સાધારણ રીતે પરિક્રમાવાસી ઓમકારેશ્ર્વરથી પહેલો પડાવ મોરટક્કા કરે છે, ત્યાં સુધી જવાના બે રસ્તા છે. એક નર્મદા મૈયાના કિનારે કિનારે ચાલવાનો અને બીજો હાઈવેવાળો સરળ રસ્તો. અમને તો સફેદ કુટિયાના કઠોરી સ્વામી નર્મદાતટના આ કઠિન રસ્તેથી લઈ ગયા હતા. તેથી તે રસ્તો જાણીતો હતો. પરંતુ સાધારણ પરિક્રમાવાસી માટે નર્મદાતટનો રસ્તો મુશ્કેલીવાળો ખરો! નીકળી પડ્યા નર્મદાના તટે તટે. નવો વેશ-પરિવેશ અને શિયાળાની સવારનાં રવિ-રશ્મિ દેહમનને તેજથી ઉદ્દીપ્ત કરતાં હતાં. નીલ આકાશ. શ્રીનર્મદા મૈયાએ પણ જાણે કે નીલરંગી ચુંદડી ઓઢી હોય તેવું એમનું જળ પણ નીલરંગી ! મધુરમીઠી શીત લહેરો, ચોતરફ હરીયાળી. ચોખ્ખીચણાંક વનરાજીઓ, પગદંડીઓ, રેતી, માટી વગેરે જોઈને હવે અમને ખ્યાલ આવ્યો કે આ મેઘદાદા ત્રણ-ચાર દિવસથી અમને ડરાવતા નો’તા, તે તો આ રસ્તાને સાફ-સૂથરો કરતા હતા.
શ્રીનર્મદા મૈયાને હૈયામાં ધારણ કરીને અમે પરિક્રમાના પથે ચાલતા હતા. જાણે કે ‘આજે શંખે શંખે મંગળ ગાઓ જનની એસે છે દ્વારે, સપ્તસિંધુ કલ્લોલ રોલ એસે છે સપ્તદ્વારે. જનની એસે છે દ્વારે.’ સફેદ કુટિયાના બે સ્વામીજી બોલ્યા, ‘વાહ ! કેવો આનંદ છે ! મને લાગે છે કે અમે પણ પરિક્રમા આરંભીએ.’ મનમાં ધ્રાસકો પડ્યો અને કહ્યું, ‘તમારે પરિક્રમા આરંભવી હોય તો બે મહિના પછી કરજો, નહિતર મઠના મોટા સ્વામી મને ધખશે.’ એ સાંભળીને એ બન્ને હસવા લાગ્યા. હજી સુધી એ બન્ને સ્વામીજીએ નર્મદાની પરિક્રમા કરી ન હતી. આવી પરિક્રમા તો શ્રીમાની વિશેષ કૃપા હોય તો થાય!
1.5 કિ.મિ. પછી વળાંક આવે છે. દૂરથી શિવપુરીમાં રહેલ ઓમકારેશ્ર્વર મંદિરના શિખરનાં દર્શન કર્યાં અને મનોમન બાબાને પ્રણામ કર્યા. વચ્ચે એક બંગાળી બાવાજીની કુટિયા હતી. તેમણે કહ્યું, ‘હમણાં જ નર્મદાસ્નાન કરીને આવું છું.’ અને આગ્રહપૂર્વક ચા પીઈને જવાનું કહેવા લાગ્યા. માર્કન્ડેય આશ્રમમાં ચા પીઈને હજી તો નીકળ્યા હતા. વળી તેઓ નર્મદાસ્નાને જતા હતા. તેથી આભારની લાગણી સાથે ના પાડી. પરિક્રમાના પથે સુંદર કેડીઓ હતી. અમે પાંચ સ્વામી અને મોહનભાઈ રસ્તામાં સત્સંગ કરતાં કરતાં 4.5 કિ.મિ. ચાલ્યા, એટલામાં ક્યારે મૌની બાબાનો આશ્રમ આવી ગયો, તેની ખબર પણ ન પડી. અહીં શ્રીનર્મદા મૈયાનું અદ્ભુત ગંભીર રૂપ. નદીનો વિશાળ પટ, જાજરમાન આર્યનારી જેવું ગંભીર, સુંદર, નિર્મળ, સુરમ્ય રૂપ. તમને વળી થાય કે આ તો નદી, વળી તેનું આર્યનારી જેવું રૂપ! તો ભાઈ, વાત એમ છે કે મારી શ્રી શ્રીમા તો ‘અનંતરૂપિણી, અનંતગુણવતી, અનંતનામ્નિ’ સમજ્યા! ટેકરા પર મૌની બાબાનો આશ્રમ. આશ્રમમાંથી શ્રીનર્મદા મૈયાનું અદ્ભુત દર્શન થાય છે. વાતાવરણ પણ શાંત અને નીરવ. મૌની બાબાએ ઘણાં વર્ષો સુધી મૌન ધારણ કર્યું હતું. એટલે તેઓ મૌની બાબાના નામે સુખ્યાત છે. એ વખતે મૌની બાબા બહાર ગયા હતા. તેમના કેટલાક બ્રહ્મચારી ત્યાગી શિષ્યો હતા. ચહેરા પર તેજપુંજ. વાણીવર્તનમાં વિનમ્રતા, વિનય-વિવેક અને નિરભિમાન પ્રગટ થતાં હતાં. જેવા ગુરુ તેવા શિષ્ય. અમને જોઈને બપોરના ભોજન-પ્રસાદની તેઓ પોતાની રીતે તૈયારી કરવા માંડ્યા એવું જણાયું. અમે પૂછ્યું, ‘અમે પ્રસાદ લઈ શકીએ?’ કોઈપણ પ્રકારના અણગમા વગર તેમણે હા પાડી. પવિત્ર ત્યાગી બ્રહ્મચારીઓના હાથે તૈયાર થયેલ ભોજન-પ્રસાદ લીધો. શિયાળાની બપોર. શ્રીનર્મદા મૈયાના કિનારે અમે સૌ બેઠા. ચારે તરફ નાના-મોટા, કાળા ભમ્મર પથ્થરો. બપોરનો તડકો દેહ મનને આનંદ આપતો હતો. એવામાં કર્ણાટકના એક યુવાન પરિક્રમા કરનારના વેશમાં આવ્યા.
એમને પ્રશ્ન પૂછતાં અમે જાણ્યું કે તેમણે અમરકંટકથી પરિક્રમા શરૂ કરી છે. ઘણી ઝડપથી ચાલીને બે-ત્રણ મહિનામાં જ એ પરિક્રમા પૂરી કરી લેશે. રોજ ઘણું બધું ચાલે છે. અમે કહ્યું, ‘ઉપર ટેકરા પર મૌની બાબાનો આશ્રમ છે. તમારા માટે ભોજન-પ્રસાદની વ્યવસ્થા થઈ જશે.’ મોહનભાઈ એમને લઈને મૌની બાબાના આશ્રમમાં ગયા. થોડીવાર પછી ટેકરા ઉપરથી જ મોહનભાઈએ મોટા અવાજે પૂછ્યું, ‘મહારાજ, હું આ કર્ણાટકના યુવાન સાથે પરિક્રમામાં આગળ જાઉં ?’ મને એમ કે તેઓ મજાકમાં કહે છે. મેં કહ્યું, ‘હા, હા, જાઓને.’ અને એ સાથે પોતાનો થેલો, લાઠી, કમંડળ લઈને મોહનભાઈ તેમની સાથે ચાલી નીકળ્યા! મેં વિચાર્યું, ‘ચાલો, જેવી માની ઇચ્છા.’ રામ ટેકના પી. સ્વામી તો હતા જ. પરિક્રમામાં એકલા જ ચાલવાનો અનેરો આનંદ છે. પણ આમ તો નવા નવા, અનુભવ વગરના પરિક્રમાવાસી માટે એક સાથી હોય તો સારું. મૌની બાબાના સીધા-સાદા પાવન આશ્રમમાં એક બે દિવસ રોકાઈ જવું, એમ વિચાર્યું. પહેલા માળે રવેશ જેવી ડોરમેટ્રી છે. તેમાં પાંચ-છ ખાટલા. બે ખાટલામાં અમે બે સ્વામીજીઓ ગોઠવાયા. શિયાળો હતો, મોટા-મોટા ધાબળા પણ હતા. વચ્ચે ત્યાગી બ્રહ્મચારીજી ગરમ-ગરમ ચા આપી જતા. મોટો ધાબળો શરીરે ઓઢીને નર્મદા મૈયાનાં દર્શન કરતાં કરતાં જેટલાં બને એટલાં જપધ્યાન કરતા. મૌની બાબાના આશ્રમની સંધ્યા આરતી એ જોવા જેવી વસ્તુ! ટેકરીમાં આવેલ ગુફાઓમાં ભગવાનનું ગર્ભગૃહ. સંધ્યા સમયે બધે ધૂપ-ધૂણા, સુંદર મઘમઘતી સુગંધનું આહ્લાદક વાતાવરણ, ત્યાગી બ્રહ્મચારી દ્વારા થતી આરતી અને ભાવભક્તિપૂર્વક મધુર સ્તવન – એ બધું આજે પણ કાનમાં ગુંજે છે.
‘મો સમ દીન ન દીન હિત, તુમ સમાન રઘુવીર,
અસ વિચારી રઘુવંશમણિ હરહું વિષમ ભવભીર.
પ્રણત પાલ રઘુવંશમણિ કરુણાસિંધુ ખરારિ તૂ,
ગયે ચરણ પ્રભુ રાખિહહિં સબ અપરાધ વિસારી.
ચલો સખી વહાઁ જાઈહે જહાં બસૈ વ્રજરાજ,
ગોરસ બેચત હરિ મિલે, એક પંથ દોઉ કાજ.
એક ઘડી આધી ઘડી, આધી સે પુનિ આધ,
તુલસી સંગત સાધુકી, હરૈ કોટિ અપરાધ.
ત્રણ દિવસ મૌની બાબાના આશ્રમમાં રહ્યા. 6ઠ્ઠી જાન્યુઆરી, 2015ની સવારે મૌની બાબાનાં દર્શન થયાં. તપોપૂત, સુંદર સૌમ્યમૂર્તિ. અમને આશીર્વાદ આપ્યા અને નર્મદા પરિક્રમામાં આગળ વધવા નીકળી પડ્યા. આગળનો માર્ગ ખૂબ જ કઠિન હતો. નર્મદા તટે નાના-મોટા પથ્થર. ક્યારેક પથરાળ ટ્રેકિંગ જેવા. બેગને નીચે ઉતારી ધીમે ધીમે એક પથ્થર પરથી બીજા પથ્થર પર ચઢીને જવાનું. આવી રીતે ચાલવાની ટેવ ન હતી. એકવાર તો પગ લપસ્યો. પી. સ્વામી બોલી ઊઠ્યા, ‘અરે, બાપુ ! ધીમે ધીમે. કંઈ ઉતાવળ નથી.’ એકવાર સફેદ કુટિયાના કઠોરી સાધુ આ રસ્તે લાવ્યા હતા. એટલે હામ હતી. જેમ તેમ કરીને માંડ માંડ રસ્તો કાઢ્યો અને પગદંડી પર પહોંચ્યા. પાસે શ્રી દુર્ગામંદિર. પી. સ્વામી દોડીને મંદિરે પહોંચી ગયા. એક મોટો કઠિન રસ્તો પાર પડ્યો, આમ શ્રીમાએ બચાવી લીધા ! અમે બંને સ્વામીજીએ ‘સર્વમંગલ માંગલ્યે…’ સ્તવન ગાઈને શ્રીદુર્ગા માને રિઝવ્યાં. (ક્રમશ:)
Your Content Goes Here