‘જ્યારે અહીં પાછો ફરીશ ત્યારે હું સમાજ પર બોમ્બની જેમ ફૂટીશ.’ પરમ ગુરુ રામકૃષ્ણદેવ (1836-1886)ની ચિરવિદાય પછી તેમના અનેક શિષ્યોની જેમ વિવેકાનંદ (1863-1902)ને પણ નકરું નિરાધારપણું અનુભવાયા કર્યું. એ ક્ષણોમાં એમણે ભારત-ભ્રમણનો સંકલ્પ કર્યો (1886). એ અર્થે સંચરતાં અગાઉ એમણે બોમ્બની જેમ ફૂટવાની સિંહગર્જના કરી. યુવા અને અજ્ઞાત પરિવ્રાજક સાધુ વિવેકાનંદ ભારતભરમાં ઠેર ઠેર ઘૂમ્યા. ભારતના લોકોની ભયંકર ગરીબી જોઈને તેમની આંખો વારંવાર વહેતી રહી. ગરીબી હટાવવાનો ઉકેલ એમણે શિક્ષણમાં ભાળ્યો પણ ‘શિક્ષિત ભારત’ની મંઝિલ તો બહુ દૂર હતી. ભ્રમણને અંતે વિવેકાનંદે પોતાનામાં બોમ્બ જેવી શક્તિ ઊછળતી અનુભવી. એમના દિલ અને દિમાગમાં પોતાના જીવનનો હેતુ કોતરાઈ ગયો, ‘એક જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો, સર્વ ઝનૂનવાદોનો અને તલવાર કે કલમથી થતા સર્વે ત્રાસનો મૃત્યુઘંટ!’

હવે એમણે નિર્ધારિત હેતુને ભારતની જ નહીં, પશ્ચિમની ધરતી પર પણ આકારિત કરવાનો સંકલ્પ કર્યો. એમના અંતરમાં ઊગ્યું, ‘ગરીબી દૂર કર્યા વિના ધર્મનો ઉપદેશ આપવાનો કોઈ જ અર્થ નથી.’ આ માટેનાં સાધનો શોધવા એમણે અમેરિકા તરફ પ્રયાણ કરવાનો સંકલ્પ કર્યો. એવામાં વળી છાપાઓ દ્વારા ત્યાં શિકાગો મુકામે ‘વિશ્વધર્મ પરિષદ’ યોજાવાના સમાચાર જાણ્યા. આત્મીય મિત્રો અને પરિચિત પ્રશંસકોએ એમને ત્યાં જવા આગ્રહભરી વિનંતી કરી. ત્યાં પહોંચવાના આડે અનેક પડકારો ઊભા થતા આવ્યા. તે બધાને એક પછી એક પડકારતાં-પછાડતાં કે પસવારતાં પોતે શિકાગો પહોંચ્યા.

ધર્મ પરિષદમાં એમણે એવું ચોટદાર પ્રવચન આપ્યું કે એમનો પ્રભાવ શિકાગોમાં જ નહીં, યુરોપભરમાં પથરાઈ રહ્યો – જાણે વિનાશકારી નહીં, આંતર-બાહ્ય વિકાસકારી બોમ્બ ફૂટ્યો! સ્વામી વિવેકાનંદની ઠેર ઠેર સન્માનભેર સભાઓ અમેરિકા ઉપરાંત ઇંગ્લેન્ડમાં પણ થવા માંડી. ક્યાંક ગંજાવર સભા તો ક્યારેક પંદર-વીસ જિજ્ઞાસુઓની મંડળી વચ્ચે વિવેકાનંદજી સમભાવ સાથે બેસી જતા.

ઇંગ્લેન્ડમાં વિમ્બલ્ડન મુકામે આવી એક મંડળીમાં સામેલ 28 વર્ષનાં કુ. માર્ગરેટ નોબેલે એ યુવાન સાધુને ધ્યાનપૂર્વક સાંભળ્યા. એમની આવી આધ્યાત્મિક રુચિ અજંપ હતી: ‘શું છે જીવન? શાને માટે છે જીવન? શામાં છે તેની સાર્થકતા?’ આ અને આવા પોતાને પજવતા પ્રશ્નોના ઉત્તરો પામવા એ મથ્યા કરતાં. પોતાના ખ્રિસ્તી ધર્મ તેમજ પોતાને આકર્ષતા બૌદ્ધ ધર્મના અભ્યાસ દ્વારા માર્ગરેટને સમાધાન ન સાંપડ્યું અને પૂરું સમાધાન તો ક્યાં આપ્યું ભારતના આ હિંદુ સાધુએ?

એ પહેલી મુલાકાતથી માર્ગરેટ ખાસ પ્રભાવિત ન થયાં, આદર જરૂર થયો. લાગ્યું કે એમની વાતમાં તણખો જરૂર હતો. તેમની સાથેનો વૈચારિક તંતુ અતૂટ તો રાખ્યો જ. વિવેકાનંદજીના લંડન મુકામે અન્યત્ર યોજાયેલ પ્રવચન સાંભળવા પહોંચી ગયાં. પ્રવચનને અંતે તેમણે અનુમતિ લઈને પ્રશ્નો પૂછ્યા. ખરા જણાતા જિજ્ઞાસુને મન પડે તેવા પ્રશ્નો પૂછવાની સ્વામી વિવેકાનંદ દ્વારા અપાતી સ્વતંત્રતાથી માર્ગરેટ પ્રભાવિત થયાં પણ ઝૂક્યાં તો નહીં જ. હા, પછી પણ થવા પામેલી ચર્ચાઓને અંતે ચિત્ત સ્વચ્છ થવા પામ્યું. સંશયો શમ્યા. અનાયાસ વૈચારિક સેતુ રચાયો. એ સેતુ પર થંભીને બંનેએ એકબીજાની જાણે કે કસોટી કરી. છેવટે માર્ગરેટને વિવેકાનંદજીએ દોરેલ નકશામાં જ પોતાના જીવનરાહની ઝાંખી થઈ. જો કે સ્વામીજીએ તેમને શિષ્યા તરીકે સ્વીકારવાની ઉતાવળ ન જ કરી કે ન કોઈ આદેશ આપ્યો કેમ કે તેઓ વ્યક્તિનિષ્ઠાના નહીં પરંતુ વિચારનિષ્ઠાના આગ્રહી હતા.

દેશહિતના વિચારોમાં શિક્ષણ – સવિશેષ નારીશિક્ષણ – થવું એ એમને માટે ખૂબ અગત્યની બાબત હતી. એમના મતે દેશની દુર્દશાના મૂળમાં મહિલાઓમાં શિક્ષણનો અભાવ વિશેષ કારણભૂત હતો. આ કાર્ય માટે કોઈ સમર્થ અને સંનિષ્ઠ મહિલાની સક્રિય સેવાઓ મળી રહે તે જરૂરી હતું. વિવેકાનંદજીએ ભારતની કેટલીક શિક્ષિત મહિલાઓનો સાથ-સહકાર મેળવવાનો પ્રયાસ કર્યો પણ અપેક્ષિત પ્રતિભાવ સાંપડ્યો નહોતો.

એક વખત વાતવાતમાં વિવેકાનંદજીએ કુ. માર્ગરેટને સહજભાવે મહિલાશિક્ષણ અંગેનું પોતાનું અરમાન વ્યક્ત કર્યું, ‘મારા દેશની મહિલાઓ માટે મારી પાસે યોજના છે અને મને લાગે છે કે એમાં તમે મને ઘણાં ઉપયોગી થઈ શકો તેમ છો.’ આ સાંભળીને માર્ગરેટ ખુશ થયાં. પણ ત્યારે વિવેકાનંદે એમને એ કાર્ય હાથ ધરવા માટે ભારત આવવાનો સંકેત કર્યો નહીં.

મૂળે તો માર્ગરેટ કેવળ પોતા માટેના પ્રેમ અને ભક્તિને લીધે ભારત ખેંચાઈ આવે તે વિવેકાનંદજીને મંજૂર નહોતું. માર્ગરેટ તો ભારત આવવા અતિ ઉત્સુક થયાં હતાં પણ સ્વામી વિવેકાનંદને માર્ગરેટ અંગે કેટલીક મૂંઝવણો કે દહેશતો રહ્યા કરતી હતી – એક, તે પોતાપણું વિસરી શકશે કે કેમ? બે, તે ભારતની ગરમ આબોહવા સહન તો કરી શકશે ને? ત્રણ, અહીંનાં અર્ધનગ્ન સ્ત્રી-પુરુષોની વચ્ચે એને કામ કરવું ફાવશે? આથી જ સ્વામીજીએ માર્ગરેટના ભારત આવવા અંગે નિર્ણય લેવામાં સમય લીધો. આ તરફ માર્ગરેટ પોતાનું બધું છોડી કે સંકેલીને ભારત આવવા અતિ ઉત્સુક હતાં એ પણ સ્વામીજી જાણતા હતા. માર્ગરેટનો ભારત આવવા માટેનો અતિ આગ્રહ, સેવાકાર્ય માટેની નિષ્ઠા તથા ઊંડી રુચિએ સ્વામીજીની માર્ગરેટ અંગેની અવઢવને ટાળી દીધી. એમણે 29 જુલાઈ, 1897ના એક પત્રમાં કુ. માર્ગરેટ નોબલને લખ્યું,

‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે એની મને હવે ખાતરી થઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે, કાર્ય કરવા સારુ જે જરૂર હતી તે પુરુષની નહીં પણ સ્ત્રીની; સાચી સિંહણની.

ભારત હજુ મહાન સ્ત્રીઓને પેદા કરી નહીં શકે; તેણે બીજી પ્રજાઓમાંથી સ્ત્રી કાર્યકરોને ઉછીની લેવી પડશે. તમારી કેળવણી, અંતરની સચ્ચાઈ, પવિત્રતા, અથાગ પ્રેમ, નિશ્ર્ચય અને સૌથી વિશેષ તો તમારું સેલ્ટ જાતિનું ખમીર, જે જાતની સ્ત્રી-કાર્યકર્તાની જરૂર છે તેવાં જ તમને બનાવે છે….

આ બધું હોવા છતાં જો તમે કાર્ય કરવા માટે સાહસ ખેડવાનાં હો તો તમે ભલે ખુશીથી આવો, સેંકડો વાર પધારો.’

સ્વામી વિવેકાનંદનું આ આહ્‌વાન ‘ઊંચેરું’ એટલા માટે કહી શકાય કે એમાં જીવનદાનની અપેક્ષા છે, એટલું જ નહીં તેમાં આહ્‌વાન કરનારનો આ શીળો સધિયારો પણ આહ્‌વાનની ઊંચાઈ વધારનાર છે –

‘તમે આમાં કૂદી પડો તે પહેલાં પૂરો વિચાર કરજો અને જો કામ કર્યા પછી તેમાં નિષ્ફળ જાઓ કે કંટાળી જાઓ, તો મારા વતી તો હું વચન આપું છું કે તમે ભારત માટે કામ કરો કે ન કરો, વેદાંત રાખો કે છોડી દો ‘હું છેલ્લી ઘડી સુધી તમારી પડખે ઊભો રહીશ.”

આ ઊંચેરા આહ્‌વાનને ઝીલીને મહાન નારી માર્ગરેટે સ્વજનોની વિદાય લેવા માંડી. માતા, ભાઈબહેન, મિત્રો, સ્વજનો તેમજ પ્રાપ્ત દરજ્જાને છોડીને વર્ષ 1898ની 28મી જાન્યુઆરીએ પોતાના સ્વપ્નના ભારતમાં કોલકાતા બંદરે આવી પહોંચ્યાં. તેમના સ્વાગત માટે સ્વયં વિવેકાનંદજી ઉપસ્થિત હતા. આથી માર્ગરેટના હૃદયને સાંત્વના સાંપડી.

કોલકાતામાં થોડા દિવસો પોતાના ત્રણેક મિત્રો સાથે અહીંનાં દર્શનીય સ્થળો જોવામાં પસાર થયા. ઘોડાગાડી ભાડે કરીને કોલકાતાની ગલીઓમાં ઘૂમ્યાં અને થોડાંક હિંદુઘરો પણ જોયાં. દરમિયાન સ્વામીજીએ તેમના માટે બંગાળી ભાષા શીખવાની વ્યવસ્થા ગોઠવી આપી.

સમય જતાં 11 માર્ચ, 1898ના દિને રામકૃષ્ણ મિશનની ઉદ્‌ઘાટન સભા યોજાઈ. સ્વામીજી તેના પ્રમુખપદે હતા. સભામાં ઉપસ્થિત માર્ગરેટનો પરિચય કરાવતાં એમણે કહ્યું, ‘ઇંગ્લેન્ડે આ પૂર્વે પણ આપણને કેટલાક મહાન વિદ્વાનોની ભેટ આપેલ છે; અને હવે ઇંગ્લેન્ડે માર્ગરેટ નોબલના રૂપમાં એક મૂલ્યવાન ભેટ આપણને આપી છે. એમની પાસે આપણને અનેક આશાઓ અને અપેક્ષાઓ છે. તમારો વધુ સમય ન લેતાં આપ સર્વેને કુ. માર્ગરેટ સાથે સીધો જ પરિચય કરાવું છું…’ આ વખતે કુ. માર્ગરેટે કહ્યું, ‘આપ લોકોએ આ મહાપુરુષના માધ્યમ દ્વારા આધ્યાત્મિક સંદેશ મોકલ્યો હતો તે અમારા જીવનમાં વધુ ને વધુ મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી રહેલ છે… અને એટલા માટે, આ મહાન વ્યક્તિત્વના કાર્યમાં મદદરૂપ થવા માટે સેવાની ઝંખના સાથે અહીં આવેલ છું. શ્રીરામકૃષ્ણદેવની જય!’

શ્રી શારદામણિદેવી, જેમને સૌ આદરભેર શ્રીમા તરીકે ઓળખતા, તેમની સાથે 17મી માર્ચ, 1898ના દિને માર્ગરેટનું મિલન થયું. પોતે અંગ્રેજી ભાષા તો સમજતાં નહોતાં પણ તેમણે હાથમાં ધારણ કરેલ ફળોનો તેમણે સ્વીકાર કર્યો એટલું જ નહીં, રૂઢિ છોડીને સાથે બેસીને ભોજન પણ લીધું. આ એક અભૂતપૂર્વ બનાવ હતો. તેથી એવો સ્પષ્ટ સંકેત પણ મળ્યો કે વિદેશી ભક્ત મહિલાઓને હિંદુ સમાજના સંસ્કારો અવશ્ય આપી શકાય અને હિંદુ તરીકે તેમને અપનાવી શકાય. માતાજીએ સહજભાવે માર્ગરેટને અપનાવ્યા પછી જ સ્વામી વિવેકાનંદે તેને શિષ્યા તરીકે અપનાવામાં વિશેષ ઔચિત્ય માન્યું.

25 માર્ચ, 1898ના દિને બ્રહ્મચર્યદીક્ષા-સંસ્કારનો વિધિ યોજાયો. સ્વામીજી સહિત સૌ મઠમાં એકત્રિત થયા. સ્વામીજી કુ. માર્ગરેટને પૂજાઘર ભણી દોરી ગયા. જીવનના રચાતા નવા અધ્યાય સમયે તેમને શિવપૂજા શીખવી. પવિત્ર મંત્રનો જાપ કરતાં માર્ગરેટે સ્વામીજીને દંડવત્ પ્રણામ કર્યા. આ પછી કુ. માર્ગરેટને નામ અપાયું – નિ..વે..દિ..તા..! એ નૂતન અને પવિત્ર નામ ધારણ કરવાની ક્ષણોમાં ભગિની નિવેદિતાની આંખો વરસતી રહી.. વરસતી રહી. પૂજા-અનુષ્ઠાન પછી તેઓ સૌ પગથિયાં ચડીને ઉપરના ખંડમાં ગયાં. સ્વામીજીએ શિવ-યોગીની જેમ શરીરે ભસ્મ લગાવી. અસ્થિકુંડલ ધારણ કર્યાં. પદ્માસનમાં બેઠા. હાથે તંબૂરો લીધો. પોતે શિવ-સ્તુતિ ગાવા માંડી અને પછી તો ભજનોની રમઝટ ચાલી. હવે જ્યારે સૌ સ્વસ્થતાને સંચરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદે ધીરગંભીર અવાજે કહ્યું :

‘તેઓ અહીં ગુરુગીરી કરવા નથી આવ્યાં… પ્રાણ ન્યોચ્છાવર કરવા આવ્યાં છે.’

અને ખરે જ, ભગિની નિવેદિતાએ આખર સુધી ભારતની મહિલાઓ માટે શિક્ષણ અને સંસ્કારની જ્યોત પેટાવ્યા જ કરી કેમ કે સ્વામી વિવેકાનંદના ‘ઊંચેરા આહ્‌વાન’ના ઉત્તરમાં એમનું ભારતની ધરતી પરનું આગમન ‘અ…ફ…ર’ હતું!

Total Views: 319

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.