કાલી કરાલવદના ।

કંઠે મુંડમાળધારિણી ।

પ્રલંયકરી, ખડ્ગધારિણી।

આસુરી બળોની ધ્વંસકારી તારી ભીષણ તાંડવલીલા બાહ્ય રીતે કંપાવનારી છે…

પરંતુ ભક્તો તારી ચેતનાના ઊંડાણમાં તારી સાથે તાદાત્મ્ય સાધી ભક્તિભાવમાં લીન થાય છે. ત્યારે ભદ્રકાલી બની તું સર્વમંગલા બને છે, તારી કરુણાની ઘારા પ્રવાહિત થાય છે.

ર્જીણ જગતનો ધ્વંસ કરી, આસુરી સંપદા નષ્ટ કરી, નવસર્જન માટેનું બીજારોપણ કરીને મનોહર, ચિત્તાકર્ષક વિશ્વઉદ્યાનનું સર્જન કરે છે ત્યારે એ પ્રલયંકર નૃત્યનું અંતિમ ધ્યેય કેટલું કલ્યાણપ્રદ અને મનોમુગ્ધકારી હોય છે !

મા શ્યામાનો રંગ કેટલો સમૃદ્ધ

જે બધા રંગોને સમાવિષ્ટ કરે છે !

-શ્રી નાથાલાલ જોષી

આયર્લેન્ડમાં જન્મેલાં એક સન્નારી કરાલવદના અને મુંડમાળધારિણી મહાકાલીનાં પરમ ભક્ત બનીને રહી શકે ? હા, અશક્યવત્ લાગતી ઘટના આ પૃથ્વીના પટ પર બની છે.

આ મહાન નારીનું જન્મનું નામ તો હતું માર્ગરેટ એલિઝાબેથ નોબલ ! પછીથી સ્વામી વિવેકાનંદનાં શિષ્યા બન્યાં અને સ્વામીજીએ નામ આપ્યું- નિવેદિતા!

ઠાકુર રામકૃષ્ણદેવના વેદાંતપ્રણીત અદ્વૈત પંથની સાધનાના ગુરુ સ્વામી શ્રી તોતાપુરજી મહારાજ પણ શક્તિ અને શક્તિ-ઉપાસનાનો સ્વીકાર કરતા નહિ. તોતાપુરીજી પાકા વેદાંતી અને નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સિવાય કોઈ દૈવતનો અને તદનુસાર શક્તિનો સ્વીકાર પણ ન કરે ! પરંતુ એવી ઘટના ઘટી કે તેમણે શક્તિ તત્ત્વનો સ્વીકાર કરવો જ પડ્યો.

તોતાપુરી મહારાજનું સ્વાસ્થ્ય બરાબર નહોતું. કંટાળીને તેમણે દેહત્યાગનો નિર્ણય કર્યો. દેહત્યાગ માટે  રાત્રે એકલા જ ગંગાના ગહન અને વેગીલા પ્રવાહમાં પ્રવેશ કર્યો. પરંતુ આશ્ચર્ય ! ગંગાના પ્રવાહમાં સામા કાંઠા સુધી ચાલતા રહ્યા પરંતુ ક્યાંય કમરથી વધારે પાણી જણાયું જ નહિ. ‘કોઈક  શક્તિ મને બચાવવા ધારે છે’ એમ જ્ઞાની પુરુષ આખરે સમજી ગયા અને તદનંતર આ શક્તિનો સ્વીકાર કરતા થયા.

સ્વામી વિવેકાનંદનો ભાવ પણ કાંઈક જુદો જ હતો. તેઓ પાકા બ્રાહ્મસમાજી હતા. કાલી આદિ કોઈ દેવ-દેવી કે તેમનાં આકાર-રૂપ અને તેમની ઉપાસનાનો સ્વીકાર કરે જ નહીં. ઠાકુરને ગુરુ માને તોપણ સ્વામીજી  પ્રારંભમાં મહાકાલીના સ્વરૂપનો સ્વીકાર ન જ કરતા. સ્વામીજીએ છ વર્ષ સુધી આ મથામણ કરી હતી. સ્વામીજીએ કહ્યું છે –

‘હું કાલી અને તેમની કાર્યપદ્ધતિનો ઇન્કાર કરતો હતો. આ કારણે મારો ગુરુદેવ સાથે છ વર્ષ સુધી વિવાદ ચાલતો રહ્યો. હું મહાકાલીની મહાનતાનો સ્વીકાર કરી શક્યો જ નહિ. પરંતુ આખરે મારે મા કાલીની મહાનતાનો સ્વીકાર કરવો જ પડ્યો. ઠાકુર શ્રીરામકૃષ્ણદેવે મને તે માટે બાધ્ય કરી જ દીધો ! મને તેમનાં ચરણોમાં સમર્પિત કરી જ દીધો ! હવે મને લાગે છે કે મારાં પ્રત્યેક નાનાં મોટાં કાર્યોમાં તે જ મારું માર્ગદર્શન કરી રહી છે અને પોતાની ઇચ્છા અનુસાર મારા દ્વારા કાર્ય કરાવી રહી છે.’

સ્વામી વિવેકાનંદજીને કાશ્મીરમાં ક્ષીરભવાનીમાં એક વિરલ અને અદ્‌ભુત અનુભૂતિ થઈ. તે વખતે ભગિની નિવેદિતા અને અન્ય સહયોગીઓ સ્વામીજીની સાથે હતાં અને આ ઘટનાનાં સાક્ષી હતાં. આ અનુભૂતિ પછી સ્વામીજીએ કહ્યું છે –

‘આ સર્વ દેવી-દેવતા માત્ર કાલ્પનિક પ્રતિક નથી. તેઓ પોતાના ભક્તોને દર્શન દેવા માટે માનવ શરીર ધારણ કરીને આવે  છે.’

ભગિની નિવેદિતા પણ કાંઈક આવા જ સંઘર્ષમાંથી પસાર થયાં છે. ઉત્તર આયર્લેન્ડના એક ખ્રિસ્તી પરિવારમાં જન્મેલાં આ સન્નારી નિવેદિતા માટે ઉગ્રરૂપ ધારિણી મહાકાલીનો સ્વીકાર કરવાનું કાર્ય સરળ ન જ હોય, તે સમજી શકાય તેમ છે.

નિવેદિતાને પણ સ્વામીજી સાથે ખૂબ ચર્ચાઓ થઈ છે; ખૂબ મથામણ કરવી પડી છે.

ખ્રિસ્તી ધર્મમાં પરમાત્માના પ્રેમ સ્વરૂપનો, સૌમ્ય સ્વરૂપનો સ્વીકાર છે. એક ખ્રિસ્તી માટે પરમાત્માના આ ઉગ્ર સ્વરૂપ-મહાકાલી સ્વરૂપનો સ્વીકાર કરવાનું સરળ નથી જ ! પરંતુ ભગિની નિવેદિતા તે કઠિન કાર્ય સિદ્ધ કરી શક્યાં તેનાં કારણો છે.

(1) સત્યની શોધ અને સત્યનો સ્વીકાર કરવાની તેમની તમન્ના. (2) સ્વામી વિવેકાનંદ પરની તેમની શ્રદ્ધા. (3) ભારતીય સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે તેમનો અહોભાવ.

મહાકાલીના અસ્તિત્વ વિશે ઉદાસીન રહેનાર સ્વામી વિવેકાનંદ કાલીના ભક્ત બને છે અને કાલીનાં સ્તોત્ર પણ રચે છે.

સ્વામીજીનાં અનન્ય શિષ્યા ભગિની નિવેદિતા પણ ગુરુમાર્ગે ચાલે છે અને તેમનું પણ સ્વામીજીની જેમ જ થાય છે. ભગિની નિવેદિતા કાલીનાં ભક્ત અને ઉપાસિકા કેવી રીતે બને છે?

આવી રીતે….

(1) પરમાત્મા સર્વશક્તિમાન છે, તેમ ધર્મ કહે છે. જો પરમાત્મા શક્તિમાન છે, તો તેની શક્તિ પણ હોય જ! આ શક્તિ તે જ જગદંબા !

(2) સર્જન અને સંહાર, બન્ને સૃષ્ટિ ક્રમનાં અનિવાર્ય પાસાં છે. તદનુસાર શક્તિનું જેમ સૌમ્ય સ્વરૂપ છે, તેમ તેનું ઉગ્ર સ્વરૂપ પણ છે જ! આ ઉગ્ર સ્વરૂપ તે જ મહાકાલી છે.

(3) જેમ સૌમ્ય સ્વરૂપ મંગલસ્વરૂપ છે તેમ ઉગ્ર સ્વરૂપ અર્થાત્ મહાકાલી પણ મંગલ સ્વરૂપા જ છે.

(4) બહિરંગ સ્વરૂપે ઉગ્ર લાગતી મહાકાલી પણ અંતરંગ સ્વરૂપે મંગલમય જ છે. અર્થાત્ મહાકાલી પણ ભદ્રકાલી જ છે.

ભગિની નિવેદિતા બુદ્ધિમાન છે અને સત્યનાં શોધિકા છે. તદનુસાર આ સત્યનો સ્વીકાર તેઓ કરી શક્યાં અને મહાકાલીનો સ્વીકાર કરી શક્યાં. એટલું જ નહિ ભગિની મહાકાલીનાં ઉપાસિકા પણ બની શક્યાં.

ભગિની નિવેદિતાએ ભારતીય સંસ્કૃતિનો, હિન્દુ ધર્મનો અને ભારતીય દર્શનોનો ગહન અભ્યાસ કર્યો છે. તદનુસાર તેમણે મહાકાલીના સ્વરૂપ અને ઉપાસના પદ્ધતિનો પણ ગહન અભ્યાસ કર્યો છે.

ભગિની નિવેદિતાએ ભારતના ગણમાન્ય લોકો સમક્ષ મહાકાલીના સ્વરૂપ અને ઉપાસના વિશે એકાધિક વ્યાખ્યાનો પણ આપ્યાં છે.

ઉત્તર આયર્લેન્ડમાં જન્મેલી એક સન્નારી નખશિખ ભારતીય બને અને મહાકાલીની ઉપાસિકા પણ બને- આ એક વિરલ ઘટના છે. પરંતુ પૃથ્વી પર આવી વિરલ ઘટના પણ બને છે, બની શકે છે અને બનતી રહેશે.

ભગિની નિવેદિતા જ્યારે પ્રથમ વખત મા શારદામણિદેવીને મળ્યાં ત્યારે પ્રથમ નજરે જ તેમનાથી એવાં અને એટલાં પ્રભાવિત બની ગયાં કે ભગિનીએ માને જગદંબા રૂપે સ્વીકારી લીધાં અને જગદંબાએ આ ભગિનીને પુત્રીરૂપે, ખૂકીરૂપે સ્વીકારી લીધાં. આ અનુભવ પણ નિવેદિતા માટે કાલીના સ્વીકાર અને ઉપાસના માટે સહાયક બની રહ્યો હતો.

એક વાર શક્તિમાનની શક્તિનો સ્વીકાર થાય અને શક્તિનાં અનેક અને અનેકવિધ સ્વરૂપો હોઈ શકે તો મહાકાલીનો સ્વીકાર સરળ બની જાય છે. નિવેદિતામાં આમ બની શક્યું છે. તેથી યુરોપિયન શરીર-મન હોવા છતાં નિવેદિતા મહાકાલીનો સ્વીકાર કરી શક્યાં છે.

ભગિની નિવેદિતાએ માત્ર મહાકાલીનો સ્વીકાર જ કર્યો તેટલું જ નહીં, તેમણે મહાકાલીની ઉપાસનાનો પ્રસાર પણ કર્યો છે. મહાકાલીના સ્વરૂપને અન્ય લોકોને સમજાવવાનો સફળ પ્રયત્ન પણ કર્યો છે. તે યુગનો બંગાળનો બુદ્ધિજીવી વર્ગ અંગ્રેજોની ખૂબ અસર નીચે હતો. બ્રાહ્મોસમાજની અસર નીચે પણ હતો અને તેથી મહાકાલીના સ્વરૂપ અને ઉપાસનાનો ઇનકાર અને વિરોધ પણ ખૂબ થતો હતો.

ભગિની નિવેદિતાએ ઊંચી સમજ અને પ્રખર બુદ્ધિમત્તાના સામર્થ્ય પર આ બુદ્ધિજીવીઓને અસરકારક ઉત્તર પણ આપ્યો હતો.

સામાન્યત: બંગાળ કાલીપૂજકોનો પ્રદેશ ગણાય છે. આ કાલીપૂજકોના પ્રદેશમાં આવીને એક વિદેશીનારીએ કાલી ઉપાસનાની પ્રતિષ્ઠાનો ભગીરથ પ્રયત્ન સફળતાપૂર્વક કર્યો છે. આ એક વિરલ ઘટના અહીં આપણા ભારત દેશમાં ઘટી છે.

ભગવતી મહાકાલીને અને મહાકાલીનાં સમર્થ ઉપાસિકા ભગિની નિવેદિતાને શત સહસ્ત્ર વંદન !

Total Views: 276

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.