જય શારદા માતેશ્ર્વરી, સનાતની વિશ્વંભરી,

શ્રીરામકૃષ્ણ હૃદયેશ્ર્વરી, જગદંબા જગદીશ્ર્વરી.

જયરામબાટી પુણ્યધરા, જગહિત કાજે અવતર્યાં,

રામચંદ્ર શ્યામાસુંદરી, તાત-માત દ્વિજ ધર્મચરી.

જન્મપૂર્વે મા જગદંબા, પામે દર્શન શ્યામા મા,

ઊતરી રૂમઝૂમ બાળકી, વૃક્ષ તળે કાલાં કરતી.

કંઠે બાહ્યું ઘેરીને, તંદ્રા આવે સમાઈ કૂખે,

શિયળગ્રામે જ્યાં મોસાળ, ઘટનાક્રમ આ થયો સાકાર.

ન્હાનકડી શારદામણિ, કુટુંબની મોટી દીકરી,

અનુજોને નિત સાચવતી, ગૃહકાર્યો મા સંગ કરતી.

વીણતી કપાસિયા હોંશે, જનોઈ બનાવવા તે કાંતે,

દુષ્કાળે ભૂખ્યાં તણી, પિતા સંગ સેવા કરતી.

પાંચ વર્ષની કુમળી વયે, ઠાકુર સંગ પામ્યાં પરિણય,

શ્ર્વસુરગૃહે પગલાં કરી, પિતૃગૃહે આવ્યાં ફરી.

ઠાકુર દક્ષિણેશ્ર્વરે જાય, તપોસાધનામાં પરોવાય,

ઠાકુર શ્રીરામકૃષ્ણ દેવ, માઁ કાલી ભક્તિની ખેવ.

રાતદિવસ માતાનું રટણ, ધ્યાન સમાધિ ભાવમગન,

તેર વરસ આયુ ઉંમર, પતિગૃહે આવાગમન.

સ્નેહભર્યા વૈરાગી પતિ, અધ્યાત્મ પંથે જાય દોરી,

કામારપુકુર એ વર્ષ રહી, ઠાકુર પાછા ગયા ફરી.

ચાર વર્ષ સુધી ત્યાર પછી, વિકટ સાધના આચરી,

ઉન્મત્ત થયા આવ્યા વાવડ, શારદા તો આકળવિકળ.

પતિ સેવા પર મન ખેંચાય, ત્યાં જાવાની તક સર્જાય,

પિતા પામ્યા મૌન વ્યથા, સંગે ચાલ્યા કોલકાતા.

પગપાળા એ લાંબી વાટ, જ્વરથી થાય હાલબેહાલ,

જગદંબાની થાય કૃપા, સંકટનાં પૂર ઓસર્યાં.

દક્ષિણેશ્ર્વરે થાય આગમન, પીડાચિંતાઓનું શમન,

નવદશ માસ દિવ્ય સહવાસ, ષોડશી પૂજા જેમાં ખાસ.

ફલહારિણી કાલી પૂજા, ઠાકુરે કરી ત્યારે ત્યાં,

દિવ્યત્વ પામ્યું જીવન, જગમાતૃભાવ પ્રગટીકરણ.

જપ-તપ સેવા ઠાકુરની, નહોબતખાને રહી કરી,

શાંતભાવ લજ્જામયી, જણાય પણ ન હાજરી.

ધીરે ધીરે ભક્તજન વૃંદ, કરવાં લાગ્યાં આગમન,

સેવા કાર્યક્ષેત્ર પ્રસરાય, આનંદનો મેળો ઉભરાય.

સત્સંગ કીર્તન ભજનાનંદ, રાતદિવસ ઈશ્વરચિંતન,

બ્રહ્મશક્તિની અનન્યતા, સર્વધર્મોની એકતા.

નરમાં નારાયણ દર્શન, શિવરૂપે જીવસેવા પ્રણ,

ઠાકુર કરતાં સંચરણ, ભક્તિ ચૈતન્ય ઉદ્દીપન.

અવિરત ઉદ્દેશ્યમય જીવન, ઠાકુર કંઠે વ્યાધિ દમન,

ધર્મક્રાંતિનું કરી સ્થાપન, ઠાકુર કરે સ્વલોક ગમન.

માને હૈયે દુ:ખ દારુણ, શાતા કાજે તીર્થગમન,

ઠાકુર દર્શન સતત સ્મરણ, શિષ્યો ભક્તોનું જતન.

રામકૃષ્ણ સંઘનું સ્થાપન, સંઘમાતા બની પથદર્શન,

કર્યું સતત જીવનપર્યંત, જગમાતા સ્વરૂપ જીવંત.

તપ સાદગી ભર્યું જીવન, આદર્શ નારીત્વ દર્શન,

નિવેતિા હોય કે યોગાનંદ, વિવેકાનંદ કે સારદાનંદ.

સૌ શિષ્યો ભક્તોની મા, સચરાચરની પણ માતા,

લીલામયી કરુણામયી, કણ કણ વ્યાપી ચિન્મયી.

ગૃહજીવનની સાથો સાથ, જગકલ્યાણ કાર્ય દિનરાત,

દીનદુ:ખી પાતકઘાતક, ઉરપલટો પામે અમજદ.

તમ આદર્શો ધરે જીવન, એવા આશીષ દ્યો પાવન,

ભક્તો પર કરજો કૃપા, જય જય માતા શારદા!

Total Views: 203
By Published On: December 1, 2017Categories: Vanitabahen Thakkar, Dr.0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram