‘સિસ્ટર નિવેદિતા વિદ્વાન અને સર્વક્ષેત્રીય પ્રતિભા ધરાવનાર હતાં. તેમના સ્વભાવની બીજી પણ લાક્ષણિકતા હતી કે તેઓ પાસે અદ્‌ભુત શક્તિ હતી. આ શક્તિનો ઉપયોગ તેઓ અન્યના જીવન માટે પૂરી તાકાતથી કરતાં. તેમના જેવી સંપૂર્ણ સ્વાર્પણ કરેલ અન્ય કોઈ વ્યક્તિ મેં જોઈ નથી. તેમનો આ અને આ એક જ નિર્ણય હતો કે જે ખરેખર સાચું હોય તે જ ફક્ત આપશે, તેમાં જરા પણ પોતાનું કંઈ ભેળવશે નહિ. તેઓ ખરેખર લોકમાતા હતાં…’ આ શબ્દો છે કવિવર રવીન્દ્રનાથ ટાગોરના! જેમને ગુરુદેવ ટાગોર લોકમાતા કહીને સન્માને છે તે મિસ માર્ગરેટ નોબલ એટલે આપણાં સદાકાળ ભગિની નિવેદિતાજી.

કહેવાય છે કે પૂર્વ Soul-Power ને  તો પશ્ચિમ Power of Matter નેપ્રસ્તુત કરે છે. પરંતુ મિસ માર્ગરેટ નોબલની ભારતીય સંન્યાસીનાં ચરણકમળમાં થયેલ પૂર્ણ શરણાગતિ એ પશ્ચિમ વિશ્વ દ્વારા ભારતીય દિવ્ય પ્રજ્ઞાનો હૃદયપૂર્વકનો સ્વીકાર છે. ખરેખર, નિવેદિતાજી એ સત્ત્વશીલ સમર્પણ છે! ભગિનીજીએ પોતાના ગુરુવર્ય દ્વારા ‘નામ’ સાથે જ પ્રાપ્ત થયેલ અપાર ઊર્જાનો ભારતીય સ્ત્રીશક્તિનું પુનર્ગઠન અને વિદેશી ચુંગલમાંથી રાષ્ટ્રમુક્તિ માટે ભરપૂર ઉપયોગ કર્યો. એમનું જીવન જ એવું જીવાયું કે જાણે તેમાં તેઓના ગુરુદેવના આદર્શો ચરિતાર્થ થયા! સ્વામી વિવેકાનંદ દ્વારા માત્ર ઉચ્ચારાયેલા શબ્દો તેઓ જીવ્યાં. કહો ને, સ્વામીજીએ જે વિચાર્યું તે નિવેદિતાજી દ્વારા જીવાયું. ભારત આવતાં પહેલાંની સંધ્યાએ સ્વામી વિવેકાનંદે ઉચ્ચાર્યું : “I will stand by you unto death, whether you work for India or not, whether you give up Vedanta or remain in it.’ નિવેદિતાજીની સમગ્ર જીવનયાત્રામાં જાણે ગુરુવચનો પડઘાતાં રહ્યાં.

બાળપણથી જ માર્ગરેટના પિતાશ્રીને શ્રદ્ધા હતી કે આમનું ભવિષ્ય ઉજ્જ્વળ છે. તેમને ખબર હતી કે આ સામાન્ય સંતાન નથી. અને તેથી જ મૃત્યુની પળે પિતાશ્રીએ પોતાનાં પત્નીના કાનમાં કહ્યું હતું, “When God calls her, let her go. She will spread her wings… she will do great things.’ એક અજાણ્યા સ્કૂલ ટીચર તરીકે ભારતમાં 28 જાન્યુઆરી, 1898ના રોજ પદ મૂકનાર માર્ગરેટ ભવિષ્યમાં પશ્ચિમ તરફથી ભારતને પ્રાપ્ત થયેલ એક હીરા સમાન ભેટ પુરવાર થયાં. એક સ્કૂલ ટીચર વિશ્વ સમક્ષ ભારતીય જ્યોતિર્ધર બની ભગિની નિવેદિતાના નામથી પ્રસ્તુત થયાં. સ્વામી વિવેકાનંદજીનાં The Spiritual Daughter તરીકે ખ્યાત ‘નિવેદિતા’ને નામ અને જ્ઞાન તેઓનાં ગુરુવર્ય તરફથી મળ્યાં. સ્વામી વિવેકાનંદે નિવેદિતાને ‘આશીર્વચન’રૂપે નીચે મુજબનું એક અંગ્રેજી કાવ્ય Benediction લખી મોકલ્યું હતું :

“The Mother’s heart, the hero’s will,

The sweetness of the southern breeze,

The sacred charm and strength that dwell

On Aryan altars, flaming free;

All these be yours, and many more

No ancient soul could dream before-

Be thou to India’s future son

The mistress, servant, friend in one.”

નિવેદિતા એટલે પૂર્ણ સાત્ત્વિક શરણાગતિ અને તલસ્પર્શી પ્રજ્ઞાનો સરવાળો. આજના લોકોને સમજવું કઠિન પડે એવું જ્ઞાનભર્યું નેતૃત્વ કે જેણે ભારતના રાજકીય ફલક પર પાયાનું પ્રદાન કર્યું. ભયમુક્ત હૃદયથી નિવેદિતાજી અગ્રિમ હરોળના રાજકીય લડવૈયાઓ જેવા કે શ્રી અરવિંદ, શ્રી ટિળક વગેરે સાથે લડતમાં જોડાયાં. એ દિવસોમાં તેઓની ઊર્જા બહારથી અને અંતરથી તેમના માસ્ટરથી બરાબર સચેત હતી. આફતો શું કહેવાય, એ તેમણે અનુભવી લીધું હતું. ભારતવર્ષ માટે એ ગૌરવ અને સંતોષની ઘટના છે કે નિવેદિતાજીને સફળતાનો મુગટ પ્રાપ્ત થયો! કવિવર ટાગોર તેઓને ‘લોકમાતા’ કેમ કહે છે તે સમજવા જેવું છે. નિવેદિતાજી વારંવાર ઉચ્ચારતાં: “Our People.’ આ બે શબ્દોથી પારખી શકાતું હતું કે તેઓના હૃદયમાં ભારતવર્ષ એક કુટુંબ જ હતું અને એટલે તો નિવેદિતાએ ભારતીય પ્રજાજન સાથે તેની જ્ઞાતિ-ધર્મ-સંપ્રદાયને ભૂલી જઈને આત્મીય નાતો બાંધ્યો હતો. તેઓ સૌ સામે આદરભર્યા પ્રેમથી નિહાળતાં હતાં અને બધાંને પોતાનાં કરી લેતાં હતાં. એક દૂધવાળો કે જે તેમને રોજ દૂધ આપતો હતો તેણે સહજતાથી ધર્મ અંગે નિવેદિતાની સલાહ માગી. આ સાંભળી તેઓની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને તેમણે દિલથી કહ્યું, ‘તમે એક ભારતીય થઈને ધર્મ વિશે મને પૂછો છો? તમે તો શું નથી જાણતા, તે કહો. તમે શ્રીકૃષ્ણના વંશજ છો. મારાં વંદન સ્વીકારો.’

નિવેદિતાજી દ્વારા સંકલિત “Karmayoga’ ગ્રંથમાં તેમનાં ભારત વિશેના આદરભર્યાં ઉચ્ચારણો વાંચવાં જેવાં છે, ‘શું ભાસ્કરાચાર્ય અને શંકરાચાર્યના દેશવાસીઓ ન્યૂટન અને ડાર્વિનના દેશવાસીઓથી નીચા હોઈ શકે ખરા? ના, એવું કદી ન બને. આપણા વિચારોની ઊર્જાથી જ આપણી સાથે અથડાતા વિરોધોની દીવાલો ભાંગીને ભુક્કો થઈ શકે અને આપણે વિશ્વચેતનાના પ્રજ્ઞાવાન માનવો બની ઊભરી શકીએ.’ સમગ્ર ભારતનું પરિભ્રમણ કરતાં રહી રાષ્ટ્રની સ્ત્રીશક્તિને ઢંઢોળવાનું જબરું અને કપરું કામ ભગિની નિવેદિતાજીએ કર્યું. જ્યાં જ્યાં તેઓ ગયાં ત્યાં ત્યાં શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના ભારતનિર્માણના સ્વપ્નને જોસપૂર્વક સમજાવ્યું.

દક્ષિણ ભારતમાં ડિસેમ્બરના પહેલા પખવાડિયામાં નિવેદિતાજી પહોંચ્યાં તો તેઓએ 13 ડિસેમ્બરે ક્રિસમસ પર્વ ઊજવ્યું. તેમના શબ્દોમાં જાણીએ તો, ‘સાંજનો સમય હતો. સળગતાં લાકડાંના ઢગલા પાસે અમે સૌ ગોળાકારમાં ઘાસ પણ બેઠાં હતાં. એક તરફ પહાડો હતા કે જેની શિલાઓમાં પ્રાકૃતિકરૂપે બની ગયેલી ગુફાઓ પોતાનું સૌંદર્ય વેરી રહી હતી. શાંત થઈ રહેલા વનની અશબ્દ લાગણી અમને ચારે તરફથી અનુભવાઈ રહી હતી. અહીંયાં અમે રામકૃષ્ણ મઠની પ્રાચીન સંસ્કૃતિ અનુસાર ક્રિસમસ પર્વ ઊજવ્યું.’ ખંડગિરિ ખાતેની નિવેદિતાની આ અનુભૂતિ આપણને તેમની માનસિક વિશાળતા અને ખુલ્લા હૃદયનાં દર્શન કરાવે છે.

મદ્રાસના પચપૈય્યા સભાગૃહમાં “The Unity of India’ વિષય પર નિવેદિતાજીનું જાહેર વક્તવ્ય હતું કે જે તેઓનાં ઉત્તમોત્તમ વક્તવ્યો માંહેનું એક ગણાય છે. યંગ મેન્સ હિન્દુ એસોસિએશન નામની સંસ્થા દ્વારા યોજાયેલ આ ભવ્ય સમારોહમાં શિક્ષિત હિંદુઓનો એક વિશાળ જનસમુદાય હાજર રહ્યો હતો. ભાષણ દરમિયાન નિવેદિતાએ સમજાવ્યું કે ‘એકતા નથી તો ભૂતકાળ, નથી ભવિષ્યકાળ. એકતા તો વાસ્તવિકતા છે અને વર્તમાનકાલીન ભાવ છે! આજે પણ બધા ભારતીયો એક જ છે, પણ માત્ર તેઓ આ વાતથી સચેત નથી. ભારતમાં મધ્યાહ્નના સૂર્યને હું જેમ જોઈ શકું છું, તેમ જ ભારતીય જીવનદર્શનમાં સંકલનની શક્તિને પણ જોઈ શકું છું. આ અતુલ્ય સંકલનમાં અપાર સામર્થ્ય છુપાયેલું છે અને એમાં જ ભવ્યતા છે. ભારત એક અખંડ દેશ હતો અને છે. આપણા પ્રત્યેક શ્ર્વાસ-પ્રશ્ર્વાસ સાથે ‘રાષ્ટ્રિયતા’ શબ્દ જાગ્રત થવો જોઈએ. સૌ સાથે મળીને એક જ ભવિષ્યની ચાહના કરીશું અને એક જ ભવિષ્યનો તંતુ ગૂંથીશું. મારા ગુરુ અને આપણા સૌના આદરણીય પથદર્શક સ્વામી વિવેકાનંદના શબ્દો ઉચ્ચારીએ : ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.’

1903નું વર્ષ સ્વામી વિવેકાનંદની જન્મજયંતીને પહેલીવાર સાર્વજનિકરૂપે ઊજવવાના સંકલ્પથી શરૂ થયું. જન્મતિથિ 20 જાન્યુઆરીના રોજ હતી. વિશાળ જનસમુદાય અને ભક્તગણ તે દિવસે કૈસલ કેનનમાં એકત્ર થયેલ કે જ્યાં નિવેદિતાનો ઉતારો હતો. દિવસનો પ્રારંભ ભક્તિમય સંગીતથી થયો. સ્વામીજીની ભવ્ય તસવીર ફૂલહારથી સજાવીને ત્યાં રાખવામાં આવી હતી. નિવેદિતા પૂજા દરમિયાન સતત ત્યાં જ બેસી રહ્યાં. બપોરે 500થી વધુ ભક્તોને પ્રસાદરૂપે ભોજન પીરસાયું. સાંજે એક જાહેરસભાનું આયોજન થયું. મહાનુભાવો અને શિષ્યોએ સ્વામીજી સંબંધિત સ્મૃતિઓ રજૂ કરી. ભગિની નિવેદિતાનાં વચનો આ અવસરે સાવ અલગ અને ભક્તિપૂર્ણ હતાં: ‘શ્રીરામકૃષ્ણના જીવનનું મનન હવે હું પહેલાં કરતાં હજારગણું વધુ કરી રહી છું. હું એ જોવા ઇચ્છું છું કે ભારતના ખૂણે ખૂણે લોકોનો સમૂહ બહુ મોટી સંખ્યામાં સ્વામીજી તથા શ્રીરામકૃષ્ણદેવનું માત્ર કાર્ય જ કરે, પરંતુ તેઓની પૂજા કરે અને તેમનાં જીવનને આદર આપે. આ બે જીવન છે કે જેમાં ભારતની એકતા સાકાર થઈ ઊઠી છે. એ અતિ આવશ્યક છે કે આ બંને વિભૂતિઓને પ્રત્યેક ભારતીય પોતાના હૃદયમાં સ્થાન આપે.’

નિવેદિતાએ ભારતીય સ્ત્રીશક્તિના ઇતિહાસનો એક હિસ્સો ઘડ્યો છે. અગ્રિમ નિ:સ્વાર્થપણાના બલિદાનનું ગુરુશિખર હતાં તેઓ! તેઓની ઉચ્ચ પ્રજ્ઞાએ ભારતીય શિક્ષણ-કલા-વિજ્ઞાન અને રાજકારણને નવી ઊંચાઈ બક્ષી. નિવેદિતાની બહુપરિમાણીય પ્રવૃત્તિઓએ Olympian Spirit of Her Guru ને સર્વમાં પહોંચાડવાનું ભગીરથકાર્ય કર્યું. કહે છે કે ગુરુવર્ય સ્વામીજીએ પણ માર્ગરેટની જબરી કસોટી કરી હતી અને તેનો આધ્યાત્મિક સ્વીકાર કરતાં પહેલાં તેને બરાબર ઠમઠોરી જોવાનું પસંદ કરેલું. જંગલોના એકાંતવાસમાંથી પરત ફર્યા ત્યારે સ્વામી વિવેકાનંદે નવો ચંદ્ર જોઈ કહ્યું, “Let us also, with the new moon, begin a new life !’ (ચાલો આપણે પણ બીજના ચંદ્રથી નવા જીવનનો આરંભ કરીએ !) આ શબ્દો સાથે જે આધ્યાત્મિક શિષ્યનો સ્વામી વિવેકાનંદે સ્વીકાર કર્યો તે નિવેદિતા આપણને અપાયેલી દિવ્ય ભેટ હતી !

Total Views: 209
By Published On: November 1, 2017Categories: Bhadrayu Vachhrajani0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram