જેવી રીતે સાગર અસંખ્ય મોજાં ઉત્પન્ન કરે છે, છતાં પણ સદા અનંત અને અથાગ બની રહે છે, તેવી રીતે પરમ સત્તા પણ વિભિન્ન દેવતાઓને ઉત્પન્ન કરે છે, છતાં પણ તે અવિક્રિય બની રહે છે. વસ્તુત: સર્વોચ્ચ આધ્યાત્મિક અનુભૂતિ-સંપન્ન વ્યક્તિઓએ એનો સાક્ષાત્કાર કર્યો છે. માણસ જે કોઈ દૈવી વ્યક્તિત્વ લઈને પોતાની સાધનાનો પ્રારંભ ભલે કરે, પણ આધ્યાત્મિક જીવનનું લક્ષ્ય નિર્ગુણ, નિરાકાર, એકમેવાદ્વિતીય અનુભૂતિ પ્રાપ્ત કરવાનું છે. એમાં ઉપાસક અને ઉપાસ્ય જ નહિ પરંતુ ઈશ્વર, જીવ અને જગત લીન થઈને અખંડ અને એકરસ થઈ જાય છે.

દેવતાઓથી દેવાધિદેવ પરમેશ્ર્વર સુધી

અવ્યક્ત ઈશ્વર ભક્તની પકડમાં આવી શકતા નથી અને સાકાર તેની બુદ્ધિને સંતોષી શકતા નથી. એટલે વ્યક્ત-અવ્યક્ત, સાકાર-નિરાકારની ઉપાસના બધી ઉચ્ચતર સાધનાઓમાં સર્વાધિક લોકપ્રિય રહી છે અને આ વાત કૃષ્ણ કે રામ, શિવ યા વિષ્ણુ, દુર્ગા કે કાલી- એ બધાંના ઉપાસકો માટે સત્ય છે.

કોઈ દિવ્ય વ્યક્તિત્વ અથવા અવતારની ઉપાસનાનું આધ્યાત્મિક જીવનમાં અસંદિગ્ધ સ્થાન છે. એ મોટાભાગના ભક્તો માટે અપરિહાર્ય છે. જેમ શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે, ‘અવ્યક્ત કે નિરાકારનો પથ ઘણો કઠિન છે.’ એટલે આપણને મોટાભાગના ધર્મપંથોમાં ભક્તને ભગવાનના દૈવી વ્યક્તિત્વની ઉપાસના કરતી વખતે, ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે તેમનું ધ્યાન ધરતી વખતે એમને જીવનનું પરમ લક્ષ્ય કે આદર્શ માનીને ઉપાસના કરતા જોવા મળે છે. પરંતુ સાચો ભક્ત ભગવાનના સાકાર રૂપની ઉપાસના પર જ અટકી જતો નથી. તે ક્રમશ: પોતાના આરાધ્ય દૈવી રૂપને પરમાત્માના ગુણોની અભિવ્યક્તિના રૂપે જોતાં શીખે છે. પુન: તે દૈવી રૂપને પરમાત્માના પ્રતીક રૂપે અથવા ઈશ્વરીય ભાવના રૂપે જુએ છે, તેમ જ એ ઈશ્વરીય ભાવ પુન: એ સત્તાનું પ્રતીક બની જાય છે, જે બધી વસ્તુઓનો આધાર છે.

શિવ હિન્દુ ધર્મના એક પ્રચલિત દેવ છે. સ્થૂળ બુદ્ધિવાળા ઉપાસક એમને સંહારના દેવતા, શ્મશાનવાસી એકાંત પર્વતશિખરો સર કરનાર માને છે. પરંતુ જે સાધકે થોડી પ્રગતિ સાધી લીધી છે, તેને માટે શિવ ત્યાગના મૂર્તિમંત સ્વરૂપ તેમજ બધા દુર્ગુણના વિનાશક છે. આ ઉ5રાંત તેઓ પરમચેતનામાં લીન યોગેશ્ર્વર પણ છે. ઉન્નત સાધક એમની સ્તુતિ આ રીતે કરે છે, ‘એકં બ્રહ્મૈવાદ્વિતીયં સમસ્તં સત્યં સત્યં નેતરચ્ચાસ્તિ કિંચિત્’ (સ્કંદ પુરાણ-4, પ્રથમભાગ 10.126) અર્થાત્- ‘હે પ્રભુ ! આપ જ એકમેવ-અદ્વિતીય બ્રહ્મ છો, આપ જ સર્વ કંઈ છો, આપ એકમાત્ર સત્ય છો અને ખરેખર આપના સિવાય બીજું કંઈ નથી.’

સાંસારિક બુદ્ધિવાળા વિષ્ણુના ઉપાસક એમને સંરક્ષણ અને પાલનના દેવતા સમજે છે. તેઓ અનંત કરુણાવશ ભક્તોના કલ્યાણાર્થે અવતાર ધારણ કરે છે. પરંતુ ઉત્તમ ભક્ત એમને એ પરમાત્મસત્તાની મૂર્તિ માને છે કે જે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, જેનામાં સૃજન, પાલન અને સંહારની લીલા થઈ રહી છે અને આવો ઉપાસક સ્તુતિ કરતાં કહે છે :

સર્વસ્મિત્ સર્વભૂતસ્ત્વં સર્વ: સર્વસ્વરૂપધૃક્ ।
સર્વત્વત્તસ્તતશ્ર્ચ ત્વં નમ: સર્વાત્મનેઽસ્તુતે ॥
(વિષ્ણુપુરાણ : 1.12.72)

અર્થાત્ હે પ્રભુ ! તમે બધામાં છો, સર્વભૂત પણ તમે છો, તમે બધાં રૂપ ધારણ કરી રાખ્યાં છે. તમારામાંથી જ બધાની ઉત્પત્તિ થઈ છે, તમે બધાના આત્મા છો, તમને પ્રણામ !

માતારૂપે ઈશ્વરની પૂજા

શું માતાના રૂપે ઈશ્વરની આરાધના-ઉપાસના કરી શકાય ખરી ? ભારતમાં આવો પ્રશ્ન પુછાતો નથી. આપણે એમ માનીએ છીએ કે પરમાત્માની અનેક પ્રકારે આરાધના કરી શકાય છે. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં એક માત્ર સ્વીકૃત કેવળ સ્વામીની જેમ નહીં, પરંતુ માતાની જેમ, દૈવી પુત્રની જેમ કે ઈશ્વરરૂપી પ્રિયતમની જેમ આરાધના કરી શકાય છે. માતાની જેમ ભગવાનની આરાધનામાં કોઈ અસ્વાભાવિકતા નથી. જેવી રીતે મા બાળકનું ભરણ-પોષણ કરે છે, એવી જ રીતે ભગવાન બધાં પ્રાણીઓની સૃષ્ટિ કરે છે અને ભરણ-પોષણ પણ કરે છે. ભગવાનને માતા સ્વરૂપે માનવા એ સૌથી સરળ માર્ગ છે. એ ઘણો ઉદાત્ત અને દીર્ઘસ્થાયી ભાવ છે. માતાના રૂપે ભગવાનની સાથે ભક્તના સંબંધમાં વધુ સ્વાધીનતા અને સ્વાભાવિક્તા હોય છે. જેમ શ્રીરામકૃષ્ણે કહ્યું છે, ‘જે રીતે બાળક પોતાની માગણી મા પાસેથી પરાણે પૂરી કરાવી શકે છે, તેવી જ રીતે ભક્ત પોતાની માગણી હઠપૂર્વક પૂરી કરાવી શકે છે.’ તેઓ એક વધુ દૃષ્ટાંત આપે છે, ‘જ્યાં સુધી બાળક રમકડાંથી રમે છે, ત્યાં સુધી મા ગૃહસ્થીનાં કાર્ય કરતી રહે છે, પરંતુ જ્યારે બાળક રમકડાં ફેંકી દઈને મા પાસે જવા રડવા લાગે છે, ત્યારે મા તપેલી ઉતારીને બાળક માટે ઝડપથી દોડી જાય છે.’ આ સુંદર ઉપમા ભક્ત અને પોતાના રૂપે અવધારિત ભગવાનની વચ્ચે ઘનિષ્ઠ સંબંધને દર્શાવે છે.

માતાના રૂપે ભગવાનની અવધારણા હિન્દુધર્મની કૃતિ નથી. આ ધારણા પુરાતન કાળમાં અનેક દેશોમાં વિદ્યમાન હતી. આવા માતૃસંપ્રદાયોમાંથી કેટલાક ભ્રષ્ટ હતા. પરંતુ અહીં આપણે માતૃપૂજાના સિદ્ધાંતની ચર્ચા કરીએ છીએ. ઇજિપ્તમાં તે ‘આઈસિસ’ કહેવાતી હતી. બેબિલોન અને એસિરિયામાં ‘ઇશ્તર’ અને યુનાનમાં ‘ડીમેટર’ ફ્રીજિયામાં ‘સાઈબેલ’ કહેવાતી હતી. મહાન કાર્થાજિનિયન સેનાપતિ હેનિબાલના આક્રમણ સામે થવા રોમવાસીઓએ યુદ્ધમાં સફળતા માટે ‘સાઈબેલ’ની પૂજા કરી હતી, તેમજ એને અધિકૃતપણે દેવતાઓની માતા રૂપે ઘોષિત કર્યાં હતાં. યહૂદી ધર્મ અને પછીથી ઇસ્લામે પશ્ચિમ એશિયામાં માતૃપૂજાનો અંત આણ્યો. ખ્રિસ્તી ધર્મે પણ એનું દમન કર્યું, પરંતુ તે પછીથી સંશોધિતરૂપે પુનર્જિવિત થઈ.

કેથોલિક ખ્રિસ્તી ધર્મના અનુયાયી પવિત્ર માતા મેરીનું થિયોટોકોસ અથવા ઈશ્વરની માતાના રૂપે તેમનું સન્માન કરે છે. ધર્મશાસ્ત્રની પ્રતિકૂળ આલોચનાને લીધે પવિત્ર મેરીને ખ્રિસ્તી ધર્મસંઘમાં નિમ્ન સ્થાન મળે છે, પરંતુ સામાન્ય જનતા માટે એનાથી વધુ ફેર નથી પડતો. લાખો કેથોલિક અનુયાયી, વિશેષત: ગરીબો પવિત્ર મેરીની આરાધના એવી રીતે કરે છે, જેવી રીતે હિન્દુ લોકો જગદંબાની આરાધના કરે છે. વોર્સો નગરમાં મેં માતા મેરીનું એક પુરાતન મંદિર જોયું હતું. હું સ્વિટ્ઝર્લેન્ડમાં એક હજાર વર્ષથી વધારે જૂના મઠમાં ગયો. ત્યાં મેં સંન્યાસીઓને શક્તિરૂપે માતા મેરીની ઉપાસના કરતા જોયા. પોતાનાં રૂપરંગમાં તે મને હિન્દુ દેવી કાલી સાથે મળતાં આવતાં દેખાયાં. ગ્રિગોરી સ્તોત્રપાઠ તથા તીર્થયાત્રીઓની ભીડને કારણે ભારતના દેવી મંદિર જેવું ચિરપરિચિત વાતાવરણ રચાઈ ગયું હતું. ઈશ્વરના માતૃભાવની શ્રદ્ધા યુરોપ અને લેટિન અમેરિકાના દેશોમાં ધીમે ધીમે વધતી જાય છે. (ક્રમશ:)

Total Views: 239

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.