નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. સ્ત્રીઓ સારી હો યા નરસી, પવિત્ર હો યા અપવિત્ર એમને કરુણામૂર્તિ જગન્માતાની મૂર્તિઓ ગણવી જોઈએ.
પ્રશ્ન: સ્ત્રીઓ પ્રતિ કઈ દૃષ્ટિથી જોવું ?
ઉત્તર: જેણે સત્યને જાણ્યું છે, જેણે ભગવાનનાં દર્શન કર્યાં છે; તેણે સ્ત્રીઓથી જરીય ડરવાનું નથી. સ્ત્રીઓને એ છે તેવી, જગજ્જનનીના અંશ જેવી જ જુએ છે. એટલે સ્ત્રીઓ પ્રત્યે એ માનઆદરથી જ જુએ છે એટલું નહીં પણ, પુત્ર માની પૂજા કરે તે રીતે તેમની પૂજા કરે છે.
પ્રશ્ન: વાસના પર વિજય શી રીતે મેળવાય ?
ઉત્તર: દરેક સ્ત્રીને તમારી માતા માનો. કોઈ નારીના મુખ સામું કદી ન જોવું, પણ એના પગ તરફ જ જોવું. બધા દુષ્ટ વિચારો દૂર થઈ જશે.
પોતાના પતિની સાથે રહેતી હોવા છતાં જે સ્ત્રી બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે ખરે જ સ્વયં જગન્માતા છે.
પ્રશ્ન: મહાશય, તંત્રોના આદેશ અનુસાર સ્ત્રીઓને સાથે રાખી સાધના કરવા બાબત આપનો શો મત છે ?
ઉત્તર: એ માર્ગો સલામતીના નથી; એ કઠિન છે અને એમાં ઘણી વાર ભયસ્થાનો આવે છે. (તંત્રાનુસાર) ભક્તિના ત્રણ માર્ગો છે – વીરભાવ, દાસીભાવ કે સન્તાનભાવ. મારો સન્તાનભાવ છે. જગન્માતાની દાસી હોવું પણ સારું છે. વીરભાવ (તંત્રો એને ‘વીરાચાર’ કહે છે. તેમાં નારીને દેવીનું પ્રતીક માનવામાં આવે છે)નો માર્ગ ભયભરેલો છે. સૌથી વિશુદ્ધ સંતાનભાવ છે.
તમને ભગવત્કૃપાની આકાંક્ષા છે ? તો આદ્યાશક્તિ માને પ્રસન્ન કરો. એ સ્વયં મહામાયા છે. સમગ્ર જગતને મોહમાં એણે નાખ્યું છે અને એ સૃષ્ટિ, સ્થિતિ અને સંહારની ક્રીડા કરે છે. સૌ ઉપર એણે માયાનો પડદો ઢાંક્યો છે અને જાતે દરવાજો ન ખોલે, ત્યાં સુધી કોઈ અંત:પુરમાં દાખલ થઈ શકતું નથી. બહાર રહીને આપણે માત્ર બાહ્ય પદાર્થો જ જોઈએ છીએ અને શાશ્ર્વત સચ્ચિદાનંદ આપણી મર્યાદાથી પર જ રહે છે.
એ આદ્યાશક્તિનાં બે સ્વરૂપ છે – વિદ્યા અને અવિદ્યા. અવિદ્યા મોહમાં નાખે છે અને કામિની-કાંચનની જનની છે અને એ બંધનમાં નાખે છે. પણ વિદ્યા ભક્તિ, કરુણા, જ્ઞાન અને પ્રેમનો સ્રોત છે અને એ આપણને ઈશ્વર ભણી લઈ જાય છે.
આ અવિદ્યાને સંતુષ્ટ કરવાની છે. માટે તો શક્તિપૂજા છે. એને તુષ્ટ કરવાના વિવિધ માર્ગો છે – દાસી તરીકે, વીર તરીકે કે સંતાન તરીકે. શક્તિસાધના કંઈ મશ્કરી નથી. એમાં ખૂબ કઠિન અને ભયાનક સાધના કરવી પડે છે. માની ‘દાસી’ અને ‘સખી’ તરીકે મેં બે વર્ષ ગાળ્યાં. મારો ‘સંતાનભાવ’ છે.
સ્ત્રીઓ સર્વ શક્તિની મૂર્તિઓ છે.(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ પૃષ્ઠ – 89)
Your Content Goes Here