હું યુરોપમાં હતો ત્યારે સર્વપ્રથમ પાશ્ર્ચાત્ય દેશવાસીઓની ઈશ્વરને માતા માનવાની અસમર્થતાનું કારણ સમજી શકતો ન હતો. એક મહિલાએ મને કહ્યું, ‘સ્વામીજી, હું પોતે એક માતા છું, મારી માતા હજુ જીવે છે. અમારામાં ગુણ પણ છે અને અવગુણ પણ ખરા. પરંતુ અમને માતૃત્વમાં કંઈ વિશેષતા નથી દેખાતી. અમને એમાં કંઈ દેવત્વ નથી દેખાતું.’ ખરેખર આ એનું દુર્ભાગ્ય હતું. આ સંદર્ભમાં મને એક કથા યાદ આવી ગઈ. એક દિવસ કેટલાંક બાળકો ઘોંઘાટ સાથે વાતો કરતાં હતાં. તેઓ ખોટું બોલવાની રમત રમતાં હતાં. જે બાળક સૌથી વધારે ખોટું બોલે તે પ્રથમ પારિતોષિક મેળવશે. એ જ સમયે એક પાદરી ત્યાં આવ્યા અને બાળકોને પૂછ્યું, ‘તમે શું કરો છો?’ તેઓ શું કરી રહ્યાં છે, તે પાદરીને બતાવ્યું ત્યારે એમણે બાળકોને ઉપદેશ આપ્યો, ‘બાળકો, તમારે ખોટું બોલવું ન જોઈએ. જ્યારે હું તમારા જેવડો હતો ત્યારે હું ક્યારેય ખોટું ન બોલતો.’ આ સાંભળીને બધાં બાળકો એકીસાથે મોટા અવાજે બોલી ઊઠ્યાં, ‘ફાધર, આપે પ્રથમ પુરસ્કાર જીતી લીધો!’ બાળકો તો બાળકોની ભાષા સમજે છે, મહિલાઓ મહિલાઓની વાતો સમજે. પરંતુ તેઓ કેવળ બાહ્ય આવરણ, દેહ તથા એનો વ્યવહાર જુએ છે અને તે સિવાય દેવત્વને જોઈ શકાતું નથી.

પશ્ચિમના દેશોમાં નારીને પ્રિયા કે પત્ની રૂપે જોવાય છે. જેટલાં માન-આદર હિન્દુ પરિવારમાં હોય છે, એટલાં પ્રેમ અને આદર ત્યાં મળતાં નથી. જો કે ધર્માચાર્યોનો એવો ઉપદેશ છે કે ઈવની સૃષ્ટિ આદમની પાંસળીમાંથી થઈ હતી, એટલે નારીને સદા પુરુષથી હીન સમજવામાં આવે છે. આ દૃષ્ટિકોણે પાશ્ર્ચાત્ય સમાજમાં નારીના સ્થાનને નિર્ધારિત કર્યું છે. જો પશ્ચિમના પુરુષ ઈશ્વરની આરાધના માતાના રૂપે કરતા હોત તો ઓછા કઠોરહૃદયવાળા અને ઓછા કામુક હોત, અને વધુ આધ્યાત્મિક હોત. એનાથી પારિવારિક સંબંધ પણ ઘનિષ્ઠ હોત અને પારિવારિક શાંતિ વધારે રહેત.

ભારતમાં માતાના રૂપે ભગવાનની ઉપાસના વૈદિક કાળથી અબાધ ચાલતી આવી છે. વેદોમાં દેવીઓની ઘણી સ્તુતિઓ છે. કેનોપનિષદમાં માતા બ્રહ્મવિદ્યાના પ્રતીક રૂપે પ્રગટ થાય છે. પછીની સદીઓમાં જગન્માતાની ઉપાસના અને દર્શન વિષયક એક વિશાળ સાહિત્ય-તંત્રોનું નિર્માણ થયું છે. ત્યાર પછી બંગાળમાં માતૃપૂજા ઘણી સુસંસ્કૃત થઈ અને હવે તે લોકોના જીવનનું એક અંગ બની ગઈ છે.

શ્રીરામકૃષ્ણના આવિર્ભાવ સાથે માતૃપૂજામાં પુન: પ્રાણસંચાર થયો છે. બધાં અનિષ્ટો દૂર થયાં છે અને જગદંબા લાખો લોકોનાં હૃદયો અને ગૃહોમાં નવા દૃષ્ટિકોણથી પ્રકાશિત થઈને વિરાજે છે. શ્રીરામકૃષ્ણ માટે શ્રીમા કાલીનો શો અર્થ હતો ? તેઓ તેમને વિશ્વની સૃજનશક્તિ માનતા હતા. એમણે એ પણ કહ્યું છે કે તે બ્રહ્મ સાથે અભિન્ન છે. બ્રહ્મ અવ્યક્ત સ્વરૂપ છે. જ્યારે તે બ્રહ્માંડના રૂપે અભિવ્યક્ત થાય છે, ત્યારે તે કાલી કહેવાય છે. જેવી રીતે આકાશનો નીલો રંગ વ્યાપક્તાનો દ્યોતક છે, તેવી જ રીતે કાલીનો રંગ અનંતનો દ્યોતક છે. આ રીતે શ્રીરામકૃષ્ણે કાલીની મૂર્તિપૂજાને અનંતની આરાધનામાં ઉન્નત કરી છે.

માતૃશક્તિ અથવા ઈશ્વરીય શક્તિનાં અનેક રૂપ છે. તેનાં- જ્ઞાનની દેવી, ધન-ઐશ્ર્વર્યની દેવી અને સંહારનું નૃત્ય કરતી મૃત્યુની દેવી- જેવાં અનેક પ્રતિકાત્મક રૂપ છે. કાલીનું રૂપ સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય કે સંહાર- પછી બધી વસ્તુઓ જ્યાં રહે છે, એ શક્તિનું પ્રતીક છે. તે નિષ્ક્રિય, સૂતેલા શિવ કે જે નિર્ગુણ બ્રહ્મનું પ્રતીક છે, તેના પર ઊભી છે. તે નિરાકારના આધાર સહિત સમગ્ર બ્રહ્માંડીય પ્રક્રિયાનું પ્રતીક છે. પરમસત્ય મૃત્યુ-જીવન બંનેથી પર છે. એટલે ભક્તે ન તો જીવન સાથે વળગીને રહેવાનું કે ન મૃત્યુથી ભયભીત થવાનું. એણે તો વિકરાળ અને સુખપ્રદ બંને પર સર્વાતીત સ્તરે આરોહણ કરવું જોઈએ. ત્યાં પહોંચીને તે કહી શકે છે : ‘છાયા મૃતેસ્તવ દયા ત્વમૃતં ચ માત:’ (અંબિકાસ્ત્રોતમ્) – અર્થાત્ હે મા ! મૃત્યુની છાયા અને અમૃત કે જીવન એ બંને તમારી જ દયા છે. અને જગદંબાને સંબોધીને ભક્ત કહે છે : ‘તમે નામરહિત, ગોત્રરહિત, જન્મમૃત્યુરહિત, બંધન અને મુક્તિરહિત છો. તમે એકમેવ-અદ્વિતીયા પરમ બ્રહ્મ છો. (મહાકાલ સંહિતા – 205)’ હિન્દુધર્મમાં જગદંબાની આવી ઉચ્ચતમ ધારણા છે.

હિન્દુ ધર્મમાં અવતારવાદ

બીજા ધર્મોથી ભિન્ન હિન્દુ ધર્મ અનેક અવતારોમાં વિશ્વાસ રાખે છે. પ્રત્યેક અવતાર સામાન્ય લોકો માટે એક એવો આદર્શ છે કે જેના માધ્યમથી ઈશ્વરના રહસ્યને તેઓ સમજી શકે. એક હિન્દુ આવા અવતારોમાંથી કોઈને પણ પોતાનો આધ્યાત્મિક આદર્શ બનાવી શકે છે અને તેના માધ્યમથી તે પરમાત્મા સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. જેમના તરફ પાશ્ર્ચાત્ય આલોચક વિદ્વાન દૃષ્ટિ આકર્ષવા ઇચ્છે છે, અવતારની એ માનવીય અપૂર્ણતાને ભક્ત જોતો નથી. તે તો અવતારમાં કેવળ ઈશ્વરત્વ અને ઈશ્વરીય ગુણ જ જુએ છે. અવતારોના માનવીય પક્ષનો ઉપયોગ એમની સાથે ઘનિષ્ઠ વ્યક્તિગત સંબંધ સ્થાપિત કરવા માટે કરાય છે. માનવીયપક્ષ દેવત્વનું પ્રતીક માત્ર છે.

રામ વિષ્ણુના એક અવતાર છે અને સત્ય તેમજ કર્તવ્ય-નિષ્ઠાનું પ્રતીક છે. સામાન્ય ઉપાસક એમનાં સુંદર રૂપ તથા મહાન ગુણોને મહત્ત્વ આપે છે. પરંતુ ઉન્નત ભક્ત એમને સર્વવ્યાપી રૂપે જુએ છે અને પ્રાર્થના કરે છે : ‘લોકાનાત્વં પરો ધર્મ: પુરુષ: પુરુષોત્તમ: । શરણ્યં શરણં ચ ત્વામાહુર્દિવ્યા મહર્ષય: । અર્થાત્- તમે લોકોનો પરમ ધર્મ છો, અંતર્યામી પરમપુરુષ છો, તમે પરમ શરણ્ય છો અને લોકોના ત્રાણકર્તા-તારણહાર છો. (વાલ્મીકિ રામાયણ – 6.117, 14:17), આપ નિર્મલ, અસંગ, અચલ, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, સત્યસ્વરૂપ અને અવ્યય છો. (અધ્યાત્મ રામાયણ – 1.5.56)

કૃષ્ણનો આદર્શ એમનાં અનેક રૂપોમાં અત્યંત વ્યાપક રૂપે પ્રચલિત છે, પરંતુ તે વિશે ઘણા લોકો અનુચિત રીતે વિકૃત માન્યતા ધરાવે છે. સ્થૂલ બુદ્ધિના આલોચક એમની ગોપીઓ સાથે કરેલ લીલાઓને અશ્ર્લિલ સમજે-માને છે. પરંતુ શ્રીરામકૃષ્ણ જેવા ભક્તો શ્રીકૃષ્ણને ભગવત્પ્રેમનો ઉચ્ચતમ આદર્શ માને છે. તેને કેવળ તેઓ જ પામી શકે છે, જેમનામાં કામુકતા અને ભૌતિક્તા લેશમાત્ર ન હોય. શ્રીકૃષ્ણના વિશ્વરૂપનું સર્વત્ર દર્શન કરીને અર્જુને એમની સ્તુતિ કરતાં (ભગવદ્ગીતા – 11.40) કહ્યું છે :

નમ: પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે નમોઽસ્તુ તે સર્વત એવ સર્વ ।

અનંતવિર્યામિતવિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોષિ તતોઽસિ સર્વ:॥

તમને સામેથી અને પાછળથી પણ પ્રણામ, તમને બધી બાજુએથી પ્રણામ છે. હે પ્રભુ ! આપ સર્વકંઈ છો, આપ અનંત વીર્ય છો, અમિત વિક્રમયુક્ત છો, આપ સર્વવ્યાપી અને સર્વત્ર છો.

આ રીતે સાકાર-નિરાકારની અનેકમાં એકની અવધારણા સમગ્ર હિન્દુની ધાર્મિક ચેતનામાં વ્યાપ્ત છે. જે લોકો હિન્દુશાસ્ત્રોની સાચી ભાવનાને હૃદયંગમ કરવામાં સફળ થયા છે, તેઓ આ તથ્યને સ્પષ્ટ રૂપે સમજી શકે છે.                 (ક્રમશ:)

Total Views: 341

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.