એક સમર્થ વ્યક્તિએ કરેલા સંકલ્પને ચરિતાર્થ કરવા માટે કોઈ વાર ભગવાન મહાકાલ બીજી સમર્થ વ્યક્તિનું નિર્માણ કરે, એવું બનતું હોય છે. ભારતની સ્ત્રીઓને કેળવણીનો પ્રકાશ આપવાનો શુભ સંકલ્પ કર્યો સ્વામી વિવેકાનંદે, પરંતુ તેને ચરિતાર્થ કરવાનું મહાકાર્ય પાર પાડ્યું સિસ્ટર નિવેદિતાએ. અંગ્રેજ પ્રજા સાથેના આપણા વિધિનિર્મિત સંપર્કનાં કેટલાંક શુભ અને દૂરગામી પરિણામોની નોંધ લેવા માટે ભાવિ ઇતિહાસકાર બેસે ત્યારે તેને ભગિની નિવેદિતાએ ભારત માટે કરેલા કાર્યનો ઋણ સ્વીકાર કર્યા વિના ચાલશે નહીં.

સને 1896નો એ દિવસ. સ્વામી વિવેકાનંદે પોતાની સાથે બેઠેલાં મિસ માર્ગરેટ નોબલને કહ્યું, ‘મારા દેશની સ્ત્રીઓના ઉદ્ધાર માટે મેં યોજના ઘડી છે. હું ધારું છું કે તેમાં તમે મને ખૂબ મદદરૂપ નીવડશો.’ આ હતો એક ઐતિહાસિક સંકલ્પ અને આ સંકલ્પમાં સહાયરૂપ થવાના પ્રતિસંકલ્પે મિસ માર્ગરેટના સમગ્ર જીવનનો ક્રમ પલટી નાખ્યો. એમાંથી જ ‘નિવેદિતા’નો ઊગમ થયો.

સ્વામીજીએ મૂકેલા વિશ્વાસને અનુરૂપ નીવડવા માટે સિસ્ટર નિવેદિતાએ જે ભગીરથ પરિશ્રમ લીધો તેની કથા ભારે રોમાંચક છે. એ યુગના રૂઢિચુસ્ત સમાજ વચ્ચે એક પરદેશી સ્ત્રી ‘કેળવણી’નું મૂલ્ય સમજાવતી ફરે, અપમાનો સહન કરે, ‘શ્ર્વેત હરિજન’ની કક્ષામાં મુકાય અને છતાં અપાર ધૈર્ય અને દૃઢતાથી એ પોતાનું ઇષ્ટ કાર્ય ચાલુ રાખે એ બધું નૂતન પ્રસ્થાન કરનાર સહુ કોઈ માટે પ્રેરણાનો અખૂટ ખજાનો પૂરો પાડે છે. એમણે કરેલા મહાન કાર્યના જ્વલંત સ્મારક-રૂપે કોલકાતાની ‘સિસ્ટર નિવેદિતા ગર્લ્સ સ્કૂલ’ આજે પણ યશસ્વી કામગીરી બજાવી રહી છે.

પરંતુ સિસ્ટર નિવેદિતા માત્ર કેળવણીકાર ન હતાં. એમની પાસે તો નવનવોન્મેષશાલિની પ્રજ્ઞાનો મહાસ્રોત હતો. કેળવણીમાં ક્રાંતિ આણવાની સાથે એમણે ક્રાંતિની કેળવણી આપવાનું ઇતિહાસકાર્ય પાર પાડ્યું છે, એ કેમ ભૂલી શકાય? એમના રાજકીય વિચારોએ એક પ્રકારના ‘ડાઈનેમાઈટ’નું કાર્ય કર્યું છે. અરવિંદ ઘોષ જેવા પ્રાજ્ઞપુરુષ વિદ્યાપ્રદાનનું ક્ષેત્ર છોડી સ્વાતંત્ર્યયજ્ઞમાં પોતાની જાતને અર્પણ કરે એની પાછળ સિસ્ટર નિવેદિતાએ સર્જેલું ‘ડાઈનેમાઈટ’નું વાતાવરણ પ્રવર્તતું હતું એમાં શંકા નથી. કોલકાતામાં એમના નિવાસસ્થાને ભાતભાતના લોકો આવતા-જતા. રાજપુરુષો, ઇતિહાસવિદો, અર્થશાસ્ત્રીઓ, વિજ્ઞાનીઓ, કલાકારો, પત્રકારો, કવિઓ, સામાજિક કાર્યકરો – સૌને માટે જાણે એમણે એક પ્રેરણાપરબ માંડી હતી.

એમના જેટલી નિકટતાથી ભારતીય સંસ્કૃતિને નિહાળનારા બીજા કેટલા પરદેશીઓ આપણને મળશે? એમનું અદ્‌ભુત પુસ્તક “The Web of Indian Life’ આપણને આપણી પોતાની સંસ્કૃતિમાં અંત:પ્રવેશ કરાવે એવું કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નહીં થાય. ભારતીય સંસ્કૃતિનાં એમણે કરેલાં અર્થઘટનોની સર જદુનાથ સરકાર જેવા ઇતિહાસકારે પણ મુક્તકંઠે પ્રશંસા કરી છે.

અંગ્રેજ કવિ ગોલ્ડસ્મિથ વિશે કહેવાયું છે, “He touched nothing that he did not adorn.’ સિસ્ટર નિવેદિતા વિશે આવું વિધાન સહેલાઈથી કરી શકાય. કેળવણી, ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ, પ્રવાસનોંધ વગેરે જે જે ક્ષેત્રમાં એમણે પ્રવેશ કર્યો છે, તેને એમણે પોતાની નિસર્ગદત્ત પ્રતિભાના પ્રકાશથી અલંકૃત કર્યું છે.

જેવું એમનું વાઙ્મય હતું તેવું જ એમનું વ્યક્તિત્વ પણ હતું. એમનાં બાહ્યાન્તર વ્યક્તિત્વ વચ્ચે જાણે કશો જ ભેદ ન હતો. બંનેમાંથી તેજના તણખા ઊડતા. સ્વામી વિવેકાનંદે જેમ રામકૃષ્ણનું શિષ્યત્વ સ્વીકારતાં પહેલાં ઉગ્ર મનોમંથન અનુભવ્યું હતું, તેમ સ્વામી વિવેકાનંદનાં શિષ્યા બનતાં પહેલાં સિસ્ટર નિવેદિતાએ પણ એવું જ ઉગ્ર મનોમંથન અનુભવ્યું હતું.

ભારત એમને શી રીતે ભૂલી શકે? એમનું ખોળિયું ભલે એક અંગ્રેજ મહિલાનું હતું, પરંતુ એમનો આત્મા સંપૂર્ણાંશે ભારતીય હતો, એટલે એમણે પોતાનું સર્વસ્વ ભારતને ચરણે ધર્યું હતું.

ભારતીય નારીના ગૌરવને પુન: પ્રસ્થાપિત કરવાની અને એ દ્વારા રાષ્ટ્રોદ્ધારનું કાર્ય કરવાની શરૂઆત શિક્ષણ દ્વારા કરી. બાગબજારમાં શારદા માના હસ્તે શાળાની શુભ શરૂઆત કરી. પણ કાર્ય સરળ ન હતું. અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી. થોડાક સમય માટે કાર્ય સંકેલી લેવું પડ્યું. સાધન-સંપત્તિ મેળવવા માટે યુરોપ અને અમેરિકા ગયાં. ત્યાં જઈ ભારત અને ભારતના તેમના શૈક્ષણિક પ્રયોગનું મહત્ત્વ સમજાવી એ માટે મદદ માગી અને એ કાર્ય સફળતાથી પૂરું કરી 1902માં ભારત પાછાં ફર્યાં અને સ્વામી વિવેકાનંદની બીજી એક અમેરિકન શિષ્યા સાથે ‘સિસ્ટર નિવેદિતા ગર્લ્સ સ્કૂલ’ની શરૂઆત કરી, જે બીજમાંથી વિશાળ વટવૃક્ષ પાંગર્યું. તેઓની દૃઢ માન્યતા હતી કે રાષ્ટ્રનું સાચું નવનિર્માણ સ્ત્રીઓ જ કરી શકે.

જે રાષ્ટ્રની અને જનસમાજની તે સેવા કરવા માગતાં હતાં તેને નજદીકથી પિછાણવા માટે સમગ્ર રાષ્ટ્રનો પ્રવાસ કર્યો અને રાષ્ટ્રના ખૂણે ખૂણે પરિભ્રમણ કરી જનતાને નજદીકથી જોઈ, તેનાં દુ:ખો જોયાં. જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં વ્યાખ્યાનો દ્વારા પ્રજાને જાગ્રત કરવાનો પ્રયત્ન કર્યો. એ વ્યાખ્યાન-પ્રવાસોમાં તેઓ ગુજરાતમાં અમદાવાદ તથા વડોદરા પણ આવ્યાં હતાં. એ દરમિયાન તેઓ ભારતના અનેક મહાન પુરુષોના પરિચયમાં પણ આવ્યાં હતાં. રમેશચંદ્ર દત્ત, ગોપાલકૃષ્ણ ગોખલે, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ, રવીન્દ્રનાથ ટાગોર, જદુનાથ સરકાર જેવા ભારતના અનેકવિધ ક્ષેત્રના સમર્થ સેનાનીઓ સિસ્ટર નિવેદિતાથી પ્રભાવિત થયા હતા.

સિસ્ટર નિવેદિતાને પશ્ચિમના વિચારોથી સંપૂર્ણપણે અજ્ઞાત એવી રૂઢિચુસ્ત ભારતીય સ્ત્રીઓ સાથે સંપર્કમાં આવવું પડ્યું. સિસ્ટર નિવેદિતાની તાલીમ સ્વામી વિવેકાનંદના સંપર્કથી શરૂ થઈ અને જે તેની શિક્ષણમાળાનો પ્રથમ મણકો હતો. ગોપાલની મા અને રામકૃષ્ણનાં બીજાં સ્ત્રીશિષ્યોના સંપર્કથી આ માળાનો અંતિમ મણકો પૂરો થયો. આધુનિક ઇતિહાસના સંદર્ભમાં અને પ્રાચીન ઇતિહાસના અભ્યાસથી ભારતના ધર્મ અને સંસ્કારના ઊંડાણમાં તેઓ ઊતર્યાં અને આ રીતે પરિવર્તન પામતા ભારતને જોઈ શક્યાં અને તેનું પરિણામ અદ્‌ભુત હતું. સિસ્ટર નિવેદિતાએ જે ઊંડાણથી અને તલસ્પર્શી રીતે ભારતને સમજવાનો પ્રયત્ન કર્યો છે તેવો સમજવાનો દાવો બહુ જ ઓછા ભારતીયો પણ કરી શકે.

ભારતીય સંસ્કૃતિનું સૌંદર્ય, ભવ્યતા, દીર્ઘદૃષ્ટિ અને વ્યાપકતા જોઈને, અનુભવીને સિસ્ટર નિવેદિતા મંત્રમુગ્ધ બની ગયાં. એ પછી આ સંસ્કૃતિનો ઊંડો અભ્યાસ કરવાનું તેમણે પોતાનું એક કાર્યક્ષેત્ર બનાવ્યું અને જે ભારતીયો આનાથી દૂર ભાગતા હતા તેમને આ સંસ્કૃતિની ભવ્યતા વિશે ખ્યાલ આપવાનું કાર્ય કર્યું.

તેમણે પુસ્તકો લખવાનું, વ્યાખ્યાનો આપવાનું, વિવિધ સામયિકો અને વૃત્તપત્રોમાં લેખો લખવાનું શરૂ કર્યું. તેઓ એક શક્તિશાળી લેખિકા અને પ્રભાવશાળી વક્તા હતાં. પણ આ ગુણો ઉપરાંત તેમનાં જીવન અને વ્યક્તિમત્તાએ અદ્‌ભુત કાર્ય કર્યું. ભારતીય સંસ્કૃતિ અંગેની તેમની બૌદ્ધિક સમજણ ઊંડી હતી અને તેમનામાં એ સ્પષ્ટ, ગળે ઊતરે તેવી સમજાવવાની શક્તિ પણ અદ્‌ભુત હતી. તેમના વિશે સૌથી અગત્યની વાત એ હતી કે તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે તદ્દન ઓતપ્રોત થઈ ગયાં હતાં. તેઓ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક બની ગયાં. તેઓના સંપર્કમાં અનાયાસે આવનાર પણ ભારતીય સંસ્કૃતિના ચાહક બની જતા.

સ્વામીજી પાસેથી શીખ્યા પ્રમાણે તેઓ ભારત વિશેના વિચારોને સાકાર કરવા માગતાં હતાં. સ્વામી વિવેકાનંદની મહાસમાધિ પછી તેઓએ આ પવિત્ર કાર્યને મૂર્તિમંત કરવા તનતોડ પ્રયત્નો કર્યા. રામકૃષ્ણ-સંઘના નિયમોને તેઓ માન આપતાં હતાં, પણ તેઓ પોતાની રીતે કાર્ય કરવા માગતાં હતાં. જો કે પહેલાં પણ તેઓ સખત કામ કરતાં હતાં, પણ હવે વધુ સખત કામ કરવા લાગ્યાં. તેઓ ભારતનાં ભલા અને કલ્યાણ માટેની ઘણી વસ્તુઓમાં રસ લેવા લાગ્યાં.

કોઈ પણ વસ્તુ કે જે ભારતનાં વર્તમાન અને ભવિષ્યને માટે સહાયકારી હોય તે માટે તેઓ ખાસ કાળજી રાખતાં અને તરત ટેકો આપવા તૈયાર રહેતાં. તેઓએ ધર્મ, રાજનીતિ, રાષ્ટ્રવાદ, કળા, સાહિત્ય, વિજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ વગેરે અનેક ક્ષેત્રોમાં કાર્ય કર્યું અને આ ક્ષેત્રમાં રહેલા માણસોને તેઓએ ખૂબ મદદ કરી. તેઓ હંમેશાં ભારતના ભાવિના સંદર્ભમાં જ વિચારતાં. તેઓ ભારતની નવજાગૃતિનું જીવંત પ્રતીક બની રહ્યાં.

ભગિની નિવેદિતા પ્રખર મેધાવી અને પીઢ શિક્ષણકાર હતાં અને તેથી જેમના સંપર્કમાં તેઓ આવતાં હતાં તેમને ફક્ત આશ્ર્વાસન આપીને જ બેસી રહેતાં નહોતાં. એમના લગભગ બધા જ બુદ્ધિજીવી સમકાલીનો તેમના એક યા બીજા પ્રકારે ઋણી છે. મહાન વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર બોઝને તેમણે વૈજ્ઞાનિક પુસ્તકો લખવામાં ઘણી મદદ કરી હતી. બંગાળી ભાષા અને સાહિત્યનો ઇતિહાસ અંગ્રેજીમાં લખનાર દિનેશ સેન તેમની નિ:સ્વાર્થ રીતે કામ કરવાની શક્તિથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. નિવેદિતાએ દિનેશ સેનના પુસ્તકની હસ્તપ્રત એક વરસ સુધી ચીવટથી જોઈ આપી હતી અને આ કામ પૂરું થયા પછી તેમણે દિનેશ સેનને કહ્યું કે પોતાના નામનો ઉલ્લેખ તેમના પુસ્તકમાં કરવો નહીં. દિનેશ સેને નોંધ્યું છે કે આવો પ્રેમનો શ્રમ પૈસાથી મેળવી શકાય નહીં. તેમણે વધુમાં લખ્યું છે કે મેં ગીતામાં નિ:સ્વાર્થ કર્મની વાત વાંચી હતી, પણ આમના જેવી નિ:સ્વાર્થતાનાં ભાગ્યે જ મેં ક્યાંય દર્શન કર્યાં હતાં.

રવીન્દ્રનાથ ટાગોરે આથી જ એમના વિશે કહ્યું છે કે નિવેદિતાએ જે તેમનામાં ઉમદામાં ઉમદા અને સર્વોત્તમ હતું તે દેશને ચરણે ધર્યું હતું.

તેમણે યુવાન કલાકારોને મૌલિક થવા પ્રોત્સાહન આપ્યું. પ્રાચીન ભારતીય કલાનો અભ્યાસ કરવા તેમને અજંતા અને ઈલોરા મોકલ્યા. જે કોઈ દેશ માટે કામ કરવા માગતું તેઓને તેઓ હંમેશાં મદદરૂપ થતાં. આથી જ સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવનાર બધા યુવાનોને તેમનામાં મિત્ર, માર્ગદર્શક અને ચિંતકનાં દર્શન થતાં. એક સારાં કેળવણીકાર હોવાથી તેઓ વ્યક્તિમાં રહેલી છૂપી મહાનતા જોઈ શકતાં અને તેમને પ્રેરણા આપી મહાન કાર્યો કરવા તરફ પ્રેરતાં. તેઓએ તામિલ કવિ સુબ્રહ્મણ્ય ભારતી જ્યારે બહુ જાણીતા ન હતા ત્યારે તેમને કહેલું, ‘તમે જરૂર પ્રસિદ્ધિ મેળવશો. ઈશ્વરની આશિષ તમારા પર ઊતરો.’ તેમણે ભારતીને ‘બાળકોનાં ગીતો’ને ચાર પંક્તિમાં લખવા સૂચવેલું, જે પાછળથી ખૂબ પ્રખ્યાત થયેલું. રામાનંદ ચેટર્જીએ ‘ધી મોર્ડન રિવ્યૂ’ શરૂ કર્યું તે પહેલાં એમના વિશે કહેલું કે તેમની બુદ્ધિપ્રતિભા અને ચારિત્ર્ય ઘણું મોટું કાર્ય તેમની પાસે કરાવશે.

આજે સિસ્ટર નિવેદિતા ગર્લ્સ સ્કૂલ કોલકાતાની ઉચ્ચ કક્ષાની માધ્યમિક શાળા છે. એના ચાર વિભાગમાં આઠસો વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. પણ આપણા દેશની શૈક્ષણિક સંસ્થાઓના ઇતિહાસમાં આ સંસ્થાનું કાર્ય અદ્વિતીય છે, કારણ કે આ સંસ્થા એક પ્રયોગ-સ્વરૂપે શરૂ થઈ હતી કે જેનું ધ્યેય યુગોથી આધુનિક શિક્ષણ સામે ઊભા થયેલ પૂર્વગ્રહને તોડીને સ્ત્રીના ઉત્થાનનું કાર્ય કરવાનું હતું. આ કાર્યની પાછળ ઉમદા વિચાર અને ભગીરથ પ્રયત્ન પડ્યા હતા. સ્વામી વિવેકાનંદ વિચારના પ્રતીક હતા અને સિસ્ટર નિવેદિતા કાર્યનાં.

શાળા જ્યાં પ્રથમ શરૂ થઈ તે મકાન એક જુનવાણી હિંદુ પદ્ધતિનું હતું. એ મકાનમાં જ નિવેદિતા પણ રહેતાં હતાં. નિવેદિતા પણ આ શાળાની શરૂઆત માટે એમ માનતાં હતાં કે તે પ્રયોગાત્મક ધોરણે શરૂ કરાઈ છે. શરૂઆત 40 વિદ્યાર્થિનીઓથી થઈ હતી. નિવેદિતાનું બંગાળી ભાષાનું જ્ઞાન મર્યાદિત હોવાથી તેઓ પોતે બાળવિભાગમાં વધુ સમય આપતાં હતાં. તેઓ પોતાના અનુભવો વર્ણવતાં કહે છે કે ‘બાળકોમાં કલા પ્રત્યેની અભિરુચિ ઉત્કૃષ્ટ જણાઈ હતી અને તેઓ સીવવાના અને શ્રમપ્રધાન કાર્યમાં કલ્પનાતીત રસ લેતાં હતાં. એક રવિવારે અમે મોટી વિદ્યાર્થિનીઓને સંગ્રહસ્થાન જોવા લઈ ગયાં. સંગ્રહસ્થાન જોવામાં વિદ્યાર્થિનીઓએ ખૂબ રસ દાખવ્યો. અમે શાળાનું કાર્ય સોમવારથી શુક્રવાર સુધી ચલાવતાં અને શનિ તથા રવિવારે રજા પાળતાં હતાં. જો કે રૂઢિથી ટેવાયેલા માણસોને શનિવારે રજા ગમતી ન હતી.’

એ દિવસોમાં ક્ધયાઓને નાની વયે પરણાવી દેવામાં આવતી હતી, જેને કારણે શાળામાં વિદ્યાર્થિની બહુ લાંબો સમય રહેતી નહીં. શાળા પાસે કોઈ કાયમી ભંડોળ ન હતું કે નિશ્ર્ચિત આવકનું કોઈ સાધન ન હતું. અમેરિકાના સ્વામીજીના કેટલાક મિત્રો કોઈ કોઈ વાર નાની મોટી મદદ મોકલતા હતા.

નિવેદિતાના મતે ‘ભારતીય નારી માટેના જે પ્રશ્નનો ઉકેલ લાવવાનો છે તે આ છે કે (તેને માટે) એવા પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ કે જે આત્મા અને મન બંનેનો વિકાસ, એકબીજા સાથે સુસંગત રહીને સાધવાનું તેનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે. એક વખત આ પ્રકારની શિક્ષણપદ્ધતિ વિશે સફળતાપૂર્વક વિચાર થાય તથા તેની પર્યાપ્તતાનું નિદર્શન કરવામાં આવે તે પછી તો આપણી પાસે કોઈ પણ પ્રકારની ધાંધલધમાલ વગર નારીશિક્ષણનો (નવો) યુગ આવી જશે. આ દિશામાં દરેક સફળ પ્રયોગ નવા પ્રયત્ન શરૂ કરવા માટેનો સંકેત થઈ પડશે. વિદેશોમાં નારીના હિતની સેવા કરવા માટે (લોકોમાં) ક્યારનીય ઝંખના જાગેલી છે. માત્ર અમને (આ દિશામાં) માર્ગ બતાવવામાં આવે તેવું અમે માગીએ છીએ.

શિક્ષણ માટે પદ્ધતિનો પ્રશ્ન મહત્ત્વનો છે, પરંતુ તે (શિક્ષણના) હેતુના પ્રશ્ન આગળ ગૌણ મહત્ત્વ ધરાવે છે. આપણે આપણાં બાળકોનો વિકાસ સાધવાનો જે પ્રયત્ન કરીએ છીએ તેમાં આપણો મૂળભૂત હેતુ જ અસરકારક બની રહે છે. તેથી ક્ધયાઓને શિક્ષણ આપવામાં તો કયા આદર્શ ઉપર કામ કરવાનું છે તેની આપણી પાસે સુસ્પષ્ટ સમજણ હોય તે ઘણું વધારે અગત્યનું છે અને ખાસ કરીને આ બાબતમાં તો કદાચ વિશ્વના બધા દેશોમાં ભારત વધારે ભાગ્યશાળી છે, કારણ કે તે તો સૌથી વધુ મહાન નારીઓની ભૂમિ છે. આપણે ગમે તે તરફ વળીએ, ઇતિહાસ તરફ કે સાહિત્ય તરફ, પરંતુ દરેક જગ્યાએ આપણને આ ભૂમિ (ભારત માતા) એ જેમના બળને પાળ્યું-પોષ્યું છે અને સન્માન્યું છે તથા જેમની સ્મૃતિ કાયમ માટે પવિત્ર રાખી છે તેવાં મહાન ચરિત્રો જોવા મળશે.

આજના સમયમાં ભારતના નૈતિક આદર્શે નવું પરિમાણ ધારણ કર્યું છે – રાષ્ટ્રિય અને નાગરિક પરિમાણ. અહીં પણ નારીને ભૂમિકા ભજવવા તૈયાર કરવી જોઈએ અને ફરી એકવાર એ તરફ સંઘર્ષ કરવામાં જ તેને શિક્ષણ મળતું જશે. દરેક યુગને તેનો પોતાનો બૌદ્ધિક સમન્વય હોય છે, જેની ધારણા તે યુગનો આદર્શ પ્રાપ્ત થાય તે પહેલાંથી મનમાં બંધાઈ જવી જોઈએ. રૂઢિચુસ્ત હિંદુ નારીના આત્મ-પરિપૂર્ણતા માટેના નિશ્ર્ચિત માનસિક ખ્યાલના અસંખ્ય રસ્તાઓ પાશ્ર્ચાત્ય માનસ માટે ખરેખર ભુલભુલામણી ઊભી કરે છે. ખરેખર તો રૂઢિચુસ્ત હિંદુ નારીએ, તેના વિશે સામાન્ય રીતે માનવામાં આવે છે તે રીતની અભણ કે નિરક્ષર હોવા છતાં, તેની પોતાની રીતે અત્યંત વિલક્ષણ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય છે. માત્ર આધુનિક સમયના લોકોએ તેને કશું મહત્ત્વનું હોવાનું ગણ્યું નથી એટલું જ.

તે જ રીતે 20મી સદીની જરૂરિયાતોને પહોંચી વળવા માટેની સમર્થતાના આદર્શને સિદ્ધ કરવા માટે એક વિશિષ્ટ પ્રકારનો સમન્વય પ્રાપ્ત કરવો પડશે. હવે વિદ્યાર્થી પાસે ભૂતકાળની પૌરાણિક-સામાજિક સભ્યતામાં કરવામાં આવતું હતું તે રીતનું, કોઈ પણ કથાનું માત્ર ભાવનાત્મક પાસું રજૂ નથી કરવાનું. હવે વિદ્યાર્થીએ આ કથનની મર્યાદાઓ, તેના સમાન મૂળમાંથી ઉત્પન્ન થયેલા વિચારો સાથેનો સંબંધ અને જે તબક્કાઓ દ્વારા માનવજાતિ આ પ્રકારની સ્થિતિ ઉપર પહોંચી છે તે બધાને સમજવાનો પ્રયત્ન કરવાનો છે.

બીજા શબ્દોમાં કહીએ તો આધુનિક સમન્વય વૈજ્ઞાનિક, ભૌગોલિક અને ઐતિહાસિક છે અને જ્ઞાનના આ ત્રણેય પ્રકારો નારીએ પુરુષની જેમ જ પ્રાપ્ત કરવાના છે, કારણ કે સત્યમાં કોઈ જાતિ-લિંગ ભેદ હોતો નથી.’

સુરેન્દ્રનાથ બેનર્જી નિવેદિતાને અંજલિ આપતાં લખે છે, ‘તેઓ સંપૂર્ણત: ભારતીય હતાં. તેમની રાષ્ટ્રિયતા તો એક બાહ્ય અકસ્માત હતો. તેઓનો આત્મા ભારતીય હતો. એમ જણાય છે કે પ્રાચીન સમયના કોઈ ઋષિના મુક્તાત્માએ તેમનામાં પ્રવેશ કર્યો હતો કે જેથી પશ્ચિમના જીવનમાંથી શક્તિ મેળવી તેઓ ફરીથી પરિચિત વાતાવરણમાં તેમના લોકોની સેવા માટે આવી શક્યાં હતાં. તેમનું મન અને આત્મા ભારતીય હતાં. તેઓ ભારતીય વિચારો વ્યકત કરતાં હતાં. તેઓને ભારતનાં જ સ્વપ્ન આવતાં હતાં. ભારતીય પ્રાચીન અને અર્વાચીન જીવનમાં જે કંઈ ઉમદા અને ઉત્તમ હતું તેવા વાતાવરણમાં જ તેઓ દિવસ અને રાત ગાળતાં હતાં.’

રાસબિહારી ઘોષ તેમનાં કાર્યને મૂલવતાં જણાવે છે કે, ‘સિસ્ટર નિવેદિતા નારીઓમાં નારીરત્ન સમાં હતાં. ઉમદા હેતુઓ, ધૈર્ય, હિંમત, ત્યાગ અને સહનશીલતાના કેવા ઉત્તમ પાઠો આપણને એમના જીવનમાંથી મળે છે! ગ્લેડસ્ટનના શબ્દોમાં કહીએ તો, સિસ્ટર નિવેદિતાએ જીવન એ મહાન અને ઉમદા કાર્યો માટે છે તે શીખવ્યું છે. બીજા માટે જીવવું એ તેમના જીવનનો માર્ગદર્શક સિદ્ધાંત હતો.

કોણ કહેશે કે તેમનો પ્રયત્ન વ્યર્થ હતો? કોણ કહી શકશે કે તેમણે તેમના અનુયાયીઓ માટે માર્ગ સરળ કરી નહોતો આપ્યો? તેમણે આપણને શીખવ્યું છે કે સાચો મોક્ષ મેળવવા માટેનો પુરુષાર્થ સ્વાર્થી સંન્યસ્તમાં નહીં, પણ સાચા નાગરિક ગુણો કેળવવામાં રહેલ છે. તેઓ એક આદર્શવાદી હતાં એ ખરું, પણ તેઓ પ્રમાદી દ્રષ્ટા ન હતાં. તેઓ કહેતાં કે સ્વચ્છતાનો નાગરિક-આદર્શ લઈ કામ કરનાર એક વાળનાર એ પોતાની જાત માટે જ કામ કરનાર બ્રાહ્મણ કરતાં ઘણો ચડિયાતો નાગરિક છે.

મૃત્યુએ તેમને તેમનું કાર્ય પૂરું થાય એ પહેલાં જ આપણી વચ્ચેથી છીનવી લીધાં. પરંતુ દરેક સત્કાર્ય કરનારની આ જ ગતિ હોય છે. હૂકર કહે છે તેમ આવા લોકો અન્યના પથપ્રદર્શક હોય છે. સિસ્ટર નિવેદિતા ભલે મૃત્યુ પામ્યાં હોય, પણ એમનું જીવન અને કાર્ય કદી નાશ પામવાનાં નથી.’

Total Views: 140
By Published On: November 1, 2017Categories: Gulababhai Jani0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram