સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ)

ધૌમ્ય ઋષિના આશ્રમ પર આસો સુદિ દશમનો ચંદ્ર ઊગ્યો. ઋષિ આંગણામાં એક પાટ પર મૃગચર્મ બિછાવી લાંબા પડ્યા છે. પડખે પાટ પર બેઠાં બેઠાં તેમનાં પત્ની સમિધના કટકા કાપે છે. આશ્રમ આખો શાંત છે. શિષ્યો બધા સૂઈ ગયા છે.

‘મારા મનમાં એક વાત ઘણા વખતથી ઘોળાયા કરે છે,’ ઋષિ પત્ની બોલ્યાં.

‘ ઘણા વખતથી ? તો આજ સુધી કેમ કોઈ દિવસ બોલ્યાં નથી ?’ ઋષિએ પૂછ્યું.

‘હું મારી મેળે એનું સમાધાન શોધતી હતી; પણ મને સમાધાન મળ્યું નહિ એટલે આજે તમને પૂછું છું.’

‘જરૂર પૂછો. એવી તે શી વાત છે વળી ?’

‘આ ઉપમન્યુ તમારો પરમ શિષ્ય છે. શાસ્ત્રમાં એની બુદ્ધિનો પ્રવેશ જોઈ તમે પણ ચકિત થયા હતા એ મને યાદ છે. હમણાં-હમણાં તો યોગમાં પણ એ ખૂબ જ આગળ વધેલો છે એમ બધા શિષ્યો વાતો કરે છે. આરુણિ તો આજે સાંજે જ કહેતો હતો કે એ ત્રણત્રણ કલાક તો સમાધિ !’

‘હા; પણ તેથી શું ?’ ઋષિ બોલ્યા.

‘ઉપમન્યુ એટલો બધો આગળ વધ્યો છે. છતાં યે તમે એને જ્ઞાનની પરમ દીક્ષા શા માટે નથી આપતા ?’ ઋષિ પત્નીએ સમિધ કાપવાં બંધ કર્યાં.

‘તમારી વાત તો જાણે સાચી છે. આટલા સાવ થોડા વખતમાં શાસ્ત્રના તેમજ જીવનના રહસ્યને પામી જાય એવો આ એક જ શિષ્ય આવ્યો છે. ધારણાધ્યાન તો એને સ્વત:સિદ્ધ જેવાં જ હતાં; પોતાના ચિત્તના દોષોને પારખવામાં એની ઝીણવટે અંતરના પડેપડને ઊથલાવી માર્યાં છે. અનેક અશુભ વાસનાઓને એણે ઊલટાવી નાખી છે. તેમ જ આખાયે જીવનના પ્રવાહને એણે પરમતત્ત્વ તરફ અભિમુખ કરી નાખ્યો છે.’

‘તો પછી તમે શા માટે એને જ્ઞાનની દીક્ષા નથી આપતા ?’ ઋષિપત્નીને જોર આવ્યું.

‘તેનું કારણ છે.’

‘શું ?’

‘ઉપમન્યુ બધી રીતે તૈયાર તો થઈ ગયો છે, પણ તેનો એક દોષ તેની આડે આવે છે.’

‘એવો તે ક્યો દોષ તમે એનામાં દેખો છો ?’

‘એની ભૂખ, એની અન્નવાસના!’

‘ઉપમન્યુને અન્નની વાસના છે ? તો તો બાપની મહેલાત છોડીને અહીં ભીખ માગવા એ શું કામ આવે?’

‘તમે એ ન જાણો; હું એ પારખી શકું છું. ઉપમન્યુ પોતે પણ એ કળી ગયો છે. પણ તે બિચારો લાચાર થઈ પડે  છે ! એ દોષ એના ઉછેરનો છે. શ્રીમંત માબાપને પેટે એકનો એક દીકરો એટલે પાણી માગ્યું ત્યાં સૌએ એને દૂધ આપ્યું. આજે જીવનની બીજી બધી બાબતોમાં એણે વિચારબળથી પોતાની રુવાંટી આખી બદલી નાખી છે. પણ આ દોષ આગળ તે હારી જાય છે. એ વખતે એની સમજણ, એનું શાસ્ત્ર, એનો યોગ આ બધું ગળી પડે છે ! એના અંતરના એકાદ પડમાં આ ભરાઈ ગયું છે તે નીકળશે ત્યારે મારે એને દીક્ષા આપવાપણું નહિ રહે. દીક્ષા તો એને અંદરથી આપોઆપ ફૂટશે; ગુરુ તરીકે હું તો માત્ર આ દીક્ષાનો સત્કાર કરવાનો.’

ઋષિપત્નીએ ડોકું ધુણાવી કહ્યું : ‘આ બધી તો મને ફોસલાવવાની વાતો છે. મારે તો નાનો ભાઈ ગણો તોયે ઉપમન્યુ ને દીકરો ગણો તોયે એ છે. એને જોઉં છું ત્યારે મારા હૈયામાં કાંઈ-કાંઈ થાય છે. તમે એને આટઆટલું ભણાવ્યો તો એનો એટલો દોષ દૂર ન કરો ?’

‘દોષ મારો દૂર કર્યો ઓછો જ દૂર થાય છે ? એ તો એના અંતરમાંથી એક દિવસ કમાન છટકશે ત્યારે આપમેળે દૂર થશે.’

‘પણ એની ચાવી તો તમે એને બતાવો !’

‘બતાવું, પણ એમ કરવાનું કારણ શું ?’

‘કારણ તો છે. આપણે આજ ત્રીસ વરસથી આશ્રમ બાંધીને બેઠાં છીએ; ને તમારા એક પણ શિષ્યને સાક્ષાત્કાર ન થાય તો મારે બીજી ઋષિપત્નીઓને મોં શું બતાવવું ?’

‘તમારે કહેવું કે ઋષિને જ્ઞાન ન મળ્યું હોય તે શિષ્યને શું આપે ?’

‘એમ કહેવાતું હશે ? ના, તમે ઉપમન્યુનું કાંઈક કરો. એની વાસના કઢાવો. તમે ગમે તે કરવા સમર્થ છો. તો હું ભલે ને રહી; પણ આ ઉપમન્યુનું તો જરૂર કાંઈક કરો,’ ઋષિપત્નીએ હઠ લીધી.

‘ઠીક.’

‘જો જો, જરૂર હો ! કાલથી કરશો ?’

‘મારું મન તો બહુ વધતું નથી. એનું જ્ઞાન બે વરસ મોડું મળ્યે ઉપમન્યુને શી ખોટ આવવાની હતી ? એને પોતાને આજે મેળવવું હોય તો હું ક્યાં આડો આવું છું ? એને બે દિવસ મોડું હોય તો આપણે શા માટે ઉતાવળ કરીએ ?’

‘જુઓ પાછા ! તમે હા પાડી છે એટલે હવે ફેરવો નહિ. આશ્રમમાં મારું આટલું ય ન ચાલે ?’

‘ઠીક, જાઓ. તમારી ઇચ્છા પ્રમાણે થઈ રહેશે.’

સવાર પડી. આશ્રમે નિદ્રા ત્યાગી.

‘ઉપમન્યુ ! આજે ઢોર ચરાવવા તારે જવાનું છે. જોજે હો, મોડું ન થાય.’

‘જી, મહારાજ’

ગુરુની આજ્ઞા એ તો વેદવચન. શરીરમાં થનગનાટ થયો; હાથમાં કેમ જાણે ડાંગ આવી પડી; પગ કેમ જાણે વનની કેડીઓ પર ચાલવા લાગ્યા; અને એ વૃક્ષો, એ લીલાં ખેતરો, કિલ્લોલ કરતાં એ પંખીઓ; બધું આંખ આગળ ખડું થઈ ગયું.

અંદરથી અવાજ આવ્યો : ‘ત્યાં ખાઈશ શું ?’

ઉપમન્યુ તો વહેલો વહેલો નાહીને પરવાર્યો, ગામમાંથી ભિક્ષા વહેલો માગી આવ્યો, નિરાંતે જમી લીધું અને ગાયોને લઈને ચાલતો થયો.

સાંજ પડી. ઉપમન્યુ ગાયોને લઈને આશ્રમમાં પાછો આવ્યો અને ગુરુ હોમ કરતા હતા ત્યાં હાથ જોડીને ઊભો રહ્યો.

‘કેમ ઉપમન્યુ! બેટા જઈ આવ્યો ? પણ આજે તેં ખાવાનું શું કર્યું ?’ ઋષિએ પૂછ્યું.

‘ભિક્ષા માગી લાવી ખાઈને જ ગયો હતો.’

ઋષિ ગંભીરતાથી બોલ્યા : ‘ગુરુને નિવેદન કર્યા વિના જે ભિક્ષાન્ન ખાય છે તે પાપાન્ન ખાય છે. કાલે પણ તારે ગાયો ચરાવવા જવાનું છે.’

‘જી મહારાજ !’

બીજી સવાર પડી એટલે ઉપમન્યુ વહેલો વહેલો ભિક્ષા માગવા નીકળ્યો અને લાવીને ગુરુની પાસે મૂકી, એટલે ગુરુએ એ બધી પોતાને માટે વાપરી નાખી. ઉપમન્યુ બહાર આવ્યો અને ગુરુએ ભિક્ષા રાખેલી નહિ એટલે એમ ને એમ વનમાં જવાનો વિચાર કર્યો.

પણ ત્યાં અંદરથી કોઈ બોલ્યું : ‘ભૂખ લાગશે.’

ઉપમન્યું ઊપડ્યો. ફરીથી ગામમાં ભિક્ષા લેવા ગયો. ભિક્ષા લાવી પોતે નિરાંતે આરોગી. અને પછી ગાયોને ચરાવવા નીકળ્યો.

બીજો દિવસ પણ પશ્ચિમમાં નમ્યો અને ઉપમન્યુ હોમકુંડ પાસે ખડો થયો.

‘કેમ ઉપમન્યુ !  બેટા આવ્યો ? આજે ખાવાનું શું કર્યું ?’ ગુરુએ પૂછ્યું.

‘આજે બીજીવાર ભિક્ષા લઈને આવ્યો હતો તે ખાઈને જ ગયો હતો.’                         (ક્રમશ:)

Total Views: 220
By Published On: October 1, 2017Categories: Nanabhai Bhatt0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram