માર્ગરેટથી નિવેદિતા

સ્વામી વિવેકાનંદની પ્રિય શિષ્યા માર્ગરેટ નોબલની ભારત આવવાની તીવ્ર ઇચ્છા જોઈને સ્વામીજીએ તેમને લખ્યું હતું, ‘ભારતના સમાજ માટે તમારી જે કાર્ય કરવાની ઇચ્છા છે, હું સ્પષ્ટરૂપે જોઈ રહ્યો છું કે તમારું ભવિષ્ય ઉજ્જ્વળ છે. શિક્ષણ, પ્રામાણિકતા, પવિત્રતા, દૃઢનિશ્ર્ચય જેવા ઘણા બધા ગુણો તમારી અંદર છે… પરંતુ શહેર સિવાય ક્યાંય પણ યુરોપીય દેશો જેવી સુવિધા અહીં નહીં મળે. આ બધું જાણીને જ તમે ભારત આવવાનો નિર્ણય કર્યો હોય તો તમારું શતશ: સ્વાગત…’ સ્વામી વિવેકાનંદ પરની શ્રદ્ધાને કારણે નિવેદિતા ભારત પહોંચ્યાં. એ દિવસ હતો 28 જાન્યુઆરી, 1898નો. આ જ ભારત એમની જ્ઞાનભૂમિ, કર્મભૂમિ બધું જ બની રહી. 25 જાન્યુઆરી, 1898ના દિવસે સ્વામીજીએ નિવેદિતાને વિધિવત્ શિવજીની પૂજા કરાવીને બ્રહ્મચર્યવ્રતની દીક્ષા આપી દીધી. એમનું નામ ‘નિવેદિતા’ રાખવામાં આવ્યું. આ પછી નિવેદિતાના શિક્ષણનો વાસ્તવિક સ્વરૂપે પ્રારંભ થયો. ધીમે ધીમે સ્વામીજી નિવેદિતાને ભારતનાં સંસ્કૃતિ, સમાજ, રીતભાત, હિંદુત્વ શું છે એ બધા વિશે શીખવતા રહ્યા. પોતાનું ઘર, દેશ બધું છોડીને ભારતની સેવા માટે તેમણે પોતાની જાતને સમર્પિત કરી દીધી.

અમરનાથ અને કાશ્મીરની યાત્રા

થોડા દિવસો પછી સ્વામીજીને અમરનાથનાં દર્શનની તીવ્ર ઇચ્છા થઈ. અમરનાથ અને ક્ષીરભવાની એ બે કાશ્મીરનાં મહત્ત્વપૂર્ણ તીર્થક્ષેત્ર છે. એક પહાડની ગુફામાં નૈસર્ગિક રીતે બનતું શિવલિંગ હિંદુઓનું પવિત્ર અમરનાથ ધામ છે. સ્વામીજીએ આ પાવન યાત્રામાં નિવેદિતાને સાથે રાખવાનું નક્કી કર્યું. સ્વામીજીએ અને નિવેદિતાએ 26 જુલાઈના રોજ બપોરે આ યાત્રાની શરૂઆત કરી. માર્ગમાં બીજા યાત્રાળુઓના સંઘની સાથે સાથે સફળ આગળનો પંથ કાપતાં હતાં. એક દિવસ સ્વામીજીએ નિવેદિતાને આદેશ આપ્યો કે છાવણીની ચારે બાજુ જે સાધુઓ છે, તેમને તેઓ ભિક્ષાદાન આપે. તેનું સુંદર ફળ એ મળ્યું કે નિવેદિતાને સાધુસેવાનો સુયોગ પ્રાપ્ત થયો અને સાધુઓને પણ તેમની સાથે આત્મીયતા સ્થાપિત કરવાની તક મળી. આ યાત્રા દરમિયાન તેમની સાથે ઘણા સાધુઓ અને યાત્રાળુઓના સંઘ ભાવ અને ભક્તિ સાથે આગળ વધી રહ્યા હતા. યાત્રાળુઓમાં વિભિન્ન સંપ્રદાયોના સેંકડો સાધુસંન્યાસીઓ, તેમની રહેણીકરણી, એ બધાંનો નિવેદિતા અનુભવ કરી રહ્યાં હતાં. રાત્રે બધાં કોઈ એક સ્થળે તંબુ બાંધતાં હતાં. યાત્રાળુઓમાં ધ્યાન, ભજનપૂજન, સત્સંગ, શાસ્ત્રચર્ચા, પૂજાપાઠ આદિ ચાલતાં રહેતાં. વિશ્વપ્રસિદ્ધ સ્વામીજી પણ આ બધા સાથે સાધારણ પરિવ્રાજક સાધુની જેમ એક જ વાર ભોજન કરીને ચિંતન, જપ, ધ્યાન આદિમાં જ રત રહેતા. નિવેદિતા પણ અન્ય તીર્થયાત્રાળુઓ સાથે પૂજાપાઠ-ચિંતન આદિમાં પોતાના દિવસો વિતાવવા લાગ્યાં. વિભિન્ન ભાષાઓ બોલતાં અને વિવિધ પોશાકથી સુસજિજત નરનારી એક જ દિશામાં, એક જ ઉદ્દેશથી ચાલી રહ્યાં હતાં. ક્યાંક તૂરીનો, ક્યાંક શંખનો અવાજ તથા ‘હર હર બમ બમ’ ધ્વનિથી આખું આકાશ ગૂંજી ઊઠતું હતું. જાણે ભગવાન અમરનાથે બધાંના હૃદયમાં બિરાજમાન થઈને બધાંને એકસૂત્રે બાંધી રાખ્યા હતા. નિવેદિતાને વનસ્પતિશાસ્ત્રમાં ખૂબ રુચિ હતી. ચંદનવાડીથી બરફ પર પગપાળા ચાલતાં ચાલતાં નિવેદિતા નિસર્ગ અને વનરાજીઓનું પણ નિરીક્ષણ કરી રહ્યાં હતાં. બધાં 29 જુલાઈના રોજ પહેલગામ તથા 30 જુલાઈના રોજ ચંદનવાડી આવી પહોંચ્યાં.

2 ઓગસ્ટના રોજ અમરનાથની યાત્રાનો મહત્ત્વપૂર્ણ અને મહાન દિવસ હતો. રાત્રે બે વાગ્યે યાત્રાળુઓએ છાવણીમાંથી પ્રસ્થાન કર્યું. અમરનાથની ગુફા જે સંકીર્ણ ઘાટીમાં આવેલી છે, ત્યાં પહોંચતાં પહોંચતાં સૂર્યોદય થઈ ગયો હતો. અનેક ચટ્ટાન અને બરફથી આચ્છાદિત પહાડોને પાર કરતાં કરતાં સામે રહેલ પર્વતમાળા અપૂર્વ શોભા ધારણ કરીને ઊભી છે એવું રમણીય દૃશ્ય જોવા મળ્યું. માર્ગના એક છેડે એક ગુફા આવેલી છે. તેમાં રવિરશ્મિ ક્યારેય પ્રવેશ કરી શકતાં નથી. આ ગુફાની અંદર જ પ્રસિદ્ધ અમરનાથનું હિમલિંગ વિદ્યમાન છે. એનાં દર્શનમાત્રથી જ મનુષ્યમાત્રનાં મનપ્રાણમાં ભક્તિરસ તથા આનંદની લાગણી અભિભૂત થઈ ઊઠે છે. સ્વામીજી એ વિશાળ હિમલિંગની સામે ઊભા રહીને મંત્રમુગ્ધ થઈને દર્શન કરી રહ્યા હતા. એમનું શરીર સર્વાંગે ભસ્મથી વિભૂષિત હતું. કૌપીન સિવાય એમના શરીર પર અન્ય કોઈ વસ્ત્ર ન હતું. સાક્ષાત્ મહાદેવનું દર્શન પામીને સ્વામીજી ધન્ય થઈ ગયા. સ્વામીજી ભાવવિભોર થઈને મહાદેવને સાષ્ટાંગ પ્રણામ કરી રહ્યા હતા. પોતાના ભાવાવેગને નિયંત્રિત કરવા તેઓ તરત જ ગુફામાંથી બહાર આવી ગયા. એમનું મુખમંડળ આરક્ત-લાલચોળ થઈ ગયું હતું. એમણે દેવાધિદેવ મહાદેવનાં ચરણોનો સ્પર્શ કર્યો હતો. પછીથી સ્વામીજીએ નિવેદિતાને કહ્યું હતું, ‘મેં અહીં ઘણો આનંદ મેળવ્યો છે. મેં જોયું કે અહીં સાક્ષાત્ શિવ ઊભા છે. બીજા કોઈ પણ તીર્થસ્થાનમાં મને આટલો આનંદ નથી થયો.’ સાથે ને સાથે તેમણે કહ્યું કે અમરનાથ પાસેથી તેમને ઇચ્છામૃત્યુનું વરદાન મળ્યું છે.

પરંતુ નિવેદિતા સ્વામીજી જેટલાં ખુશ ન હતાં. તેઓ એક નિરાશા અનુભવી રહ્યાં હતાં, કેમ કે તેમને આવો કોઈ અલૌકિક અનુભવ થયો ન હતો. સ્વામીજીના દરેક કાર્યકલાપ, વ્યવહાર, આનંદને જોઈને તેમણે સ્વામીજીને ફરિયાદના સૂરે કહ્યું, ‘જો તેઓ ઇચ્છતા હોત તો પોતાને પણ એ દિવ્યદૃષ્ટિ (અમરનાથની અનુભૂતિ) આપી શક્યા હોત, ઈશ્વરનો અનુગ્રહ તેમની ઉપર પણ થઈ શક્યો હોત, તેમને પણ એ આનંદ મળી શક્યો હોત.’ સ્વામીજીએ નિવેદિતાની વ્યગ્રતાને સમજીને તેમને ખૂબ પ્રેમથી સમજાવીને કહ્યું, ‘આ તીર્થયાત્રાને પૂર્ણ કરીને જે મહાનકાર્ય તેં કર્યું છે, તેનું મહત્ત્વ તું અત્યારે સમજી શકતી નથી, પરંતુ આ તીર્થયાત્રાનો પ્રભાવ તારા પછીના જીવનમાં તને અવશ્ય જોવા મળશે. તું પણ એ જ સચ્ચિદાનંદની માનસિક શાંતિને મેળવી શકીશ, જે હું આ ક્ષણે અનુભવી રહ્યો છું.’ સ્વામીજીના આ શબ્દો પછીથી સાચા પડ્યા. નિવેદિતાને પણ પછીના જીવનમાં એવા જ આનંદની અનુભૂતિ થઈ હતી. નિવેદિતા લખે છે, ‘અમરનાથ ગુફાની યાત્રા ખરા અર્થમાં મારા જીવનમાં એક ધાર્મિક તથા આધ્યાત્મિક તીર્થયાત્રા સાબિત થઈ. સ્વામીજી મને ભગવાન શિવને સમર્પિત કરવા ઇચ્છતા હતા. આજે હું અનુભવું છું કે સ્વામીજીએ મને ખરા અર્થમાં શિવને સમર્પિત કરી દીધી છે. મને ખૂબ આનંદ છે કે એ પવિત્ર તીર્થમાં સ્વામીજી સાથે હું હતી. એ ક્ષણોની સ્મૃતિઓ જીવનભર મને યાદ રહેશે. જ્યારે જ્યારે હું એ ગ્રીષ્મકાલીન યાત્રા વિશે વિચાર કરું છું, ત્યારે મને આશ્ચર્ય થાય છે કે હું આટલી ઊંચાઈ પર કેવી રીતે પહોંચી શકી! એક વિદેશી મહિલા હોવા છતાં પણ મહાન હિંદુ ધર્મનાં બધાં આચારવિચાર, આદર્શ, રીતરિવાજની વચ્ચે પણ જીવી શકી. એ ધર્મની બધી સૂક્ષ્મ બાબતોને હું સમજી શકી. એ દિવસો દરમિયાન મને એવું લાગ્યું કે હું ઈશ્વરને વધુ નિકટતાથી અનુભવી શકું છું અને તેમના સામીપ્યનો અનુભવ કરી રહી છું.’

અમરનાથ યાત્રા પછી સ્વામીજી ઘણા દિવસો સુધી ધ્યાનમગ્ન અવસ્થામાં રહેતા હતા. એવી જ મન:સ્થિતિમાં એમણે 30 સપ્ટેમ્બરે અચાનક ક્ષીરભવાની જવાનો નિર્ણય લીધો. ત્યાં તેઓ અતિ કઠિન અવસ્થામાં જીવનયાપન કરતા હતા. મૌન રહીને ધ્યાન, પૂજાપાઠ વગેરેમાં જ પોતાનો સમય વિતાવતા હતા. તેઓ રોજ એક બ્રાહ્મણ પંડિતની ક્ધયાની ક્ધયાકુમારીના રૂપે વિધિવત્ પૂજાઅર્ચના કરતા હતા. એમને જે દૈવીજ્ઞાનનો પ્રકાશ મળ્યો હતો, તેનો અહીં ક્ષીરભવાનીમાં ગહન પ્રભાવ જોવા મળે છે. એ દિવસોમાં એમના ચહેરા પર બાળસહજ નિર્દોષતા તથા પવિત્રતા જોઈ શકાતી હતી. ત્યાં વિધર્મીઓ દ્વારા કરાયેલ મંદિરના ભગ્નાવશેષ જોઈને તેમને ખૂબ પીડાનો અનુભવ થયો. તેઓ વિચારવા લાગ્યા કે જો હું એ સમયે અહીં હોત તો મારા પ્રાણની આહુતિ આપીને પણ આ મંદિરની રક્ષા કરી હોત. આવો વિચાર આવતાં જ એમને મા ક્ષીરભવાનીની આકાશવાણી સંભળાઈ, ‘મારી રક્ષા તું કરીશ કે તારી રક્ષા હું કરીશ! જે કંઈ પણ થયું છે એ બધું મારી ઇચ્છાથી જ થયું છે. જો હું ઇચ્છત તો અહીં સાત માળવાળી સોનાની મોટી ઇમારત બનાવી શકત.’

એ સમયે તેઓ મા ક્ષીરભવાનીનું અસ્તિત્વ સ્પષ્ટરૂપે અનુભવી રહ્યા હતા. આ સમયની પરિસ્થિતિઓનું વર્ણન નિવેદિતાએ પોતાની એક સખીને લખેલા પત્રમાં  આ રીતે લિપિબદ્ધ કર્યું છે,

‘હું તને સ્વામીજી વિશે કંઈક કહેવા માટે પત્ર લખી રહી છું. પણ શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરું, એ મારી સમજમાં નથી આવતું!  તેઓ જ્યારે ક્ષીરભવાનીથી પાછા ફર્યા ત્યારે એક અનન્ય અને દૈવીરૂપ ધારણ કરીને આવ્યા હતા. એમનું સંપૂર્ણ વ્યક્તિત્વ જ જાણે બદલાઈ ગયું હતું. એમના એ પરિવર્તિત વ્યક્તિત્વનો પ્રભાવ હું તને શબ્દમાં વર્ણવી નહીં શકું. હું કલમ દ્વારા પણ એને લિપિબદ્ધ કરવા અસમર્થ છું. એમની આભા અને શબ્દોથી જાણે આપણે સ્વયં ઈશ્વર સાથે વાર્તાલાપ કરી રહ્યા હોય, એવું લાગે છે! એમની હાજરીથી જ વાતાવરણ શાંત, ગંભીર અને પવિત્ર બની જાય છે. હું બધું છોડીને ઈશ્વરની ભક્તિમાં જાતને સમર્પી દઉં, એવું મને લાગતું ! જેમણે ઈશ્વરને જોયો છે, તેમનો અનુભવ કર્યો છે, એમનું જીવન આવું જ હોવું જોઈએ. તેઓ કહેતા હતા, ‘આ સમયે કોઈ પણ સત્કાર્ય હાથમાં લેવું મારા માટે શક્ય નથી. માત્ર મા જ બધું કરી શકે છે. મા જ બધું છે. હું હવે કોઈને ય શીખવીશ નહીં, શીખવનાર હું વળી કોણ! જે ક્ષણ માના સાન્નિધ્ય સિવાય વ્યતીત થઈ, તે વ્યર્થ ગઈ,’ એમ હવે તેમને લાગવા માંડ્યું છે. એમની ઉપસ્થિતિથી અમને ઈશ્વરદર્શનનો લાભ મળી રહ્યો હોય એવું લાગે છે. આ સમય દરમિયાન અમને ઘણી વખત એમની ભાવસમાધિ-અવસ્થા જોવા મળી.’

નિવેદિતા એમના “Notes of some Wonderings with Swami Vivekdananda’ ગ્રંથની પ્રસ્તાવનાના અંતમાં લખે છે, ‘અમે આટલા દિવસ એક એવી વ્યક્તિ સાથે હતા, જેમનું વ્યક્તિત્વ એટલું બધું સંમોહક હતું કે તે બધાંને પોતાની તરફ આકર્ષી લેતું હતું અને બધાના અનુભવની ભાવનાને સમજતું હતું. અમે એક એવી વિનયશીલ વ્યક્તિને ઓળખી છે, જેમણે અમારી બધી નિર્બળતાઓ, અમારી સંકીર્ણતાઓનો નાશ કરી નાખ્યો છે. અમે એક એવા આત્મત્યાગી પુરુષ સંન્યાસીને જાણીએ છીએ કે જેઓ નિર્દયતાને તિરસ્કારે છે, પીડિતો પ્રત્યે દયાભાવ રાખે છે. તેઓ એવું વિશ્વપ્રેમી વ્યક્તિત્વ છે કે જે મૃત્યુ કે દારુણ વેદનાને પણ પ્રેમપૂર્ણ આશીર્વાદ જ આપે છે !’

બીજા શબ્દોમાં કહીએ તો નિવેદિતાએ સ્વામીજીને ઈશ્વરના અવતારના રૂપે ઓળખી લીધા હતા. નિવેદિતા આગળ લખે છે, ‘અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રા દરમિયાન સ્વામીજી સાથે રહીને અમે એવી ક્ષણોનો અનુભવ કર્યો છે કે અમારાં બધાંનાં જીવન બહુમૂલ્ય અને ધન્ય બની ગયાં છે.’ આ જ યાત્રાએ નિવેદિતાને પોતાના ગુરુદેવના વાસ્તવિક સ્વરૂપનો અનુભવ કરાવ્યો હતો અને નિવેદિતાએ એમનાં જીવન અને આદર્શ સામે રાખીને પોતાનું સંપૂર્ણ જીવન ભારતમાતાની સેવા માટે સમર્પિત કરી દીધું હતું.

Total Views: 231

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.