ઇતિહાસમાં એવું જોવા મળે છે કે જ્યારે કોઈ યુગપુરુષ એક ચોક્કસ હેતુ માટે આવે છે ત્યારે તેને મદદ કરવા અનેક લોકો તેમની સાથે જોડાય છે. એવું નથી કે આ વ્યક્તિ આવા લોકોને સતત શોધે છે, પણ તેનું વ્યક્તિત્વ જ એવું ચુંબકીય હોય છે, જેનાથી ખેંચાઈને સહાયકો આવી પહોંચતા હોય છે. સમગ્ર ઇતિહાસમાં આવા દાખલા જોવા મળે છે. રામાયણમાં રામને મદદ કરવા સુગ્રીવ, હનુમાન વગેરે આવી પહોંચે છે. કૃષ્ણને મદદ કરવા પાંડવો આવે છે. અકબર પાસે પણ ચૌદ રત્નો આવે છે. રામકૃષ્ણ પરમહંસ પાસે વિવેકાનંદ જેવા સોળ ત્યાગી નવયુવકો આવે છે. ગાંધીજીને પણ એકથી એક ઉત્તમ સહાયકો મળી રહે છે. આ બધાની મદદથી આ લોકો પોતાનું મિશન પૂર્ણ કરે છે.

સ્વામી વિવેકાનંદના કિસ્સામાં પણ આવું બન્યું હતું. આમ તો તેમના પંદર ગુરુભાઈઓ જ તેમની સાથે હતા. પણ તેમને તો આપણે રામકૃષ્ણના લીલાસહચરો માની શકીએ. એ સિવાય વિવેકાનંદને પોતાની રીતે પણ સહાયકો મળ્યા જેમણે તેમના કામને આગળ વધારવામાં મદદ કરી હતી. સ્વામી કૃપાનંદથી તેની શરૂઆત થાય છે. પણ વિવેકાનંદની વિશિષ્ટતા એ છે કે તે મોટા ભાગનો સમય પશ્ચિમમાં રહ્યા છે. તેથી તેમને પ્રાથમિક શિષ્યો કે સહાયકો પશ્ચિમમાંથી જ મળે છે જે તેમના કામમાં ઉપયોગી સાબિત થાય છે. આવા સહાયકોમાં શ્રીમતી બુલ, ક્રિસ્ટીન, મેકલાઉડ, ગુડવીન વગેરેને ગણાવી શકાય.

પણ આ બધામાં અલગ તરી આવતાં હોય તો તે સિસ્ટર નિવેદિતા છે. બાકીનાં બધાં સ્વામીજીના કાર્યમાં સાથે ચોક્કસ રહે છે, પણ તેઓ પોતાનું અંગત જીવન પણ સ્વતંત્રતાથી જીવે છે. પરંતુ ભગિની નિવેદિતા એક જ એવાં છે જે સ્વામીજીને જે પળે જુએ – સાંભળે છે, તે પળથી જ તેમનાં થઈ જાય છે. ભલે જોડાયાં છે કદાચ થોડા વખત પછી, પણ માનસિક રીતે તો તેમની સાથે પહેલેથી જ જોડાઈ જાય છે. શરૂઆતમાં ભલે તેઓ સંશયવાદી પ્રકૃતિનાં હોવાથી વિચાર કરે છે, પણ જેવું તેમને લાગે છે કે આ વ્યક્તિ વિશિષ્ટ છે, તરત તેઓ શ્રદ્ધા રાખવી શરૂ કરી દે છે. તેઓ એક જગ્યાએ લખે છે,

‘મેં તેમના તેજસ્વી અંશને ઓળખી લીધો અને મારી જાતને તેમના પોતાના લોકો પ્રત્યેના પ્રેમને સમર્પિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પણ એ તો એમનું ચારિત્ર્ય હતું જેને મેં આ સમર્પણ કર્યું હતું.’

અને ધીમે ધીમે તેઓ તેમની સાથે જોડાતાં ગયાં. પછી તેઓ ભારત આવવા તૈયાર થઈ ગયાં. તેઓ સતત વિચારતાં હતાં કે, ‘મારો સમગ્ર આત્મા તો ભારતમાં જ વસવાટ કરે છે. મારું મન મને ભારત તરફ ખેંચે છે. શું ભારત બહાર રહી હું કામ કરી શકીશ? હું મને વધારેમાં વધારે સમજાવવા કોશિશ કરું છું કે ભારત બહાર રહી એવું કોઈ કામ નથી જે મારે કરવાનું છે. જે કંઈ પણ કાર્ય છે, તે ભારતમાં જ છે. કદાચ મને કોઈ કામ ભારત બહાર દેખાય છે, તો તે મારી કલ્પના માત્ર છે.’

તેઓ સતત પોતાના મનને તપાસતાં રહેતાં કે ગુરુની ઇચ્છાને મૂર્તરૂપ કેમ આપી શકાય. તેઓ વિચારતાં, ‘સ્વામીજીની નજરથી ભારતને જોવું, કામના દરેક પાસાને તેમના દૃષ્ટિકોણથી જોવો, આ સૌથી પ્રથમ જરૂરિયાત છે. તેમની સેવા કરવા માટે બીજી બાબત છે, તેમના હાથ-પગ બની કામ કરવું અને કામ કરતી વખતે તેમનાં મન-હૃદય સાથે એકરૂપ થવું.’

નિવેદિતા ભારતમાં આવ્યાં તે પહેલાંથી જ તેમનામાં ભારતીયતાનું ગૌરવ સ્થાપિત થઈ ચૂક્યું હતું. ભારત આવવા પહેલાં તેમણે લંડનમાં ભારત વિશે પ્રવચનો આપ્યાં. તેમનાં પ્રવચનો પરથી લોકોને ખાતરી થઈ ગઈ કે તેઓ ભારતનાં એક મિત્ર, સમર્થક અને ગૌરવવિજેતા હતાં. લોકોને તેમનો ભારત પ્રત્યેનો પ્રેમ જોઈ નવાઈ લાગતી. એક વર્તમાનપત્રે તો લખ્યું,

‘ભૂતકાળમાં જેમ ભારતને સમર્થકો મળ્યા હતા, તે જ રીતે આજે પણ ભારતને એક સમર્પિત સેવિકા મળી છે. તે ન તો કોઈ દૂરના દેશમાંથી આવેલ છે કે ન તો અપરિચિત સમાજનાં છે. ન તો પુરુષવર્ગનાં છે.

તેઓ એક મહિલા છે અને ભારતમાં જે દેશનું શાસન છે તે દેશ સાથે જ જોડાયેલ છે. તે પ્રતિભાશાળી છે. તેમણે અલ્પ સમયમાં ભારત વિશે એટલું જાણ્યું છે, ભારત વિશે શીખ્યું છે, જેટલું અનેક વર્ષો ભારતમાં રહ્યા પછી પણ બીજા લોકો જાણી શક્યા નથી. ભારત બાબતે તેમને આત્યંતિક સહાનુભૂતિ છે અને ભારતીય નારીઓ બાબતે ઇંગ્લેન્ડવાસીઓની ગેરસમજ દૂર કરવાની તેમની આકાંક્ષા તેમના પ્રત્યેક શબ્દમાં જોવા મળે છે.’

લંડનમાં તેમણે જે પ્રવચનો આપ્યાં તેમાં જ તેમનું ભારત વિશેનું ગૌરવ દેખાય છે. ‘ભારતીય સ્ત્રીઓનો આદર્શ’, ‘ભારતીયોનું આધ્યાત્મિક જીવન’, ‘ભારતની સમસ્યાઓ’, ‘એકાગ્રતા અને ધ્યાન’, ‘ભારતમાં ઇંગ્લેન્ડ કેમ અસફળ રહ્યું’, ‘ભારતીય સામાજિક જીવન’ વગેરે. તેમનાં આ પ્રવચનો સાંભળ્યા કે વાંચ્યા પછી ઇંગ્લેન્ડના બુદ્ધિજીવીઓના મનમાં ભારત પ્રત્યે ઉત્સુકતા અને આસ્થા વધવા લાગી.

ત્યારે મિશનરીઓ ભારત વિશે તીવ્ર ગેરસમજ ફેલાવતા હતા. પણ નિવેદિતાનાં આ પ્રવચનોથી તેમનું આયોજન નિષ્ફળ જવા લાગ્યું અને તેઓ નિરાશ થઈ ગયા અને તેમના પ્રત્યે ખૂબ નારાજ થઈ ગયા.

અને પછી તેઓ ભારત આવી ગયાં અને આજીવન અહીં જ રહી તેમણે ભારતના લોકો માટે કામ તો કર્યું જ, પણ સાથે ભારતીયતાનું ગૌરવ પણ સતત કરતાં રહ્યાં.

તેઓ ભારતીયતાનું ગૌરવ કઈ રીતે વ્યક્ત કરતાં હતાં? તેમનાં અનેક વક્તવ્યોમાં તે જોવા મળે છે. એક જગ્યાએ તેમણે કહ્યું, ‘જ્યાં સુધી મારો સંબંધ છે, ત્યાં સુધી ભારતવર્ષ જ આરંભબિંદુ છે અને ભારતવર્ષ જ અંતિમ લક્ષ્ય.’ ભારત તેમના માટે કેવળ એક ભૌગાલિક પ્રદેશ ન હતો. તે તેમના ગુરુની ભૂમિ હતી. એક પુણ્યભૂમિ હતી. તેઓ ભારત આવવા તૈયાર થયાં ત્યારે જ સ્વામી વિવેકાનંદે તેમના કાનમાં એક મંત્ર ફૂંક્યો હતો કે ‘ભારતને ચાહો’. નિવેદિતાએ આ મંત્રને પોતાના જીવનનું સૂત્ર બનાવી લીધું અને જીવનના છેલ્લા શ્વાસ સુધી તેનો સક્રિય જાપ કરતાં રહ્યાં. તેમણે ગૌરવથી કહ્યું,

‘ભારતીય કહેવડાવવું એ ધાર્મિક વિચાર કહેવાય છે, પણ એ કોઈ સંપ્રદાય નથી કે કોઈ સામાજિક વિચાર નથી જે કોઈ એક જાતિની કે જૂથની સંપત્તિ હોય. એ તો છે એક ઐતિહાસિક ઉત્ક્રાંતિ જેમાં બધા એક છે. એ એક એવી બાબત છે કે જે બધામાં છે. અને તે માત્ર ભારત જ કહેવાય છે.’

જ્યારે સ્વામીજી કે નિવેદિતા ભારતની ચેતનાની વાત કરતાં હતાં ત્યારે હકીકતે આ ચેતના તો સુષુપ્ત બની ગઈ હતી. જાણે કે અંધકારમાં ચાલી ગઈ હતી. પરાધીન થઈ ગઈ હતી. નિવેદિતાએ આ ચેતનાને ઢંઢોળવાનો પ્રચંડ પુરુષાર્થ શરૂ કર્યો હતો. તેમના મનમાં તીવ્ર ઇચ્છા હતી કે ભારતીય આત્મા પુન: જાગૃત થાય. એટલે તેમણે પણ સ્વામીજીની જેમ ગર્જના કરતાં કહ્યું, ‘ભારતનો ખરો આત્મા, જેણે એક સમયે ભારતને જગતમાં પ્રખ્યાત અને એશિયાના હૃદયસ્થાને સ્થાપ્યું હતું, તે હજી જાગૃત થયેલ નથી. ભારત ક્યારે પોતાના આ ભવ્ય વારસા અને સંસ્કૃતિ વિશે સભાન બનશે? તેનો આત્મા ક્યારે પાછો આવશે?’

આ કાર્ય માટે નિવેદિતાને વિદ્યાર્થીઓ પર ખૂબ આશા હતી. તેથી તેઓ પણ જ્યારે તેમને સંબોધન કરતાં ત્યારે પ્રથમ તેઓ પણ તેમને ‘ભારતને ચાહો’ મંત્ર આપતાં. પછી કહેતાં, ‘આપણા ભારત દેશનું હિત એ જ તમારું લક્ષ્ય હોવું જોઈએ. વિચારો કે સમગ્ર દેશ તમારો છે. તમારા દેશને તમારા કામની જરૂર છે. જ્ઞાન માટે પ્રયત્ન કરો. શક્તિ માટે, આનંદ માટે, સમૃદ્ધિ માટે પ્રયત્ન કરો. જ્યારે યુદ્ધનો પોકાર ઊઠે તો કોઈ પણ પરિસ્થિતિમાં તમે નિદ્રામગ્ન ન રહો.’

તેઓ કહેતાં કે બધાએ સતત ભારતનું જ ચિંતન કરવું જોઈએ. તેના વિકાસનું જ રટણ કરવું જોઈએ. તે પોતાની વિદ્યાર્થિનીઓની શાળામાં પણ હંમેશ તેમના દિલમાં ભારત પ્રત્યેનો પ્રેમ રેડ્યા કરતાં. વિદ્યાર્થિનીઓને કહેતાં, ‘તમે ભારત માતાના નામનો જાપ કરો.’ પોતે પણ તેમની સાથે ‘મા! મા! ભારત માતા’ નામનો જાપ કરતાં. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તેઓ ભારતીય ચેતના સાથે તદ્રૂપ થતાં ગયાં. તેમના દરેક શ્ર્વાસમાં ભારત પ્રત્યેનો પ્રેમ અને નિષ્ઠા પ્રગટવા લાગ્યાં. તેમનું દરેક વાક્ય તેનો જ પડઘો પાડતું. તેઓ કહેતાં,

‘દુનિયાના કોઈ પણ લોકો લઈ શકે એવા શ્રેષ્ઠ, ઉમદા અને પ્રગતિશીલ અભિગમની આપણે આપણા દેશ અને આપણા પોતાના લોકો પાસેથી અપેક્ષા રાખી શકીએ છીએ. એ કરવા માટે આપણે પહેલીવાર જ સાચા અર્થમાં હિંદુ બનીએ. સહુથી પહેલાં તો આપણે આટલા મહાન શબ્દને અનુરૂપ થવા લાયક બનીએ. આપણા દેશનું નામ અને આપણી શ્રદ્ધા જ આપણને પુરુષાર્થ કરવાનું ગૌરવ અપાવે તેમ છે.’

લોકોને પડકારતાં તેઓ કહેતાં, ‘હે ભારતનાં બાળકો ! આગળ ધસો. શસ્ત્રો ધારણ કરો. કિલ્લાને ભેદી નાખો. ભારતમાં યુગ પલ્ટા થયા કરે છે અને દરેક વખતે માએ પોતાનાં બાળકોને નવાં નૈવેદ્ય અને પોતાની મહાનતાથી જ તેની ભક્તિ કરવાનો આદેશ આપ્યો છે. તે માગે છે કે આપણે શરણાગતિ ન બતાવીએ, પણ શક્તિ અને મર્દાનગી બતાવીએ. આપણે તલવારથી રમીએ એમ તે ઇચ્છે છે. તેને શૂરવીરોની મા બનવાનું ગમશે. તે ભૂખી છે અને વીર પુરુષોનાં લોહી અને જીવનથી જ તેનો કિલ્લો બચાવી શકાય તેમ છે.’

અને સિસ્ટર નિવેદિતા માત્ર બેસી ન રહ્યાં. તેઓ પળેપળ ભારતના કલ્યાણ અને વિકાસનાં કાર્ય કરતાં રહ્યાં. સ્વામીજીએ નિવેદિતાને કહેલ કે તેમના મનમાં ભારતીય સ્ત્રીઓના વિકાસ માટેની યોજના છે. સ્વામીજી ઇચ્છતા હતા કે નિવેદિતા તે માટે કાર્ય કરે. એટલે જ્યારે તેઓ ભારતમાં આવ્યાં કે તરત ક્ધયા વિદ્યાલય શરૂ કરવા માગતાં હતાં. પણ સ્વામીજીને ઉતાવળ ન હતી. તે નક્કર કાર્ય કરવા માગતા હતા. એટલે તેમણે પ્રથમ તો નિવેદિતાને ભારતનું ભ્રમણ કરાવ્યું. તેનું અવલોકન કરાવ્યું. ભારતીય જીવનનો અનુભવ કરાવ્યો અને આ બધાથી તેમને સજ્જ કર્યાં. પછી બાળકીઓને કયા પ્રકારનું શિક્ષણ આપવાનું છે તે પણ કહ્યું. 1898માં તેમણે શાળા શરૂ કરી.

આ ઉપરાંત પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે પણ તેમણે ત્યાંના લોકોની ખૂબ સેવા કરી. તેમની સેવાની રીત જોઈ લોકો તેમને કરુણાની દેવી કહેતા. તેઓ કહેતા કે આ ગોરી મહિલા માત્ર નેતા જ નથી, શિક્ષિકા જ નથી, રામકૃષ્ણ મઠની સાધિકા જ નથી, પણ એ તો સાક્ષાત્ સેવાની મૂર્તિ છે. ગરીબોની બેલી છે. લોકો તેમના સામે નતમસ્તક થઈ જતા.

નિવેદિતાનો ભારત પ્રત્યેનો પ્રેમ કેવળ સામાજિક ન હતો. તેમણે કામ કરતાં કરતાં અવલોકન કર્યું કે ભારતની દુર્દશાનું એક કારણ અંગ્રેજો પણ હતા. તે દેશનું શોષણ કરતા હતા. તેઓ પોતે અંગ્રેજ હતાં, છતાં આ અન્યાય જોઈ તેઓ ઊકળી ઊઠ્યાં અને અંગ્રેજો સામે સંઘર્ષ કરવા તૈયાર થઈ ગયાં. આ દરમિયાન બંગાળમાં બંગભંગની ચળવળ શરૂ થઈ. તેમાં તેઓ જોડાવા થનગનતાં હતાં. તેથી તેમણે રામકૃષ્ણ મઠમાંથી રાજીનામું આપી દીધું અને ચળવળમાં કૂદી પડ્યાં. તેમનું મહત્ત્વ એટલું વધી ગયું કે ત્યારના મહત્ત્વના નેતાઓ તેમના નિવાસસ્થાને આવતા અને યોજનાઓ ઘડતા.

નિવેદિતા બ્રિટિશ સરકારની ભારત પ્રત્યેની જે નીતિઓ હતી તેનો વિરોધ કરતાં. તેઓ આ માટે ભારતના યુવાનોને પડકારતાં અને તેમનામાં જુસ્સો વધારતાં. કેવળ યુવાનો જ નહીં, પણ તત્કાલીન દેશનેતાઓ પણ તેમની પાસે આવતા અને સલાહસૂચન માગતા. ત્યારે શ્રી અરવિંદે બધી સંસ્થાઓને એક કરી ક્રાંતિ કરવાની યોજના રજૂ કરી. તેમાં પણ નિવેદિતા એક સભ્ય બન્યાં. તેમની તત્પરતા જોઈ ત્યારના એક નેતા બિનય સરકાર તો બોલી ઊઠ્યા, ‘એક વિદેશી સ્ત્રીના હૃદયમાં ભારત સિવાય કંઈ જ ન હતું એ જોઈ મને અત્યંત નવાઈ લાગી.’

રાષ્ટ્રિય ચળવળના કામમાં તેમણે સતત પરિશ્રમ કર્યો. લડતો આપી. વંદે માતરમ્નાં સૂત્રો પોકાર્યાં. વિદેશી માલનો બહિષ્કાર કર્યો. પણ બંગાળના ભાગલા તો કાયમ રહ્યા. આ જાહેરાતના દિવસે નિવેદિતાએ પોતાની ડાયરીમાં ‘બંગાળ વિભાજન નિષેધસભા, એક કાળી છાયા’એમ લખ્યું. કોઈ તેમને તેમની તીવ્રતા જોઈ પૂછતું તો તે કહેતાં, ‘આટલાં વર્ષો દરમિયાન મારા હૃદયમાં કેવળ ભારતનો જ વિચાર રહ્યો છે.’

આમ, નિવેદિતા પોતાના જીવનની પળેપળ પોતાના ગુરુની આજ્ઞા મુજબ ભારતનો જ વિચાર કરતાં રહ્યાં અને તેની સેવા કરતાં રહ્યાં. શિક્ષણ, આરોગ્ય, રાષ્ટ્રિય ચળવળ, વિદ્યાર્થીઓને તૈયાર કરવા, દેશ નેતાઓને પ્રેરણા આપવી, તેમની સંભાળ રાખવી જેવાં અનેક કાર્યો તે વણથાક્યાં એકી સાથે કરતાં.

તેમનાં આ કાર્યને અંજલિ આપતાં ઇતિહાસકાર યદુનાથ સરકાર કહે છે,

‘એક વાત હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું અને તે એ કે વર્તમાન સમયમાં આપણે જીવનમાં જે રાષ્ટ્રિય ચેતનાના અંકુર ફૂટતા જોઈ રહ્યા છીએ, તેનો મોટા પ્રમાણમાં યશ ભગિની નિવેદિતાની કેળવણીને જાય છે.’

સિસ્ટર નિવેદિતા પણ તેમના ગુરુની જેમ બહુ જ ઓછું જીવ્યાં. પણ આ ટૂંકા જીવનની દરેકેદરેક ક્ષણ તેમણે પોતાના ગુરુને જ અર્પણ કરી દીધી હતી. અને ગુરુએ તેમને એક જ આજ્ઞા આપી હતી – ‘ભારતને ચાહો.’ નિવેદિતાએ તેને જીવનસૂત્ર બનાવી દીધું અને પળેપળ ભારતને ચાહ્યું. એટલું જ નહીં, પણ ભારતમય થઈ ગયાં. તેમણે ભારતીયની સંકલ્પનાને એટલું તો ગૌરવ આપ્યું કે આ વિચાર એક ઝળહળતો ખ્યાલ બની ગયો. તત્કાલીન યુવાનો, નેતાઓ, સામાન્ય જનતા – બધાં જ તેમના ગૌરવથી પ્રભાવિત થતાં રહ્યાં અને સ્વતંત્રતાનાં કામમાં પરોવાતાં રહ્યાં. કલ્પના કરી શકાય કે જો તે લાંબું જીવ્યાં હોત તો તેમણે ભારતને સમર્પિત એક નવી પેઢી અવશ્ય તૈયાર કરી હોત. તેમના આ ભારતપ્રેમને તેમની સમાધિ પર આ રીતે વ્યક્ત કરવામાં આવેલ છે :

‘વિશ્રામસ્થાન

ભગિની નિવેદિતા રામકૃષ્ણ-વિવેકાનંદનાં

જેણે પોતાનું સર્વસ્વ, ભારતને સમર્પિત કર્યું.’

Total Views: 362

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.