(અનુ. શ્રીસુરમ્ય યશસ્વી મહેતા)

ભગિની નિવેદિતાના પત્રો તેમની મેધાવી નિરીક્ષણશક્તિ અને સંવેદનાઓ વિશે આપણને એક જુદો જ અનુભવ કરાવે છે. તેમની દસ્તાવેજીકરણની આગવી પદ્ધતિ તેમના બ્રિટિશ ઉછેરનું અનોખું અને વિશિષ્ટ લક્ષણ ધરાવે છે. તેમની ભારતીય સ્ત્રીઓ વિશેની નોંધો તેમજ અભ્યાસ અને શિક્ષણ અંગે સમાજના પ્રત્યેક ક્ષેત્રની માહિતી આપણી સમક્ષ મહત્ત્વનાં સામાજિક પાસાંને પ્રસ્તુત કરે છે.

તેમણે પત્રોમાં સરલા ઘોષાલ, અબલા બસુ,

કુ. સોરાબજી, રમાબાઈ અને તે સમયની ઘણી સામાન્ય કક્ષાની તેમજ પ્રતિષ્ઠિત સ્ત્રીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમના પત્રોમાં તેમનાં કાર્યો, આંતરિક વિકાસ અને તેમનો નિકટનો સંપર્ક હતો તેવી સ્ત્રીઓ અંગે જે નોંધ્યું છે, તેના ઉલ્લેખ પૂરતું જ મેં અહીં મર્યાદિત રાખ્યું છે. અહીં મેં નિવેદિતાના કેટલાક પત્રો પસંદ કર્યા છે અને ‘લેટર્સ ઓફ સિસ્ટર નિવેદિતા’ ભાગ-2નો સંદર્ભ લીધો છે. (સંપાદક : શ્રી શંકરી પ્રસાદ બસુ- કોલકાતા : નવભારત, 1982)

તેઓ ભારતીય સ્ત્રીઓનાં રચનાત્મક પાસાંથી અને તેમનાં મૂલ્યોથી પૂર્ણત: જ્ઞાત હતાં અને સ્ત્રીવર્ગમાં શિક્ષણનો મોટા પ્રમાણમાં ફેલાવો કરવાની તાતી જરૂર છે તેમ માનતાં હતાં. તેઓ એમ પણ સમજતાં હતાં કે પરિચારિકાઓ તાલીમ પામેલી હોવી જોઈએ.

એ નોંધવું મહત્ત્વપૂર્ણ અને રસપ્રદ છે કે ભગિની નિવેદિતા તેમના ચિંતનમાં અદ્‌ભુતપણે મુક્ત અને અભિપ્રાયોમાં ઉત્કૃષ્ટપણે મૌલિક છે. હિન્દુ મહિલાઓ માટેના સંન્યાસ-મઠની સ્થાપના અને વિકાસ માટે તેઓને પ્રોત્સાહિત અને પ્રેરિત કરવામાં આવ્યાં હતાં. તેઓ દૃઢ મનોબળવાળાં હોવા છતાં વ્યવહારુ કર્મયોગિની પણ હતાં. તેઓ દંભનાં વિરોધી હતાં.

તેમના 8મી ડિસેમ્બર 1904ના રોજ મિસ જે. મેક્લાઉડને પત્રમાં લખે છે :

મારે હમણાં જ એક છોકરા સાથે ઘણી લાંબી ચર્ચા થઈ. ઓહ, શું કહેવું ! આ લોકોના હૃદયમાં ઊંડાં મૂળ ઘાલી બેઠેલો સાંસારિક જીવન અને પ્રવૃત્તિ પ્રત્યેનો અનાદર તમે જુઓ તો જાણી શકો!

પ્રત્યેક કદમ પર પ્રવૃત્તિ અને આત્મબલિદાનને દૃઢતાપૂર્વક યથાર્થપણે વળગી રહેવાને બદલે મહાન આકાંક્ષા જ ‘મહાન’ છે એવી વિચારસરણી તરફ દોરી જતા તેમના આધ્યાત્મિક મિથ્યાચારપણાને જો તમે જુઓ તો ખ્યાલ આવે!

લાંબો ડગલો ધારણ કરનાર સંન્યાસી બીજા માણસો વિશે હિંમતપૂર્વક અને વિશેષત: બોલી શકશે છે, કારણ કે તે બધા સંન્યાસી નથી.

છતાંય મારી જાત અને મારા પોતાના નિર્ણય પર સર્વાંશે વિશ્વાસ કરવાની હું હિંમત ન કરું કારણ કે તમે જાણો છો કે સ્વામીજી કોઈ ને કોઈ બાબતે મારી પાછળ લાગેલા જ રહેતા – કદાચ તેઓ ઇચ્છતા હતા કે હું જાતે જ મારી રીતે હૃદયપૂર્વક કાર્યમાં ઝંપલાવું – અને સાચે જ હું કાર્ય કરી શકું છું – અને ગમે તે ભોગે પણ ! (2.702)

જગજ્જનની મા શ્રીશારદા વિશે ભગિની નિવેદિતા

શ્રીમા શારદાદેવી સાથે ભગિની નિવેદિતાને ગાઢ સંબંધો હતા. સ્વામી વિવેકાનંદ અત્યંત આનંદિત થયા કારણ કે પોતાના વિદેશી મિત્રો તેમજ શિષ્યોનો શ્રીમાએ સાહજિકપણે સ્વીકાર કર્યો હતો, કે જે મહાન સામાજિક પરિવર્તનનો આગવો સંકેત હતો.

નિવેદિતાએ પોતાના 22મી મે, 1898ના રોજ શ્રીમતી એરિક હેમંડ-નેલને પત્રમાં શ્રીમા વિશે વિસ્તૃત વિગતો વર્ણવી મોકલી હતી. તેઓ લખે છે :

મને ઘણીવાર વિચાર થતો હતો કે મારે તમને કહેવું જોઈતું હતું કે શ્રીરામકૃષ્ણનાં સહધર્મિણી છે – તેમનું નામ શારદા છે. વાતનો પ્રારંભ કરતાં કહું તો 50 વર્ષ નીચેની ઉંમરવાળી પ્રત્યેક હિન્દુ વિધવા સ્ત્રી સુતરાઉ સફેદ સાડી જેવી રીતે શરીરે વીંટાળીને પહેરે છે, તેવી રીતે શ્રીમા પણ પહેરે છે. આ વસ્ત્ર કમર ફરતે વીંટાળાય છે અને સ્કર્ટ જેવું રૂપ ધારણ કરે છે, પછી તે સંન્યાસિનીના ઘૂંઘટની જેમ દેહ ફરતે અને માથા પર વીંટાળાય છે. જ્યારે કોઈ પુરુષ શ્રીમા સાથે વાતચીત કરે છે ત્યારે તેમની પછવાડે ઊભો રહે છે અને શ્રીમા આગળના ભાગે લાંબો ઘૂંઘટ તાણીને વાત કરે છે. વળી તે પુરુષ સાથે તેઓ પ્રત્યક્ષ વાત કરતાં નથી. શ્રીમા અન્ય વયસ્ક સ્ત્રીને, મોટે ભાગે અત્યંત ધીમા અવાજે કહે છે અને આ સ્ત્રી તે પુરુષને જણાવે છે.

આમ જોઈએ તો ગુરુદેવે (વિવેકાનંદ) ક્યારેય પણ શારદા માનું મુખારવિંદ જોયું નથી. વધુમાં ઉમેરું તો શ્રીમા હંમેશાં વાંસની નાની સાદડી ભોંય પર પાથરી બેસે છે. કદાચ આ બધું હૃદયંગમ કરવું સરળ નથી. છતાંય જ્યારે તમે સુપેરે તેમને ઓળખો ત્યારે તમને ખ્યાલ આવે કે તેઓ તમને પોતાના વ્યક્તિત્વનો અણસાર આપી દે છે – કે તેઓ કેવાં વ્યવહારુ અને કોઠાસૂઝવાળાં છે! કોઈ પણ કાર્યનો આરંભ કરતાં પહેલાં શ્રીરામકૃષ્ણ તેમની સાથે વિચાર-વિમર્શ કરતા અને શ્રીરામકૃષ્ણના શિષ્યો તેમની સલાહ મુજબ વર્તે છે. તેઓ માધુર્યની પ્રતિમૂર્તિ છે – એટલાં ગરિમામય અને પ્રેમાળ, વળી એક બાલિકા જેવાં આનંદમૂર્તિ ! ‘સ્વામીજીએ અમને મળવા તરત જ આવી જવું જોઈએ, નહીંતર અમે ઘેર ચાલ્યાં જઈશું’ એવું મેં જ્યારે એક દિવસે કહ્યું ત્યારે તમે શ્રીમાને હસતાં જોયાં હશે. સ્વામીજીને આવવામાં મોડું થશે એવો સંદેશ લાવનાર સંન્યાસી મને પગરખાં પહેરતાં જોઈને ચમકી ગયો અને ઝડપથી ચાલી નીકળ્યો ત્યારે તમે શ્રીમાનું હાસ્ય સાંભળ્યું હશે! એ જાણે કે હાસ્યની છોળો! તેઓ તો કેવાં કોમળ છે – મને તેઓ ‘મારી દીકરી’ કહીને બોલાવે છે.

આમ તો તેઓ ઘણાં રૂઢિચુસ્ત છે પણ પહેલી જ વાર પશ્ચિમી બે મહિલાઓ શ્રીમતી બુલ અને મિસ મેકલાઉડને મળતાં જ આ રૂઢિચુસ્તતા ચાલી ગઈ અને તેમની સાથે ભોજન પણ લીધું હતુ !

ભક્તો સ્વાભાવિકપણે તેમને નૈવેદ્યરૂપે ફળ આપતા. શ્રીમા સૌના આશ્ચર્ય વચ્ચે એને સ્વીકારીને એ ફળ તરત અમને આપી દેતાં. આ બધાથી અમારામાં બળસંચાર થતો અને બીજી કોઈ રીતે નહીં પણ આ રીતે મારું ભાવિકાર્ય સરળ બન્યું. શું આ રમૂજભર્યું નથી? તેમની સાચી મહાનતાનું સૌથી શ્રેષ્ઠ પ્રમાણ હું તે આપી શકું છું કે જ્યારે તેઓ કોલકાતામાં નિવાસ કરતાં હોય ત્યારે ઉચ્ચ વર્ણની 14 કે 15 સ્ત્રીઓ નિરંતર તેમની સેવામાં ઉપસ્થિત રહેતી હોય છે. જો શ્રીમા એમનાં અદ્‌ભુત કળા અને વિજયીપણાથી શાશ્ર્વત શાંતિ પ્રસરાવતાં ન હોય તો તે સ્ત્રીઓ વિદ્રોહી અને ઝઘડાળુ બનેલ રહે તેમજ દરેકને અપાર મુશ્કેલી પહોંચાડે. આ સ્ત્રીઓના ચારિત્ર્ય અંગેનાં વિધાન બાબતે કોઈ આધાર નથી. આ તો સ્ત્રીઓ વિશેનો માત્ર મારો સામાન્ય અભિમત છે.

વળી, તેમના પ્રત્યે સંન્યાસીઓ જે સ્ત્રીસન્માનની ભાવના રાખતા હતા તે પણ તમારે જોવી જોઈએ. તેઓ બધા જ તેમને ‘મા’ કહીને બોલાવે અને તેમની સાથે ‘જગજ્જનની’ માનીને વાતચીત કરે. સાચું કહીએ તો સંકટના સમયે તેમનામાં ઊઠતો પ્રથમ વિચાર ‘શ્રીમા’ જ હોય. તેમની સેવામાં એક કે બે સેવિકા હોય છે – શ્રીમાની કોઈ પણ ઇચ્છા તેમના માટે આદેશ ગણાય. આ અદ્‌ભુત સંબંધ નિરખવા જેવો છે. જો તમે તેમને કોઈ સંદેશ પાઠવવા માગતાં હો તો મને તે ગમશે.

એક સંન્યાસીએ એક દિવસ તેમને મારા માટેનો શુભ સંદેશ બંગાળીમાં વાંચી સંભળાવ્યો- તેમને કેવો તો આંનદ થયો, તે તમે જોયું હોત ! લગારેય ધારણા ન બાંધી શકાય તેવી ગુપ્ત રીતે તેઓ ખરેખર વીરોત્તમ અને મહાનતમ નારીઓ પૈકીનાં એક છે.’

તા.પમી માર્ચ, 1905ના રોજ નિવેદિતાએ શ્રીમતી ઓલી બુલને લખેલા પત્રમાં તેઓ શ્રીરામકૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે બેલુર મઠની મુલાકાતે ગયેલાં તેનો ઉલ્લેખ કરે છે. અહીં તેમણે શ્રીમાના મધુર ધ્યાનાત્મક વ્યક્તિત્વ વિશે સુંદર રીતે પ્રસ્તુતિ કરી છે. નિવેદિતા લખે છે:

‘અરે હા, આત્મિક દૃષ્ટિએ- આ જન્મદિવસે શ્રીરામકૃષ્ણ બાળસ્વરૂપ છે અને આપણે બાળકો વિશે કંઈ ન કહી શકીએ. આપણે સર્વસ્વ ન્યોચ્છાવર કરીએ. પરિવેશ ચોમેર પૂજાભર્યો છે- અને સંધ્યાઆરતી ટાણેનો ઘંટારવ કેવો મધુર છે! અર્થ વિનાનું જીવન-કેવી અપાર નિરાંત! સર્વત્ર ચંદ્રપ્રકાશ, તારાપ્રકાશ અને નવીન ચંદ્રમા તેમજ પ્રાર્થના. આ બધું શ્રીમાની હાજરી જેવું છે. અને તે પણ ચાંદનીની ઘનીભૂત મધુરતા જેવું છે- અને ખાસ કરીને શ્રીમા પૂજામાં વ્યસ્ત છે ત્યારે અરે, કેવું અદ્‌ભુત !’

Total Views: 248

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.