પ્રશ્ન – શ્રી ચૈતન્યદેવે તો કહ્યું છે કે બધાની મુક્તિ થશે.

મહારાજ – અરે બાબા, આપણા ઈશ્વર એમ મારીઝૂડીને મુક્તિ નથી આપતા. મુક્તિની ઇચ્છા ન હોય તો મુક્તિ નથી મળતી. એક દિવસે તો બધાની જ મુક્તિ થશે.

પ્રશ્ન – તો હવે શું કરવાનું છે, જ્યારે એક ને એક દિવસે મુક્તિ થશે જ, તો હાથપગ જોડીને ચૂપચાપ બેસી રહું છું.

મહારાજ – પરંતુ જો તાત્કાલિક મુક્તિ ઇચ્છતા હો તો પ્રયત્ન કરવો પડશે. પુરુષાર્થનું જ બીજું નામ છે કૃપા. જુઓ કે કોઈનું ઈશ્વર માટે જપ અથવા તપસ્યામાં મન લાગ્યું છે અને પ્રયત્ન કરી રહ્યું છે, તો જાણવું કે તેના પર ઈશ્વરની કૃપા થઈ છે, કેમ કે તેમની કૃપા વિના પુરુષાર્થ કે પ્રયાસ થતો નથી. આ જ સત્ય અને અંતિમ વાત છે.

उद्धरेदात्मनात्मानं नात्मानमवसाद्यते ।

आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ।।

તમે જે સંપત્તિને વીણી વીણીને ઘણા શ્રમપૂર્વક એકઠી કરી રહ્યા છો, તેને શેમાં ખર્ચશો, કંઈ નક્કી કરી લીધું છે ને? જોજો, સંપત્તિને ક્યાંક નદી-નાળામાં ફેંકી ન દેતા. જોયું છે ને, નદીનું જળ સ્વચ્છ અને સ્થિર હોય તો તેના તળિયાની વસ્તુ દેખાય, તેવી જ રીતે મન સ્થિર અને નિર્મળ થતાં પોતાની અંદરની વસ્તુને જોઈ શકશો.

બધાની અંદર એક વિશાળ જળાશય અથવા કુંડ છે, જેનું પાણી કોઈ પણ રીતે ખતમ થતું નથી. નાળાં-નહેર ખોદીને એની સાથે જોડી દો, તો અપાર સંપત્તિના સ્વામી બની જશો. તેની જ એક એક નહેર, નાળું, સ્રોત ઈશુ ખ્રિસ્ત, મહંમદ પયગંબર અને શ્રીચૈતન્યદેવ છે. (કોઈ સેવકને) પેલો શાહીનો ખડિયો લઈ આવો. તેની અંદર શું છે?

સેવક – આ તો ખાલી ખડિયો છે.

મહારાજ – ના, આમાં આકાશ છે. જો ખડિયાને તોડી નાખો તો આની અંદરનું આકાશ ક્યાં જશે ?

સેવક – કેમ? ઘરના આકાશ સાથે ભળી જશે.
મહારાજ – ઘરને તોડી નાખીએ, તો ?

સેવક – બહારના આકાશની સાથે ભળી જઈને એકાકાર થઈ જશે.

મહારાજ – તેવી જ રીતે આપણો ‘કાચો હું’ તૂટી જતાં ‘મોટા હું’ સાથે ભળી જાય છે.

પ્રશ્ન – એક સાધક ખૂબ નિષ્ઠા સાથે સાધન-ભજન કરી રહ્યો છે. કંઈક પ્રગતિ પણ સાધી છે, તો શું ત્યાર પછી પણ તેણે સાવધાન રહેવું પડશે?

મહારાજ – ‘મરબે સાધુ ઉડબે છાઈ, તબે સાધૂર ગુન ગાઈ- સાધુનું થાય મરણ, ઉડવા લાગે દેહભસ્મ ગગનમાં; ત્યારે તેના પાવન ગુણોને, ગાવા જગના જન-જનમાં.’

એક જન્મ વીતીને બીજો જન્મ આવતાં કેટલો સમય લાગશે, એનું શું ઠેકાણું છે! ફરી પાછો માનવજન્મ મળશે, એ પણ નક્કી નથી. કૂતરો, વાંદરો એમ જન્મ લેતાં લેતાં મનુષ્યજન્મ મળ્યો છે, તો શું આવો અવસર છોડવા જેવો છે? કમર કસીને તીવ્ર નિષ્ઠાથી લાગી જવું પડે છે. આ સંસારમાં સઘળો માયાનો ખેલ છે. આની કોઈ વ્યાખ્યા થઈ શકતી નથી. જ્યારે મૃત્યુકાળે મનમાં શક્તિ નહીં રહે, મન પર કોઈ સંયમ નહીં રહે ત્યારે શું ચિંતન કરશો? એટલા માટે કમર કસીને નિષ્ઠાપૂર્વક મંડી પડૉ.

૨૪-૪-૧૯૬૦

સ્વામી પ્રેમેશાનંદજી મહારાજે વાર્તાલાપ દરમિયાન કહ્યું, ‘શ્રદ્ધા એક શબ્દ છે. શ્રદ્ધા નચિકેતામાં હતી. શ્રદ્ધાનો અર્થ છે – જે હું બરાબર સમજ્યો છું, તે હું કરીશ જ, કરીશ અને તે કરવા માટે જે શક્તિ તથા આત્મવિશ્વાસની જરૂરિયાત છે, તે મારામાં છે. ઈશ્વરની કૃપા પર આશ્રિત બનીને તે પડી રહેતો નથી. નિષ્ઠા ખૂબ જરૂરી છે. મુસલમાન અને વૈષ્ણવ-સંપ્રદાય ઘણા કટ્ટર હોય છે, એ પણ એક જાતની નિષ્ઠા છે. વર્તમાન યુગમાં નિષ્ઠા અંદર-અંદર રહેશે, પરંતુ અંતે ભાવ ખૂબ પાકો થશે.

૨૫-૪-૧૯૬૦

બહેરામપુરના કેટલાક ભક્તોએ હમણાં હમણાં દીક્ષા લીધી છે. તેના સિવાયના પણ કેટલાક ભક્તો છે. તે બધા ભેગા મળીને પોતાના ગુરુદેવની જન્મતિથિની ઉજવણીની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

મહારાજ – ગંગાધર મહારાજ (સ્વામી અખંડાનંદજી) એના કટ્ટર વિરોધી હતા. સંન્યાસીએ પોતાનાં માતા-પિતાનું પિંડદાન કરીને પોતાનું પણ પિંડદાન કરી દીધું હોય છે, પછી વળી તેમની જન્મતિથિ શા માટે ? કેટલાક દિવસ પછી તો વૈષ્ણવ લોકોની જેમ ૩૬૫ દિવસનો જ મહોત્સવ કરવો પડશે. ફક્ત ધમાલ, ઠાઠમાઠ, ભક્તો, ધૂમ-ધમાકા સાથે હળવા-મળવાનું અને પ્રસાદ-ખાવાનું ! રામ ! રામ !

ધ્યાનની વાત નીકળી. એક વ્યક્તિ કહી રહી છે, ‘શિશુકાળથી જ સ્વામીજીનો કેવો વૈરાગ્ય !’ ત્યારે તરત જ પ્રેમેશ મહારાજે પૂછ્યું, ‘તમે સ્વામીજીનો વૈરાગ્ય ક્યાં જોયો છે ?’

સેવક – કેમ, જન્મથી જ તો તેમનામાં ત્યાગનું લક્ષણ જોવા મળે છે.

મહારાજ – વૈરાગ્ય એ લોકોનો જ હોય છે, જે લોકોની કશાકમાં આસક્તિ હોય છે. સ્વામીજીના સમગ્ર જીવનમાં કોઈપણ વિષયમાં આસક્તિ ન હતી. ઈશ્વરપ્રેમ જ તેમની સ્વાભાવિક સત્તા હતી. મારી યુવાવસ્થામાં એક વખત ઠાકુરજીનું ધ્યાન કરતાં કરતાં સ્વામીજીનું મુખમંડળ પ્રતિભાસિત થવા લાગતું હતું. એટલા માટે કેટલાક દિવસ સુધી ધ્યાન કરતી વખતે સ્વામીજીના ચિત્રને દૂર કરી દેવું પડતું હતું.

સેવક – શ્રીશ્રીમાએ ભક્તોને કેવી રીતે દીક્ષા આપી હતી! ઘાસના બે પૂળા પાથરીને બેસવાનું કહીને પછી દીક્ષા આપી છે. આવી દીક્ષા તો ઠાકુરે પણ આપી નથી.

મહારાજ – એમ નહિ, તેઓ બન્ને એક જ છે. એ સિવાય, ઠાકુરજીના કૃપા-કટાક્ષ માત્રથી દીક્ષા થઈ જતી હતી. તેમની કૃપા અસીમ છે. શ્રીશ્રીમાની કૃપા અને ઠાકુરજીની કૃપા બન્નેના ભાવ અલગ-અલગ છે. ઠાકુરજી જાણે કે તેઓ તેમના દ્વારા કાર્ય કરી રહ્યા છે.સ્વામી વિવેકાનંદથી માંડીને માસ્ટર મહાશય સુધી બધાયે અપ્રત્યક્ષરૂપે તેમનું જ કાર્ય કર્યું છે. શ્રીમાનું આવું વિશેષ માધ્યમ હતું, એવું તો હું નથી જોતો. આ ઉપરાંત ઠાકુરજીની કેવી અદ્‌ભુત આધ્યાત્મિક શક્તિ હતી ! સ્વામીજીએ કહ્યું છે, ‘મનુષ્યના મનને માટીના પિંડની જેમ કોઈ વ્યક્તિ બીજી ઘડી શકતી નથી. જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગ આ ચારેય હોય તો મનુષ્ય શું બની શકે છે, તે સમજવા માટે ઠાકુરજી તરફ જુઓ. એ ચારેય યોગ સમાન છે. શ્રીકૃષ્ણના સમયમાં માનવ-અભ્યુદય ઉન્નતિના ચરમ શિખર પર પહોંચેલો છે. (ક્રમશ 🙂

Total Views: 357

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.