એક દિવસ રાત્રે શ્રીરામકૃષ્ણના પગ દાબતાં દાબતાં શારદામણિએ પૂછયું, ‘આપ મારા વિશે શું ધારો છો?’ સહેજ ચમકીને શ્રીરામકૃષ્ણે તરત જ જવાબ આપ્યો, ‘જે માતા સામે મંદિરમાં બિરાજે છે અને જેનું પૂજન થાય છે, તે જ માતાએ આ દેહને જન્મ આપ્યો છે અને અત્યારે નોબતખાનાની ઓરડીમાં એ જ વસી રહી છે; અને એ જ માતા આ પળે મારા પગ દાબી રહી છે. ખરેખર, હું તમને હંમેશાં કલ્યાણમયી શ્રીજગદંબાની જીવંત પ્રતિમારૂપેમ જોઉં છું.’ (શ્રીરામકૃષ્ણદેવ જીવનચરિત્ર, પૃ.189)

એક વખત શ્રીરામકૃષ્ણે એક ઘટનાના સંદર્ભમાં કહ્યું હતું, ‘લગ્ન થયા પછી હું હંમેશાં શ્રીજગદંબાને આતુરતાપૂર્વક પ્રાર્થના કરતો કે હે માતા! એનાં (મારી પત્નીના)મનમાંથી સ્થૂળ ભોગોની વાસનાને તદ્દન નિર્મૂળ કરી દે જે. આ સમય દરમિયાન હું એની સાથે રહ્યો ત્યારે મને ખબર પડી કે માએ મારી એ પ્રાર્થના સાંભળી છે.’(એજન, પૃ.190)

ઈ.સ. 1872ના મે માસમાં કાલીપૂજા માટે શુભ મનાતી ફલાહારિણી અમાસની રાત્રિએ શ્રીરામકૃષ્ણે શ્રીમા શારદાદેવીની ષોડશીપૂજા કરવાનું નક્કી કર્યું. પૂજા દ્રવ્યો સાથે રાત્રિના નવ વાગ્યે શ્રીરામકૃષ્ણ પૂજકના આસન પર બેઠા. પૂજાનો પ્રારંભિક વિધિ પતાવીને એમણે શારદાદેવીને દેવીના આસન પર બેસવાની સૂચના આપી. તેઓ મંત્રમુગ્ધ બનીને ચૂપચાપ દેવીના આસન પર બેસી ગયાં. પછી મંત્રોચ્ચાર સહિત સંપૂર્ણ વિધિપૂર્વક શ્રીરામકૃષ્ણે જગદંબારૂપે શ્રીશારદાદેવીની પૂજા કરી. પૂજા દરમિયાન શારદામણિદેવી સમાધિસ્થ થયાં અને પૂજા પછી શ્રીરામકૃષ્ણ પણ ઊંડી સમાધિમાં મગ્ન બન્યા. આમ આરાધક અને આરાધ્યદેવી બન્ને જગતથી તથા દેહભાનથી અતીત અવસ્થા પામીને આત્મસ્વરૂપે એક બન્યાં.

મધરાત પછી શ્રીરામકૃષ્ણને સહેજ ભાન આવતાં વિધિપૂર્વક મંત્રોચ્ચાર કરીને એમણે પોતાની જાતને, જીવનભરની સાધનાના ફળને અને જપમાળાને શારદાદેવીનાં ચરણે અર્પણ કર્યાં અને એમને પ્રણામ પણ કર્યાં. આ રીતે ષોડશી પૂજા પૂર્ણ થઈ અને શ્રીઠાકુરે સૌને માટે માતૃત્વનો, નારીજીવનમાં પૂર્ણસિદ્ધિનો નવો માર્ગ ખોલી આપ્યો. (એજન, પૃ. 187)

એક વખત શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘તેઓ શારદા છે, વિદ્યાની દેવી સરસ્વતી છે તેઓ જ્ઞાન આપવા અવતર્યાં છે.’ શ્રીરામકૃષ્ણે કહ્યું હતું, ‘શ્રીમા શારદાદેવીએ લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું કાર્ય મારા પોતાના કરતાં પણ વધારે જવાબદારીપૂર્વક પોતાને શિરે લેવું પડશે.’ શ્રીમાએ આ મોટી જવાબદારીભર્યું કાર્ય સ્વીકારવાની આનાકાની કરી અને પોતાની અશક્તિ જાહેર કરતાં કહ્યું, ‘હું તો એક સ્ત્રી છું, હું શું કરી શકું?’ શ્રીરામકૃષ્ણે તેના જવાબમાં કહ્યું, ‘આમ કદી ન કહેશો. તમારે તો ઘણું ઘણું કરવાનું છે.’                                                  (શ્રીરામકૃષ્ણ દર્શનમ્, પૃ. 58)

Total Views: 78
By Published On: December 1, 2017Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram