સ્વામી વિવેકાનંદનાં વિદેશી શિષ્યા કુમારી માર્ગરેટ નોબલ કે જેમણે ભગવાનને અને ભારતને પૂરાં સમર્પિત થઈને પોતાના મહાન ગુરુ સ્વામી વિવેકાનંદના જીવનકાર્ય અને સંદેશને સમગ્ર વિશ્વમાં પ્રસારિત કરી ગુરુએ આપેલા ‘નિવેદિતા’ નામને સાર્થક કર્યું… એ ભગિની નિવેદિતાના વ્યક્તિત્વનાં દરેક પાસાં રત્નની જેમ ઝળહળી રહ્યાં છે; પુત્રી, વિદ્યાર્થિની, શિક્ષિકા, સમાજસુધારક, શિષ્યા, સાધિકા, સેવિકા, પ્રેરણાદાયિની, ભારતભગિની અને લોકમાતા – આ બધાં જ સ્વરૂપોમાં એમનું આંતરસત્ત્વ સૂર્યનાં કિરણોની જેમ પ્રકાશી રહ્યું છે. વિદ્યા સાથે સંકળાયેલાં એમનાં બે સ્વરૂપોની ઝલક આપણે જોઈએ.

વિદ્યાર્થિની માર્ગરેટની પ્રખર બુદ્ધિમત્તાના અને તેજસ્વિતાના ચમકારા એમના શાળાકીય શિક્ષણ દરમિયાન પણ જોવા મળતા હતા. પિતાના અવસાનને લઈને તેમને પોતાના નાનાને ત્યાં જવું પડ્યું. તેમણે માધ્યમિક શિક્ષણ ત્યાં પૂરું કર્યું. કોલેજનું શિક્ષણ મેળવવા તેઓ હેલિફેક્સ ગયાં. તેમની આ કોલેજ ચર્ચ દ્વારા ચાલતી હતી આથી ત્યાં કડક અનુશાસન હતું. માર્ગરેટને છાત્રાલયમાં રહેવાનું હતું અને છાત્રાલયનું જીવન યંત્રવત્ એકધારું અને નીરસ હતું.

આવા જીવનમાં માર્ગરેટને કંટાળો આવતો હતો. આ કંટાળાભર્યા નીરસ જીવનમાંથી મુક્ત થવા માર્ગરેટે પોતાની જાતને જ્ઞાનપ્રાપ્તિ માટેના ગહન અભ્યાસમાં ડુબાડી દીધી. જેમ જેમ તેઓ વધારે અધ્યયન કરતાં ગયાં તેમ તેમ તેમની જ્ઞાનપિપાસા વધતી ગઈ. તેઓ પોતાનું દૈનંદિન કાર્ય તથા કોલેજના અભ્યાસ અંગેનું વાંચન એકાગ્રતાપૂર્વક ખૂબ ઝડપથી કરી લેતાં હતાં. આથી એમને ઘણો સમય મળતો હતો. આ સમયનો ઉપયોગ વિવિધ વિષયોનું જ્ઞાન મેળવવાના કાર્યમાં તેઓ કરી રહ્યાં હતાં. આવા અભ્યાસને પરિણામે તેમનામાં એકાગ્રતા, ખંત અને નિષ્ઠા જેવા ગુણો વિકસ્યા. જીવન અને જગત વિશેની ઊંડી સમજ મળી. આ ઉપરાંત આ સમયગાળામાં તેમણે  પોતાના શોખના વિષયો જેવા કે ચિત્રકલા, સંગીત, પ્રાકૃતિક વિજ્ઞાન વગેરેનું જ્ઞાન પણ મેળવ્યું.

માત્ર સત્તર વર્ષની વયે તો તેમણે કોલેજનું શિક્ષણ પૂરું કર્યું. તે સમયે માર્ગરેટની બુદ્ધિમત્તા સ્નાતકની પદવી ધરાવનારા તેમના સમકક્ષ સહાધ્યાયીઓ કરતાં ક્યાંય ઊંચી હતી. પ્રખર મેધાવિની, વિદુષી માર્ગરેટે શિક્ષણક્ષેત્રમાં કાર્ય કરવાનું નક્કી કર્યું.

સ્વીસ અધ્યાપક પેસ્ટાલોજીએ એ સમયગાળામાં નૂતન કેળવણી અંગે કેટલાક સફળ પ્રયોગો કર્યા હતા. આ નવી પદ્ધતિમાં માર્ગરેટને રસ જાગ્યો. પેસ્ટાલોજીના જર્મન શિષ્ય ફ્રોબેલે આ નવી બાળકેન્દ્રી પ્રવૃત્તિનો સારી રીતે વિકાસ કર્યો. તેમાં બાળકોના શિક્ષણના પ્રથમ ત્રણ વર્ષની શિક્ષણપ્રક્રિયા પર ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. રમતગમત, વ્યાયામ, નિરીક્ષણ, અનુકરણ અને રચનાત્મક કાર્યો દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું. તેમાં બાળકોની યોગ્યતા અને રસ-રુચિ જાણીને પણ તેમની ક્ષમતાઓને વિકસવા યોગ્ય વાતાવરણ પૂરું પાડવાની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી. આ નૂતન શિક્ષણ પદ્ધતિમાં માર્ગરેટને ખૂબ રસ પડ્યો. તેમાં શ્રીમતી લોંગમેન અને શ્રીમતી ડી’લીવે આ પદ્ધતિની લંડનમાં શાળા ખોલવા માર્ગરેટને આમંત્રણ આપતાં તેઓ લંડન આવી પહોંચ્યાં. અહીં તેમને પસંદગીનું કાર્યક્ષેત્ર મળ્યું. શિક્ષણમાં નૂતન પ્રયોગો કરવા માટેનું વિશાળ ક્ષેત્ર મળ્યું.

આ શિક્ષણ પદ્ધતિમાં બાળકો રમતાં રમતાં શીખે એવી વ્યવસ્થા હતી. વળી તેમાં અભ્યાસની સાથે સાથે બાળકોના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ પણ થઈ શકતો હતો. આથી માર્ગરેટે ઈ.સ. 1892માં આ શિક્ષણ પદ્ધતિથી ચાલતી શાળા શરૂ કરી અને તેને નામ આપ્યું ‘રસ્કિન સ્કૂલ’. અહીં તેમને શિક્ષણક્ષેત્રમાં ઘણા નવા પ્રયોગો કરવાની તક મળી. વિદ્યાર્થીઓના બહુમુખી વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતાં. શિક્ષકનું સંવેદનશીલ હૃદય, તેજસ્વી બુદ્ધિ, કેળવણીનો ઊંડો અભ્યાસ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના અવિરત પ્રયત્નો અને પોતાની આગવી પ્રતિભાને લઈને માર્ગરેટનો માત્ર શિક્ષણક્ષેત્રમાં જ નહીં, પરંતુ લંડનમાં બૌદ્ધિક સમાજમાં અને વિદ્વત્-જનોમાં આદર-સત્કાર થવા લાગ્યો.

માર્ગરેટની જ્ઞાન અને શિક્ષણ આપવાની પદ્ધતિ અનોખી હતી. તેઓ માનતાં હતાં કે શિક્ષક માટે પહેલી જરૂરી વસ્તુ એ છે કે તેણે વિદ્યાર્થીની ચેતનામાં પ્રવેશ કરવો અને તે કયાં છે, કઈ દિશા તરફ પ્રગતિ કરે છે, તે જાણવું. આ કર્યા સિવાય કોઈ પણ પાઠ શીખવી શકાય નહીં. સ્વામી વિવેકાનંદને મળ્યા પહેલાં જ કેળવણી વિશેના તેમના આગવા વિચારો હતા.

વળી આ ક્ષેત્રમાં તેમણે સફળતાપૂર્વક ઘણું કાર્ય પણ કર્યું હતું. ભલે એ વિચારો પશ્ચિમની સંસ્કૃતિમાં ઉદય પામ્યા હતા, પરંતુ એ વિચારો આપણા ઋષિઓના દર્શનથી ભિન્ન જણાતા નથી. શિષ્યોની આંતરચેતનામાં પ્રવેશ કરવો, તેમની સુપ્ત શક્તિઓને જાણવી – પ્રગટ કરવી, તેમના સર્વાંગી વિકાસ માટે વાતાવરણ પૂરું પાડવું અને તેને સાચો મનુષ્ય બનાવવો – એ ભારતીય શિક્ષણનો આદર્શ નિવેદિતાના શિક્ષણચિંતનમાંથી સ્પષ્ટપણે જણાઈ આવે છે.

માર્ગરેટે ભારત આવીને ગુરુચરણે સમર્પણ કર્યું. ગુરુદેવ સ્વામી વિવેકાનંદના આદેશ મુજબ કોલકાતામાં બાગબજારમાં 14મી નવેમ્બર, 1898ના રોજ કાલીપૂજાના દિવસે શ્રીમા શારદાદેવીના વરદ હસ્તે નિવેદિતાની બાલિકા વિદ્યાલયનું ઉદ્‌ઘાટન થયું.

લંડનનો શિક્ષણક્ષેત્રનો અનુભવ, સ્વામી વિવેકાનંદનું માર્ગદર્શન, બાલિકાઓ પ્રત્યેના પ્રેમને લઈને, અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ આ વિદ્યાલય વિકસવા લાગ્યું. વિદ્યાલયમાં આવતી પ્રત્યેક બાલિકા સાથે તેમને આત્મીય સંબંધ હતો. તેઓ દરેક બાલિકાની લાક્ષણિકતાઓની નોંધ રાખતાં અને તે પ્રમાણે તેને કેળવતાં. તેમાંની એકાદ બે નોંધ જોતાં તેમની શિક્ષણ પદ્ધતિનો ખ્યાલ આવશે.

વિદ્યુતબાલા બોઝ : 60માંથી 45 દિવસ હાજર. મેં ભાગ્યે જ જોઈ હોય તેવી દૃઢ વ્યક્તિ. તેનાં ઉત્સાહ અને નિશ્ર્ચયબળ અદ્‌ભુત, તેનો શોખ ઊંચી કક્ષાનો. પહેલાં તે માથાના દુ:ખાવા જેવી ઉદ્દંડ હતી. પણ તેની સાથે પ્રેમથી વાત કરતાં હવે તેની પાસેથી ઉત્તમ અને મધુર વસ્તુઓ મળી રહી છે. તેનામાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવાની ખાસ શક્તિ છે.

એમ. એમ. : સુંદર, મધુર, શાંત. 60માંથી 39 દિવસ હાજર. હું જાણું છું કે તમામ બહેનોમાં તે સહુથી વધુ મધુર, હોશિયાર અને ઉદાર છે. ખૂબ એકાંતપ્રિય, સાલસ અને કામમાં ડૂબી રહેનાર.

આમ, દરેક વિદ્યાર્થિનીના સ્વભાવ, વિશિષ્ટતા, શોખ વગેરેની નોંધ રાખીને પછી તેના આધારે તેને વિકાસના પથ પર તેઓ લઈ જતાં. વિદ્યાર્થિનીઓ પણ તેમને ખૂબ ચાહતી હતી. એક રવિવારે રજાના દિવસે દરવાજા આગળ શોરબકોર થતો જોઈને એમણે નોકરને તપાસ કરવા કહ્યું.

નોકરે તપાસ કરીને જણાવ્યું કે બાલિકાઓ કહે છે કે દરવાજો ખોલો, અમારે રજા નથી જોઈતી. અમારે આજે પણ ‘મેડમ’ પાસે ભણવું છે. આ સાંભળીને નિવેદિતા પોતે જ દરવાજે જઈ પહોંચ્યાં અને દરવાજો ખોલી બાલિકાઓને પ્રેમપૂર્વક અંદર લાવ્યાં. રજાના દિવસેય બાળાઓ શાળાએ આવે, શાળાની સિદ્ધિનું એનાથી બીજું કયું મોટું પ્રમાણપત્ર હોઈ શકે?

શ્રી રવીન્દ્રનાથ ટાગોરે જ્યારે નિવેદિતાને પોતાની પુત્રીને અંગ્રેજીમાં શિક્ષણ આપવા માટે વિનંતી કરી ત્યારે એમણે ટાગોરને કહ્યું,

‘બહારથી કોઈ શિક્ષણ ગળાવવાથી શો લાભ? જાતિગત નૈપુણ્ય અને વયક્તિગત વિશેષ શક્તિરૂપે માણસમાં જે શક્તિ રહેલી છે, તેને જાગ્રત કરવી એને જ હું શિક્ષણ માનું છું. નિયમબદ્ધ વિદેશી શિક્ષણ દ્વારા એને દાબી દેવી એ મને ઠીક લાગતું નથી.’ મનુષ્યમાં રહેલી આંતરશક્તિઓને જાગ્રત કરવી એ જ શિક્ષણનું ખરું હાર્દ છે અને તે માતૃભાષા દ્વારા જ વધારે સારી રીતે થઈ શકે એ વાત નિવેદિતાએ ટાગોરને સ્પષ્ટપણે સમજાવીને કહ્યું, ‘તમારી પુત્રીને અંગ્રેજી દ્વારા શિક્ષણ આપવું એ મારું કામ નથી.’ શ્રી રવીન્દ્રનાથ ટાગોર લખે છે, ‘તેમણે તો બાગબજારની અમુક ગલીને આત્મનિવેદન કર્યું હતું. ત્યાં તેઓ શિક્ષણ આપવાનાં નહોતાં પણ શિક્ષણ જગાડવાનાં હતાં.’ અને તેમણે સાચે જ બાલિકાઓમાં શિક્ષણ જગાડ્યું હતું.

નિવેદિતાના શિક્ષણદર્શનને સંક્ષેપમાં આ રીતે રજૂ કરી શકાય.

(1) શિક્ષણ ભીતરમાંથી જ ઊગવું જોઈએ, બહારથી લદાયેલું ન હોવું જોઈએ. (2) શિક્ષણ દરેક દેશની જીવનપદ્ધતિને અનુરૂપ હોવું જોઈએ. (3) શાળા અને ઘર વચ્ચે સંવાદિતા હોવી જોઈએ. (4) શિક્ષણ માતૃભાષા દ્વારા જ અપાવું જોઈએ. (5) બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવું શિક્ષણ હોવું જોઈએ. (6) શિક્ષણ રાષ્ટ્રિય ચેતનાને જગાડનાર હોવું જોઈએ. (7) પ્રવાસ અને પર્યટન દ્વારા શિક્ષણ જીવંત બનાવવું જોઈએ. (8) શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આંતરિક સંબંધ હોવો જોઈએ.

નિવેદિતાએ પોતાના બાલિકા વિદ્યાલયમાં આ શિક્ષણદર્શનને મૂર્તિમંત કર્યું હતું. શિક્ષણકાર્ય વિશે તેઓ કહે છે, ‘કેળવણીનું કાર્ય શિષ્ય દ્વારા થવું જોઈએ. શિષ્યનું કોઈ સ્વયં સ્ફૂરિત કાર્ય નિશાની આપે છે અને ડાહ્યો શિક્ષક એનો લાભ ઉઠાવે છે. જો શિષ્ય તરફથી શરૂઆત ન થાય તો તેને ભણાવવાનું કાર્ય એ લાકડાં કે ઈંટને ભણાવવા જેવું થશે.’

નિવેદિતાના આ શબ્દો તેમના શિક્ષણકાર્યના ઊંડા અનુભવમાંથી પ્રગટેલા હોવાથી દરેક શિક્ષકને માટે માર્ગદર્શકરૂપ બની રહે છે. તેમણે પોતે બાલિકા વિદ્યાલયમાં એવું વાતાવરણ સર્જ્યું હતું કે બાલિકાઓ શાળાનો સમય પૂરો થયે ઘરે જવા ઇચ્છતી જ ન હતી. નવું નવું શીખવા માટે માગણી કર્યા જ કરતી. આ જ તો હતું એમનું ભીતરથી શિક્ષણને પ્રગટાવવાનું કાર્ય. જો શિક્ષક માત્ર આટલું જ કરી શકે તો શિક્ષણક્ષેત્રની તમામ સમસ્યાઓનો ઉકેલ આવી જાય, એ નિવેદિતાએ પ્રત્યક્ષરૂપે કરી બતાવ્યું છે. એ માટે શિક્ષણજગત હંમેશાં તેમનું ઋણી રહેશે.

Total Views: 274
By Published On: November 1, 2017Categories: Jyotiben Thanki0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram