‘નિવેદિતા પાસેથી મેં ઈશુ ખ્રિસ્ત વિશે ઘણી વાતો સાંભળી હતી. તેમણે એમના વિશેની ઘણી મજાની વાર્તાઓ મને વાંચી સંભળાવી હતી. અરે, ઈશુ ખ્રિસ્ત તો આ દુનિયામાં લોકોને કંઈક આપવા આવ્યા હતા અને એને માથે કેટકેટલાં વિતકો વિત્યાં! એ બધાં દુ:ખકષ્ટો એમણે સહી લીધાં. આ બધા સિતમો છતાં પણ તેઓ લોકોને ચાહતા અને તેમને નિરપેક્ષભાવે માફ પણ કરી દેતા. તેમના પોતાના શિષ્યે જ તેમને દગો દીધો. અરે, તેમણે તેમને હાથે, પગે અને છાતીએ ખીલા ઠોકીને મારી નાખ્યા. આવી ભયંકર દુ:ખયાતના સહન કરી છતાં જરાય ઉપેક્ષાની ભાવના વિના એમને માફ કર્યા. તેમણે તેમના આ ગુનાને ધ્યાનમાં ન લેવા ઈશ્વરને પ્રાર્થના કરી. સામાન્ય માણસ માટે આવાં પ્રેમ, સહનશીલતા અને ક્ષમાશીલતા હોવાં શક્ય છે ખરાં ? ઈશ્વર સિવાય આવી રીતે આટલું બધું કોણ સહન કરી શકે ? ઈશ્વર જ ઈશુ રૂપે જગતના લોકને દિવ્ય સંદેશ શીખવવા આવ્યા હતા.

આ નિવેદિતા તરફ જુઓ, એક વિદેશી નારી આપણા દેશમાં આવ્યાં અને અપમાનો, કનડગતો સહન કરી કરીને આ દેશ માટે કાર્ય કર્યું. સાથે ને સાથે કેટલીયે અસુવિધાઓ સહન કરીને તેમણે આપણાં બાળકોને કેળવણી આપવા પ્રયત્ન કર્યો. જ્યારે બાળકોને પોતાની શાળામાં મોકલવા માટે ઘરે ઘરે ગયાં ત્યારે તેમને ઘણાં અપમાનો સહન કરવાં પડ્યાં. કેટલાંકે તો તેમને ઘરમાં જ પ્રવેશવા ન દીધાં; કેટલાંકે ઘરમાં તો જવા દીધાં પરંતુ પછીથી પોતાના ઘરને પવિત્ર કરવા ગંગાજળ પણ છાંટ્યું. તેમણે આવું બધું જોયું પણ કંઈ મનમાં ન આણ્યું. તેઓ તો હસતા મુખે જે તે ઘરમાંથી બહાર નીકળતાં. આવાં અપમાન, અવિનયી વર્તનો સહેતાં સહેતાં પોતાના જીવનને ક્ષણે ક્ષણે ક્ષીણ કરીનેય આપણા દેશની બાલિકાઓને કેળવણી આપવાનું કાર્ય કર્યું. આવું કરવા માટે એમના પર કોઈ બંધન લદાયેલું ન હતું. જુઓ, મારી દીકરી નિવેદિતાની પાસે આવું અદ્‌ભુત મન હતું અને તેથી તેમણે આપણા દેશીની બાલિકાઓને કેળવણી આપવાની જવાબદારી ઉપાડી લીધી. એનું કારણ એ હતું કે તેમના ગુરુ નરેને (સ્વામી વિવેકાનંદ) તેમને આ કાર્ય કરવા કહ્યું હતું. તેમણે શારીરિક દુ:ખપીડા, અસુવિધાઓ, અપમાનો અને આપણા લોકોનાં અભદ્ર વર્તનોની જરાય દરકાર ન કરી. જેમને માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું તેઓ તેમના પ્રત્યે તિરસ્કારભર્યું વર્તન દાખવતા.

આવા સંજોગોમાં આપણા દેશની નારીઓ પોતાના ગુરુને ખાતર આટલી મહાન રીતે પોતાનું બલિદાન આપવા પ્રયત્ન કરી શકે ખરી? તેઓ તો આમ જ કહેશે, ‘મારે એમની કાંઈ સાડીબાર નથી !’ એટલે જ હું કહું છું કે ગુરુ સિવાય તેમના (શિષ્ય) દ્વારા કોની પાસે, કેવી રીતે, ક્યારે અને શું કાર્ય કરાવવું તે કોઈ જાણી શકતું નથી કે સમજી શકતું નથી.

Total Views: 312

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.