિઓના આશ્રમનાં વર્ણનો આવતાં હોય. સંસ્કૃત કવિઓમાં કાલિદાસને તેઓ ઉચ્ચ ક્રમે ગણતા.
શ્રીમ.એ આ સંસ્મરણોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું, ‘મારા કોલેજનાં વર્ષો દરમિયાન જ્યારે હું ‘કુમાર સંભવ’માંનું શિવના ધ્યાનનું વર્ણન વાંચતો ત્યારે હું મારી જાતને તદાકાર બનાવી દેતો. કવિ કાલીદાસ લખે છે : ‘શિવની કુટિરનાં બારણે ઊભા રહીને એમનો સેવક નંદી શિવની ધ્યાનાવસ્થાનું રક્ષણ કરે છે. તેના ડાબા હાથમાં સોનાનો ચાબુક છે અને હોઠ પર તર્જની રાખીને ઊભેલો નંદી આજુબાજુનાં વૃક્ષો, પશુઓ, પક્ષીઓ સર્વ કોઈને જરાય અવાજ ન કરવા ચેતવણી આપતો હોય અને જો એમ ન કરે તો એમને સજા થશે એવું કહેતો હોય તેવો દેખાય છે. ભયને કારણે વૃક્ષો ગતિહીન ચિત્ર જેવાં, પક્ષીઓ મૂગામંતર, પશુઓ શાંત અને મધમાખીઓ શાંત-બની ગયાં છે.’ (ક્રમશ:)
Your Content Goes Here