કોઈકવાર મનભાવતી કલ્પના-ક્રીડા કરતાં પણ નક્કર વાસ્તવિકતા અનોખી રીતે જ જબરો ચમત્કાર અને અહોભાવ સર્જતાં દેખાય છે ! ભગિની નિવેદિતા એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. દૂર ઠેઠ આયર્લેન્ડમાં જન્મીને કોઈ સુશિક્ષિત અને સુખી યુવતી, કોઈ વિદેશી સાધુના આહ્‌વાને ચાલી નીકળે અને તત્કાલીન ગુલામ, ગરીબ અને અશિક્ષિત ભારત દેશમાં આવીને પોતાના  તેજસ્વી પાશ્ર્ચાત્ય વ્યક્તિત્વને ભારતની દીનહીન જનતામાં સંપૂર્ણપણે ઓગાળી નાખીને-એનું નખશિખ ભારતીયકરણ કરીને-જનતાની સેવામાં સમર્પિત કરી દે એવી અદ્‌ભુત ઘટના હજુ સુધી વિશ્વના ઇતિહાસને ચોપડે નોંધાઈ હોય એવું જાણમાં નથી. એવાં ભગિની નિવેદિતાના સ્વાર્પણનું થોડું આચમન કરવાનો આજે સુઅવસર છે- એમની 150મી જન્મજયંતી! ખરેખર આપણે માટે કૃતજ્ઞતાનું આ એક પર્વ જ છે.

ભગિની નિવેદિતાનું જીવન ભારતીય જીવનમાં એટલું બધું વિલીન થઈ ગયું હતું કે એકવાર 1910ના માર્ચમાં તેઓ પોતે, સિસ્ટર ક્રિસ્ટીન અને ભારતના વાઈસરોય લોર્ડ મિન્ટોનાં પત્ની દક્ષિણેશ્ર્વરના કાલીમંદિરની મુલાકાત લઈ હોડીમાં પાછાં વળી રહ્યાં હતાં ત્યારે હોડીમાં એ વિશિષ્ટ વિદેશી મહેમાન માટે પણ હતાં દેશી-ભારતીય ચા, ખાંડ, બિસ્કીટ, પ્યાલા, રકાબી- બધું જ ભારતીય! કશું જ વિદેશી નહિ! નિવેદિતા માટે આ સ્વદેશીનું વ્રત તો એક તપસ્યા જ હતું, એક સ્વધર્મ હતો. સિદ્ધાંતમાં અને આચારમાં તેઓ પૂરેપૂરાં ભારતીય-સ્વદેશી બની રહ્યાં હતાં. ભારતીય રાષ્ટ્રિયતાની બઢતી નિવેદિતાનું જીવનકાર્ય હતું, એમનો એક આવેશ હતો. એકવાર લેડી મિન્ટો છાનાંમાનાં બોઝપરામાં નિવેદિતાને જોવા આવ્યાં હતાં અને બેલુર મઠમાં પણ એમને એ રીતે જોયાં હતાં, ત્યાં બધે એમનું એ જ શુદ્ધ ભારતીય જીવન જોવા મળ્યું હતું.

1899ના કોલકાતાના પ્લેગ દરમિયાન એમનું અસાધારણ રૂપ જોવા મળ્યું. આ મહા વિપત્તિમાં ભગિનીનું દયામય સ્વરૂપ બાગબજારની ઝૂંપડપટ્ટીવાસીઓની વચ્ચે જોવા મળે છે. પોતાની સ્થિતિની કશી પરવા કર્યા વિના તેઓ ત્યાંના લોકોને મદદ કરતાં રહ્યાં. કેટલીક વાર તો ખાલી દૂધ અને ફળો પર દિવસો ગુજારતાં રહ્યાં. એક દરદીની સારવાર માટે તેમણે દૂધ પણ છોડી દીધું. ઝૂંપડપટ્ટીનાં ગરીબોમાં સેવા કરતાં તેમના પોતાના આરોગ્યની સાવચેતીની ડોક્ટરી સલાહની પણ તેમણે પરવા ન કરી. એ ડોક્ટર જ્યારે ફરી એ દરદીને તપાસવા ગયા ત્યારે નિવેદિતા એ દરદી બાળકને પોતાના ખોળામાં જ લઈને બેઠાં હતાં! એ જ અનારોગ્યપ્રદ ટૂટીફૂટી ઝૂંપડી! નિવેદિતા તો બસ દિવસ-રાત ગંદા-ગોબરા લોકો વચ્ચે, પોતાનું ઘર છોડીને દિવસો સુધી દરદી બાળકોની સારવાર કરતાં રહ્યાં ! ઝૂંપડાંને સ્વચ્છ કરતી વખતે પણ પોતે નાની નિસરણી લઈ ચૂનો લગાડવા માંડતાં. કોઈ દરદીનું મૃત્યુ નિશ્ર્ચિત હોવા છતાંયે એમની સારવારમાં કશી ઢીલાશ આવતી નહિ. ફક્ત બે જ દિવસ પછી એ રોગી બાળક આ કરુણામયીના ખોળામાં જ સ્વર્ગે સીધાવ્યું!

નિવેદિતા ભારતમાં આવ્યાં તે પહેલાંના વરસે ભારતની સ્થિતિની વાત કરવી હોય તો કહેવું પડે કે એ વખતે ભારતની દુનિયા આંખ ઉઘાડનારી, હતાશાભરી, વિનાશી, દુ:ખી અને ખિન્ન હતી. ચીતરી ચડે એવી ઝૂંપડપટ્ટીમાં રહેતા અશિક્ષિત, જન્મજાત ગરીબીમાં સબડતા લોકો સામે મધ્યમવર્ગીય શિક્ષિત લોકો નજર સુધ્ધાં નાખતા ન હતા; તો પછી એમની સારવારની તો વાત જ શી? આવા અતિશય કપરા કાળે નિવેદિતાએ એની સંભાળનું દુષ્કર કાર્ય માથે લીધું અને એને પૂર્ણ રીતે ચેતનવંતું બનાવ્યું. જનસેવા અને જનજાગરણમાં એમણે પોતાના સમગ્ર વ્યક્તિત્વને સાવ ઓગાળી નાખ્યું. આજે પણ આપણને એ અદ્‌ભુત અને અવર્ણનીય લાગે છે. ખાસ તો એ કે એવું કપરું કામ કરતાં એમના મનમાં કોઈ જાતની કડવાશ સહેજ પણ વરતાતી નહિ. તેઓ ખરેખર આ વખતે દીનહીનોનાં દેવદૂત બની રહ્યાં!

કોલકાતાના લોકોએ મહામારી સામે યુદ્ધ કરી રહેલાં નિવેદિતાને નિહાળ્યાં. સ્વામી વિવેકાનંદે તેમને ‘પ્લેગ કમિટિ’નાં મંત્રી બનાવ્યાં. એકવાર સ્વયંસેવકોની અલ્પ સંખ્યા હોવાથી તેઓ પોતે અસરગ્રસ્ત સ્થાનો સાફ કરવા લાગ્યાં. એમની પ્રજ્વલિત સેવાનિષ્ઠાને માટે કોઈ કામ અણગમતું ન હતું. એમની સેવાનિષ્ઠા સ્વામીજીના સંદેશમાં ઝબોળાઈ ગઈ હતી.

સ્વામી વિવેકાનંદના મિજાજને પિછાણનારા લોકો તેમના રાષ્ટ્રનિર્માણ વિષયક કાર્યક્રમોને બરાબર જાણે છે. લોકોન્નતિ, શિક્ષણપ્રચાર અને નારીજાગ્રતિ એનાં મુખ્ય અંગ છે. આ માટે તેમણે કરેલ હૃદયપૂર્વકના આહ્‌વાને ભારતીય લોકોના બહેરા કાનોએ કોઠું ન આપ્યું, અને કહેવાતા સમાજ સુધારકો તો એમને જોઈતા જ ન હતા. એટલે એમણે નિવેદિતાને લખ્યું : ‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે એની મને હવે ખાતરી થઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે, કાર્ય કરવા સારુ જે જરૂર હતી તે પુરુષની નહીં પણ સ્ત્રીની; સાચી સિંહણની.

ભારત હજુ મહાન સ્ત્રીઓને પેદા કરી નહીં શકે; તેણે બીજી પ્રજાઓમાંથી સ્ત્રી કાર્યકરોને ઉછીની લેવી પડશે. તમારી કેળવણી, અંતરની સચ્ચાઈ, પવિત્રતા, અથાગ પ્રેમ, નિશ્ર્ચય અને સૌથી વિશેષ તો તમારું સેલ્ટ જાતિનું ખમીર, જે જાતની સ્ત્રી-કાર્યકર્તાની જરૂર છે તેવાં જ તમને બનાવે છે.’ સ્વામીજીએ એમને ચેતવ્યાં પણ ખરાં કે ‘કૂદી પડવા પહેલાં વિચારજો અને જ્યારે ખિન્ન થાઓ ત્યારે મારે પક્ષે તમે ભારત માટે કાર્ય કરો કે ન કરો પણ મરણપર્યંત તમારી સાથે રહીશ.’ સમય જતાં નિવેદિતાને સ્વામીજીની ઉદાત્તતાની પ્રતીતિ પણ થઈ.

આમ છતાં નિવેદિતાનો માર્ગ સરળ તો ન જ હતો. પાણીદાર નેતાના અનુયાયીમાં પણ ‘પાણી’ જોઈએ ને? નિવેદિતાને બ્રહ્મચર્ય-દીક્ષા દીધા પછી તેમને પરંપરિત હિન્દુ બ્રાહ્મણ બ્રહ્મચારિણીનો આદર્શ બનવા નિર્દેશ કર્યો. વિચાર, વિભાવના અને વર્તનમાં તેમને હિન્દુ બનવા આદેશ આપ્યો અને પોતાનો ભૂતકાળ ભૂલી જવાનું કહ્યું. એટલું જ નહિ, એમને પોતાનાં જૂનાં સ્મરણો રાખવાનીય મનાઈ ફરમાવી. આ બધું કરવામાં નિવેદિતાને ભારે કષ્ટ પડ્યું, કારણ કે સ્વામીજી તેમના જીવનને એમની ઇચ્છા પ્રમાણેનો વળાંક આપવા માટે ખૂબ કાળજી લઈ રહ્યા હતા. નિવેદિતાને સતત અનુશાસનમાં રહેવું પડતું પણ નિવેદિતાએ એ બધાનો મુકાબલો ધૈર્ય, શક્તિ, ઉત્સાહ અને પરિશ્રમપૂર્વક સફળતાથી કર્યો. આ મેધાવી નારીએ સ્વામીજીની જીવનકિતાબનાં પાનાં કાળજીપૂર્વક એક આલોચકની નજરે જોયાં હતાં! એ પાનાં એક હુતાત્માના જીવનરક્તથી રંજિત હતાં! અને એક સંતના આંસુઓથી આર્દ્ર થઈ ગયાં હતાં! હૈયું હચમચાવી નાખતાં અને અધ્યાત્મથી રસિત એ પાનાઓમાં નિવેદિતાએ પોતાના જીવનપર્યન્તનો શાશ્ર્વત પ્રેરણાસ્રોત નિહાળ્યો! એમણે સફળતાપૂર્વક એ અગ્નિપરીક્ષા પસાર કરી અને સ્વામીજીએ સોંપેલા કાર્ય માટે સુસજ્જ બની ગયાં!

સ્વામીજીની ઇચ્છાનુસાર બોઝપરા લેન (કોલકાતા)માં નિવેદિતાએ સ્થાપેલી નવી ઢબની શાળા એમનાં હૃદય અને મનની ઉદાત્તતાનું ચિરસ્થાયી સ્મારક બની રહી. એમાં સ્વામીજીના શિવભાવે જીવસેવાના, વિશ્વના દૈવીકરણના, ધર્મ સાથે સમાજકલ્યાણને સાંકળવાના અને જનજાગરણ જેવા અનેક આદર્શો મૂર્ત થતા રહ્યા ! એમણે એ શાળામાં મહિલાઓને શ્રેષ્ઠ ચારિત્ર્યઘડતરનું શિક્ષણ આપ્યું. આ વિદેશી નારીનો ભારતીય શિક્ષણપ્રેમ કલ્પનાતીત હતો, શાળા એમનું સર્વસ્વ બની રહી! સ્વામીજીએ તેમને કહેલી ભારતની મહાન મહિલાઓની યશોગાથાઓથી પ્રેરાઈને શાળામાં તેમણે નારીશિક્ષણને પ્રાધાન્ય આપ્યું. રૂઢિવાદીઓ વચ્ચે આવી પ્રગતિશીલ શાળાનું સ્થાપન એક જબરું સાહસ હતું. કપરી આલોચનાઓ, ફંડનો અભાવ વગેરે ખૂબ તકલીફો એમણે શાળા માટે વેઠી. શાળામાં પોતાનાં બાળકોને દાખલ કરાવવા માટે માબાપોને વિનવવા તેઓ ઘેર ઘેર ભટક્યાં. માબાપ-વાલીઓનાં અપમાનો સહ્યાં. અત્યંત પછાત, વહેમી, અશિક્ષિત રૂઢિવાદી વચ્ચે એક વિદેશી નારીનું આવું જબરું સાહસ, આવું મહાન બલિદાન, આવું તપશ્ર્ચરણ ખરેખર કલ્પનાતીત છે!

સને 1905માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કરવાના કારણે થયેલા મહાન સ્વદેશી આંદોલને સમગ્ર રાષ્ટ્રને જગાડી દીધું. એ વખતે બંગાળ તો ઘૂઘવતા સાગરનાં ઊછળતાં મોજાઓની પેઠે ક્રાન્તિના આવેગથી ખળભળી ઊઠ્યું. આ ક્રાન્તિનું પ્રથમ સોપાન સ્વદેશી આંદોલન હતું. એમાં વિદેશીઓનો બહિષ્કાર અને સ્વદેશીનો સ્વીકાર હતો. આ આંદોલનમાં નિવેદિતાએ જે ક્ષમતા અને સૂઝથી ભાગ ભજવ્યો તે અન્ય રાજકીય નેતાઓની ભાગીદારી કરતાં નોખો તરી આવતો હતો. નિવેદિતાનું શિક્ષણ, અનુભવ, ક્ષમતા અને સૌથી વધુ તો સ્વામીજીએ આપેલી તાલીમે તેમને વિશિષ્ટ સ્થાન અપાવ્યું હતું. આ આંદોલન પાછળ તેમની ભૂમિકા એક બૌદ્ધિક અને નૈતિક બળ તરીકેની-ઘણી જ મહત્ત્વપૂર્ણ- રહી હતી. તેઓ ‘વિવેકાનંદી’ છાપવાળાં અત્યંત દેશભક્ત, ગતિશીલ, તત્ત્વજ્ઞ અને કર્મયોગી હતાં. અન્ય આંદોલનકારીઓ સાથે તેમની સરખામણી થઈ જ ન શકે. તેમનું મન અને મનીષા સદૈવ પુરુષનાં હતાં. તેમના અવસાન પછી તેમને ભવ્ય અંજલી આપતાં રાસબિહારી ઘોષે કહ્યું હતું કે જો ભારતમાં સૂકાં હાડકાં પણ ચેતનાથી સળવળી ઊઠ્યાં હોય, તો તેનું કારણ એ છે કે એમાં ભગિની નિવેદિતા જ શ્વાસ લઈ રહ્યાં છે! તેઓ ખરેખર રાષ્ટ્રિયનાં પણ રાષ્ટ્રિય હતાં !

અહીં નોવિન્સને આપેલું તેમના ચારિત્ર્યનું એક સુંદર લેખચિત્ર જુઓ : ‘અગ્નિને કશીક સ્થૂળ વ્યાખ્યામાં બાંધી એનું જ્ઞાન થયું એમ માનવું જેમ નિષ્ફળ જ છે, તેવી જ રીતે ભગિની નિવેદિતાને શબ્દોમાં વર્ણવવાં પણ નિષ્ફળ જ છે. અલબત્ત, તેમનામાં જ્વાળા જેવું કશુંક હતું, પણ એ ખાલી ભાષામાં જ નહિ, પણ તેમનું સમગ્ર સત્ત્વશીલ વ્યક્તિત્વ જ મને તો વારંવાર આગનું સ્મરણ કરાવે છે! અગ્નિ-શિવ-કાલી અને અન્ય ચેતનાઓની પેઠે તેઓ એકી સાથે વિનાશક અને સર્જક, ભયંકર અને મંગલકારી હતાં. કોઈએ તેમને નરમ કહ્યાં નથી – પણ તેઓ ખરેખર ઉદાત્ત, સહાનુભૂતિપૂર્ણ, શિષ્ટ હતાં !

શ્રી શ્રીમા સાથે તેમને ઘણો મીઠો સમ્બન્ધ હતો. પોતાના બધા વ્યવહાર-વર્તણૂકમાં તેઓ શ્રી શ્રીમાની બાલિકા પેઠે રહેતાં. નિવેદિતાએ પહેલ વહેલાં 1899માં જ્યારે શ્રી શ્રીમાને જોયાં ત્યારથી જ તેમનું શ્રી શ્રીમા પ્રત્યે આકર્ષણ થયું અર્થાત્ શ્રી શ્રીમાએ પહેલેથી જ પોતાનાં અને એવાં પરંપરિત લોકોના સાન્નિધ્યમાં રહેવાનું જરૂરી વરદાન આપી દીધું! શ્રી શ્રીમાએ પોતાની ‘ખૂકી’ પર મૃદુ ભાવના સદાયે વરસાવ્યે રાખી હતી. બન્નેનો આ મધુર સમ્બન્ધ જિન્દગી પર્યન્ત રહ્યો. નિવેદિતાએ શ્રી શ્રીમામાં ભારતીય માતૃત્વનો આદર્શ નિહાળ્યો.

ગોપાલમા પ્રત્યે પણ નિવેદિતાને ખૂબ માન હતું. જૂનાં રામકૃષ્ણભક્ત એ વૃદ્ધ મહિલાને મળવા નિવેદિતા, મિસ મેકલાઉડ અને શ્રીમતી બુલ સાથે 1898માં ગયાં હતાં. ગોપાલમાએ તેમને આવકાર્યાં અને નવાઈભરી રીતે એમને સ્વજન માન્યાં! ગોપાલમાએ પોતાના અંતિમ દિવસો નિવેદિતાની સાથે બોઝપરા લેનમાં ગાળ્યા! પોતાના અત્યંત કર્મઠ જીવનમાંથી પણ થોડો સમય કાઢીને નિવેદિતા આ સંતસ્ત્રીની સેવા કરતાં. ગોપાલમાના મરણ પછી ગોપાલમાની જપમાળા સ્મૃતિચિહ્ન તરીકે નિવેદિતાએ સાચવી રાખી હતી અને લંડનમાં પોતાની માતાને એ આપી હતી.

નિવેદિતા સંપૂર્ણ રીતે સ્વામી વિવેકાનંદમાં અને તે દ્વારા ભારતમાં તરબોળ થઈ ગયાં હતાં. તેમના દૃષ્ટિકોણની વિશાળતા, જિજ્ઞાસા, હિંમત, ઉત્સાહ બેજોડ હતાં. તેમની યાત્રાએ તેમને નવી વિશાળ દૃષ્ટિ આપી, ઊંડો પ્રેમ આપ્યો કે જેથી તેઓ સંકુચિતતાથી ઉપર ઊઠ્યાં! સ્વામીજીની તાલીમે તેમને નવી જીવનદૃષ્ટિ આપી, પુનર્જન્મ આપ્યો. તેમના ભારતનિવાસે તેમના આત્માને ભારતની ભીતર-બહારની ભવ્યતામાં ઝબોળી દેવામાં સહાય કરી. તેઓ મધુર અને નમ્ર સ્વભાવનાં હતાં અને ભારતીય સંસ્કૃતિ વિશેનાં તેમનાં પુસ્તકોમાંના તેમના વૈયક્તિક અનુભવો, તેમની તે વિશેની હિંમતપૂર્વક રજૂઆત વગેરે એ બાબતનાં પ્રમાણો છે. તેમના અનેક લેખો પણ એના પુરાવા છે. તેમનું ‘The Master as I saw Him’  પુસ્તક તો આત્મકથાનું ઉત્તમ પુસ્તક છે. ભારતીય સંસ્કૃતિની સાચી ભવ્યતાનાં દર્શન એમાં થાય છે. એમાં એમને થયેલાં દર્શને જ એમને પોતાનું જીવન ભારતને સમર્પિત કરવા પ્રેર્યાં હતાં.

ગુલામ ભારતના વૈજ્ઞાનિકને મોભો મળે તે સાંખી ન શકનારા યુરોપીય વૈજ્ઞાનિકો આગળ ભારતીય જગદીશચંદ્ર બોઝનું મૌલિક વૈજ્ઞાનિક સંશોધન જ્યારે લાચાર બનીને ઊભું રહ્યું ત્યારે સાચાં પૂર્ણ ભારતનાં બનેલાં નિવેદિતાએ જગદીશચંદ્રની માતાની પેઠે માવજત કરી, બધી મદદ કરી, પત્રિકાઓથી પ્રચાર કર્યો, ફંડ ભેગું કર્યું અને પૂરી રીતે એમની પડખે છેવટ સુધી ઊભાં રહ્યાં.

તેમણે શિક્ષણ, સમાજ-સુધાર, રાષ્ટ્રિયતા, રાહતકાર્ય, પત્રકારત્વ, કલા, સ્થાપત્ય વગેરે અનેક ક્ષેત્રે ભારતની સેવા કરી છે. ભારત માટે તેમણે અનેક દુ:ખ સહ્યાં છે. તેઓ પાયાના પથ્થર સમાન નેતા હતાં એટલે જ તો રવીન્દ્રનાથ ટાગોર જેવાના મુખેથી તેઓ ‘લોકમાતા’નું બિરુદ પામ્યાં છે. તેમની પ્રામાણિકતા, પવિત્રતા, નિષ્ઠા વગેરેનું મૂલ્ય આંક્યું અંકાય તેમ નથી. આપણે તો સાચા કૃતજ્ઞભાવે તેમને, ભારતનાં નિવેદિતાને, લોકમાતાને સો સો વાર સપ્રેમ અને સાદર પ્રણામ કરીએ અને તેમની પાસેથી પ્રેરણા લઈએ, જાગ્રત થઈએ, તેમના આદર્શોને આપણા જીવનમાં મૂર્ત કરવા સાચા દિલથી મથામણ કરીએ.

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભગિની નિવેદિતાનું યોગદાન : સ્વામી મુક્તિમયાનંદ

‘જગતને આજે જે વસ્તુની આવશ્યકતા છે એ છે ચારિત્ર્ય. સંસારને એવી વ્યક્તિઓની આવશ્યકતા છે કે જેમનાં જીવન સ્વાર્થગંધ રહિત જ્વલંત પ્રેમના ઉદાહરણરૂપ હોય. એ પ્રેમ એક-એક શબ્દને પ્રભાવશાળી બનાવી દેશે,’ આ શબ્દો સ્વામી વિવેકાનંદે એક વિદેશિની નારીના ‘વીર સિંહણ’ સમાન ગુણોથી પ્રભાવિત થઈ તેમને સંસારની સેવા કરવા માટે જીવન અર્પણ કરવાના આહ્‌વાનરૂપે લખ્યા હતા. પોતાના ગુરુ સ્વામી વિવેકાનંદના આ આહ્‌વાનને સાર્થક કરનાર એ વિદેશી નારી હતાં ભગિની નિવેદિતા, જેમણે ગુરુના શબ્દો- “સંસારના વીર અને સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓએ ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ પોતાનું બલિદાન આપવું પડશે- ને જીવનમાં સાર્થક કરી બતાવ્યા અને માત્ર 43 વર્ષની અલ્પાયુમાં પોતાનાં ત્યાગ-બલિદાન અને ભારતની સેવાથી તેમણે ભારતીયોનાં હૃદય અને ઇતિહાસમાં પોતાનું નામ સ્વર્ણ અક્ષરે અંકિત કરાવ્યું.

ભગિની નિવેદિતાના ધર્મ અને આધ્યાત્મિકતા, સ્ત્રી સુધારણા અને શિક્ષણ, ભારતીય જીવનદર્શન, વિજ્ઞાન અને સમાજ સુધારણા વગેરેમાંના યોગદાનથી સૌ કોઈ પરિચિત છે. પરંતુ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ નેપથ્યમાં રહી તેમણે જે અણમોલ ફાળો આપ્યો છે તેનાથી કદાચ ઘણા અપરિચિત હોઈ શકે. 1901માં ભારતમાં પ્રત્યાગમનથી 1911માં પોતાની મહાસમાધિ સુધી તેઓ દેશસેવામાં અવિરત સંગ્રામરત હતાં. ભારતીય ધર્મ, ભારતીય સમાજ, ભારતીય મૂલ્યો અને રીતરિવાજો, તહેવારો, ઉત્સવો વગેરેથી તેઓ એટલાં પ્રભાવિત હતાં અને તેમણે પોતાને એટલાં આત્મસાત્ કરી લીધેલાં કે તેઓ કદાપિ પોતાને વિદેશી માનતાં જ નહીં. એમના પરિચયમાં આવેલા લોકો કહે છે કે ‘ભારતવર્ષ’ એ શબ્દનું તેઓ સદા મંત્રવત્ ઉચ્ચારણ કરતાં રહેતાં. તેમનો ભારત પ્રતિ ઊંડો પ્રેમ અને ગંભીર લાગણી તેમના ગુરુ સ્વામી વિવેકાનંદ પાસેથી મેળવેલ ધરોહર હતી. પોતાના ગુરુના ગહન દેશપ્રેમની અનુભૂતિ જે નિવેદિતાને થયેલી તેનો તેમણે પોતાના સ્મૃતિગ્રંથમાં ઉલ્લેખ કરતાં લખ્યું હતું, ‘ભારતવર્ષ સ્વામીજીના ગંભીરતમ આવેગનું કેન્દ્ર હતું…ભારત એમના હૃદયમાં નિરંતર સ્પંદિત થતું, એમની નાડીઓમાં પ્રતિધ્વનિત થતું. ભારત જ હતું એમનું દિવાસ્વપ્ન અને ભારત જ હતું એમની રાત્રિનું દુ:સ્વપ્ન.’ સ્વામી વિવેકાનંદે એકવાર કહેલું કે, ‘મારા જીવનનો ઉદ્દેશ માત્ર શ્રીરામકૃષ્ણ કે વેદાંતનો પ્રચાર કરવાનો નથી, પરંતુ મારા દેશવાસીઓમાં પૌરુષ જાગૃત કરવાનો છે.’ આના પ્રત્યુત્તરમાં નિવેદિતાએ કહ્યું હતું, ‘હું તમને સહાયતા કરીશ.’ નિવેદિતાએ જે કહ્યું હતું તેનું અનુમોદન કરતાં સ્વામીજી બોલ્યા હતા, ‘મને ખબર છે.’ નિવેદિતા માટે સ્વામીજીએ બૃહત્તર માર્ગ ચૂંટેલો જે ચીલાચાલુ રીતભાતથી અલગ પરંતુ મૂલ્યો અને ધર્મ-દર્શન પર સ્થાપિત અને સાથે સાથે સ્વતંત્ર અને મક્કમ પગલાં લેવા સક્ષમ હતો.

એ સમય હતો વર્ષોથી ગુલામ ભારતીય સમાજમાં નવચેતનાનો. વિદેશથી પ્રત્યાવર્તન કરી આવેલા સ્વામી વિવેકાનંદના પત્રો, લેખો અને ભાષણોએ ભારતીય સમાજમાં નવું જોમ પૂર્યું હતું. સ્વામીજીના સ્વદેશ પ્રત્યાવર્તન સમયે દેશના અનેક યુવાનો સ્વામીજીના દેશપ્રેમ અને દેશસેવાનાં ભાષણોથી પ્રેરાઈ દેશ માટે સર્વસ્વનું બલિદાન કરવા સજ્જ થયા હતા. ભારતીય રાષ્ટ્રિય કોંગ્રસ દ્વારા દેશનો શિક્ષિત સમાજ પણ અંગ્રેજ હકૂમત વિરુદ્ધ અવાજ ઉઠાવવા પ્રયાસ કરી રહ્યો હતો. દેશના એ ચોક્કસ સમયના અગ્રણી નેતાઓ પર સ્વામીજીના વિચારોની ઊંડી છાપ પડી હતી અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ વિચારોએ નવીન ઉત્સાહ પૂર્યો હતો. આવી સામાજિક-રાષ્ટ્રિય પૃષ્ઠભૂમિ પર નિવેદિતાનું ભારતમાં આગમન થયું.

સન 1898ના જાન્યુઆરી માસમાં ભારતમાં આગમન સાથે નિવેદિતાએ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સ્ત્રીશિક્ષણ અને સમાજ સેવાનાં કાર્યોનો આરંભ કર્યો. સ્વામી વિવેકાનંદના વાર્તાલાપ, વિચારો અને ભાષણોથી તેમને ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને મૂલ્યોનો ગહન પરિચય થયો. આ પરિચય એક તરફ તેમને ત્યાગી સંન્યાસિનીના આદર્શોને દૃઢતાપૂર્વક અપનાવવા સહાયક બન્યો અને બીજી તરફ ભારતીય મૂલ્યોએ તેમને ભારતની સેવા અને ઉદ્ધારનાં કાર્યો માટે તૈયાર કર્યાં. ભારત માટેના પ્રેમે ધીરે ધીરે તેમના માટે ભારતમાતાની પૂજાનું રૂપ ધારણ કર્યું. તેમણે ‘ભારતીયતા’ને એટલી હદે આત્મસાત્ કરી લીધી કે ભારતનાં સુખ-દુ:ખ, આનંદ-અશ્રુ, સફળતા-અસફળતા વગેરે એમનાં સુખ, દુ:ખ, આનંદ બની ગયાં. આ પૂજાભાવે તેઓ મા ભારતીની સેવામાં તત્પર થયાં.

તેમની પ્રારંભિક માન્યતા હતી કે ભારત અને ઇંગ્લેન્ડ સારા મિત્રો બની શકે છે. પરંતુ જ્યારે તેમણે અંગ્રેજોને ભારતીયોના મૂળભૂત અધિકારોનું હનન કરતા અને તેમની વ્યાજબી માગણીઓને નિર્દયતાથી કચડતા જોયા ત્યારે તેમનો આ ભ્રમ ભાંગી ગયો. જૂન, 1899માં તેઓ સ્વામીજી સાથે પોતાની બાલિકા વિદ્યાલય માટે ભંડોળ ભેગું કરવા યુરોપ, અમેરિકા અને બ્રિટન ગયાં ત્યારે તેમણે વિવિધ મંચો પરથી ભારતીય સમાજ અને મૂલ્યોની મહાનતા વિશે વિદેશી જનતાને પરિચિત કરવાનું શરૂ કર્યું અને ભારત પ્રતિ કૂણું વલણ રાખનાર ઘણા બ્રિટિશ સાંસદોને પણ પ્રભાવિત કરવા પ્રયાસ શરૂ કર્યા. વિદેશમાં તેમણે ‘ભારત’ અને ‘ભારતનાં કાર્યો’ જેવા વિષયો પર ભાષણ અને ચર્ચાઓ કરી. તેઓ દેશ અથવા વિદેશમાં જ્યાં જઈ, જ્યાં રહી, થાય ત્યાંથી પોતાના એક માત્ર ધ્યેય ‘ભારતની દરેક રીતે સેવા’ને સિદ્ધ કરવા પ્રયાસરત રહેતાં. સ્વામીજીના સંગાથ અને પોતાના વાચન-મનનથી તેઓનું ભારતીય સમાજ પ્રતિ આકર્ષણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું ગયું અને ‘ભારતપ્રેમ’ને તેઓએ ગુરુની વારસાગત સંપદારૂપે હૃદયપૂર્વક અપનાવી લીધો. બ્રિટિશ સરકારના ભારત પ્રત્યેના અન્યાયપૂર્ણ આચરણે તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દિલચસ્પી લેવા અને ઝંપલાવવા પ્રેરિત કર્યાં. એક વાર ફરિયાદના સ્વરમાં નિવેદિતાએ કહેલું, ‘મને ડર છે કે બ્રિટિશરો દ્વારા આચરાતા અન્યાયને કારણે હંમેશને માટે મારું મન એમના પ્રત્યે કડવાશથી ભરાઈ જશે.’ નિવેદિતાનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન ક્યારેક પ્રત્યક્ષ હતું પરંતુ મોટે ભાગે નેપથ્યમાં રહી પ્રોત્સાહન, સહકાર, ટેકો આપવાનું અને પોતાના આયરિશ નાગરિક હોવાનો લાભ લઈ સરકારના આંતરિક વર્તુળમાંથી બ્રિટિશ સરકારનાં આગામી પગલાંની માહિતી લઈ નેતાઓને પહોંચાડવાનું તથા ભારત પ્રત્યે સહાનુભૂતિ રાખનાર બ્રિટિશ અધિકારીઓને ભારતની સ્વતંત્રતા માટે પ્રેરવાનું હતું. નિવેદિતા એક કુશળ લેખિકા હતાં તેથી તેઓ અનેક ભારતીય અને વિદેશી અખબારોમાં પોતાનો સ્વતંત્ર મત હિંમતભેર રજૂ કરી, ભારત પ્રતિ થઈ રહેલા બ્રિટિશ શાસકોના અન્યાયને ઉઘાડો પાડતાં. આ ઉપરાંત તેઓએ દેશનાં વિભિન્ન સ્થાનોએ જઈ યુવાનોમાં સ્વામીજીના ‘ચરિત્રનિર્માણથી વ્યક્તિનિર્માણ’ના આદર્શને પ્રસરાવવાનું શરૂ કર્યું. સાથો સાથ તેઓએ શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે, બિપિનચંદ્ર પાલ, લાલા લજપતરાય, રમેશચંદ્ર દત્ત, લોકમાન્ય ટિળક, શ્રી અરવિંદ વગેરે સાથે ઘનિષ્ઠ સંપર્ક સાધી ભારતની સ્વતંત્રતા અને ઉત્થાનનાં કાર્યોમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.

તેઓએ બ્રિટિશ સરકારના એ બર્બરતાપૂર્ણ કાળમાં પણ પોતાની બાલિકા વિદ્યાલયમાં ‘વંદે માતરમ્’ ગાવાની શરૂઆત કરી. પ્રારંભિક ભારતીય રાષ્ટ્રધ્વજની કલ્પના નિવેદિતાએ જ કરી હતી. 1905માં રાષ્ટ્રધ્વજની કલ્પનાએ તેમના મનમાં જન્મ લીધો અને એમણે રાષ્ટ્રધ્વજમાં વજ્રના ચિહ્નને અંકિત કર્યું. આની પાછળનું કારણ સમજાવતાં તેમણે કહેલું કે વજ્રચિહ્ન સાંકેતિકરૂપે દર્શાવે છે કે એક નિ:સ્વાર્થી ત્યાગી પુરુષ સ્વયં એક અજેય શસ્ત્ર સમાન છે.

નિવેદિતાએ જ્યારે 1901માં યુરોપથી ભારત પ્રત્યાગમન કર્યું ત્યારે દેશપ્રેમની ભાવનાઓથી તેમનું હૃદય છલોછલ ભરાયેલું હતું. ‘ભારતીય સમાજની વ્યવસ્થા ભારતીયોના હાથે’- અંગ્રેજો પાસેથી આ અધિકાર મેળવવો એ તેમનું લક્ષ્ય હતું. સ્વામીજી પાસેથી ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસ, વેદ-પુરાણ અને ધર્મનાં રહસ્યો જાણી-સમજીને તેઓ ભારતીય ધર્મ, જીવન અને દર્શનનાં એક રીતે ‘કટ્ટર’ સમર્થક બન્યાં હતાં. તેઓનું માનવું હતું કે જ્યાં સુધી ભારત બ્રિટિશ હકૂમત હેઠળ કચડાયેલ રહેશે ત્યાં સુધી તેની પ્રજામાં આત્મવિશ્વાસ અને પોતાના ધર્મ તેમજ સંસ્કૃતિ પ્રતિ શ્રદ્ધા જાગશે નહીં. માટે રાજનૈતિક સ્વતંત્રતા દેશના ઉત્થાન અને ભારતીય સમાજના વિકાસની પાયાની આવશ્યકતા હતી. તેમણે ભારત પરત ફરતાંની સાથે જ સક્રિયતાપૂર્વક લોકોને રાષ્ટ્રાભિમાન, ભારતીયપણાનું ગૌરવ સમજાવવાનું તથા યુવાનોમાં સ્વામીજીના ચરિત્રનિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણના સંદેશને પહોંચાડવાનું શરૂ કર્યું. તેઓ માનતાં કે વિશ્વમાં સમકક્ષ ઊભા રહેવા માટે આવશ્યક પરિવર્તન લાવવાની પૂર્ણ ક્ષમતા આપણે ધરાવીએ છીએ. તેથી કોઈપણ બહારની વ્યક્તિને આપણા આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. વળી તેઓ માનતાં કે આપણી જે પણ પ્રાચીન પરંપરાઓ છે તે માટે પોતાને હીન સમજવાની કે કોઈ પાસે ક્ષમાયાચના કરવાની કોઈ આવશ્યકતા નથી. વળી તેઓ માનતાં કે આ દેશના મહાપુરુષો અન્ય દેશના મહાપુરુષોથી કોઈપણ રીતે ઊતરતા નથી. એમના માટે ગર્વ કરો અને હૃદયપૂર્વક તેમને સાથ આપો, પ્રેમ ન્યોચ્છાવર કરો, એમને પ્રોત્સાહિત કરો. તલવારબાજી, મલ્લયુદ્ધ, દંડબેઠક, શસ્ત્ર અને યુદ્ધ કળામાં ભારતીય યુવા સમર્થ બને એ માટે તેઓ સઘન પ્રયાસ કરતાં.  પટનામાં તેઓએ યુવાનોને સંબોધતાં કહ્યું હતું, ‘દેશની ઉન્નતિ જ તમારા જીવનનો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ. વિચારજો કે આખો દેશ એ આપણો દેશ છે અને આપણો દેશ કાર્ય માગે છે. આ વિચારી તમે કાર્યસિદ્ધિ માટે તૈયાર રહો. ઊઠો, જાગો અને કાર્યપૂર્તિનો હેતુ સિદ્ધ થાઓ. ક્યાંય યુદ્ધનો સમય નજીક આવી પડે ત્યારે તમે સૂતા ન રહી જાઓ. ’

1904 અને 1905ની બે ઘટનાઓએ દેશની સ્વાતંત્ર્ય ક્રાંતિમાં નવું જોમ પૂર્યું હતું. 1904માં નવો વિશ્વવિદ્યાલય કાનૂન પસાર કરાયો. 1905માં અંગ્રેજ વાઈસરોય લોર્ડ કર્ઝને, ‘પૂર્વના દેશોમાં ‘સત્ય’ને જીવનમાં આદર મળે એ પહેલાં પશ્ચિમી દેશોએ નૈતિક જીવનમાં ઉચ્ચ સ્થાન આપ્યું હતું,’ એવું વિધાન કરતાં ભારતીયોને આઘાત લાગ્યો અને નિવેદિતા પણ અત્યંત ક્રોધિત બન્યાં. દેશની જનતા આમાંથી ઊભરે એ પહેલાં જ જુલાઈમાં બંગાળના વિભાજનની યોજના બનાવી, જે બ્રિટિશ સામ્રાજ્યના અવિવેકી નિર્ણય તરીકે સાબિત થઈ. લોકોમાં વિરોધની તીવ્ર લહેર પ્રસરાઈ ગઈ. દેશમાં વિરોધનાં અનેક આંદોલનો થયાં અને સ્વતંત્રતાની ચળવળે નવું જોમ પકડ્યું. આ વિષયક સભાઓમાં, ચર્ચાઓમાં યથાસંભવ નિવેદિતા સહભાગિતા કરતાં અને ટેકો આપતાં. આ સમયે જન્મ થયો ‘સ્વદેશી આંદોલન’નો. આ આંદોલને અલ્પ સમયમાં અત્યંત સફળતા હાંસલ કરી. નિવેદિતા આ આંદોલનથી અત્યંત આનંદિત બન્યાં અને પૂર્ણ ટેકો આપ્યો. તેમણે લોકોમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે જાગૃતિ લાવવા અનેક લેખો અને ભાષણોમાં ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું- ‘સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો એ આપણો ધર્મ છે. આ આપણા માટે એક તપસ્યાનું રૂપ છે.’ ‘સ્વાવલંબન અને વીરતાનો સંદેશ આપે છે સ્વદેશી આંદોલન… સ્વદેશી આંદોલન એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં પોતાની દૃઢ ઇચ્છાશક્તિ અને સાહસિકતાને દેખાડવાનો એક સુઅવસર પ્રત્યેક ભારતીયને સાંપડે છે.’ આવા વિચારો દ્વારા લોકોને સ્વદેશી વસ્તુઓ વાપરવા પ્રેરિત કર્યા.

1901માં કોંગે્રસ અધિવેશન માટે કોલકાતા પધારેલા મહાત્મા ગાંધીએ નિવેદિતા સાથે મુલાકાત કરી અને તેમના દેશ અને હિન્દુ ધર્મ પ્રતિ સમર્પણથી અત્યંત પ્રભાવિત થયા. નિવેદિતાએ એકાધિક કોંગ્રેસ અધિવેશનોમાં ભાગ લીધો હતો. 1902માં તેઓ વડોદરામાં શ્રી અરવિંદને મળ્યાં અને તેમને બંગાળ પાછા ફરી ત્યાંનાં ક્રાંતિકારી દળોને એકત્ર કરી માર્ગદર્શન આપવા આહ્‌વાન કર્યું. તે સમયે અનુશીલન સમિતિ, ધી ડોન સોસાયટી, ધી ગીતા સોસાયટી, યંગ મેન્સ હિન્દુ યુનિયન કમિટી, વિવેકાનંદ સોસાયટી જેવાં અનેક સંગઠનો સાથે નિવેદિતાએ સંપર્ક સાધી યુવાનોને દેશસેવામાં સવર્ર્સ્વનું બલિદાન આપવા પ્રેરિત કર્યા. નિવેદિતાનું વ્યક્તિત્વ ‘દેશ’ અને ‘રાષ્ટ્રવાદ’ના પર્યાય સમું બની ગયું. તેમનાં સ્ફૂર્તિદાયક નવચેતનાભર્યાં ભાષણોથી યુવાનોમાં જ્વલંત પ્રેરણા જાગૃત થઈ. ‘રાષ્ટ્રિય જાગૃતિ’ શબ્દનો નિવેદિતા વારંવાર પ્રયોગ કરતાં.

1906માં કોંગ્રેસનું બે ભાગમાં વિભાજન થતાં નિવેદિતા સ્વાભાવિક રીતે જ અસહકાર અને સ્વદેશી આંદોલન જેવા નરમ રવૈયા અપનાવવાના વિચારો સાથે સહમત ન હતાં. તેઓ ક્રાંતિકારી વિચારધારાવાળાં હતાં.છતાં કોંગ્રેસના વિભાજન અને નેતાઓમાં પેદા થયેલ અંતરથી તેઓ અત્યંત મર્માહત થયાં અને બન્ને દળોને એક કરવા ઘણા પ્રયાસો કર્યા. છેવટે 1906 પછી તેમણે કોંગ્રેસ અધિવેશનોમાં જવાનું છોડી દીધું, પરંતુ ક્રાંતિકારી નેતાઓ અને યુવાનોને સમર્થન અને સહાયતા આપવામાં એમણે ક્યારેય પીછેહઠ ન કરી. 1906-07ની ક્રાંતિકારી ચળવળ દરમિયાન ક્રાંતિકારીઓએ શસ્ત્રો ભેગાં કરવાનું અને બોમ્બ બનાવવા જેવી કળાઓ શીખવાનું શરૂ કર્યું. નિવેદિતા કદાપિ આવાં સશસ્ત્ર આંદોલનોમાં સામેલ થયાં ન હતાં. પરંતુ તેઓ સરકારી પગલાંની ગુપ્ત સૂચનાઓ નેતાઓ સુધી પહોંચાડવા યથાસંભવ પ્રયાસ કરતાં. વધતા જતા લોકરોષ અને ક્રાંતિના જુવાળને અટકાવવા અંગ્રેજોએ અનેક નેતાઓની ધરપકડ કરી અને અનેક નેતાઓને દેશનિકાલની સજા કરી. વિવિધ ઉપાયોથી સરકારે આંદોલનો કચડી નાખ્યાં. લાલા લજપતરાયના દેશનિકાલની ખબર સાંભળી નિવેદિતાએ પોતાની ડાયરીમાં લખ્યું કે, ‘સરકાર પર પાગલપણાની અસર તો નથી થઈને?’ નિવેદિતા અંગ્રેજ સરકારના સંદેહના ઘેરામાં હોવા છતાં નિર્ભિકતાથી પોતાનું કાર્ય કરતાં. તેઓએ વિદેશી સમાચારપત્રોમાં ભારત અને તેની સ્વતંત્રતા માટે સહાનુભૂતિ અને સમર્થન ઊભું કરવા ભરચક પ્રયાસો કર્યા. બ્રિટિશ ‘હાઉસ ઓફ કોમન્સ’ના ભારત પ્રત્યે કૂણું વલણ રાખનારા  રાજનાયિકોને તેમણે ભારતની સ્વતંત્રતા માટે પ્રસ્તાવો પસાર કરાવવા અપીલો કરી.

1909માં ભારત પાછા ફર્યા પછી પણ તેમણે લેખો, ભાષણો વગેરે દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું. નિવેદિતાનું નામ હવે ક્રાંતિકારીઓ અને સંદેહાસ્પદ લોકોની સૂચિમાં બ્રિટિશ સરકારે દાખલ કર્યું. આ દરમિયાન વાઈસરોય લોર્ડ મિન્ટોનાં પત્ની લેડી મિન્ટો એકવાર તેમના બાલિકા વિદ્યાલય વગેરેનું કાર્ય તેમજ બેલુર મઠના પ્રવાસ પર આવ્યાં. તેઓ નિવેદિતાના વર્તન અને બાલિકા વિદ્યાલયના કાર્યથી પ્રભાવિત થયાં અને એમને નિવેદિતા પ્રત્યે ઊંડો આદર જાગ્યો. તેમણે પોલીસ કમિશ્નરને મળી અંગ્રજોની રાજદ્રોહી ક્રાંતિકારીઓની સૂચિમાંથી નિવેદિતાનું નામ દૂર કરાવવામાં સહાય કરી. જીવનની અંતિમ ક્ષણો સુધી નિવેદિતા ભારતના પુનરુદ્ધાર કરવાના સ્વપ્નને સાકાર કરવા અને લોકોમાં નવોત્સાહ ભરવા પ્રયાસરત હતાં. સતત કાર્યો અને સાદગી તેમજ કૃચ્છતાપૂર્ણ સાધ્વીજીવને એમની જીવનલીલાને 43 વર્ષના ટૂંકા ગાળામાં સંકેલી દીધી.

Total Views: 201
By Published On: November 1, 2017Categories: Keshavlal V Shastri0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram