‘જેમણે પોતાનું સર્વસ્વ ભારતને સમર્પણ કર્યું છે તે ભગિની નિવેદિતા અહીં ચિર વિશ્રામ કરી રહ્યાં છે.’
દાર્જિલિંગના સ્મશાનમાં જે જગ્યાએ નિવેદિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે પવિત્ર સ્થાને એક સમાધિ છે. તેના શિલાલેખ પર ઉપરના શબ્દો કોતરેલા છે. માર્ગરેટ નોબલનું અદ્ભુત જીવન, તેમના જીવનનો પૂર્વાર્ધ તેમજ સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવ્યા પછીનું તેમનું મનોમંથન અને છેવટે તેઓનું સિસ્ટર નિવેદિતામાં થયેલું રૂપાંતરણ, વગેરે ઘટનાઓ વિરલ છે. તેમનો જન્મ 28 ઓક્ટોબર, 1867માં આયર્લેન્ડના ટાયરોન જિલ્લાના ડુંગાન્નોન ગામમાં થયો હતો. પિતા સેમ્યુઅલ અને માતા મેરીનું તેઓ પ્રથમ સંતાન હતાં. આયર્લેન્ડની સ્વતંત્રતાની ચળવળમાં તેમના દાદાએ યોગદાન આપ્યું હતું. પિતા સેમ્યુઅલ પણ દાદાની જેમ ધર્મોપદેશક હતા. સેમ્યુઅલ પોતાની લાડલી માર્ગરેટને દીન-દુ:ખીઓની સેવા માટે, જનસેવાનાં કાર્ય માટે સાથે લઈ જતા. સમાજના છેવાડાના લોકોનાં દુ:ખ, દર્દ અને વેદના માર્ગરેટે કુમળી વયથી જોયાં હતાં. આ જોઈને તેઓ ઘણાં દુ:ખી થતાં. ધાર્મિક કાર્યો, ધર્મ પ્રત્યે રુચિ અને ઉત્સાહ માર્ગરેટે પિતા દ્વારા વારસામાં મેળવ્યાં હતાં. પિતા સેમ્યુઅલનું માત્ર 34 વર્ષની યુવાન વયે અવસાન થયું હતું.
આર્થિક સંકડામણોની વચ્ચે અભ્યાસ અને જ્ઞાનપ્રાપ્તિના હેતુને તેઓ એક વિદ્યાર્થિની તરીકે સમર્પિત રહ્યાં. એકાગ્રતા, દૃઢતા, અધ્યાવસાય જેવા ગુણો દ્વારા સત્તર વર્ષની ઉંમરે તેમણે કોલેજનું શિક્ષણ પૂરું કર્યું. સંગીત, ચિત્રકળા અને પ્રાકૃતિક વિજ્ઞાન જેવા વિષયોમાં એમણે કોલેજકાળથી જ રસ કેળવવા માંડ્યો હતો. શરૂઆતનાં વર્ષોમાં તેઓ રેક્સહેમમાં શિક્ષિકા તરીકે જોડાયાં હતાં. આ ખાણોનો પ્રદેશ હોઈ ત્યાંના ગરીબ, બેહાલ મજૂરોની વચ્ચે તેમણે કામ કર્યું. આ દરમિયાન એકસમાન રુચિ ધરાવતા યુવાન ઇજનેર સાથે તેમની મુલાકાત થઈ. આ પરિચય કેળવાતાં, તેઓએ વિવાહ કરવાનું નક્કી કર્યું. વિવાહ સંપન્ન થાય તે પહેલાં જ યુવાન ઇજનેરનું ખૂબ જ ટૂંકી માંદગીમાં અવસાન થયું. પિતાના અવસાન બાદ યુવાન વયે જીવનમાં આવેલો આ અત્યંત કારમો આઘાત હતો. તેમણે રેક્સહેમ છોડી દીધું અને ચેસ્ટરમાં 1889માં આવી ગયાં.
પોતાના પરિવાર સાથે રહીને સ્થિરતા મેળવીને હવે માર્ગરેટે શિક્ષણના ક્ષેત્રમાં પોતાની જાતને જોતરી દીધી. વિદ્યાર્થીના વિકાસ માટે અવનવા પ્રયોગો કરીને નવું વાતાવરણ ઊભું કરવા માટે શિક્ષણજગતમાં તેઓ જાણીતાં થયાં. 1892માં એમણે પોતાની શાળા શરૂ કરી. શિક્ષણક્ષેત્રે સફળતાની સાથે સાથે અંતરની ખોજ, ધર્મની અનુભૂતિ, સત્યની ઝાંખી અને શાંતિની તડપ તેમના હૃદયમાં સતત લાગેલી હતી. આ સમયે બુદ્ધના જીવન અને વિચારોએ તેમને સાંત્વના અને આશા આપી હતી. માર્ગરેટના આ ભારે મનોમંથનના દિવસો હતા.
1895નું વર્ષ હતું. એક દિવસ તેમની મિત્ર લેડી ઇસાબેલના નિમંત્રણથી તેઓ એક યોગીને સાંભળવા ગયાં. બેઠકરૂમમાં પંદર-સોળ શ્રોતાઓ વર્તુળાકારે બેઠા હતા. સંન્યાસીનું પ્રવચન મનનીય હતું. વચ્ચે વચ્ચે ‘શિવ, શિવ’નું રટણ કરતા આ સંન્યાસીમાં તેઓને તેજસ્વિતા અને સૌમ્યતાનાં દર્શન થયાં. સ્વામીજીનાં વાણી-વ્યવહાર અંગે વિચારતાં વિચારતાં તેમને લાગ્યું કે અહીંથી જ તેમને સત્યની શોધમાં મદદ મળી શકે તેમ છે, શાંતિ મળી શકે તેમ છે. આ યોગી એ સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદની સાથેની બીજી મુલાકાતો, પ્રવચનો, સંવાદ દ્વારા તેમને સમજાઈ ગયું કે જીવનની ગતિ અને આત્માની શાંતિ માટે સ્વામીજી જ તેમને માર્ગદર્શન આપી શકશે. અંતે તેમણે સ્વામીજીનાં ચરણોમાં શરણ લીધું અને પોતાના ગુરુ બનાવ્યા.
સ્વામી વિવેકાનંદે જોયું કે માર્ગરેટ હવે સંપૂર્ણપણે તૈયાર થઈને પોતાનું બધું છોડીને ભારત આવવા તત્પર છે. ભારત આવતા પહેલાં, તેમને અનુમતિ આપતા પહેલાં, સ્વામીજીએ 29 જુલાઈ, 1897ના પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં માર્ગરેટને લખ્યું, ‘… મુશ્કેલીઓ ઘણી છે. અહીં કેટલું દુ:ખ, કેટલા વહેમો અને કેટલી ગુલામી છે તેનો કશો જ ખ્યાલ તમને નહીં આવી શકે… વળી આબોહવા પણ ભયંકર ગરમ છે; ઘણેખરે સ્થળે અમારો શિયાળો તમારા ઉનાળા જેવો હોય છે… યુરોપિયન ઢબનાં આરામનાં સાધનો પૈકી એકેય મળી શક્તું નથી. આ બધું હોવા છતાં જો તમે કાર્ય કરવા માટે સાહસ ખેડવાનાં હો તો તમે ભલે ખુશીથી આવો, સેંકડો વાર પધારો… તમે આમાં કૂદી પડો તે પહેલાં પૂરો વિચાર કરજો… ‘હું છેલ્લી ઘડી સુધી તમારી પડખે ઊભો રહીશ.’ ‘હાથીકા દાંત, ઔર મર્દકી બાત !’ ‘હાથીના દંતશૂળ બહાર નીકળ્યા તે નીકળ્યા; તે કદી પાછા ન જાય.’ એ જ રીતે ‘માનવી’ના શબ્દો પાછા ન ફરે; તેનું હું તમને વચન આપું છું.’ અંતે લંડન છોડવાનો અને ભારતમાં સ્થાયીરૂપે કામ કરવાનો તેમણે નિર્ણય કર્યો.
5 જાન્યુઆરી, 1898ના રોજ લંડનથી નીકળી સ્ટીમર 28 જાન્યુઆરીના રોજ કોલકાતા બંદરે પહોંચી. સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુભાઈઓ અને સંન્યાસીવૃંદ સાથે માર્ગરેટનું સ્વાગત કરવા આવ્યા હતા. સ્વયં સ્વામીજીને જોઈને તેમને અત્યંત આનંદ થયો. મન જાણે કે બધી જ દુવિધાઓ ભૂલી ગયું. હળવાફૂલ જેવાં થઈને તેમણે ભારતની ભૂમિ પર પગ મૂક્યો. સ્વામીજીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ તેમણે હિંદુ ધર્મ અને સંસ્કૃતિનો પરિચય કેળવ્યો. ધીરે ધીરે માર્ગરેટનું સંપૂર્ણ અસ્તિત્વ નવા કલેવરથી સજ્જ થઈને આવનારાં કાર્યો માટે સુસજ્જ થઈ રહ્યું હતું. માર્ગરેટે પોતાની જાતને ભારતના વાતાવરણમાં જાણે કે ભેળવી દીધી. 11 માર્ચ, 1898ના રોજ રામકૃષ્ણ મિશનની સભામાં સ્વામીજીએ માર્ગરેટ નોબલનો પરિચય શ્રોતાઓને કરાવ્યો. માર્ગરેટે સુંદર પ્રવચન આપ્યું અને પોતે અદમ્ય ઇચ્છા સાથે ભારતમાં સેવા કરવા આવ્યાં છે તેમ જણાવ્યું. અંતે ‘શ્રીરામકૃષ્ણદેવનો જય’ના ઉદ્ઘોષ સાથે પ્રવચન પૂરું કર્યું. ખૂબ જ ઉત્સાહ અને આનંદથી સૌએ માર્ગરેટને વધાવી લીધાં.
ત્યારબાદ 17 માર્ચના રોજ એક મહત્ત્વપૂર્ણ ઘટના ઘટી. પોતાના જીવનના સૌથી યાદગાર દિવસો પૈકીનો એક દિવસ હતો. પોતાની ડાયરીમાં આ દિવસનો ઉલ્લેખ કરીને તેમણે લખ્યું કે આ દિવસ મારા માટે અવિસ્મરણીય અને સૌથી વિશેષ મહત્ત્વપૂર્ણ હતો. એનું કારણ હતું કે આ દિવસે શ્રીમા શારદાદેવીને તેઓ પ્રથમવાર મળ્યાં હતાં. સંઘમાં જેમની સૌ જગત-જનની રૂપે પૂજા કરતા હતા, તેઓને પોતે મળવા જઈ રહ્યાં હતાં તેનો અત્યંત આનંદ અને ઉત્સાહ અનુભવી રહ્યાં હતાં. અંતે એ પળ આવી. શ્રીમાએ માર્ગરેટ, શ્રીમતી બુલ અને કુ. મેકલાઉડને અત્યંત પ્રેમ અને આદરથી આવકાર આપ્યો. ‘મારી પુત્રીઓ’ કહીને બોલાવ્યાં. શ્રીમાએ આ વિદેશી મહિલાઓ સાથે ભોજન કર્યું. આ અસાધારણ ઘટના હતી અને તેઓને શ્રીમાએ આપેલી સ્વીકૃતિની મહોર હતી. માતૃશક્તિની આ પ્રેમાળ, સુમધુર અને સ્નેહપૂર્ણ અનુભૂતિથી સૌનું હૃદય પુલકિત થઈ ગયું. એકબીજાની ભાષા ન સમજતાં હોવા છતાં તેમના પવિત્ર મિલનમાં કોઈ બાધા નડતી ન હતી.
આ પછી તરત 25 માર્ચ, 1898ના દિવસનું પ્રભાત અનોખું હતું. અનેક રીતે આ દિવસ અગત્યનો હતો. આ દિવસે માર્ગરેટના જીવનનું અત્યંત મહત્ત્વપૂર્ણ પરિવર્તન થવાનું હતું. શુક્રવાર હતો. આ દિવસે માતા મેરીને દેવદૂતે આવીને જણાવ્યું હતું કે એમની કૂખે એક દેવપુત્ર જન્મ લેશે. આ પવિત્ર દિવસે માર્ગરેટને બ્રહ્મચર્યની દીક્ષા આપવામાં આવી. સ્વામીજી માર્ગરેટને પૂજાઘરમાં લઈ ગયા. સૌ પ્રથમ ભગવાન શિવની પૂજા કરતાં શીખવ્યું અને ત્યારબાદ તેમની દીક્ષા થઈ. બ્રહ્મચર્ય દીક્ષા થયા બાદ માર્ગરેટને ‘નિવેદિતા’ (જેનો અર્થ થાય છે ‘સમર્પિત’) નામ આપવામાં આવ્યું. દીક્ષા બાદ આ વિધિના અંતમાં તેઓને ભગવાન બુદ્ધનાં ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરવાનું કહેવામાં આવ્યું. સ્વામીજીએ અત્યંત ભાવુક થઈને કહ્યું, ‘જાઓ અને બુદ્ધત્વ પ્રાપ્ત કરતાં પહેલાં જે વ્યક્તિએ પાંચસોવાર જન્મ લઈને બીજા લોકો માટે જીવન સમર્પિત કર્યું તે વ્યક્તિનું અનુસરણ કરો.’
આ મહત્ત્વપૂર્ણ પ્રસંગોને યાદ કરીને 1904માં 17 માર્ચના રોજ મિસ મેકલાઉડને લખેલા પત્રમાં નિવેદિતા કહે છે, ‘6 વર્ષ પહેલાં આ જ તારીખે આજની જેમ ગુરુવાર હતો. મેં અને તમે પૂજનીય શ્રીમાનાં દર્શન કર્યાં હતાં… આવતો શુક્રવાર તા. 25 માર્ચનો દિવસ (દીક્ષા સંસ્કારની) વર્ષગાંઠ છે. એ દિવસે પહેલીવાર મને નિવેદિતાનું નામ આપવામાં આવ્યું હતું. આપણે 25 માર્ચના રોજ સાતમા વર્ષમાં પ્રવેશીએ છીએ. હું ઇચ્છું છું કે આ બધું કોઈ પણ દોષ વગર, કોઈ પણ બાધા વગર અખંડ ચાલતું રહે. એવું લાગે છે કે ઈશ્વર પાસે પ્રાર્થના કરવા માટે, માગવા માટે મારી પાસે ઘણું બધું છે.’
જે દિવસે નિવેદિતાની દીક્ષા થઈ એ જ દિવસે સ્વામીજી શ્રીમતી બુલ, કુ. મેકલાઉડ અને નિવેદિતાને લઈને નૌકાવિહાર માટે ગયા. તેઓ સમક્ષ પોતાનું હૃદય ખોલીને સ્વામીજીએ વાત કરી. સ્વામીજીએ જણાવ્યું કે નિવેદિતા પાસેથી તેમને ખૂબ જ આશા છે. નિવેદિતાની જનસાધારણ પ્રતિ સેવા કરવાની ઇચ્છા અને દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમને જે યોગ્યતા મળી છે તેવી યોગ્યતા ભારતીય સ્ત્રીઓની ઉન્નતિ માટે કામ કરતી પ્રત્યેક મહિલામાં હોય તેવી તેમની ઇચ્છા હતી. સ્વામીજી એવું ઇચ્છતા હતા કે નિવેદિતા સૌથી પ્રથમ જેમના માટે કાર્ય કરવાનું છે તે મહિલાઓ વિશે, તેમની સ્થિતિ અંગે, તેમના દૃષ્ટિકોણથી વિચારવાનું અને દુનિયા જોવાનું શીખે. આ સ્ત્રીવર્ગને નિવેદિતા સંપૂર્ણપણે જાણી લે અને સમજી લે તે અત્યંત જરૂરી હતું.
સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુભાઈઓ તેમજ સાથીઓ સાથે અલમોડા અને ત્યાંથી ઉત્તર ભારતનાં તીર્થસ્થાનોનાં દર્શન માટે ગયા. આ રસાલામાં શ્રીમતી બુલ, કુ. મેકલાઉડ તેમજ નિવેદિતા પણ સામેલ થયાં. ગુરુના સાંનિધ્યમાં સતત રહેવાની તેમને તક મળી. ભારતીય જીવનશૈલીના પ્રત્યક્ષ પરિચયમાં તેઓ આવ્યાં. ભારતીય સંસ્કૃતિને આત્મસાત્ કરવાની તક મળી. સાથે સાથે તેમના વિચારો કયારેક ક્યારેક બળવો કરતા. આવનારા કપરા દિવસો માટે જાણે કે પોતાના જીવનનું ઘડતર થતું હતું. દરમિયાન ઘણી માનસિક યાતનાઓમાંથી પસાર થવું પડ્યું.
ગુરુ સાથે કલહ, વિસંવાદ પણ થયો. અંતે શ્રીરામકૃષ્ણદેવે જે શબ્દો દ્વારા નરેન્દ્રનાથ માટે ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે નરેન સ્પર્શમાત્રથી અન્યમાં જ્ઞાનના પ્રકાશનો ઉદય કરી શકશે તે વ્યક્ત થવાનો સમય પાકી ગયો હતો. એક દિવસ સાંજે મંડળી જ્યારે વરંડામાં હતી સ્વામીજીએ આકાશમાં નજર કરીને બીજનો ચંદ્ર બતાવીને કહ્યું, ‘જુઓ, મુસલમાનો માટે આ ચંદ્રનું ખૂબ મહત્ત્વ છે, આપણે પણ આ બીજના ચંદ્રની સાથે નવા જીવનની શરૂઆત કરીએ.’ આમ કહીને સ્વામીજીએ પોતાના બંને હાથ ઉપર ઉઠાવીને સૌને આશીર્વાદ આપ્યા. નિવેદિતાને સ્વામીજીએ આશીર્વાદ આપ્યા. આ આશીર્વાદથી નિવેદિતાના કલહ અને વિસંવાદનો અંત આવ્યો. તેમના જ શબ્દોમાં,
‘અલમોડાની એ સાંજે શ્રીઠાકુરે કરેલ ભવિષ્યવાણી સાચી પડી. મારા ઉપર એ વાણી સિદ્ધ થઈ. હું કહી નથી શકતી કે ધ્યાનના વિચારે મને વાસ્તવિકતા અને પરિસ્થિતિ સાથે પરિચય કરાવ્યો. ધ્યાન દરમિયાનના અનુભવ હું લખી નથી શકતી. મને લાગે છે કે આ વિશે બોલવું બહુ કઠિન છે.’
નિવેદિતાની બધી જ ઉત્તેજના, અસ્વસ્થતા ખતમ થઈ ગઈ હતી. નિરાશાને સ્થાને નવી આશાઓએ સ્થાન લઈ લીધું હતું. હવે સ્વામીજીની વાતોનો મર્મ નિવેદિતા ઝડપથી સમજી જતાં હતાં. ગુરુની કૃપાનો અનુભવ તેમને થઈ ગયો. નિવેદિતા હવે કાર્ય કરવા ઉત્સુક હતાં, તૈયાર હતાં અને ઉત્સાહી હતાં. હિંદુ શેરીમાં પ્રાચીન ઢબના મકાન 10/2 બોઝપાડા લેનમાં તેઓ રહેવા ગયાં. સ્વામીજીના સૂચન મુજબ ક્ધયા વિદ્યાલય અને ભારતીય સ્ત્રીઓના ઉત્કર્ષના કામ માટે તેઓ તત્પર હતાં.
તા. 14 નવેમ્બર, 1898ના રોજ પાઠશાળાનો પ્રારંભ થયો. વાંચવા-લખવાની સાથે બાલિકાઓને ચિત્રકળા, શિક્ષણ, મૂર્તિકલા પણ શીખવવામાં આવતી હતી. શ્રીમાના આશીર્વાદથી શાળા થઈ તેથી નિવેદિતા અત્યંત આનંદિત હતાં. 1899માં કોલકાતામાં પ્લેગે ભયંકર મહામારીનું રૂપ લઈ લીધું હતું. ભયભીત લોકો કોલકાતા છોડીને ભાગવા માંડ્યા હતા. સેંકડો લોકો આ રોગનો શિકાર બન્યા હતા. રામકૃષ્ણ મિશને એક ‘પ્લેગ સમિતિ’ની રચના કરી, જેના મંત્રી તરીકે નિવેદિતાને જવાબદારી સોંપવામાં આવી. નિવેદિતાએ બાગબજારની ગલીએ ગલી ફરીને સફાઈની ઝૂંબેશ ઉઠાવી. પોતાની ફીકર કર્યા વગર તન-મન-ધનથી આપત્તિના સમયે પ્લેગપીડિત લોકોની વહારે તેઓ આવ્યાં. ખાસ કરીને ઝૂંપડાવાસીઓ ગંદકીને લીધે આ રોગનો શિકાર બનતા. દરેક ઝૂંપડપટ્ટીમાં તેઓ અચૂક દેખાતાં. એક સમયે એક શેરીમાં સફાઈ કરનાર કોઈ નથી. એ જોઈને નિવેદિતા સ્વયં હાથમાં ઝાડુ લઈને ગટરની ગંદી નીકો સાફ કરવા લાગી ગયાં હતાં.
પ્લેગની સાથે સાથે શાળાના કામની જવાબદારી પણ તેઓ નિભાવતાં હતાં. આ દરમિયાન મા કાલી પ્રત્યેની તેમની ભક્તિ પણ પરાકાષ્ઠાએ પહોંચી હતી. મા કાલીની ભક્તિ, ઉપાસના, તેનું રહસ્ય તેમણે સારી રીતે અનુભવ્યું હતું.
સ્વામી વિવેકાનંદની મહાસમાધિના બે દિવસ પહેલાં 2 જુલાઈ, 1902, બુધવારે નિવેદિતા મઠમાં ગયાં. એ દિવસે એકાદશી હોઈ સ્વામીજીએ ઉપવાસ કર્યો હતો. પરંતુ તેમણે નિવેદિતાને પોતાના હાથે જમવાનું પીરસ્યું તેમજ આગ્રહપૂર્વક જમાડ્યાં. જમવાનું પતી ગયા પછી સ્વામીજીએ નિવેદિતાના હાથ પર પાણી રેડીને તેમના હાથ ધોવડાવ્યા અને રૂમાલથી તેમના હાથ લૂછી નાખ્યા. સ્વાભાવિકરૂપે નિવેદિતાએ કહ્યું, ‘આ બધું તો આપને માટે મારે કરવાનું હોય, આપે મારા માટે નહીં.’ સ્વામીજીએ ગંભીરતાથી જવાબ આપ્યો, ‘ઈશુએ પોતાના શિષ્યોના પગ ધોયા હતા.’ નિવેદિતાના હોઠે આવેલ વાક્ય તેઓ કહી શક્યાં નહીં, ‘પણ એ તો અંત વેળાએ!’ બુધવારે ફરીથી તેઓ મઠમાં ગયાં. ઘણો સમય રોકાયાં. તેમના શબ્દોમાં ‘તે દિવસે તેઓ કેવા પવિત્ર લાગતા હતા. મને લાગે છે, તેઓ જાણતા હતા કે હું તેમને ફરી નહીં જોઈ શકું. તેમણે મને ઘણા આશીર્વાદ આપ્યા. તેમની શિવમુદ્રા, પવિત્રતા, તેજસ્વિતાનું હું કયા શબ્દોમાં વર્ણન કરું..’
આ રીતે ધીરે ધીરે માર્ગરેટ નોબલનું ભગિની નિવેદિતામાં રૂપાંતર થયું.
Your Content Goes Here