પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ કરે છે.

कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन्।

इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचार: स उच्यते॥6॥

‘કર્મેન્દ્રિયોને સંયમમાં રાખી મનમાં ઇન્દ્રિય-વિષયોને રમાડતો જે બેઠો હોય છે તે મૂઢમતિ ઢોંગી કહેવાય છે.’

અહીં શ્રીકૃષ્ણ આપણને ચેતવણી આપે છે ! ‘તમે જો આમ કરશો તો’ તમે ઢોંગી કહેવાશો. અને પછીના, 7મા શ્ર્લોકમાં, શ્રીકૃષ્ણ બીજી બાજુ આપે છે : કર્મ કરવાની રીત આ છે ને એના દ્વારા ઉત્તમ ફળ મળશે. પહેલી, ઢોંગી બનાવે છે; બીજી રીત વ્યક્તિનો સાચો આધ્યાત્મિક વિકાસ સાધે છે. એટલે, ‘એવો મનુષ્ય મિથ્યાચારી કહેવાય છે’, તેમ એ કહે છે. ઢોંગી માટેનો યોગ્ય સંસ્કૃત શબ્દ મિથ્યાચારી છે. શ્રીકૃષ્ણ કહે છે : कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन्। ‘પણ મન સતત ઇન્દ્રિયવિષયોનું ચિંતન કાર્ય કરે છે’, ભલે દૈહિક રીતે, એ મનુષ્ય સાવ શાંત હોય. આવો માણસ તે મિથ્યાચારી, ઢોંગી. લોકોના વર્તનમાં આવો ઢોંગ પુષ્કળ જોવા મળે છે. ‘નિષ્ક્રિય રહેવું’ તેને આપણે ઊંચો આદર્શ માનતા હતા. પણ આપણે આધ્યાત્મિક વિકાસ ઊંચો નથી સાધ્યો. આપણી ઇન્દ્રિય-લાલસા બહુ તીવ્ર છે. એટલે, આ સઘળું આપણે છૂપી રીતે, ઊંધુચત્તું કરીને કરવા માગીએ છીએ. એ દંભને જન્મ આપે છે; કશું સીધું નહીં. પ્રામાણિક રીત છે : આ તમને જોઈએ છે ? હા, મને એ જોઈએ છે. વાંકોચૂંકો માર્ગ છે : ‘મારે એ નથી જોઈતું’; પણ અવળે માર્ગે એ માણસ એ મેળવી લે છે. અકર્મણ્યતા, તૃષ્ણાહીનતા વગેરેના ઉચ્ચ આદર્શોને નહીં સમજવાથી આપણે આ દંભ આચરતા થયા છીએ. આપણી પ્રવર્તમાન સ્થિતિમાં આપણે પ્રામાણિકપણે કહી શકીએ કે, ‘હા, મારે જરા મજા કરવી છે.’ આમ કરવામાં કશો દંભ નથી. હું કોઈ વસ્તુની પાછળ દોડું છું, હું એ ઝંખું છું, મારે એ જોઈએ છે, પછી શા માટે દંભ ? મારું મન વિકાસ પામશે ત્યારે હું એમ કહેવા સમર્થ બનીશ કે, ‘મેં મારી ભીતર કશુંક ઉચ્ચતર પ્રાપ્ત કર્યું છે એટલે, મારે એ નથી જોઈતું.’ ત્યારે ત્યાં દંભ નહીં હોય.

એટલે, कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन्। इन्द्रियार्थान् ‘ઇન્દ્રિયો પર સંયમ રાખીને પણ મનથી વિષયોનું ચિંતન કરીને’ આવી વ્યક્તિ મિથ્યાચારી સિવાય કશું જ નથી. દંભી નહીં થાઓ, એમ શ્રીકૃષ્ણ દરેક માનવીને કહે છે. પછીનો શ્ર્લોક આ વાતને ભાવાત્મકરૂપે રજૂ કરે છે :

यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन।

कर्मेन्द्रियै: कर्मयोगमसक्त: स विशिष्यते॥7॥

‘પણ, હે અર્જુન, મનથી ઇન્દ્રિયોને વશમાં રાખીને, અનાસક્ત રહીને, કર્મયોગમાં કર્મેન્દ્રિયોને પ્રવૃત્ત રાખે છે તે ચડિયાતો છે.’

स विशिष्यते, ‘એ ચડિયાતો છે.’ કોણ ? इन्द्रियाणि मनसा संयम्य, ‘જે મનથી ઇન્દ્રિયોને વશમાં રાખે છે તે! મન જ ધણી છે.

आरभते अर्जुन कर्मेन्द्रियै: कर्मयोगम्,  ‘હે અર્જુન, તે કર્મયોગમાં કર્મેન્દ્રિયોને પ્રવૃત્ત રાખે છે !’ વિશિષ્ટ યોગબુદ્ધિ વડે આવી વ્યક્તિ એ કરે છે; એ કર્મ કર્મયોગ બને છે, માત્ર કર્મ નહીં રહેતાં, એ વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ સાધે છે. असक्त: ‘આસક્તિ વગરનો.’ એ મન આ કર્મોમાં આસક્ત નથી. આ સર્વથી એ અનાસક્ત થયું છે. એથી એ વધારે ચડિયાતું કાર્ય કરી શકે છે. असक्त: स विशिष्यते, ‘આવો અનાસક્ત પુરુષ ઉત્તમ છે.’ માનવીની કર્મમાં ઉત્કૃષ્ટતા અહીં આવે છે. કર્મમાં ઉત્તમતાનો આ શ્ર્લોક શ્રેષ્ઠ દૃષ્ટાંત છે. नियम्य, ‘વશમાં રાખીને’, इन्द्रियाणि,  ‘ઇન્દ્રિયોને’, मनसा, ‘મન વડે’, आरभते कर्मयोगम्. ‘એ અભિગમ વડે કર્મયોગમાં પ્રવૃત્ત થાય છે’; આવી વ્યક્તિ કર્મયોગી છે. स विशिष्यते, ‘એ એકદમ ઉત્તમ છે’; મનને આ તાલીમ દરેકે આપવી જોઈએ. અહીં કૌશલની ભાવના વ્યક્ત થયેલી છે. વ્યક્તિ કર્મમાં ખોવાઈ નથી જતી પણ, નિત્યમુક્ત છે. મુક્તિ સાથેના કર્મનો આ વિચાર છે. અને વેદાંત પુન: પુન: કહે છે : મુક્તપણે કર્મ કરો, મુક્તપણે આપો; લોકો માટે જે કંઈ કરો તે, મુક્તપણે કરો, મુક્તપણે આપો; સાંકડા મનના, કંજૂસના અભિગમથી નહીં, એ યોગ્ય નથી.

પછી શ્રીકૃષ્ણ આપણને સૌને સલાહ આપે છે :

नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मण:॥

शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मण:॥8॥

‘તારે માટે નિયત થયેલાં, નિર્ધારેલાં, કર્મ તું કર જ; કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ ચડિયાતું છે; નિષ્ક્રિય, કર્મ વગર, બેઠા રહેવાથી શરીર ટકાવી રાખવું પણ સરળ નથી.’

नियतं कुरु कर्म त्वं, ‘તારે માટે જે કર્મો નિર્ધારેલાં, નિયત થયેલાં છે તે સારી રીતે કર.’ नियतं  એટલે, ‘જે કરવાનાં જ છે તે.’ તમે કોઈ ઓફિસમાં કામ કરો છો એમ ધારો; ત્યાં તમારે શિરે કેટલીક જવાબદારી છે; એ બરાબર અદા કરો – કોઈ સુપરવિઝન કરવા આવે અને કહે, ‘આ કરો, પેલું કરો’, તેવું નહીં રાખો.

આપણી સ્વમાનવૃત્તિ આપણે એવી ખિલવીએ કે આપણી શક્તિ અનુસાર આપણને સોંપાયેલું કાર્ય આપણે બરાબર પાર પાડીએ. આવો અભિગમ ઉત્તમ છે, એ મુક્ત પ્રજાનો અભિગમ છે, એ ગુલામોનો અભિગમ નથી, જેમની પાસે કામ લેવા માટે દંડાવાળા મુકાદમની જરૂર પડે. એ ખોટું વલણ છે. માટે, नियतं कुरु कर्म त्वं, ‘તારે માટે નિયત થયેલું કાર્ય તું કર, એ કાળજીપૂર્વક કર, સારી રીતે કર.’ कर्म ज्यायो हि अकर्मण:,  ‘અકર્મ કરતાં કર્મ ચડિયાતું છે.’ शरीरयात्रापि च ते न प्रसिद्ध्येत् अकर्मण:, ‘તમે નિષ્ક્રિય બેઠા રહેશો તો, શરીરની સંભાળ લેવાનું પણ શકય નહીં બને.’ શરીરને ટકાવી રાખવા માટે પણ તમારે કંઈક તો કરવું જ પડવાનું. અહીં શરીરયાત્રા, જીવનયાત્રા શબ્દ-પ્રયોગ કરવામાં આવ્યો છે. શરીરને સબળું ટકાવી રાખવા માટે, કર્મની આવશ્યકતા રહે છે. ‘હું સાવ નિષ્ક્રિય રહીશ,’ એમ તમે કહો તો તે શકય બનવાનું નથી. ઝોક કર્મ ઉપર છે પરંતુ, તે બીજા અધ્યાયમાં વર્ણવેલી યોગબુદ્ધિ વડે. એટલે, કશું કર્મ કર્યા વિના, કંઈ પણ મેળવવાનો વિચાર ખૂબ વિશિષ્ટ છે – કોઈ જાદુ કે ચમત્કાર થાય તેની વાટ જોયા કરતાં બેસી રહેવાનું! તમે પાછળ લબડતા રહી જશો એ જ ચમત્કાર થશે !                              (ક્રમશ:)

Total Views: 301

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.