(ગતાંકથી આગળ)

હવે ગોપાંગનાઓ ઉદ્ધવનો પરિચય જાણવા ઉત્સુક થઈ. તેમની સાથે વાત કરવા પ્રેરાઈ. ઉદ્ધવે કહ્યું, ‘મથુરાથી શ્રીકૃષ્ણે મને તેમના કુશળ સમાચાર આપવા અને તમારા કુશળ જાણવા મોકલ્યો છે.’ ગોપીઓએ શ્રીકૃષ્ણના સખા જાણી આનંદથી તેમનું સ્વાગત કર્યું. આસન આપી બેસાડ્યા. બધી વ્રજાંગનાઓ તેમને ઘેરી વળીને બેસી ગઈ અને સંકોચ છોડી શ્યામસુંદરની મધુર લીલાનું સ્મરણ કરતી કરતી રુદન કરવા લાગી.

અષ્ટ સખીવૃંદથી ઘેરાયેલાં શ્રીરાધા વિરહભાવમાં મૌન ધારણ કરી બેઠાં હતાં. શ્રીકૃષ્ણના દૂત ઉદ્ધવને જોઈને એકાએક દીનભાવમાં આવી કહેવા લાગ્યાં, ‘પ્રિયતમના પ્યારા દૂત! શ્રીકૃષ્ણ ગુરુકુળથી પાછા આવી સુખી તો છે ને? શું ક્યારેય નંદબાબા, યશોદામૈયા અને સખાઓને યાદ કરે છે? ક્યારેય અમ જેવી દાસીઓનું સ્મરણ તેને થાય છે? વ્રજમાં આવી પોતાનો શ્રીહસ્ત અમારા મસ્તક પર રાખી અમારો તાપ શાંત કરશે? અમારા જીવનમાં ક્યારેય એ શુભ ઘડી આવશે?’ આટલું બોલતાં તેઓ વિરહની ઉત્કટ દશામાં આવી ગયાં અને તેમનામાં અષ્ટ સાત્ત્વિક ભાવો પ્રકટ થયા અને મહાભાવ દશામાં આવી જઈ મૂર્છિત થઈ ગયાં.

ઉદ્ધવ શ્રીરાધાજીમાં મહાભાવસમુદ્રના તરંગો જોઈ રહ્યા. તેમની દિવ્ય પ્રેમોન્માદની દશા જોઈ. મહાભાવમય વાણી સાંભળી. ગોપીઓનો શ્રીકૃષ્ણપ્રેમ નિત્યનૂતન અને નિત્યવર્ધનશીલ છે તે તેમણે જોયું. તેઓનાં ચરણમાં ભક્તિ ઉત્પન્ન થઈ. તેમને થયું કે શ્રીકૃષ્ણે જે કાર્ય માટે તેમને દૂત તરીકે વજ્રમાં મોકલ્યા છે, તે માટે પોતે સમર્થ નથી. છતાં તેમણે વિચાર્યું કે શ્રીકૃષ્ણદર્શનની તીવ્ર લાલસા ધરાવતી ગોપીઓને તેઓના પ્રિયતમના સમાચાર આપવાથી તેઓને થોડી સાંત્વના મળશે.

ઉદ્ધવ કહે છે, ‘એ મહાભાગ્યવતી ગોપીઓ! શ્રીકૃષ્ણના વિયોગમાં તમને બધી વસ્તુઓમાં એમનાં દર્શન થાય છે. ભગવાન વાસુદેવમાં તમારું મન સમર્પિત થયું છે. તમે માતાપિતા, પતિ, પુત્ર અને ઘરનો ત્યાગ કરી શ્રીકૃષ્ણને શરણે ગયાં છો. તેમની પ્રેમભક્તિના મૂર્ત સ્વરૂપ છો. મુનિજનો પણ જેને ઝંખે છે તેવી શ્રીકૃષ્ણચરણારવિંદની વિશુદ્ધ ભક્તિ તમે સહજસાધ્ય કરી છે. ત્રિલોકમાં ક્યાંય તમારા કૃષ્ણાનુરાગની તુલના થાય તેમ નથી. તમારાં દર્શન કરી હું કૃતાર્થ થયો છું. મારું વ્રજમાં આવવું સાર્થક થયું છે. તમને સુખ થાય તે માટે શ્રીકૃષ્ણે સંદેશો મોકલ્યો છે તે સાંભળો.’

શ્રીકૃષ્ણે ક્હ્યું છે, ‘હું સર્વનો આત્મા છું, સર્વનો અંતર્યામી છું. હું તમારું જીવનસર્વસ્વ છું, તેમ તમે પણ મારા પ્રાણસમાન છો. તમારાથી મારો વિયોગ ક્યારેય થયો નથી. હું તમારાથી દૂર રહ્યો છું જેથી તમે મારું નિરંતર ધ્યાન કરી શકો, તીવ્ર વિરહભાવમાં મારા મિલનનો આનંદ માણી શકો. તમે સંપૂર્ણપણે મારામાં મન રાખી મારું સ્મરણ કરતાં કરતાં તરત જ સદાને માટે મને પ્રાપ્ત કરશો.’

શ્રીકૃષ્ણના સંદેશાથી ગોપિકાઓનાં મન શાંત થયાં. તેઓને થયું કે શ્યામસુંદર વ્રજમાં જ છે. શ્રીકૃષ્ણનો વિયોગ સ્વપ્ન જેવો અને મિલન સત્ય છે તેમ તેઓ અનુભવવા લાગી. તેઓનાં મન-હૃદય દિવ્ય આનંદથી સભર થઈ ગયાં. તેઓ શ્યામસુંદરની મધુર લીલાનું સ્મરણ કરતી બોલવા લાગી, ‘શ્યામસુંદરની લાલિત્યમય ચાલ, મધુર નયન, મધુર હાસ્ય અને મધુર વાણીએ અમારાં ચિત્ત હરી લીધાં છે. અમને તેમના મધુર નયનમનોહર મુખારવિંદનાં દર્શન થાય છે.’ આમ વાત કરતાં કરતાં ગોપાંગનાઓ વિરહભાવમાં આવીને આર્તસ્વરે બોલવા લાગી, ‘હે વ્રજનાથ! હે રમાનાથ! હે ગોવિંદ! જીવોનું દુ:ખ દૂર કરવું એ તમારો અનન્ય ગુણ છે અને વ્રજજનોનું દુ:ખહરણ કરવું એ તો તમારું ચિરવ્રત છે. અનેક વિપદોમાં તમે વ્રજજનોની રક્ષા કરી છે. અત્યારે આખું વ્રજ મહા શોકસાગરમાં ડૂબી ગયું છે. તમારા સિવાય કોઈ તેને ઉગારી શકે તેમ નથી. હે કૃષ્ણ! એક વાર આવી અમને બચાવો, અમારી રક્ષા કરો.’

ગોપિકાઓનો હૃદયવિદારક આર્તનાદ સાંભળી ઉદ્ધવના હૃદયમાં શ્રીકૃષ્ણવિરહના તરંગો આવવા લાગ્યા, આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને ગોપીઓની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, ‘હે મહાભાગા ગોપીઓ! શ્રીકૃષ્ણના પરમ દિવ્ય મહાભાવમાં તમે તરબોળ છો. ભગવત્પ્રેમની સર્વશ્રેષ્ઠ સ્થિતિ તમે સહજ પ્રાપ્ત કરી છે.’ આમ કહી તેમણે ગોપીઓને પ્રણામ કર્યા અને મનોમન પ્રાર્થના કરી કે બીજા જન્મમાં પોતે વ્રજમાં કોઈ ઔષધિ, તૃણ કે ગુલ્મલતારૂપે રહે જેથી ગોપાંગનાઓની ચરણરજ સદાય તેમને મળતી રહે. આમ ઉદ્ધવ ગોપીઓને જ્ઞાન આપવાને બદલે તેમના શિષ્ય થઈ ગયા. તેઓના કૃષ્ણાનુરાગે રંગાઈ ગયા. આ અનુભૂતિ આપવા જ શ્રીકૃષ્ણે તેમને વ્રજમાં મોકલી તેમના પર મહાન કૃપા કરી. ઉદ્ધવ વ્રજમાં કેટલાક મહિના રહ્યા. તેઓ હંમેશાં નંદયશોદા, ગોપસખાઓ તથા ગોપીઓને શ્રીકૃષ્ણની મથુરાલીલાનું ગાન સંભળાવી આનંદિત કરતા. તે પ્રમાણે પોતે પણ શ્રીકૃષ્ણની લીલાસ્થળી વિશે પૂછી આનંદમગ્ન થઈ જતા. યમુનાનો તટ અને કુંજો કે જ્યાં શારદીય રાત્રીએ વેણુ વગાડી ગોપીઓને ઘેલી કરી હતી. કદંબવૃક્ષ તળે ઊભા રહી બંસીવાદન કરી ગાયોને બોલાવતા. ગોવર્ધન કે જેના ઉપર સખાઓને ખભે હાથ રાખી ગાયો ચરાવવા જતા, તેમજ ગોધૂલિ સમયે ગાયોને લઈને વનમાંથી પાછા ફરતા ત્યારે વનની કેડીઓ પર અંકાયેલાં શ્યામસુંદરનાં શ્રીચરણચિહ્નો જોઈ ઉદ્ધવ ભાવવિભોર થઈ જતા.

એક દિવસ ઉદ્ધવે નંદબાબા પાસે મથુરા જવાની રજા લીધી. માતા યશોદાએ કનૈયા માટે તાજું માખણ અને દૂધની અનેક વાનગીઓ મોકલી. નંદબાબાએ વસ્ત્રાલંકાર અને ગોપસખાઓએ મયૂરપંખ અને ગુંજાની માળા મોકલી. જ્યારે ગોપીઓએ આંખમાં આંસુ સાથે પોતાના હૃદયની વાત કહી, ‘શ્રીકૃષ્ણના વિયોગમાં અમે દુ:ખી છીએ એમ તમે એમને કહેતા નહીં, નહીં તો એમને દુ:ખ થશે. તેઓ જ્યાં હોય ત્યાં સુખી હોય એમાં જ અમે સુખી છીએ.’

વ્રજજનો એકી સાથે બોલ્યા, ‘અમારા મનની એકેએક વૃત્તિ શ્રીકૃષ્ણનાં ચરણોની સેવામાં રત રહે, અમારી વાણી સદા તેમનાં પવિત્ર નામોનું ઉચ્ચારણ કરે, અમારાં કર્મ અનુસાર અમને ગમે તે યોનિમાં જન્મ મળે તો પણ શ્રીકૃષ્ણમાં અમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી રહે એવી અમારી નમ્ર પ્રાર્થના શ્યામસુંદરને પહોંચાડજો.’

ઉદ્ધવે વ્રજજનોને પ્રણામ કરી ભારે હૈયે વિદાય લીધી અને રથ મથુરાની દિશામાં હંકારી ગયા.

Total Views: 271

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.