ભગિની નિવેદિતા ભારત આવવા મક્કમ બન્યાં, ત્યારે સ્વામી વિવેકાનંદે તેમને એક પત્રમાં લખ્યું હતું, ‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે એની મને હવે ખાતરી થઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે, કાર્ય કરવા સારુ જે જરૂર હતી તે પુરુષની નહીં પણ સ્ત્રીની; સાચી સિંહણની.’

સ્વામીજીના આહ્‌વાન પ્રમાણે સ્કોટલેન્ડમાં જન્મેલાં અને ઇંગ્લેન્ડમાં ઊછરેલાં ભગિની નિવેદિતાએ સમગ્ર ભારતવર્ષના કલ્યાણ માટે પોતાના જીવનને સમર્પિત કરી દીધું. આ મહાન નારીએ અજાણ્યા, અજ્ઞાન અને રૂઢિચુસ્ત હિન્દુઓની વચ્ચે રહીને, એક ભારતીય કરતાં પણ વધારે ભારતીયત્વ કેળવીને આપણા દેશના કલ્યાણ માટે કેટકેટલું કર્યું! કેવાં કેવાં મહામનાં અને પ્રતિભાશીલ નરનારીઓ સાથે નિકટનો નાતો બાંધીને આ દેશના સાર્વત્રિક કલ્યાણ, સ્વતંત્રતાને ઝંખતાં રહ્યાં! પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી ભારત અને માત્ર ભારતનો વિચાર કરતાં રહ્યાં, એવાં આ મહાન નારી ભારતના બુદ્ધિધનને કેવી રીતે પોતાના કાર્યમાં પરોવી શક્યાં, એનું આ સંક્ષિપ્ત વિવરણ આપીને એ મહાન સમર્પિત આત્માને હું એમની 150મી જન્મજંયતી પ્રસંગે મારા અંતરની ભાવાંજલી અર્પું છું.

17, બોઝપાડા લેઈનના જે નાનકડા ઘરમાં નિવેદિતા રહેતાં હતાં, ત્યાં મુલાકાત માટેનો સમય ‘સવારના 7 થી રાતના 9’ એમ નાના પાટિયા પર લખેલું હતું. સમય, કસમય, સવાર, બપોર, સાંજ એમ ગમે ત્યારે નાની-મોટી, જાણીતી-અજાણી વ્યક્તિઓ ઘેર આવજા કરતી.

આ ભગિનીનિવાસનો પરિચય માત્ર પાઠશાળારૂપે જ નહીં, પરંતુ ‘કોઈને પણ, ગમે તે સમયે, સંકટકાળમાં સહાયતા માટેનું એકમાત્ર સ્થાન’ના સ્વરૂપે જાણીતો હતો.

નિવેદિતાના આ ઘેર રાજ્ય પરિષદના સભાસદ, બંગાળનાં સાર્વજનિક ક્ષેત્રોના કાર્યકર્તા, કલાકાર, વિદ્વાન, વૈજ્ઞાનિક, પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર, શિક્ષક, પત્રકાર, વિદ્યાર્થી, સમાજસુધારક, ધર્મનેતા, સાહિત્યકાર, સમાચારપત્રના તંત્રી, પરદેશી.. રાંક અને શરમાળ સ્ત્રીઓ, ગભરાતી બાલિકાઓ એમ વિવિધ જનતા ઊભરાતી. અહીં સર્વેને માનસિક પ્રફુલ્લિતતા મળતી, જીવનમાં વિભિન્ન ક્ષેત્રોનું જ્ઞાન ઉપલબ્ધ થતું અને અનેકાનેક હેતુ સાર્થક થતા. જાણે કે ભારતના શ્ર્વાસ-પ્રાણનો અત્રે મેળો જામતો. સર્વને ઉત્સાહ, વિશ્રામ સાથે આર્થિક સહાયતા મળતાં. દરેકને નિવેદિતા પોતાનાં લાગતાં અને એનું અંતર ‘હાશ’ અનુભવતું. હૃદયની કેટલી વિશાળતા!

નિવેદિતાએ ભારતના સુખ્યાત વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝની સાથે પણ સારો સંપર્કસંબંધ કેળવ્યો હતો. તેમણે તેમની વૈજ્ઞાનિક સંશોધનની ક્ષમતાને ઓળખીને તેમનાં ‘Living and Non-Living, Plant Response, Comparative Electro Physiology, Irritability of Plants’ નામનાં અંગ્રેજી પુસ્તકો લખવામાં સહાય કરી હતી અને તેમના વિશે સમાચારપત્રો અને સામયિકોમાં લેખો લખ્યા હતા. બોઝ પણ નિવેદિતાના ઘરે દરરોજ જતા. આ વિશે ભગિની દેવમાતા લખે છે કે નિવેદિતાએ ભારતના સુખ્યાત વૈજ્ઞાનિક ડૉ. જે.સી. બોઝને વનસ્પતિના જીવન પર આધારિત નવું પુસ્તક તૈયાર કરવામાં સહાય કરી હતી. તેઓ દરરોજ નિવેદિતાની શાળાએ જતા અને ત્યાં ભોજન પણ લેતા.

બોઝનાં પત્ની અબલા અને તેમનાં બહેન લાવણ્યપ્રભા નિવેદિતા અને ક્રિસ્ટીનની શાળામાં ઘણો રસ લેતાં અને ક્યારેક ભણાવતાં પણ ખરાં. નિવેદિતા અને ક્રિસ્ટીન બોઝના કુટુંબના સભ્યો જેવાં હતાં. નિવેદિતા અવારનવાર શ્રી બોઝ સાથે યાત્રાપ્રવાસ પણ કરતાં. નિવેદિતાએ શ્રી બોઝને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બાંધવાના કાર્યમાં ઘણી સહાયતા કરી હતી. નિવેદિતાનું ઋણ ચૂકવવા માટે શ્રી બોઝ જીવનભર પ્રયત્નશીલ રહ્યા પણ પોતાના મૃત્યુ સુધી આ કાર્ય સફળ ન થયું. જ્યારે તેમના અવસાન પછી આ સંસ્થાનું કાર્ય પૂર્ણ થયું ત્યારે નિવેદિતાના ભસ્માવશેષને ‘ફાઉન્ટેન’ નામના સ્મારકમાં પધરાવવામાં આવ્યા. શ્રી બોઝે નિવેદિતાના નામનું સ્મારક રચવા એક લાખ રૂપિયા પણ ભંડોળરૂપે રાખ્યા હતા. આ પૈસાથી અબલા બોઝે નારીકલ્યાણની સંસ્થા માટેના ‘નિવેદિતા હોલ’નું બાંધકામ કર્યું હતું.

1899માં નિવેદિતા રવીન્દ્રનાથ ટાગોરને સૌ પ્રથમવાર મળ્યાં. નિવેદિતાના અસામાન્ય વ્યક્તિત્વ, રુઆબદાર ચહેરો, સૌમ્ય સભ્ય વ્યવહાર, ધીરગંભીર અવાજ તથા સાહિત્યિક ભાષાથી રવીન્દ્રનાથ પર ગહન પ્રભાવ પાડ્યો હતો. નિવેદિતાની શિક્ષણસંસ્થા શરૂ કરવા ટાગોરે પોતાનું ઘર આપવા નિવેદિતાને પ્રસ્તાવ કર્યો હતો. નિવેદિતાની હિમાલય-યાત્રામાં તેમની સાથે રવીન્દ્રનાથે પોતાના પુત્ર રતીન્દ્રનાથને મોકલ્યો હતો. કહેવાય છે કે નિવેદિતાના વિભિન્ન ગુણોથી પ્રભાવિત થઈને, રવીન્દ્રનાથે પોતાના સુપ્રસિદ્ધ ઉપન્યાસ ‘ગોરા’ના નાયક ‘ગોરા’નું ચરિત્રચિત્રણ કર્યું હતું. રવીન્દ્રનાથ નિવેદિતાના 16, બોઝપાડા લેઈન મકાનમાં આવ-જા કરતા. 1908માં તેઓ નિવેદિતા સાથે બોધગયા પણ ગયા હતા.

1899ના પ્રારંભમાં નિવેદિતા રવીન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોરને મળ્યાં હતાં. તેઓ નિવેદિતાને મળીને અત્યંત આનંદિત થયા હતા. ટાગોર પરિવારના અન્ય સભ્યો સાથે પણ નિવેદિતાનો મૈત્રીપૂર્ણ સ્નેહસંબંધ હતો, તેઓ હતાં સરલા ઘોષાલ અને અવનીન્દ્રનાથ ટાગોર.

શ્રી રામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત (શ્રીમ.) પણ આ બહેનોના ઘરની મુલાકાતે જતા. 23 સપ્ટેમ્બર, 1909ના રોજ નિવેદિતાએ લખ્યું હતું, ‘શ્રીમ.એ મને કથામૃતની સુધારણા કરવામાં મદદ કરવાનું કહ્યું છે. તેઓ શનિવારે સવારે આવવાના છે. થોડા સમયમાં તેઓ અંગ્રેજીમાં કથામૃત પ્રગટ કરવાના છે.’ બંગાળી વાચકોની તાતી માગને લીધે એ કામ લાંબો સમય ટક્યું નહિ. ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં નિવેદિતાએ ઝંપલાવ્યું ત્યારે સંઘના આદર્શ પ્રમાણે તેમણે સંઘમાંથી રાજીનામું આપી દીધું. આમ છતાં પણ સ્વામી બ્રહ્માનંદજી અને સંઘના બીજા સંન્યાસીઓએ તેમનો પ્રેમભાવ એવો ને એવો જ રાખ્યો અને તેઓ નિવેદિતાની કાળજી-ચિંતા પણ રાખતા. ભગિની નિવેદિતાએ પણ મૃત્યુપર્યંત પોતાનાં સંઘ પ્રત્યેનાં ભાવભક્તિ અક્ષુણ્ણ રાખ્યાં.

સરલાદેવી એક સુશિક્ષિત વિદ્યાસંપન્ન મહિલા હતાં. તેઓ ‘ભારતી’ માસિકનાં તંત્રી હતાં. તેઓ નિવેદિતાના ગાઢ સંપર્કમાં આવ્યાં હતાં.

નિવેદિતા અને અવનીન્દ્રનાથ ટાગોર કલાક્ષેત્રે પરસ્પર સંપર્કમાં આવ્યાં હતાં. તેઓએ કહ્યું હતું, ‘જે વિદેશીઓ ભારતને પ્રેમ કરે છે, તેઓમાં નિવેદિતાનું સ્થાન સર્વોચ્ચ છે.’

પ્રાચીનકાળથી વસ્તુઓનું વિજ્ઞાન જાણનાર શ્રીમાન કોકાસુ ઓકાકુરા જાપાનથી આવ્યા હતા અને 1902માં નિવેદિતાને મળ્યા હતા. આ મુલાકાત અમેરિકન રાજદૂતે યોજેલા ઓકાકુરાના સમ્માન-સમારંભમાં થઈ હતી.

ભારતના તત્કાલીન દેશભક્ત નેતા બિપિનચંદ્ર પાલ નિવેદિતાના નિકટના સંપર્કમાં આવ્યા હતા. તેઓએ પોતાના પુસ્તક “The Soul of India’ માં વ્યક્ત કર્યું હતું, ‘નિવેદિતાનું આત્મસમર્પણ પરિપૂર્ણ હતું. ભારતના પ્રેમમાં તેઓ સ્વયંને પૂર્ણત: વિસ્મૃત કરી ચૂક્યાં હતાં.’ નિવેદિતા તેમને બોસ્ટનમાં મળ્યાં હતાં. બિપિનચંદ્ર પાલે પોતાના બંગાળી પુસ્તકમાં આ પરિચયનું વર્ણન કર્યું છે. શ્રી પાલના ‘New India’ નામના સામયિકમાં નિવેદિતા લેખો લખતાં. આ જ ગાળામાં નિવેદિતા રામાનંદ ચેટર્જી સાથે સંપર્કમાં આવ્યાં હતાં. એક માત્ર રામાનંદને જ નિવેદિતાના લેખોમાં સુધારો-વધારો કરવાની છૂટ હતી.

1906માં કોંગ્રસ પક્ષના જહાલ મતવાદીનું નેતૃત્વ લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ-‘લાલ-બાલ-પાલ’ના હાથમાં આવ્યું, જ્યારે મવાળ મતવાદીઓના નેતા તરીકે ગોખલે અને રમેશચંદ્ર દત્ત રહ્યા. આમ કોંગ્રસના બે પક્ષો ઊભા થયા, એક જહાલ અને બીજો મવાળ. નિવેદિતાને કોંગ્રેસમાં પડેલ આ ભંગાણ પસંદ ન હતું. તેમણે જહાલ પક્ષની સાથે રહેવાનું નક્કી કર્યું. રાષ્ટ્રિય એકતાની ભાવનાને સુદૃઢ કરવા સ્વદેશી આંદોલનમાં નિવેદિતાએ ભારતીયોને પ્રેર્યા પણ ખરા. ભારતીય યુવાનોને અમેરિકા જઈને પોતાનાં ઉત્પાદનો સ્પર્ધામાં ટકી રહે તેવાં બનાવવા, પશ્ચિમના ઉદ્યોગધંધા વિશે શીખવામાં સહાય પણ કરી. નિવેદિતાએ 21મી નવેમ્બર, 1906ના રોજ જોસેફાઈન મેકલાઉડને એક પત્ર લખ્યો, જેમાં તેમણે આવા ઉદાત્ત હેતુ માટે ભારતના યુવાનોને કેટલાંક કારખાનાંની મુલાકાત લેવડાવવા માટે વ્હીટમાર્શનો આભાર માન્યો હતો.

દિનેશચંદ્ર સેનના પુસ્તક “A history of Bengali Language and Literature’ નું નિવેદિતાએ સંપાદનકાર્ય કર્યું હતું.

વડોદરા રાજ્યના અર્થ-મંત્રાલયમાં કાર્યરત મહાન અર્થશાસ્ત્રી રમેશચંદ્ર દત્ત સાથે નિવેદિતાને ગાઢ સ્નેહસંબંધ હતો. નિવેદિતા હતાં તેમનાં ‘ધર્મપુત્રી’ અને તેઓ હતા નિવેદિતાના ‘ધર્મપિતા’. શ્રી દત્તના સતત પ્રોત્સાહન તથા દિલચસ્પીને કારણે જ ભગિની નિવેદિતાએ The Web of Indian Life  નામનું પોતાનું પુસ્તક પૂર્ણ કર્યું હતું. શ્રી દત્તે નિવેદિતાને બંગાળી શીખવેલું.

તારકનાથ દાસે પોતાના પુસ્તક “Japan and Asia’ નિવેદિતાને અર્પણ કરેલું.

નિવેદિતાના સંપર્કમાં આવેલ અન્ય ખ્યાતનામ વ્યક્તિત્વો હતાં – સર ગુરુદાસ બેનર્જી, સર રાસબિહારી ઘોષ, સર્વશ્રી વ્રજેન્દ્રનાથ સીલ, પી.સી.રે., અશ્ર્વિનીકુમાર દત્ત, ડૉ. નીલરતન સરકાર, આનંદમોહન બોઝ, મોતીલાલ ઘોષ, ગિરીશચંદ્ર ઘોષ, શ્યામસુંદર ચક્રવર્તી, ભૂપેન્દ્રનાથ બોઝ, સર તારકનાથ પાલિત, ગોપાલકૃષ્ણ ગોખલે, સુરેન્દ્રનાથ બેનર્જી, સરોજિની નાયડુ, આનંદમોહન બોઝ વગેરે.

કલાકારોમાં અસિતકુમાર હલદાર, નંદલાલ બોઝ, સુરેન્દ્રનાથ ગાંગુલી વગેરે નિવેદિતાના સંપર્કમાં આવ્યા હતા અને તેમની પાસેથી પ્રેરણા પામ્યા હતા. તામિલ કવિ સુબ્રહ્મણ્યમ્ ભારતી નિવેદિતાને પોતાના ગુરુ જેવાં ગણતા. તેમના માસિક ‘બાલભારત’માં નિવેદિતા લેખ લખતાં હતાં.

યુવક ઇતિહાસકાર રાધાકુમુદ મુખર્જીના ભારતીય ઇતિહાસ પરના સંશોધન-લેખમાં નિવેદિતાએ ‘ઐતિહાસિક અન્વેષણ’ વિષય અંગે એક લઘુ નિબંધ લખી મોકલાવ્યો હતો. નિવેદિતાએ તેમના ભારતીય ઇતિહાસના સંશોધનમાં સહાયતા પૂરી પાડેલી.

ડૉ. કુમારસ્વામી, શ્રી નટેસન, શ્રી શ્રીનિવાસન આયંગર તથા શ્રીપાદ શહા નિવેદિતાની મિત્રમંડળીમાં હતા. પરદેશીઓ પૈકી ‘સ્ટેટ્સમેન’ સામયિકના સંપાદકશ્રી એસ. કે. રેટક્લિફ, હેવેલ, બ્લેર, એલેકઝાંડર વગેરેને નિવેદિતા સાથે આત્મીયતા હતી.

આમ તે સમયે નિવેદિતા એક મધ્યસ્થ બિંદુ જેવાં હતાં અને ભારતની અગ્રગણ્ય વ્યક્તિઓ તેમની ચોતરફ ઉપગ્રહો જેવી લાગતી હતી.

Total Views: 370

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.