ભગવાન શ્રીકૃષ્ણનું ગોકુળમાં સ્થાનાંતરણ

અચાનક આકાશ વાદળાંથી છવાઈ ગયું અને વરસાદ વરસવા લાગ્યો. પણ શેષનાગ પોતાના નાના ભાઈને કેવી રીતે પલળવા દે ? એમણે વસુદેવજી અને શ્રીકૃષ્ણ પર પોતાની ફેણને છત્રીની જેમ ફેલાવી દીધી, જેથી પિતા-પુત્રનું વરસાદથી રક્ષણ થઈ શકે. મૂશળધાર વરસાદથી નદી પણ બે કાંઠે વહેવા માંડી. હવે કરવું શું, એ વાત વસુદેવને ન સમજાઈ. એવામાં એક બીજો ચમત્કાર થયો. બે કાંઠે વહેતી નદી બે ભાગમાં વહેંચાઈ ગઈ ! જાણે કે યમુનાએ વસુદેવને નદી પાર જવાનો માર્ગ ખુલ્લો કરી દીધો ! વસુદેવજી નદીના બીજા કિનારે પહોંચીને સીધા નંદજીને ઘેર ગયા. નંદબાબાનો આખો પરિવાર ગહન નિદ્રામાં હતો. વસુદેવજીએ યશોદાના ઓરડામાં જઈને જોયું, તો યશોદાના પડખામાં એક નવજાત કન્યા સૂતી છે ! એમણે પોતાના પુત્રને યશોદાની શૈયા પર સુવડાવી દીધો અને પેલી નવજાત કન્યાને પોતાના કરંડિયામાં લઈને મથુરા પાછા આવ્યા. જેવા તેઓ કારાગૃહમાં પહોંચ્યા કે તરત જ કારાગૃહના દરવાજા પહેલાંની જેમ એની મેળે બંધ થઈ ગયા. વચ્ચે જે કંઈ બન્યું હતું, તેનો ખ્યાલ કોઈને ન આવ્યો.

કંસ બાલિકાને મારવાનો પ્રયાસ કરે છે

વસુદેવજી દ્વારા લાવેલી બાલિકા રડવા લાગી. તેના રોવાનો અવાજ સાંભળીને દ્વારપાળોએ કંસને ખબર પહોંચાડ્યા કે એક બાલિકા જન્મી છે.

કંસ એ સમયે સૂવાની તૈયારી કરતો હતો. ઘણા દિવસોથી તે ગભરાટને કારણે ઊંઘી શક્યો ન હતો. જેવા એણે સમાચાર સાંભળ્યા કે તરત જ પોતાના હાથમાં તલવાર લઈને કારાગૃહ તરફ દોટ મૂકી. દેવકીને લાગ્યું કે જાણે યમરાજ જ કંસનું રૂપ લઈને આવે છે. તેઓ કંસના પગમાં પડ્યાં અને દુ :ખભર્યા અવાજે કંસને કહ્યું, ‘હે મારા હિતેચ્છુ ભાઈ, આ કન્યા તો તારી ભાણેજ થાય છે. હવે એને મારી ન નાખતો. એ બીચારી તારું શું બગાડી શકશે ? તેં મારાં બધાં બાળકોને મારી નાખ્યાં છે. હવે આ માત્ર એક બાળકી જ બચી છે. એ તો આ અભાગણીને સોંપી દે.’

કન્યાને પોતાની ગોદમાં છુપાવીને દેવકીજીએ અત્યંત દીનતા સાથેે રોતાં રોતાં આવી કાકલૂદી કરી પણ કંસનું હૃદય પીગળ્યું નહીં. તેણે દેવકીને ઝાટકો માર્યો અને તેના હાથમાંથી એ કન્યા છીનવી લીધી. પોતાની નવજાત ભાણેજના બે પગ પકડીને કંસે એને જોરથી એક મોટી શિલા પર પછાડી. પણ શ્રીકૃષ્ણની આ બહેન કોઈ સામાન્ય કન્યા ન હતી; તે તો ભગવાનની અચિંત્યશક્તિ, સાક્ષાત્ યોગમાયા હતી. તે કંસના હાથમાંથી છૂટીને આકાશમાં ચાલી ગઈ અને ત્યાં પોતાના આઠ હાથોમાં વિવિધ આયુધો સાથે દેવી દુર્ગાના રૂપે પ્રગટ થઈ. એ દેવીએ કંસને કહ્યું, ‘અરે મૂરખ ! મને મારવાનો વ્યર્થ પ્રયત્ન શા માટે કરે છે ? તને મારનારો તો અવતરી ચૂક્યો છેે. હવે તું બાળકોની નિરર્થક હત્યા ન કરતો.’ એમ કહીને એ કન્યા તો અદૃશ્ય થઈ ગઈ.

દુર્ગાદેવીની આ વાત સાંભળીને કંસ તો અત્યંત દુ :ખદ આશ્ચર્યમાં પડી ગયો. તેણે વિચાર્યું કે જો દેવકીના ગર્ભમાંથી દુર્ગાદેવી પ્રગટ થયાં હોય તો એ કોઈ સાધારણ નારી ન હોઈ શકે. તેણે વસુદેવ અને દેવકી સાથે અત્યાર સુધી જે નિર્દય વ્યવહાર કર્યોે, તેને માટે તેને પસ્તાવો થવા લાગ્યો. તેણે દેવકી અને વસુદેવને કારાગૃહમાંથી છોડી મૂક્યાં અને અત્યંત વિનમ્રતાપૂર્વક તેમને કહ્યું, ‘મારાં પ્યારાં બહેન અને બનેવી ! અરે, હું તો કેવો મોટો પાપી છું ! મેં નિર્દયતાપૂર્વક જે દુષ્કર્મ કર્યાં છે, તેનો મને ઘણો ખેદ થાય છે. મેં તમારાં કેટલાં બાળકોને મારી નાખ્યાં; હવે હું કયા નરકમાં પડીશ, એની મને ખબર નથી પડતી. મારી દુષ્ટતા માટે તમે બન્ને મને માફ કરો, કારણ કે તમે બન્ને ઘણાં સજ્જન છો અને દીનોનાં રક્ષક છો.’

કંસે આવું કહ્યું અને તે સાંભળીને વસુદેવ અને દેવકી તેના અપરાધોને ભૂલી ગયાં. અને તેને માફ પણ કરી દીધો. કારાગારમાંથી મુક્ત થઈને તેઓ બન્ને પોતાના મહેલમાં ચાલ્યાં ગયાં.

Total Views: 266

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.