આ વખતે સ્વામીજી ચાલતા નહીં પણ ઘોડા પર બેસીને અલમોડા આવ્યા. એમના ઉપદેશને લોકો સુધી પહોંચાડનાર ગુડવિન મહાશય પણ એમની સાથે જ કાઠગોદામથી અલમોડા સુધી આવ્યા. પહાડી રસ્તે વચ્ચે આવતાં ગામોના લોકોનાં ટોળાં સ્વામીજીને વધાવવા અને અભિનંદન આપવા હાજર હતાં. અલમોડા ગામની નજીક પહોંચતાં, સ્વામીજીને શણગારાયેલા ઘોડા પર બેસાડી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોએ સુંદર શોભાયાત્રા કાઢી, જેમાં નાના-મોટા, ઉચ્ચ-નીચ, પંડિત-વિદ્વાન એમ આબાલવૃદ્ધોએ ભાગ લીધો હતો.

સ્વામીજીની પાછળ પાછળ સૌ પગપાળા ચાલીને ગામમાં લઈ ગયા. આખે રસ્તે લોકો સ્વામીજીને ફૂલ-ચોખાથી વધાવતા ગયા. આ જનસમુદાય છેવટે લાલા બદરીશાહના ઘરની સામે બાંધેલા વિશાળ મંડપમાં આવી પહોંચ્યો. લગભગ ત્રણ હજાર લોકોથી ખીચોખીચ ભરેલી આ જગ્યા વિજયનારાથી ગાજી ઊઠી. ચારે બાજુ શણગારેલાં ઘરો અને રોશનીએ મોટા ઉત્સવનું વાતાવરણ સર્જી દીધું હતું. આપણે એની માત્ર કલ્પના જ કરી શકીએ છીએ.

પછી તો એમાં ગામની લબ્ધપ્રતિષ્ઠિત વ્યક્તિઓએ, પંડિતોએ વગેરેએ એમને અભિનંદન આપતા સંદેશો પાઠવ્યા હતા, જુદી જુદી રીતે એમનું અભિવાદન કરીને ભાષણો પણ આપ્યાં હતાં. સ્વામીજીએ પ્રત્યુત્તરરૂપે એ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો. પછી હિંદીમાં વક્તવ્ય આપી દેશપ્રેમ, દેશભક્તિ, ત્યાગ, સેવાની વાતોથી દરેકમાં આનંદ, ઉત્સાહ, જોશ અને આશાનો સંચાર કર્યો હતો. આખા દેશમાં આવેલી એક નવી જાગૃતિના પડઘા અલમોડામાં પણ પડ્યા હતા. પોતાને કાકડી ખવડાવીને જીવનદાન આપનાર ફકીરનો આટલી મોટી મેદની વચ્ચે સ્વામીજીએ પંડાલ પર બોલાવીને જાહેરમાં આભાર માન્યો હતો. એને ભેટ પણ આપી હતી. આ જગ્યા છે, શ્રી રઘુનાથ મંદિર. અહીં થયેલા સ્વામીજીના આ યાદગાર સત્કાર સમારોહથી આ જગ્યા કાયમને માટે જીવંત બની ઊઠી છે. આજે પણ અહીં આવનાર હજારો લોકોને આ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિ તાજી થાય છે.

આ વખતે સ્વામીજી ત્રણ મહિના અલમોડા રહ્યા. આ ત્રણ મહિનામાં ઘણા મહત્ત્વના બનાવો બન્યા અને અલમોડા રહીને જ સ્વામીજીએ મઠ-મિશનની કાર્યવાહી કરવા માંડી. તે સમયે સ્વામી શિવાનંદ (મહાપુરુષ મહારાજ) અલમોડાના ખૂબ પ્રચલિત પાતાલદેવીના મંદિરમાં ઘણો સમય રહ્યા હતા. સ્વામી તુરીયાનંદજી, સારદાનંદજી, કૃપાનંદજી અને કદાચ વિવેકાનંદજી પણ અહીંની સાધુઓ માટે બાંધેલી ઓરડીમાં રહ્યા હતા અને સાધના કરી હતી. જ્યારે તેઓ પાતાલદેવીમાં સાધના કરવામાં સમય વિતાવી રહ્યા હતા ત્યારે સ્વામીજીએ સારદાનંદજીને અહીંથી જ સિંહલ મોકલ્યા, ત્યાં રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર સ્થાપિત કર્યું. થોડા વખતમાં મહાપુરુષ મહારાજ કોલકાતા પાછા ફર્યા. 1898માં ફેબ્રુઆરી મહિનામાં શ્રી ગુરુદેવનો મઠ સ્થાપવા માટે સ્વામીજીએ ગંગાતટ પર આવેલા બેલુર ગામમાં જમીન ખરીદી.

આ ગાળામાં મઠ આલમબજારથી બેલુરના નીલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં સ્થાનાંતરિત થયો. સ્વામીજીએ અલમોરા રહીને જ મઠનું સંચાલન સંભાળી લીધું. સ્વામી બ્રહ્માનંદજીએ સ્વામીજીને સંઘના બંધારણનું (નિયમાવલી) પ્રિન્ટેડ પ્રૂફ મોકલેલું, તેનો સ્વામીજીએ વિગતવાર અભ્યાસ કરીને પાછું મોકલ્યું હતું. આમ સંઘની સ્થાપનામાં પણ અલમોડાનું આગવું પ્રદાન છે. અલમોડા આવતા પહેલાં જ સ્વામી વિવેકાનંદે સ્વામી અખંડાનંદજી દ્વારા સેવાકાર્યનો (છયહશયર ઠજ્ઞસિ) શુભારંભ કરાવી દીધો હતો. એ સેવાકાર્યને લગતી સૂચનાઓ તેઓ સતત અખંડાનંદજીને આપતા રહેતા અને એમને ઉત્સાહિત કરતા હતા.

શક્ય એટલી કસર કરીને બધી બચત ગરીબો અને દુકાળપીડિતો માટે ખર્ચવાના આગ્રહ સાથે સ્વામીજીએ લખ્યું હતું કે પ્રભુની પૂજા માટે દર મહિને માત્ર એક રૂપિયાથી ચલાવો. બાકીના પૈસા એનાં બાળકોની ભૂખ મટાડવા વાપરો. સભાના આયોજનમાં ઓછા પૈસાથી ચલાવો. સ્મૃતિ અથવા મંદિર બનાવવાની કલ્પના ચૂલામાં જાય! એ પૈસા અસંખ્ય દરિદ્રોની સેવામાં વાપરો!

આમ પીડિતોનાં, દરિદ્રોનાં દુ:ખો એમણે પોતાનાં બનાવી લીધાં હતાં ! એને માટે જે કરવું પડે તે કરવાની એમની નીતિ બની ગઈ હતી. અલમોડા રહીને એમણે અંગ્રેજી, બંગાળી અને સંસ્કૃતમાં ઘણા પત્રો ગુરુભાઈઓને, શિષ્યોને, ભક્તોને અને આકાંક્ષુ જિજ્ઞાસુઓને લખ્યા હતા. એ પત્રો દ્વારા ભારતમાતાને પુન: ગૌરવવંતી અને પુનર્જાગૃત કરવાની વાતો વિગતવાર કરી હતી. તે પત્રો આજે પણ પ્રાસંગિક છે. એ સાહિત્ય સંઘના ઇતિહાસનો એક અમૂલ્ય ખજાનો બની ગયું છે. પત્રરૂપી આ અમૂલ્ય ખજાનો ફક્ત ભારતીયો માટે જ નહીં, પણ વિદેશીઓ માટે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. સ્વામીજીએ અલમોડા રહીને આપેલા અમૂલ્ય વિચારો આજે, દોઢ સો વર્ષ પછી પણ, દુનિયાના કરોડો લોકો માટે આશીર્વાદ બની રહ્યા છે.

અલમોડાથી સ્વામી વિવેકાનંદે સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ને મદ્રાસ જવાનું કહ્યું હતું. શશી મહારાજ મદ્રાસ પહોંચ્યા પછી સ્વામીજી ત્યાંની બધી ગતિવિધિઓની નિયમિત રીતે ખબર રાખતા હતા. આ દરમિયાન વધુ પડતા શ્રમને કારણે સ્વામીજીની તબિયત વધારે પડતી લથડી ગઈ. એથી એમને અહીંથી 70 કિ.મિ. દૂર આવેલ દેવઘરમાં લાલા બદરીશાહના ઉદ્યાન-બંગલામાં હવાફેર માટે એકાદ મહિનો રહેવું પડ્યું હતું, જેથી એમના સ્વાસ્થ્યમાં સુધારો થાય. સ્વામીજી ઘોડેસવારી દ્વારા દેવઘર એસ્ટેટ પહોંચ્યા. ત્યાં તેમણે 45 દિવસ આરામ કરવો પડ્યો હતો. આ જગ્યાએ આજે એક ગૠઘ ચાલે છે, તે ત્યાં છીફિહ ઠયહરફયિ નું કામ કરી રહી છે.

આ પ્રવાસ દરમિયાન સ્વામીજીને એક વેદાંતી મુસ્લિમ જોડે મુલાકાત થઈ હતી. તેઓ સ્વામીજીની આધ્યાત્મિક શક્તિથી ખૂબ પ્રભાવિત થયા અને એમના શિષ્ય બની ગયા હતા. પછીથી તેઓ સ્વામી મુહમ્મદાનંદજીના નામે ઓળખાયા. આ સંદર્ભમાં સ્વામીજીએ એમને 10મી જૂન, 1898ના રોજ લખેલ પત્રમાં જણાવ્યું હતું, ‘માનવજાતને એ શીખવવું જોઈએ કે જુદા જુદા ધર્મો એ એક મહાધર્મ – અદ્વૈતનાં માત્ર વિવિધ સ્વરૂપો છે; જેથી જેને જે માર્ગ સૌથી અનુકૂળ લાગે તે તે અપનાવે. આપણી માતૃભૂમિને માટે તો એક જ આશા છે : હિંદુ ધર્મ અને ઇસ્લામ ધર્મ જેવા બે મહાન ધર્મોનો સંગમ – વેદાંતી બુદ્ધિ અને ઇસ્લામી શરીર.’

સ્વામીજી અલમોડા પાછા આવી ગયા હતા. આ પ્રવાસથી એમના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થઈ હતી. એમને લાગ્યું કે જ્યારે પ્રચારકાર્ય ચરમસીમાએ પહોંચ્યું છે અને એમના ગુરુભાઈઓ દેશ-વિદેશમાં સફળતાપૂર્વક એ કાર્ય આગળ વધારી રહ્યા છે, ત્યારે પોતે અહીં નિર્જનમાં રહીને એકાંતવાસ ભોગવવો ઉચિત નથી. આવું વિચારી અલમોડાથી કોલકાતા પાછા ફરવાનો સ્વામીજીએ વિચાર કર્યો. એ જાણીને ત્યાંના લોકોમાં એમના જતા પહેલાં એમનું પ્રવચન સાંભળવાની ઉત્કંઠા જાગી હતી. સ્વામીજીની વિદેશમાં મળેલી સફળતાથી વાકેફ થતાં ત્યાંના અંગ્રેજોને પણ સ્વામીજી માટે આદરભાવ જાગ્યો હતો. આ બધાંના આગ્રહને વશ થઈને સ્વામીજીએ અલમોડામાં ઘણાં સ્થળોએ પ્રવચન આપીને એ સ્થળોને પાવન કરી દીધાં હતાં.                           (ક્રમશ:)

Total Views: 72

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram