‘સાહેબ, હું નિયમિત કરસત કરું છું, ચાલું છું, છતાં મારું વજન કેમ ઘટતું નથી ?’ ઘણા લોકો આવા પ્રશ્નો પૂછતા હોય છે. મોટા ભાગના લોકોમાં કસરત અંગેની સમજદારીનો અભાવ હોય છે. કસરત કરવાથી કે દવા લેવાથી શારીરિક સમસ્યા કે રોગ દૂર થઈ જશે, એવું ક્યારેય ન માનવું જોઈએ. રોગ દૂર કરવા માટે મન અને શરીરનું તંત્ર પણ અગત્યનો ભાગ ભજવે છે. આ બાબત સૌએ યાદ રાખવી જરૂરી છે.

શરીરને હળવું, સ્ફૂર્તિલું, ગતિશીલ રાખવા માટે કસરત જરૂરી છે. કરસત સાથે તે અંગેની પૂરી જાણકારી પણ હોવી જોઈએ. અમે દર્દીઓને પૂછીએ છીએ, ‘ચાલો છો ખરા ?’ ત્યારે મોટા ભાગના દર્દીઓનો આવો એક સામાન્ય જવાબ હોય છે, ‘સાહેબ, મારા જેટલું કોઈ નહીં ચાલતું હોય !’ આ રીતે ઘર, બજાર કે ઓફિસમાં ચાલવું તે કસરત ન ગણાય. કસરત વગર શરીરને સાચવી ન શકાય, એવું લોકો માનવા લાગ્યા છે. શરીરને સાચવવા કેટલાક લોકો હેલ્થક્લબ કે જીમમાં જતા હોય છે. કેટલાક ચાલવાને વ્યાયામ માને છે. ઘણા યોગાસનને કસરત ગણે છે. ઘણા ધ્યાનને ઉત્તમ વ્યાયામ માને છે. અલગ અલગ વ્યાયામ-યોગ દ્વારા લાભ મેળવવાની માનસિકતા પણ વધતી જાય છે. દરેક કાર્યને અપેક્ષાથી કરવામાં આવે છે. કેટલાક માને છે કે કસરત કરું તો મારું ડાટાબિટીસ જવું જોઈએ. સમજદારી વગરની કસરત વિશેષ લાભ અપાવી શકતી નથી.

તાજા સર્વેક્ષણ મુજબ સૌથી ધનાઢ્ય ગણાતા દેશ અમેરિકામાં સૌથી વધારે મેદસ્વિતાની સમસ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે, કસરતનાં અતિ આધુનિક સાધનો આવી ગયાં છે, છતાં લોકો શા માટે સારી રીતે જીવી શકતા નથી ? જેનું શરીર તંદુરસ્ત, સમસ્યામુક્ત અને મન પ્રસન્ન અને આનંદિત હોય એ સારી રીતે જીવી શકે. પરંતુ મોટા ભાગના લોકોને દરરોજ કંઈકને કંઈક શારીરિક-માનસિક ફરિયાદ રહેતી હોય છે. ઘણા લોકો કસરત કરતા જ નથી અને જે લોકો કસરત કરે છે, તે વર્ગમાં પણ વ્યાયામની પૂરી સમજદારીનો અભાવ જોવા મળે છે.

એવા લોકો જોયા છે કે જે સવારે ચાલવા નીકળે, ૨-૩ કિ.મિ. ચાલીને ગાંઠિયાવાળાની દુકાને ઊભા રહીને ગાંઠિયા ખાય અને માથે ચા પણ ગટગટાવે. ચાલવાનો એક ઉદ્દેશ શરીરની કેલરી બાળવાનો પણ હોય છે. ચાલીએ ત્યારે શરીરમાં રહેલી વધારાની કેલરી ઓગળે છે, પણ ચાલીને ગાંઠિયા ખાઈએ ત્યારે ઓગળી હોય તેટલી કેલરી શરીરમાં ફરીથી આવી જાય છે. આ પ્રકારની કસરતનો કંઈ અર્થ ખરો ?

યુવવર્ગ પોતાની માંસપેશીઓ મજબૂત કરવા જીમમાં જાય છે. શરીરને તંદુરસ્ત રાખવા તેઓ કસરત કરતા નથી. જીમમાં જાય, સંગીત સાંભળતાં અને ગપાટા મારતાં મારતાં તેઓ કસરત કરે છે. એક ખૂણામાં રહેલ ટ્રેડમિલ પર પંદર-વીસ મિનિટ દોડે છે. બંધિયાર મકાનમાં કસરત પૂરી કરીને જીમની બહાર નીકળીને ગાંઠિયા, જલેબી અને આઇસક્રીમ વગેરે ખાય છે. માથે પાનગુટકા જેવું કંઈક લઈને સિગારેટના ધુમાડા પણ કાઢે છે. કસરતની આ પદ્ધતિ લાભદાયી બને ખરી ?

કસરત પૂરી સમજદારીથી અને મન દઈને કરવી જોઈએ. અસંખ્ય લોકો ચાલવાનો વ્યાયામ કરતા હોય છે. ચાલવાથી શરીરનાં ખરાબ તત્ત્વો ધીમે ધીમે બહાર નીકળે છે અને શુદ્ધીકરણની પ્રક્રિયા થાય છે. અસંખ્ય લોકો ચાલવા નીકળે છે, પરંતુ આ બાબતની જાણકારી કેટલાને હશે ?

એટલું જાણી લો કે ડાયાબિટીસની સમસ્યામાં થયેલા નવા સંશોધન મુજબ ચાલવાથી શરીરમાં ઇન્સ્યુલિન વધારે પ્રજ્વલિત કરી શકાય છે. ઉપરાંત આપણે રોજબરોજના ખોરાકમાં એટલાં બધાં અખાદ્ય તત્ત્વો શરીરમાં પધરાવીએ છીએ કે જેનું કોઈ માપ નથી. આ તત્ત્વો શરીરના પરસેવા દ્વારા જ દૂર થઈ શકે છે. ચાલવાથી કે દોડવાથી, અન્ય કસરતો કરવાથી પરસેવો વળે એ પણ ખૂબ લાભદાયી છે.

વિજ્ઞાનના દૃષ્ટિકોણથી પણ કસરતનું મહત્ત્વ સિદ્ધ થઈ રહ્યું છે. આરોગ્યક્ષેત્રના ઘણા મહાનુભાવો માને છે કે શરીરને ટકાવી રાખવામાં દવાઓ કરતાં કસરત વધારે મદદરૂપ બને છે. એક વૃદ્ધાએ સહજ ભાવે કહ્યું, ‘હું દરરોજ સવારે મંદિરે ચાલીને જઉં છું, ચાલીને પરત ફરું છું. સાંજે પણ આ જ ક્રમ.’ તેમના ઘરથી મંદિરનું અંતર મેં જાણ્યું તો ૪૫ મિનિટનું હતું. એ માજી દરરોજ ૧૮૦ મિનિટ એટલે કે ૩ કલાક ચાલે છે. ૯૦ વર્ષની વયે પણ કોઈ પ્રકારની શારીરિક ફરિયાદ વગર તેઓ આરોગ્યની દૃષ્ટિએ ફીટ છે.

આપણે ગોળીઓ દ્વારા શરીરને ટકાવવાનો પ્રયાસ કરીએ છીએ, પણ દવાઓ કરતાં કસરત દ્વારા શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. પ્રો. પર્સે એસ્ટ્રેન કહે છે, ‘દુનિયાના કોઈપણ ખૂણે રહેતા હો, સવારનું ચાલવાનું-મોર્નિંગ વોક શ્રેષ્ઠ છે.’ પરંતુ સાવ ન ચાલવા કરતાં, ગમે ત્યારે ચાલવું સારું ગણાય.

નિયમિત ચાલવાની કે કસરતની ટેવ ખૂબ લાભદાયી નીવડે છે. ફક્ત શરીરનું આરોગ્ય સુધરે છે એવા હેતુથી કસરત નથી કરવાની. કસરતથી મન પ્રફુલ્લિત થવું જોઈએ અને સ્ફૂર્તિ પણ વધવી જોઈએ. જે લોકો નિયમિત કસરત કરે છે, તેમના શરીરનો બાંધો મજબૂત બને છે. આવા લોકોને વર્ષો બાદ મળો તોપણ, પહેલાં જેટલા જ સ્વસ્થ દેખાય છે. નિયમિત કસરત કરવાથી અંદર રહેલી નકારાત્મકતા દૂર થતી જાય છે, અંદર રહેલાં હોર્મોન્સ સક્રિય રહે છે. એના પરિણામે ચામડી ચમકદાર રહે છે.

કંઈક મેળવવા માટે કસરત કરવાનો દૃષ્ટિકોણ દૂર કરો. ઘણા લોકો એવા હોય છે કે જે શારીરિક તકલીફ થાય ત્યારે કહે છે, ‘સાહેબ, કાલ સવારથી જ હું ચાલવા મંડીશ.’ પહેલા

દિવસે ખૂબ ઉત્સાહમાં હોય છે. સવારે ૪ વાગ્યે ઊઠી જાય છે, ત્રણેક કલાક ચાલી નાખે. પાંચેક દિવસ બાદ મળવા આવે ત્યારે કહે,‘ભાઈ, આ ચાલવાનું નહીં ફાવે ! થાકી જવાય છે.!’

વર્ષોથી ચાલ્યા ન હોય અને પહેલા જ દિવસથી ત્રણ કલાક ચાલવા માંડો તો શરીર સહન ન જ કરે. આપણું શરીર જકડાયેલું હોય છે. સાંધા અક્કડ હોય છે. ચાલવાનું કે અન્ય કસરતોનો પ્રારંભ હળવે હળવે કરવો જોઈએ. અનુકૂળતા મુજબ તેમાં વધારો કરતા જવાય. ઉત્સાહમાં ને ઉત્સાહમાં ઘણા લોકો શરૂઆતમાં ૧૦ કિ.મિ. ચાલી નાખે, એ યોગ્ય નથી. વધારે પડતી કસરત પણ જરૂરી નથી. હવે નવા સંશોધન મુજબ દિવસના ૧૦ મિનિટ સુધી ૫-૬ વખત ચાલવાથી ફાયદો થાય છે.

કસરતના બે પ્રકારો છે : શારીરિક અને માનસિક. સામાન્ય રીતે આપણે માનસિક પરિશ્રમ વધારે કરીએ છીએ. માનસિક રીતે એટલા બધા થાકી જઈએ છીએ કે શારીરિક કસરત કરવાનું મન થતું નથી. આટલું બરાબર સમજી લેવું જોઈએ કે મન જ્યારે આદેશ આપે કે આજે મારે કસરત કરવી છે, ત્યારે જ વ્યવસ્થિ કસરત થઈ શકશે. ભૌતિક વિજ્ઞાનમાં કહેવાયું છે : ભૌતિક શરીર અને માનસિક શરીર ભેગાં થાય તો જ કામ પાર પડે. એ ન થાય તો કાર્યનો આરંભ જ ન થાય અથવા કાર્યમાં વિઘ્ન આવે. શરીર અને મન વચ્ચે અરસપરસ સંબંધ છે. તન તંદુરસ્ત હશે તો મન પણ સરસ રહેશે. આ બન્નેનો સમન્વય જરૂરી છે. (ક્રમશ 🙂

Total Views: 347

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.