જ્યારે સેંકડો વિશાળહૃદયી નરનારીઓ જીવનના સુખોપભોગની તમામ તૃષ્ણાનો ત્યાગ કરશે અને દારિદ્રય અને અજ્ઞાનની ગર્તામાં ધીમે ધીમે વધુ ને વધુ ઊંડે ખૂંપતા જતા પોતાના લાખો દેશભાઈઓના કલ્યાણની ઝંખના સેવીને પોતાથી બનતો પુરુષાર્થ કરી છૂટશે, ત્યારે જ ભારતવર્ષ જાગ્રત થશે. મારા ક્ષુદ્ર જીવનમાં પણ મેં અનુભવ્યું છે કે મંગળ ભાવનાઓ, હૃદયની સચ્ચાઈ અને અનંત પ્રેમ દ્વારા સમસ્ત વિશ્વને જીતી શકાય. આવા ગુણોથી સંપન્ન થયેલી એક વ્યક્તિ પણ લાખો દંભી અને પાશવી મનુષ્યોની મેલી મુરાદોને ધૂળમાં મેળવી શકે.

તમે પોતે શૂન્યમાં મળી જાઓ. તમારી જગ્યાએ નૂતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝૂંપડીમાંથી-માછીમારોની, ચમારોની અને ઝાડુવાળાઓની ઝૂંપડીઓમાંથી તેને જાગવા દો; મોદીની દુકાનમાંથી, ધાણીદાળિયા વેચનારાની ભઠ્ઠીમાંથી તેને બહાર આવવા દો; કારખાનામાંથી અને બજારોમાંથી તેને બહાર આવવા દો; ઝાડી અને જંગલો, ટેકરીઓ અને પર્વતોમાંથી તેને બહાર આવવા દો. આ સામાન્ય જનતાએ હજારો વર્ષો સુધી એક પણ શબ્દ બોલ્યા વિના જુલમો સહન કર્યા છે. પરિણામે તેમનામાં અદ્‌ભુત સહિષ્ણુતા આવી છે. તેઓએ અપાર દુ:ખ વેઠ્યું છે, જેમાંથી અખૂટ ખમીર મળ્યું છે; જો ફક્ત અરધો રોટલો જ તેમને આપો તો તેમનું તેજ સમગ્ર દુનિયામાં સમાશે નહિ. તેમનામાં ‘રક્તબીજ’ની અખૂટ પ્રાણશક્તિ છે. ઉપરાંત તેમનામાં દુનિયામાં ક્યાંય પણ ન સાંપડે તેવા નીતિમય જીવનની અદ્‌ભુત તાકાત છે. સ્વભાવનાં આવાં શાંતિ, સંતોષ, પ્રેમ, દિનરાત મૂગાં મૂગાં કાર્ય કરવાની આટલી શક્તિ અને કાર્યને સમયે સિંહસમી તાકાતનું પ્રદર્શન તમને બીજે ક્યાં જોવા મળવાનાં છે ! ઓ ભૂતકાળનાં અસ્થિપિંજરો! તમારી સામે જ તમારા ભાવિ ભારતના વારસદારો ઊભેલા છે. તમારી તે રત્નપેટિકા, તમારી એ મણિમય મુદ્રિકા એ લોકોને જેમ બને તેમ જલદી આપી દો; પછી તમે હવામાં અદૃશ્ય થઈ જાઓ; ફરી કદી નજરે પણ ન ચડશો ! માત્ર તમારા કાન ખુલ્લા રાખજો. તમે અદૃશ્ય થાઓ કે તરત કરોડો મેઘગર્જનાઓ સમા, ત્રણે લોકને કંપાવનારા તથા ભાવિ ભારતને જાગ્રત કરનાર નાદ સાંભળશો : ‘વાહ ગુરુ કી ફતેહ !’ ‘ગુરુનો વિજય હો !’

ભારતે આર્ય પ્રજાઓમાં ઓટ વેળા કાંઠે ફેંકાઈ ગયેલા ઓવાળ તરીકે પડ્યા રહેવાનું કાંઈ કારણ ખરું? ભારત શું બુદ્ધિમાં ઊતરતું છે ? કૌશલ્યમાં શું ઊતરતું છે ? તમે ભારતની કળા, ભારતનું ગણિત ને તેનું તત્ત્વજ્ઞાન જોયા પછી ‘હા’ કહી શકશો ખરા ? જેની જરૂર છે તે એ જ કે ભારતે પોતાની જાતને સંમોહનમાંથી મુક્ત કરવાની છે, યુગયુગની નિદ્રામાંથી જાગી ઊઠીને પ્રજાઓની કતારમાં પોતાનું સાચું સ્થાન પ્રાપ્ત કરવાનું છે.                       (સ્વામી વિવેકાનંદની અભયવાણી : પૃ. 132-34)

Total Views: 340

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.